
ગુજરાત સરકાર દ્વારા સરકારી જમીનો અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ જ ક્રમમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ ખાતે વહીવટીતંત્રએ મોટું ઑપરેશન હાથ ધરીને ગૌચરની જમીન પર ઊભી કરાયેલી ગેરકાયદે દરગાહ અને અન્ય દબાણોને જમીનદોસ્ત કર્યા છે.
ઝઘડિયાના ગોવાલી ગામના સર્વે નંબર 1456 અને 1457ની ગૌચરની જમીન પર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દબાણ કરીને મજહબી બાંધકામ (દરગાહ) કરવામાં આવ્યું હતું. આ અંગે સ્થાનિક ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ દબાણને કારણે ગૌચરની કિંમતી જમીન બ્લોક થઈ ગઈ હતી.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસતંત્રએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઘટનાસ્થળે SP, DySP અને મોટી સંખ્યામાં PSI સહિત પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી, મામલતદાર અને ટીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ બુલડોઝર એક્શન લેવામાં આવ્યું હતું.
અહેવાલ મુજબ વહીવટીતંત્ર દ્વારા જેસીબી (JCB) અને બુલડોઝરની મદદથી ગેરકાયદે દરગાહના પાકા બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી અને ગૌચરની જમીનને ખુલ્લી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે જે જમીન પર બાંધકામ હતું તે સરકારી રેકોર્ડ પર ગૌચર તરીકે નોંધાયેલી હતી. અહેવાલો મુજબ તંત્ર દ્વારા અગાઉ દબાણકર્તાઓને નોટિસ આપીને સ્વેચ્છાએ દબાણ હટાવવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ તેનો અમલ ન થતા આખરે બળપ્રયોગ કરવો પડ્યો હતો. આ કામગીરી દ્વારા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી કે જાહેર જમીન પર કોઈ પણ પ્રકારનું ગેરકાયદે મજહબી કે અંગત દબાણ ચલાવી લેવામાં આવશે નહીં.

