હોમપેજદુનિયાઈરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધના વાસ્તવિક ‘વિજેતા’ બની રહ્યા છે વ્લામીદિર પુતિન: વાંચો કેવી રીતે...

ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધના વાસ્તવિક ‘વિજેતા’ બની રહ્યા છે વ્લામીદિર પુતિન: વાંચો કેવી રીતે રશિયા માટે ‘વરદાન’ બની ગયો મધ્યપૂર્વનો આ સંઘર્ષ

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સળગતું મિડલ-ઈસ્ટ પુતિન માટે એક એવી બાજી બની ગયું છે જ્યાં તેમના દુશ્મનો (અમેરિકા અને પશ્ચિમ) ગૂંચવાયેલા છે અને તેમની પોતાની આર્થિક તથા સૈન્ય સ્થિતિ મજબૂત થઈ રહી છે. જો આ યુદ્ધ લાંબું ખેંચાશે તો પુતિન ન માત્ર યુક્રેનમાં પોતાની સ્થિતિ મજબૂત કરશે, પરંતુ તેઓ વિશ્વના નવા શક્તિ કેન્દ્ર તરીકે પણ ઉભરી શકે છે.

- Advertisement -

આજે સમગ્ર વિશ્વની નજર ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ પર ટકેલી છે. દરેક વ્યક્તિ ડરેલી છે કે ક્યાંક આ ત્રીજું વિશ્વયુદ્ધ ન બની જાય. પરંતુ બારૂદના આ ઢગલાથી હજારો કિલોમીટર દૂર બેઠેલી એક વ્યક્તિ કદાચ મનોમન હસી રહી છે, તે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન.

આમ જોવા જઈએ તો આ યુદ્ધ પુતિન માટે કોઈ ‘વરદાન’થી ઓછું નથી. જ્યારથી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો, ત્યારથી સમગ્ર વિશ્વએ પુતિનને એકલા પાડી દીધા હતા. પરંતુ હવે મિડલ-ઈસ્ટના આ સંકટે તેમને એક નવી ‘લાઈફલાઈન’ આપી દીધી છે.

સીધી વાત એ છે કે જ્યારે વિશ્વમાં તણાવ વધે છે, ત્યારે તેલની કિંમતો આસમાને પહોંચે છે. રશિયા પાસે તેલ અને ગેસનો વિપુલ ભંડાર છે, તેથી તેલ જેટલું મોંઘું વેચાશે, પુતિનની તિજોરી એટલી જ વધારે ભરાશે. બીજો મોટો ફાયદો એ છે કે હવે અમેરિકા અને યુરોપનું સંપૂર્ણ ધ્યાન યુક્રેન પરથી હટીને મિડલ-ઈસ્ટ પર કેન્દ્રિત થઈ ગયું છે.

- Advertisement -

ટૂંકમાં કહીએ તો પશ્ચિમી દેશો હવે ઈરાન અને ઇઝરાયેલની આગ ઓલવવામાં ગૂંચવાયેલા છે અને પુતિનને યુક્રેનના મોરચે મોટી રાહત મળી ગઈ છે. આ પુતિન માટે માત્ર એક સંકટ નથી, પરંતુ પોતાની તાકાત અને અર્થતંત્રને ફરીથી બેઠું કરવાની એક સુવર્ણ તક સાબિત થઈ રહી છે.

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ: પુતિનની જીતના 5 સૌથી મોટા કારણો

તેલના આસમાને પહોંચતા ભાવ, રશિયાની તિજોરીમાં ‘ડોલરનો વરસાદ’: મિડલ-ઈસ્ટમાં મચેલી આ ઉથલપાથલનો સૌથી મોટો આર્થિક ફાયદો રશિયાને થયો છે. વાસ્તવમાં વિશ્વનું 20% તેલ જે માર્ગેથી (સ્ટ્રેટ ઑફ હોર્મુઝ) પસાર થાય છે, ત્યાં યુદ્ધને કારણે જોખમ વધી ગયું છે. આ ડરને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો $100ને પાર નીકળી ગઈ છે.

