કોઈ હિન્દી ફિલ્મને લઈને લોકોમાં આટલો પ્રચંડ ઉત્સાહ હોય, જબરદસ્ત ક્રેઝ હોય, સોશિયલ મીડિયા તેની ચર્ચાથી ઉભરાતું હોય, સિનેમાઘરોના રાત્રિના અંતિમ શો પણ હાઉસફૂલ જતા હોય, માંડ થીએટરનાં પગથિયાં ચડનારાઓ પણ ફિલ્મ જોવા પહોંચી જતા હોય, માત્ર જોઈ આવતા હોય એમ નહીં– આવીને બીજાઓને પણ જોવા માટે, ફરીફરી જોવા માટે કહેતા હોય એવું વાતાવરણ આપણે છેલ્લે ક્યારે જોયું હતું? નજીકના ભૂતકાળમાં લગભગ ક્યારેય નહીં. ‘ધુરંધર’ સાથે આ બધું થઈ રહ્યું છે.
પ્રજાની નાડ પારખ્યા વગર જુદી જ દિશા પકડી લઈને ફાલતુ, ઢંગધડા વગરની ફિલ્મો લોકોના માથે માર્યા કરતા પોતાની જ જમાતના ફિલ્મકારોની નિષ્ફળતાને ઢાંકવા માટે આપણે ત્યાંના અમુક કલમબાજો એવું કારણ આપતા રહેતા હતા કે ‘હવે લોકો ફિલ્મ જોવા માટે જતા નથી, ઓટીટીના કારણે સિનેમાઘરો ખાલી થઈ રહ્યાં છે, લોકોનો એટેન્શન સ્પાન ઘટી રહ્યો છે એટલે લાંબી ફિલ્મો ચાલતી નથી.’ આ બધી જ દલીલોને ‘ધુરંધર’ બનાવનાર આદિત્ય ધર અને તેને જોનાર, વારંવાર જોનાર, તેની ખોબલે-ખોબલે પ્રશંસા કરનાર દર્શકોએ ડબ્બામાં પૂરી દઈને ડબ્બો માળિયે ચડાવી દીધો છે.
હકીકત એ છે કે લોકો જેવી જોવા માગે છે એવી, ભારતનો ભવ્ય (કાશ્મીર ફાઈલ્સ, કેરાલા સ્ટોરી જેવી ફિલ્મોના કિસ્સામાં ‘કરુણ’) ઇતિહાસ અને વર્તમાન કહેતી, દેશ પર ખરેખર ગર્વ થાય એવી સશક્ત, મજબૂત વાર્તાપ્રવાહ ધરાવતી આવી ફિલ્મો બનતી ન હતી. જ્યારે-જ્યારે આવી ફિલ્મો બની છે ત્યારે દર્શકોએ તેને વધાવી લીધી છે. 2022ના આ જ ગાળામાં આવેલી વિવેક રંજન અગ્નિહોત્રીની ક્રાંતિકારી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’થી માંડીને ત્યારપછી આવેલી આવી અમુક ફિલ્મો તેનાં ઉદાહરણો છે. જોકે ધુરંધરનો અને ખાસ તો તેના બીજા ભાગનો ક્રેઝ અલગ છે.
પહેલો ભાગ ડિસેમ્બરમાં આવ્યો. આવતાંની સાથે જ ફિલ્મ જબરી લોકપ્રિય બની. બીજા ભાગની ઘોષણા પણ ત્યારે જ થઈ ગઈ હતી. 19મી માર્ચે, હિંદુ નવા વર્ષના પ્રથમ દિવસે ફિલ્મ આવી. આ ભાગ રિલીઝ થતાંની સાથે જ દર્શકોનો ઉત્સાહ બમણો થઈ ગયો ને દિવસે ને દિવસે તેમાં વધારો થતો જાય છે. એટલો જ વધારો એક વિશેષ ગેંગની બળતરામાં પણ થાય છે. પહેલા ભાગમાં જ આ લોકો ભૂરાંટા થયા હતા. બીજા ભાગમાં પાગલ થવાની અણીએ પહોંચી ચૂક્યા છે. તેમને જોઈને આનંદ લેવાનો. વિકૃત આનંદ ટૂ બી પ્રિસાઇઝ.
