હોમપેજગુજરાતભગવાન શ્રીકૃષ્ણ-દેવી રુક્મિણીના પવિત્ર વિવાહની પરંપરા, પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિનો અનોખો...

ભગવાન શ્રીકૃષ્ણ-દેવી રુક્મિણીના પવિત્ર વિવાહની પરંપરા, પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિનો અનોખો સંગમ: વાંચો માધવપુર ઘેડ મેળાનો ઇતિહાસ

રુક્મિણી ઉત્તર-પૂર્વનાં અને શ્રીકૃષ્ણ પશ્ચિમના હોવાથી આ વિવાહ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરે છે. અરુણાચલના મિશ્મી આદિવાસીઓ આજે પણ પોતાની જાતને રુક્મી અથવા ભીષ્મકના વંશજ માને છે. તેઓ દર વર્ષે માધવપુરના મેળામાં રુક્મિણીના પરિવારના સભ્યો તરીકે ઉત્સાહભેર ભાગ લે છે.

- Advertisement -

સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લાના રમણીય દરિયાકાંઠે આવેલા માધવપુર ઘેડ ખાતે દર વર્ષે ચૈત્ર માસમાં ભવ્ય માધવપુર ઘેડ મેળો યોજાય છે. આ વર્ષે 27 માર્ચ 2026થી 31 માર્ચ 2026 સુધી આ મેળો ચાલશે. આ મેળો માત્ર એક સામાન્ય લોકમેળો નથી, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મિણીના પવિત્ર વિવાહ પ્રસંગની યાદમાં ઉજવાતો ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઉત્સવ છે. હજારો વર્ષ પહેલાંની આ અમર પ્રેમકથાને આજે પણ જીવંત રાખવા માટે માધવપુરના લોકો અને દેશભરના ભાવિકો ભગવાનને જાનૈયા બનાવીને વિવાહની સંપૂર્ણ વિધિ ધામધૂમથી કરે છે. આ મેળો ગુજરાતની પશ્ચિમી સંસ્કૃતિને ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોની સમૃદ્ધ સંસ્કૃતિ સાથે જોડતો મહત્વપૂર્ણ પુલ બની રહ્યો છે અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના વિચારને વાસ્તવિક સ્વરૂપ આપે છે.

પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના જણાવ્યા અનુસાર 27 માર્ચના રોજ સાંજે 6 કલાકે આ મેળાનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ભારત સરકારના મંત્રીઓ સહિત ઉત્તર-પૂર્વ ભારતના વિવિધ રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓને પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ મેળાની થીમ ‘વિકાસ ભી, વિરાસત ભી: સમૃદ્ધિ સે સંસ્કૃતિ’ રાખવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન સમારોહના રમણીય દ્રશ્યો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

સાંસ્કૃતિક સંગમ: 540 કલાકારોની પ્રસ્તુતિ

આ વર્ષે મેળામાં ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડાની સંસ્કૃતિને જોડવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કુલ 540 કલાકારો પોતાની કલાના કામણ પાથરશે, જેમાં 270 કલાકારો ઉત્તર-પૂર્વ ભારતના અને 270 કલાકારો ગુજરાતના છે. આ ઉપરાંત સ્થાનિક સૌરાષ્ટ્રના કલાકારોને પ્રોત્સાહન આપવા માટે દરરોજ 30 મિનિટનો વિશેષ સમય ફાળવવામાં આવ્યો છે.

- Advertisement -

માધવપુર ઘેડના મેળા દરમિયાન દરરોજ રાત્રે લોક ડાયરા અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ થશે, જેમાં ગુજરાતના નામી કલાકારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ 27 માર્ચના રોજ લોકગાયિકા ગીતા રબારીએ પોતાની પ્રસ્તુતિ આપી હતી. હવે 28 માર્ચના રોજ રાજ ગઢવી અને મયુર દવે લોકસાહિત્ય અને સંગીતની સરવાણી વહેવડાવશે. ત્યારબાદ 29 માર્ચના રોજ ઋષભ આહીર અને મેળાના અંતિમ દિવસે એટલે કે 30 માર્ચના રોજ શ્યામલ શબ્દ ગ્રુપ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.