રશિયાની મોટાભાગની આવક તેલ અને ગેસના વેચાણ પર નિર્ભર છે. તેથી, તેલ જેટલું મોંઘું વેચાશે, રશિયાને બેઠા-બેઠા દરરોજ કરોડો ડોલરનો વધારાનો નફો થશે. આ અધધ કમાણી પુતિનને યુક્રેન સામેનું યુદ્ધ ચાલુ રાખવા માટે આર્થિક તાકાત આપી રહી છે અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની અસરને પણ નિષ્ફળ બનાવી રહી છે.

યુક્રેન પરથી વિશ્વનું ધ્યાન ભટકવું: છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વ અને મીડિયા માત્ર રશિયા-યુક્રેન યુદ્ધની જ ચર્ચા કરતા હતા. પરંતુ, જેવી ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે મિસાઈલો ફૂટવાની શરૂ થઈ કે તરત જ સૌનું ધ્યાન તે તરફ વળી ગયું. અત્યારે અમેરિકા અને યુરોપિયન દેશોની પ્રાથમિકતા મિડલ-ઈસ્ટની આ આગને શાંત કરવાની છે.

પુતિન માટે આ કોઈ ‘લોટરી’ થી ઓછું નથી, કારણ કે હવે તેમના પર આંતરરાષ્ટ્રીય દબાણ ઘટી ગયું છે. આ ‘સુવર્ણ તક’નો લાભ ઉઠાવીને તેઓ હવે યુક્રેન વિરુદ્ધ પોતાની સૈન્ય વ્યૂહરચના વધુ આક્રમક રીતે આગળ વધારી રહ્યા છે.

અમેરિકન હથિયારો અને સંસાધનોની વહેંચણી: પહેલાં અમેરિકા તેના પુષ્કળ હથિયારો અને સૈન્ય સહાય યુક્રેન મોકલી રહ્યું હતું, પરંતુ હવે તેને તેના સૌથી જૂના મિત્ર ઇઝરાયેલની મદદ માટે પોતાનો ખજાનો ખોલવો પડ્યો છે. હવે અમેરિકાની મિસાઈલો અને આધુનિક હથિયારો યુક્રેનને બદલે મિડલ-ઈસ્ટ (ઇઝરાયેલ) મોકલવામાં આવી રહ્યા છે.

જો અમેરિકા પાસે હથિયારોનો સ્ટોક ઓછો થશે તો સ્વાભાવિક છે કે યુક્રેનને મળતી મદદ ઘટી જશે અને તેની સુરક્ષા નબળી પડી જશે. આનો સીધો ફાયદો રશિયન સેનાને થશે, જેને રોકનારું કોઈ બચશે નહીં.

પ્રતિબંધોના દબાણમાં મળેલી છૂટછાટ: સૌથી વધુ નવાઈની વાત તો એ છે કે અમેરિકાએ તેલના ભાવને વધતા રોકવા માટે પોતાના નિયમોમાં થોડી ઢીલ આપી દીધી છે. કેટલાક અહેવાલો મુજબ ઈરાનથી થતા તેલના સપ્લાય અટકવાને કારણે અમેરિકાએ આડકતરી રીતે રશિયન તેલને બજારમાં આવવાની મંજૂરી આપી દીધી છે. પુતિન માટે આ લોટરી સમાન છે, કારણ કે 2022થી રશિયાની કમાણી રોકવા માટે અમેરિકાએ જે કડક પ્રતિબંધો લગાવ્યા હતા, તેની પકડ હવે ઢીલી પડતી દેખાય છે.

વધતો જતો રાજદ્વારી પ્રભાવ: પુતિન આ સમગ્ર વિવાદનો ઉપયોગ પોતાની જાતને વિશ્વના એક મોટા અને સમજદાર નેતા તરીકે દર્શાવવા માટે કરી રહ્યા છે. રશિયાના ઈરાન સાથે તો સારા સંબંધો છે જ, સાથે-સાથે તે આ વિસ્તારના અન્ય દેશો સાથે પણ સતત વાતચીત કરી રહ્યું છે.

બીજી તરફ અમેરિકા અને તેના સાથી દેશો (NATO) વચ્ચે ઈરાન અને રશિયા સાથે કેવી રીતે પનારો પાડવો તે બાબતે અણબનાવ શરૂ થઈ ગયો છે. પુતિન આ આંતરિક ફૂટનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે અને તેમની એકતાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રશિયા કોની તરફ છે?