જ્યાં સુધી તેમના ‘અમન કી આશા’ના મલિન એજન્ડાને અનુરૂપ ફિલ્મો આવતી રહી ત્યાં સુધી તેમના માટે બધું ઠીક હતું, કોઈને કોઈ વાંધો ન હતો. જેવી આ બધું ઉજાગર કરતી ફિલ્મ આવી એટલે પેટમાં તેલ રેડાયું. આ જ બધા હવે કકળાટ કરી રહ્યા છે. તેમની વાતોને ‘સત્ય’ માની લેનારા અમુક મૂર્ખાઓ તેમની સાથે જોડાયા છે. સ્પાય ફિલ્મોના નામે જોકરવેડા પણ જેઓ બબ્બે કલાક સુધી બેસીને જોયા કરતા હતા અને બીજા દિવસે લાંબા-લાંબા લેખો લખીને આવી ફિલ્મોની ભરપૂર પ્રશંસા કરતા હતા તેવાઓ પણ હવે આપણને શિખામણ આપી રહ્યા છે કે ધુરંધર તો એક પ્રોપગેન્ડા ફિલ્મ છે, સરકારનું મહિમામંડન કરવા માટે લાવવામાં આવી છે.
શું ‘ધુરંધર’ પ્રોપગેન્ડા ફિલ્મ છે? આનો ટૂંકો જવાબ છે– ના. લાંબો, સવિસ્તર જવાબ આ રહ્યો.
છેલ્લા એક દાયકામાં ‘ઇકોસિસ્ટમ’ ને એવા અમુક શબ્દો ખાસ્સા પ્રચલિત (કે કુખ્યાત) બન્યા તેમાં આ એક ‘પ્રોપગેન્ડા’ પણ છે. તેનો વાસ્તવિક અર્થ થાય– અમુક માહિતીમાં અતિશયોક્તિ કરીને, તેમાં મીઠું-મરચું નાખીને, ઇરાદાપૂર્વક ફરતી કરવી, લોકોમાં વહેતી મૂકવી જેથી કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય (એજન્ડા) પાર પડે.
‘ધુરંધર’ આવી તે પહેલાં આપણે ‘સ્પાય ફિલ્મ’ના નામે શું જોતા હતા? ભારતનો જ એક રૉ એજન્ટ (જેનું નામ સ્વાભાવિકપણે હિંદુ હોય) પાકિસ્તાનની ISIને સંવેદનશીલ માહિતી પહોંચાડતો હોય. વળી બીજો એક એજન્ટ ISIની મહિલા જાસૂસ સાથે પ્રેમમાં પડે. અમુકમાં જાસૂસ ઓછા ને જોકર વધારે દર્શાવવામાં આવ્યા હોય. ક્યાંક વિદેશમાં કોઈ એક મિશન માટે ભારતની ‘રૉ’ અને પાકિસ્તાનની ‘ISI’ સાથે કામ કરતાં બતાવવામાં આવે.
હકીકતે આ બધું પ્રોપગેન્ડા કહેવાય. એનાથી ચિત્ર એવું ઊપસે કે હિંદુ એજન્ટો પણ ISI, પાકિસ્તાન માટે કામ કરતા હોય શકે. ISI પણ આ રીતે આતંકવાદીવિરોધી મિશનોમાં ભારત સાથે મળીને ‘અમન કી આશા’નો ઝંડો ઉપાડીને કામ કરી શકે છે. જ્યારે વાસ્તવિક દુનિયામાં આવું કશું થતું નથી.
વાસ્તવિક દુનિયામાં શું થાય છે?
ભારત સામે સીધી રીતે લડેલાં દરેક યુદ્ધમાં બહુ ખરાબ રીતે પછડાટ ખાધા પછી પાકિસ્તાને ‘સ્ટ્રેટેજી’ બદલી અને પ્રોક્સી વૉર શરૂ કર્યું. તેના માટે આતંકવાદનો સહારો લેવામાં આવ્યો. સરહદપારથી આતંકવાદીઓ મોકલીને, ભારતમાં બૉમ્બ ધડાકા કરાવીને ભારતને અસ્થિર રાખવાનું, આર્થિક રીતે નુકસાન કરવાનું ચાલુ કરવામાં આવ્યું. આમાં સિંહફાળો હતો પાકિસ્તાનની સરકારો અને ખાસ તો ત્યાંની ઇન્ટેલિજન્સ એજન્સી ISIનો.
ISI પાકિસ્તાની આતંકવાદીઓ સાથે મળીને, જેહાદીઓ સાથે મળીને, ત્યાંના ગેંગસ્ટરોની મદદ લઈને કઈ રીતે ભારતમાં આતંકવાદ સ્પોન્સર કરે છે. આ આખું ટેરર નેટવર્ક કઈ રીતે કામ કરે છે, કયા મકસદથી કામ કરે છે, ટેરર નેટવર્ક માટે ફન્ડિંગ ક્યાંથી અને કેવી રીતે થાય છે– આ બધું જ આજ સુધી કોઈએ ફિલ્મના માધ્યમથી કહ્યું નહીં, ધુરંધરમાં ઉજાગર થયું છે.
ટેરર નેટવર્ક કઈ રીતે કામ કરે છે, ફાયનાન્સ કઈ રીતે થાય છે એ જાણવા માટે ભારત સરકારના અનેક દસ્તાવેજો ઉપલબ્ધ છે. તપાસ એજન્સીઓએ આતંકવાદના કેસોમાં દાખલ કરેલી લાખો પાનાંની ચાર્જશીટો ઉપલબ્ધ છે. રૉ અને આઈએસઆઈ કોઈ ત્રીજા દેશમાં અમન કી આશાના ઝંડા બુલંદ કરતા હોવાની વિગતો બોલિવૂડની વાહિયાત ફિલ્મો સિવાય બીજે ક્યાંય નથી. હવે આમાં સત્ય શું અને પ્રોપગેન્ડા શું એ નક્કી કરવું કઠિન કામ નથી.
અત્યાર સુધી પાકિસ્તાનની વાત આવતી ત્યારે ફિલ્મોમાં એક વણલખ્યા નિયમાનુસાર સેન્સરશિપ લાદી દેવામાં આવતી. આતંકવાદીઓનાં નામો બદલી નાખવામાં આવતાં. તેમને દર્શાવવા તો મુસ્લિમ જ પડે, પણ તેમાંય ‘તેમનો મજહબ આ બધું શીખવતો નથી’ અને ‘આ તો માત્ર અમુક કટ્ટરપંથીઓ ભટકેલા નવજુવાનો બનીને છાકટા બની ગયા છે’ એવું તૂત ચાલાકીપૂર્વક ઘૂસાડી દેવામાં આવતું અને એટલે સેક્યુલરિઝમ પણ જળવાય રહેતું.
‘ધુરંધર’થી તકલીફ એટલા માટે છે કારણ કે તેમાં ન માત્ર આતંકવાદીઓનાં સાચાં નામોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પણ સાથે તેમની જેહાદી માનસિકતા પણ ઉઘાડી પાડવામાં આવી છે. કોઈ રંગરોગાન કરવામાં આવ્યું નથી. ક્યાંય ઢાંકપિછોડો થયો નથી. સંવાદોમાં આ જેહાદી માનસિકતા સ્પષ્ટ દેખાય આવે છે. પહેલા ભાગમાં 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા વખતે આતંકવાદીઓ અને તેમના હૅન્ડલરો વચ્ચે થયેલી વાતચીતના અંશો મૂકવામાં આવ્યા છે, જેમાં બંને તરફે ‘કાફિરો’ને મારવાની વાત થાય છે.
પાકિસ્તાન, ત્યાંની ISI અને આતંકવાદીઓની ભારત પ્રત્યેની ઘૃણાનું એક કારણ એ પણ છે કે ભારત હિંદુબહુલ દેશ છે. કાફિરોને મારીને ‘ગઝવા-એ-હિન્દ’ કરવાની વાતો, હિંદુઓ પ્રત્યેનો દ્વેષ ત્યાંના જનરલો, મૌલવીઓ, આતંકવાદીઓનાં ભાષણોમાંથી વારંવાર છલકાતો રહે છે. ‘ધુરંધર’માં કોઈ પડદો પાડ્યા વગર આ દ્વેષ, આ માનસિકતા દર્શાવવામાં આવ્યાં છે. વાસ્તવિકતાને મોટા પડદે રજૂ કરવી એ પ્રોપગેન્ડા કહેવાય? ન કહેવાય. પાકિસ્તાન પર ફિલ્મો બનાવતા હોઈએ તો આ વાસ્તવિકતા જ દુનિયાને દેખાડવાની હોય, અગાઉ જે બધું કહ્યું એ ખરેખર તો પ્રોપગેન્ડા કહેવાય.
અહીં બીજી એક દલીલ એવી આપવામાં આવી રહી છે કે ફિલ્મમાં સરકારનું મહિમામંડન થયું છે. ખરેખર તો અહીં વાસ્તવિકતા અને જે થયું હતું એ જ બતાવવામાં આવ્યું છે, પણ દલીલ ખાતર માની લઈએ કે એમ થયું હશે, તો ખોટું શું છે? સરકાર રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના હિત માટે કામ કરતી હોય, તેવા નિર્ણયો લીધા હોય તો આવી સરકારનું, તેના માણસોનું, તેના અધિકારીઓનું મહિમામંડન કેમ ન થવું જોઈએ? તેમનાં કામોની જાહેર પ્રશંસા કેમ ન થવી જોઈએ? શું તે આ દેશની સરકાર નથી?
2016ની નોટબંધી કેમ જરૂરી હતી અને એ નિર્ણયની ક્યાં સુધી અને કેટલી અસર થઈ એ સમજાવવા માટેના ફિલ્મમાં સફળ પ્રયાસો થયા છે. રાષ્ટ્રવાદી, પ્રામાણિક અધિકારીઓ કેમ જરૂરી છે અને તેઓ મુક્તપણે કામ કરી શકે તે માટે મજબૂત શાસક અને શાસનવ્યવસ્થા કેમ જરૂરી છે એ આ ફિલ્મ સમજાવી દે છે.
મોદી પ્રત્યે પાકિસ્તાનીઓને કેટલો દ્વેષ છે એ પણ જગજાહેર છે, તેમનું મીડિયા અને સોશિયલ મીડિયા કહે છે, એ માત્ર અહીં મોટા પડદે દર્શાવાયું છે. ભૂતકાળની સરકારો પ્રત્યે પાકિસ્તાનના આતંકવાદીઓ રહેમભરી નજરે જોતા હોય અને મોદી આંખમાં કણાની જેમ ખૂંચતા હોય એવી હકીકત મોટા પડદે દર્શાવવામાં આવે ત્યારે મોદીદ્વેષીઓ એને પ્રોપગેન્ડામાં ખપાવવા માટે ધમપછાડા કરે એ સ્વાભાવિક છે. પણ આ હકીકત છે, ધમપછાડાથી હકીકતો બદલાતી નથી.
ભૂતકાળમાં એક પછી એક આતંકવાદી ઘટનાઓ બનતી હતી, જેમાં સીધી અથવા આડકતરી રીતે પાકિસ્તાનનો હાથ હતો. છતાં ત્યારની સરકારો હાથ પર હાથ ધરીને બેસી રહેતી હતી. એ હકીકત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હોય તો એને પ્રોપગેન્ડા કહેવાય? ન કહેવાય.
છેલ્લાં અમુક વર્ષોમાં પાકિસ્તાનનું આખું આ ટેરર નેટવર્ક તોડવું કેમ જરૂરી હતું, તેને તોડવા માટે ફન્ડિંગ પર પ્રહાર કરવો કેમ જરૂરી હતો, પાછલાં વર્ષોમાં પાકિસ્તાનમાં એક પછી એક આતંકવાદીઓનો સફાયો કઈ રીતે થયો– આ બધા પ્રશ્નોના જવાબ સત્ય ઘટનાઓ પરથી પ્રેરિત આ ફિલ્મ આપે છે. ફરી વાંચો, સત્યઘટનાઓ પરથી પ્રેરિત. સત્ય ઘટના પર આધારિત નહીં. ફિલ્મમાં અમુક કલ્પનાતત્ત્વ હોવાનું. હમણાં અમુકે હવે ઝીણું ઝીણું કાંતવાનું શરૂ કરીને ધરાર ભૂલો કાઢવા માટે બાલિશ પ્રશ્નો કરવાના શરૂ કર્યા છે. પણ એમાં ન પડીને મૂળ વિચાર શું છે એ જોવાનું હોય.
ફિલ્મની શરૂઆતમાં ગીતાનો શ્લોક ‘કર્મણેવાધિકારસ્તે’ આવે છે. પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન અર્જુનને (અર્જુન નિમિત્તમાત્ર હતા, જ્ઞાન સમગ્ર માનવજાત માટે હતું) કહી ગયા કે તારે ફળની ચિંતા કર્યા વગર કર્મ કરવાનું છે. તેના માટે શ્રેય મળશે કે નહીં, કામની નોંધ લેવાશે કે નહીં, આ આપણે કર્યું હતું એવું દુનિયામાં બે-પાંચ માણસ જાણશે કે નહીં એ બધી ચિંતા નહીં કરવાની. ભારતના જાંબાઝો, ધુરંધરો આ મંત્ર આત્મસાત્ કરીને કામ કરતા રહ્યા છે. તેઓ જે દુનિયામાં કામ કરે છે ત્યાં ડગલે ને પગલે મૃત્યુની તલવાર માથે લટકતી રહે છે અને સફળ થઈ જાય પછી પણ ક્યાંય કશી નોંધ લેવાતી નથી. મેડલો અને શિરપાવો મળતા નથી. છતાં તેઓ કર્મ કરતા રહે છે. આ ફિલ્મ એક રીતે આવા ધુરંધરોને ટ્રિબ્યુટ છે. ફિલ્મ જોઈ રહ્યા પછી તમને પણ આવા ધુરંધરો પ્રત્યે, માતૃભૂમિ માટે આવાં બલિદાન આપનારાઓ પ્રત્યે આદરભાવ ઉપજે છે. એટલે જ ફિલ્મમાં છેલ્લે લખાયેલું આવે છે– ‘બલિદાન પરમો ધર્મ’. બલિદાન પરમ ધર્મ છે.
આ ફિલ્મ પ્રોપગેન્ડા નથી, શત પ્રતિશત સત્ય છે. સત્ય સિવાય બીજું કશું નથી. વાસ્તવિકતાની તદ્દન નજીક રહીને, બદમાશી કર્યા વગર, એક આફલાતૂન ફિલ્મ કઈ રીતે બનાવી શકાય એ આદિત્ય ધરે દુનિયાને દેખાડ્યું છે. બાકીની રીતે પણ ફિલ્મ બહુ સબળી છે. કલાકારોના અભિનયથી માંડીને બેકગ્રાઉન્ડ મ્યુઝિક કે એક્શન ક્યાંય કચાશ રાખવામાં આવી નથી. રિસર્ચમાં તો બિલકુલ નથી એ તો હવે તમે સોશિયલ મીડિયાની ‘પીક ડિટેલિંગ’વાળી પોસ્ટો વાંચીવાંચીને જાણી જ ચૂક્યા હશો.
માટે, ફિલ્મ જુઓ. ફરીફરી જુઓ. થીએટરમાં જ જઈને જુઓ. આવી ફિલ્મો વારંવાર બનતી નથી.