હસ્તકલા પ્રદર્શનનું વિશેષ આયોજન

માધવપુર ઘેડના મેળામાં ‘વોકલ ફોર લોકલ’ના અભિયાનને વેગ આપવા માટે વહીવટીતંત્ર દ્વારા હસ્તકલા પ્રદર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે 80 સ્ટોલ ધરાવતું એક ભવ્ય પેવેલિયન તૈયાર કરાયું છે, જેમાં ઉત્તર-પૂર્વ ભારતના અને ગુજરાતના સ્થાનિક કારીગરોને સમાન રીતે 40-40 સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. આ વખતે સ્ટોલની હરાજી દ્વારા તંત્રને ₹75 લાખથી વધુની આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ મોટો ઉછાળો દર્શાવે છે. વધુમાં, તુરી બારોટ સમુદાય જેવા 60 જેટલા ભાતીગળ લોકકલાકારોને તેમની કલા પ્રદર્શિત કરવા માટે ખાસ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.

ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા

મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. યાત્રિકોની અવરજવરને સરળ બનાવવા માટે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા 35 વિશેષ એસ.ટી. બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. પોરબંદર અને આસપાસના વિસ્તારોમાંથી આવતા લોકો આ સેવાનો લાભ લઈ શકશે, જેથી ખાનગી વાહનોના ભારણને ઘટાડી શકાય અને મુસાફરોને કોઈ મુશ્કેલી વિના મેળાના સ્થળ સુધી પહોંચાડી શકાય.

ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મેળાના મેદાનમાં ભારે ભીડને ટાળવા માટે એન્ટ્રી (પ્રવેશ) અને એક્ઝિટના (નિકાસ) રસ્તાઓ સંપૂર્ણપણે અલગ રાખવામાં આવ્યા છે, જેથી શ્રદ્ધાળુઓ શાંતિપૂર્વક દર્શન કરી શકે. આ ઉપરાંત માધવપુર તરફ જતા માર્ગો પર ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મેળાના દિવસો દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાય.

શ્રદ્ધાળુઓની પાયાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મેળાના પરિસરમાં 24 કલાક શુદ્ધ પીવાનું પાણી અને મેડિકલ ટીમની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ કંટ્રોલ રૂમ અને જિલ્લા વહીવટીતંત્રનો સ્પેશિયલ કંટ્રોલ રૂમ રાત-દિવસ કાર્યરત રહેશે. માધવપુરનો આ મેળો માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તેની સાથે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીના વિવાહની પવિત્ર પરંપરા જોડાયેલી છે. જે પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારતની સંસ્કૃતિને એક તાંતણે જોડે છે.

મેળાની ઉજવણી અને તેમાં થતી વિધિઓ

માધવપુર ઘેડનો ઐતિહાસિક મેળો પરંપરાગત રીતે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના પવિત્ર દિવસથી શરૂ થાય છે અને ચૈત્ર સુદ તેરસ સુધી એમ પાંચ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક ચાલે છે. આ વર્ષે 27 માર્ચના રોજ મેળાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મેળાના પ્રથમ દિવસે ભગવાનના લગ્ન પૂર્વેની શાસ્ત્રોક્ત પરંપરા મુજબ ગણેશ સ્થાપના અને મંડપ વિધિ કરવામાં આવે છે, જેની સાથે જ વિવાહના માંગલિક કાર્યોનો વિધિવત પ્રારંભ થાય છે.

ભગવાન માધવરાયજીના વિવાહની આ પ્રક્રિયામાં લગ્નપત્રિકા મોકલવાની જૂની પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા સાથે નિભાવવામાં આવે છે. મેળાની પ્રથમ રાત્રિએ 9 વાગ્યે માધવરાયજી અને ત્રિકમરાયજીના મંદિરેથી ભવ્ય ફુલેકા યાત્રા નીકળે છે. આ યાત્રામાં ભગવાનના રથને શણગારીને નગરમાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ ચૈત્ર સુદ દસમ અને એકાદશીના દિવસે અનુક્રમે બીજું અને ત્રીજું ફુલેકું નીકળે છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.