દેખાવ ખાતર તો રશિયા એવું દર્શાવે છે કે તે કોઈની પણ તરફ નથી અને માત્ર મધ્યસ્થી કરી રહ્યું છે, પરંતુ વાસ્તવમાં તે ઈરાન સાથે મજબૂતીથી ઉભું છે. રશિયા અને ઈરાનની મિત્રતા તથા હથિયારોની લેવડ-દેવડ ઘણી જૂની છે. જ્યારે રશિયા યુક્રેન સાથેના યુદ્ધમાં ફસાયેલું હતું, ત્યારે ઈરાને તેને ડ્રોન અને ટેકનોલોજી આપીને મોટી મદદ કરી હતી અને હવે પુતિન એ જ જૂના ઉપકારો ચૂકવી રહ્યા છે.

કહેવાય છે કે કેટલાક અહેવાલ મુજબ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈને સારવાર માટે ખાસ રશિયન વિમાન દ્વારા મૉસ્કો (રશિયા) લઈ જવામાં આવ્યા છે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે બંને દેશો હવે એકબીજાની કેટલા નજીક આવી ગયા છે.

યુદ્ધ શરૂ થતા પહેલાં રશિયાનું વલણ

યુદ્ધ શરૂ થતા પહેલાં જ રશિયાએ અમેરિકા અને તેના સાથી દેશોને ખરી-ખોટી સંભળાવી હતી. રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયે (ક્રેમલિન) વારંવાર ચેતવણી આપી હતી કે મિડલ-ઈસ્ટમાં અમેરિકા પોતાની મનમાની કરી રહ્યું છે અને તેની આ નીતિઓ સમગ્ર વિસ્તારને વિનાશ તરફ દોરી જશે.

પુતિનનું કહેવું હતું કે જ્યાં સુધી ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનનો જૂનો ઝગડો નહીં ઉકેલાય, ત્યાં સુધી ત્યાં શાંતિ નહીં સ્થપાય. રશિયાએ અમેરિકાને ‘આગ સાથે ન રમવાની’ સલાહ આપી હતી, પરંતુ અંદરખાને રશિયા જાણતું હતું કે જો ત્યાં તણાવ વધશે તો અંતે ફાયદો તેમનો જ થવાનો છે.

પુતિનને મળી રહેલા અન્ય ફાયદા અને જમીની હકીકત

જેમ-જેમ યુદ્ધ વધી રહ્યું છે, તેમ-તેમ પુતિનના હાથમાં અન્ય મોટા ‘જેકપોટ’ લાગી રહ્યા છે. હવે ઈરાન સંપૂર્ણપણે રશિયાની મુઠ્ઠીમાં આવી ગયું છે. યુદ્ધને કારણે તેને હથિયારો અને મદદ માટે રશિયાની જરૂર છે, જેનો લાભ ઉઠાવીને રશિયા હવે ઈરાનની સૈન્ય ટેકનોલોજી અને થાણાઓનો ઉપયોગ પોતાના કામ માટે કરી શકે છે.

પુતિન સમગ્ર વિશ્વને ઢોલ પીટીને જણાવી રહ્યા છે કે અમેરિકા દરેકને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યું છે. ટ્રમ્પનું નાટો દેશોને ધમકાવવું અને ચીન સાથે તેમના બગડતા સંબંધો પુતિન માટે સોનેરી તક સમાન છે. રશિયા, ચીન અને ઈરાને મળીને પોતાનું એક અલગ જૂથ બનાવી લીધું છે, જે તેલના બજાર અને ડોલરની બાદશાહતને ખતમ કરવાની તૈયારીમાં છે.

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સળગતું મિડલ-ઈસ્ટ પુતિન માટે એક એવી બાજી બની ગયું છે જ્યાં તેમના દુશ્મનો (અમેરિકા અને પશ્ચિમ) ગૂંચવાયેલા છે અને તેમની પોતાની આર્થિક તથા સૈન્ય સ્થિતિ મજબૂત થઈ રહી છે. જો આ યુદ્ધ લાંબું ખેંચાશે તો પુતિન ન માત્ર યુક્રેનમાં પોતાની સ્થિતિ મજબૂત કરશે, પરંતુ તેઓ વિશ્વના નવા શક્તિ કેન્દ્ર તરીકે પણ ઉભરી શકે છે.

આ આર્ટીકલ મૂળ હિન્દીમાં લખાયેલો છે, જે વાંચવાઅહીં ક્લિક કરો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં