યાત્રાધામ દ્વારકામાં શારદાપીઠ મઠ દ્વારા સંચાલિત પ્રસિદ્ધ શારદાપીઠ કોલેજના એક પ્રોફેસરની હિંદુવિરોધી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે વિવાદ ઉભો થયો છે. આ ઘટનાને પગલે હિંદુ સંગઠનો દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શન અને રેલી યોજાઈ હતી. પ્રોફેસરે સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મ વિરુદ્ધ વાંધાજનક નિવેદનો કર્યાં હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિક હિંદુ સમાજમાં આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે.
શારદાપીઠ કોલેજના ઇકોનોમિક્સ વિષયના એસોસિયેટ પ્રોફેસર પ્રકાશ વણકર પર આ આક્ષેપ છે. તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં લખેલું હતું કે “હિંદુ કો લાત મારો, હિંદુ કોઈ ધર્મ નહીં”. આ વિડીયોમાં એક કથાવાચકનું નિવેદન કટ કરીને મૂકવામાં આવ્યું હતું અને સાથે જ માહિતી આપવામાં આવી હતી કે ચારે વેદોમાં ‘સનાતન’ શબ્દ નથી અને બૌદ્ધ ધર્મે ‘સનાતન’ શબ્દ આપ્યો છે. આ પોસ્ટ વાયરલ થતાં જ હિંદુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
મંગળવારે દ્વારકાના મુખ્ય માર્ગો પર હિંદુ સંગઠનોએ વિશાળ વિરોધ રેલી યોજી હતી. મિતાપુર, સૂરજ કરાડી અને ઓખામંડલ વિસ્તારના અન્ય ભાગોમાં પણ વિરોધ પ્રદર્શનો થયાં હતાં. મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. રેલી બાદ સંગઠનના આગેવાનોએ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) અને કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
હિંદુ સંગઠનના પ્રમુખ ગિરધર જોશીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, “આજે અમે પ્રાંત અધિકારી અને કોલેજના પ્રિન્સિપાલને પ્રોફેસર વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું છે. આવનારા દિવસોમાં અમે યુનિવર્સિટી પાસે પણ જઈશું. જો કોઈ વ્યક્તિ હિંદુ વિરોધી વિચારો ધરાવતો હોય તો તેને કોલેજમાં કેમ રાખવો જોઈએ જ્યાં 95 ટકા વિદ્યાર્થીઓ હિંદુ સમાજના છે? આવી વ્યક્તિને સેવામાંથી હટાવી દેવી જોઈએ.”
Watch | Locals protest against Shardapeeth College professor over "anti-Hindu remarks" https://t.co/cuLzf4J8hw pic.twitter.com/HL2aGAUwg9
— DeshGujarat (@DeshGujarat) March 25, 2026
અન્ય એક સાધુ માધવ સ્વરૂપ દાસએ કહ્યું હતું કે, “આ પ્રોફેસર નિવૃત્ત થવાના છે અને તેમને લગભગ એક વર્ષની સેવા બાકી છે, પરંતુ તેમની માનસિકતા વારંવાર વિડીયો અને પોસ્ટ્સ દ્વારા સામે આવી છે. એક શિક્ષકે કોઈપણ ધર્મ વિરુદ્ધ દ્વેષ ન રાખવો જોઈએ. જો આવી માનસિકતાવાળો વ્યક્તિ વિદ્યાર્થીઓને ભણાવતો હોય તો તે સહન કરી શકાય તેમ નથી. સમગ્ર હિંદુ સમાજ આવા વ્યક્તિને અહીંથી હટાવવાની માંગ કરે છે.”
સંગઠનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત વ્યક્તિ દ્વારા કોઈપણ ધર્મ અથવા સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. આવાં નિવેદનો અને પોસ્ટો સમાજમાં વૈમનસ્ય અને તણાવ પેદા કરી શકે છે. તેથી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
હિંદુ સંગઠનોએ કરેલી માંગો
સંગઠનોએ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. પ્રોફેસર વિરુદ્ધ યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવે, ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સખત માર્ગદર્શિકા બનાવવામાં આવે અને શૈક્ષણિક સંસ્થામાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે.
હિંદુ સંગઠનના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સખત કાર્યવાહી નહીં થાય તો વિરોધ વધુ તીવ્ર બનાવવામાં આવશે અને ઉચ્ચ અધિકારીઓ તેમજ યુનિવર્સિટી વહીવટીતંત્ર સુધી મામલો લઈ જવામાં આવશે. કોલેજમાં લગભગ 95 ટકા વિદ્યાર્થીઓ હિંદુ સમાજના હોવા છતાં આવા વિચારો ધરાવતા વ્યક્તિ દ્વારા શિક્ષણ આપવાની પ્રવૃત્તિ ચિંતાજનક છે તેમ પણ જણાવવામાં આવ્યું છે.