મેળાનો સૌથી મુખ્ય અને પવિત્ર પ્રસંગ ચૈત્ર સુદ બારસની રાત્રે મધુવનમાં યોજાય છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના પ્રતિકાત્મક વિવાહ સંપન્ન થાય છે. આ વિધિમાં ગણેશ સ્થાપના, મંડપરોપણ અને વરઘોડાથી લઈને સ્વયંવર વિધિ અને કન્યાદાન સુધીના તમામ પ્રસંગો ઉજવાય છે. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અગ્નિસાક્ષીએ મંગળફેરા અને લગ્નગ્રંથિ બાંધવાની સંપૂર્ણ વિધિ કરવામાં આવે છે, જે ભક્તો માટે અલૌકિક લ્હાવો હોય છે.

ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મિણીનો વિવાહ સમારંભ

આ લગ્નોત્સવમાં કડછ ગામના મહેર (મેર) સમુદાયના લોકોની ભૂમિકા અત્યંત મહત્વની અને પરંપરાગત હોય છે. તેઓ ધજાઓ સાથે શણગારેલા હાથી, ઊંટ અને ઘોડા પર સવાર થઈને માતા રુક્મિણીજીનું મામેરું લઈને માધવપુર પધારે છે. કડછા સમુદાય દ્વારા કરવામાં આવતું ઘોડેસવારો સાથેનું ભવ્ય સામૈયું અને ભગવાનનો દોડતો રથ જોવા જેવો હોય છે. ચોરીના માયરામાં ભગવાન ચાર ફેરા ફરે છે તે પ્રસંગ અત્યંત આકર્ષક અને ભવ્ય હોય છે.

CM Bhupendra Patel will inaugurate Madhavpur Ghed Mela on April 6

વિવાહ સંપન્ન થયા બાદ ચૈત્ર સુદ તેરસના દિવસે ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ભગવાન માધવરાયજી માતા રુક્મિણી સાથે વાજતે-ગાજતે પોતાના નિજ મંદિરે પધરામણી કરે છે. આ વિદાય અને પધરામણીના પ્રસંગે આખા માધવપુરમાં અબીલ-ગુલાલની છોળો ઊડે છે. નગરની ગલીઓ ગુલાબી રંગની ચાદરથી છવાઈ જાય છે, જાણે આખું આકાશ પણ ભગવાનના લગ્નના આનંદમાં રંગાઈ ગયું હોય તેવું દ્રશ્ય સર્જાય છે.

આ વર્ષના વિશેષ આયોજન મુજબ 27 માર્ચે વિવાહની શોભાયાત્રા નીકળી હતી અને 27થી 29 માર્ચ દરમિયાન રાત્રે મામેરું તથા લગ્નવિધિની રજૂઆત કરવામાં આવશે. 30 માર્ચે ભગવાનનું ભવ્ય સ્વાગત અને 31 માર્ચે મેળાનું સમાપન થશે. આ વર્ષે ઉત્તર-પૂર્વના 8 રાજ્યોના કલાકારો અને ગુજરાતના કલાકારોની સાંસ્કૃતિક જુગલબંધી આ ધાર્મિક પર્વને રાષ્ટ્રીય એકતાના રંગે રંગીને વધુ સમૃદ્ધ બનાવી રહી છે.

પૌરાણિક કથા: કૃષ્ણ-રુક્મિણી વિવાહનું મહત્વ

પૌરાણિક કથાઓ અને મહાભારતના ઉલ્લેખો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મિણીના વિવાહની કથા પ્રેમ, ભક્તિ, સાહસ અને ધાર્મિક વિધિઓનું એક અનોખું મિશ્રણ છે. આ કથા વિદર્ભ દેશની રાજકુમારી રુક્મિણી અને દ્વારકાના યદુવંશી રાજા શ્રીકૃષ્ણ વચ્ચેના અમર પ્રેમને વર્ણવે છે. વિદર્ભ દેશને આજના ઉત્તર-પૂર્વ ભારત, ખાસ કરીને અરુણાચલ પ્રદેશના મિશ્મી આદિવાસીઓ સાથે સાંસ્કૃતિક રીતે જોડવામાં આવે છે, જે આ પૌરાણિક પ્રસંગને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બનાવે છે.

રુક્મિણી વિદર્ભના રાજા ભીષ્મકનાં પુત્રી હતાં, જે અત્યંત સુંદર અને ભક્તિમય સ્વભાવ ધરાવતાં હતાં. તેમણે શ્રીકૃષ્ણની વીરતા, બુદ્ધિ અને દિવ્યતાની વાર્તાઓ સાંભળીને જ તેમને મનોમન પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા હતા. જોકે, તેમના મોટા ભાઈ રુક્મીનો આ સંબંધ સામે સખત વિરોધ હતો. રુક્મી જરાસંધના સમર્થક એવા ચેદિ નરેશ શિશુપાલ સાથે રુક્મિણીના લગ્ન કરાવવાનો આગ્રહ રાખતો હતો અને તે માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી.

માધવપુરમાં સ્થિત ભગવાનનું મંદિર

જ્યારે સ્વયંવરની તૈયારીઓ પૂરજોશમાં ચાલતી હતી ત્યારે રુક્મિણી ચિંતાતુર બન્યાં અને તેમણે હિંમતપૂર્વક એક બ્રાહ્મણ મારફત શ્રીકૃષ્ણને ગુપ્ત પત્ર મોકલાવ્યો. આ પત્ર આજે પણ માધવપુર ઘેડના મેળામાં લગ્નગીત તરીકે અત્યંત લોકપ્રિય છે, જેના શબ્દો છે: “રુક્મિણી લખે કાગળ દ્વારકા, હું નહીં રે પરણું શિશુપાલને રે.” આ પત્રમાં રુક્મિણીએ સ્પષ્ટ કર્યું હતું કે તે શ્રીકૃષ્ણને જ પોતાના સ્વામી માને છે.

રુક્મિણી હરણ બાદ થયા વિવાહ

રુક્મિણીનો સંદેશો મળતા જ શ્રીકૃષ્ણ વિલંબ કર્યા વિના રથ લઈને વિદર્ભ તરફ રવાના થયા. ત્યાં પહોંચીને તેમણે રુક્મીને યુદ્ધમાં હરાવ્યો અને રુક્મિણીની સંમતિથી તેમનું હરણ કરીને દ્વારકા તરફ પ્રયાણ કર્યું. આ ઐતિહાસિક પ્રસંગને શાસ્ત્રોમાં ‘રુક્મિણી હરણ’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટના સ્ત્રીની સ્વતંત્ર પસંદગી અને સાચા પ્રેમની જીતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેમાં રુક્મિણી પોતાની સ્વેચ્છાએ શ્રીકૃષ્ણની સાથે ગયાં હતાં.

દ્વારકા તરફ જતી વખતે શ્રીકૃષ્ણ અને રુક્મિણી સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે આવેલા માધવપુર ઘેડ ખાતે રોકાયાં હતાં. લોકવાયકા અનુસાર શ્રીકૃષ્ણને કોઈ પવિત્ર અને ‘કુવારી’ ભૂમિ પર લગ્ન કરવા હતા. ભગવાનની આ ઈચ્છા જાણીને સમુદ્ર દેવે દરિયાના પાણી પાછા ખેંચી લીધા અને એક પવિત્ર જમીન તૈયાર કરી આપી. સમુદ્રના મોજાંઓએ ભગવાનના ચરણ સ્પર્શ કર્યા અને આ દિવ્ય વિવાહ માટે કુદરતે પણ પોતાનો સહયોગ આપ્યો હોવાનું માનવામાં આવે છે.

મધુ રાક્ષસનો સંહાર કર્યો તેથી પડ્યું માધવપુર નામ

માધવપુરનું નામ પણ અત્યંત પૌરાણિક છે. માનવામાં આવે છે કે અહીં ભગવાન વિષ્ણુએ મધુ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. રાક્ષસના વધ બાદ ભગવાને પોતાની લોહીવાળી ગદા અહીંની વાવમાં ધોઈ હતી, જે આજે ‘ગદાવાવ’ તરીકે પ્રખ્યાત છે. આ પવિત્ર ભૂમિ પર મધુવન, બ્રહ્મકુંડ, રેવતી કુંડ અને કપિલ મુનિની ડેરી જેવા અનેક સ્થાનો આવેલા છે, જે શ્રીકૃષ્ણ અને રુક્મિણીના વિવાહના જીવંત સાક્ષી મનાય છે.

વિવાહની વિધિ મધુવનમાં રાત્રિના સમયે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ હતી. મંડપરોપણ, કન્યાદાન અને અગ્નિસાક્ષીએ મંગળફેરા જેવી તમામ હિંદુ લગ્ન વિધિઓ અહીં પૂર્ણ કરવામાં આવી હતી. લગ્ન બાદ ભગવાન અને રુક્મિણીજીએ મધુવનમાં જ રાતવાસો કર્યો હતો. આજે પણ માધવપુરના મેળામાં ચૈત્ર સુદ બારસની રાત્રે આ જ પ્રતિકાત્મક વિધિઓ અત્યંત શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવામાં આવે છે.

કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણનું માધવરાયજીનું સ્વરૂપ અને રુક્મિણીની પૌરાણિક મૂર્તિ સહિતના અવશેષો સદીઓ સુધી દરિયામાં રહ્યાં હતાં. નોંધનીય છે કે 11મી સદીનું પ્રાચીન મંદિર દરિયાઈ અસરને કારણે જર્જરિત થતાં 17મી સદીમાં પોરબંદરના મહારાણી રૂપાળીબાએ માધવરાયજીનું નવું ભવ્ય મંદિર બંધાવ્યું હતું, જેનો ઐતિહાસિક શિલાલેખ આજે પણ ત્યાં હયાત છે. આ નવા મંદિરમાં જુના મંદિરમાંથી લવાયેલી માધવરાયજી અને ત્રિકમરાયજીની અત્યંત દુર્લભ તથા દિવ્ય મૂર્તિઓ પધરાવવામાં આવી છે. આ મૂર્તિઓની વિશેષતા એ છે કે તેમાં ભગવાનના ત્રણ હાથ ઉપર અને એક હાથ નીચે છે અને વૈષ્ણવ ભક્તોની એવી અતૂટ શ્રદ્ધા છે કે આવી વિશિષ્ટ પ્રતિમા વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતી નથી.

ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મિણીજીની મૂર્તિ

પશ્ચિમ તથા ઉત્તર-પૂર્વ ભારતની સંસ્કૃતિનો સમન્વય

આ કથાનું મહત્વ પૂર્વ અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિના સમન્વયમાં રહેલું છે. રુક્મિણી ઉત્તર-પૂર્વનાં અને શ્રીકૃષ્ણ પશ્ચિમના હોવાથી આ વિવાહ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરે છે. અરુણાચલના મિશ્મી આદિવાસીઓ આજે પણ પોતાની જાતને રુક્મી અથવા ભીષ્મકના વંશજ માને છે. તેઓ દર વર્ષે માધવપુરના મેળામાં રુક્મિણીના પરિવારના સભ્યો તરીકે ઉત્સાહભેર ભાગ લે છે અને પોતાની પરંપરાગત કલા રજૂ કરે છે.

માધવપુર ઘેડનો મેળો આ પૌરાણિક કથાને આજના આધુનિક યુગમાં પણ જીવંત રાખે છે. લગ્નગીતો, અબીલ-ગુલાલ, ભવ્ય મામેરું અને જાનના દ્રશ્યો ભાવિકોને ત્રેતાયુગ અને દ્વાપરયુગની યાદ અપાવે છે. આ પ્રસંગ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના આદર્શને વાસ્તવિક સ્વરૂપ આપે છે અને લાખો ભાવિકોને શ્રીકૃષ્ણ-રુક્મિણીના દિવ્ય મિલનના સાક્ષી બનવાની તક પૂરી પાડે છે.

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય, ઉત્તર-પૂર્વીય વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના સંકલનથી વર્ષ 2018થી આ મેળાને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ પર વિશેષ પ્રોત્સાહન આપી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે, જે ઉત્તર-પૂર્વ અને ગુજરાતની સંસ્કૃતિને જોડતું એક મજબૂત માધ્યમ બન્યું છે. આ આયોજન હેઠળ બંને વિસ્તારોના લોકો અને કલાકારો એકમંચ પર એકઠા થાય છે, જ્યાં શ્રીકૃષ્ણના જીવન પર આધારિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને રંગારંગ કાર્યક્રમો રજૂ કરીને પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા-સંસ્કૃતિનો અનોખો સંગમ રચવામાં આવે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં