મધ્ય પ્રદેશના ધાર સ્થિત ભોજશાળા મંદિર પરિસર ફરીથી ચર્ચામાં છે. ઇસ્લામી શાસન દરમ્યાન જેમ ભારતનાં હજારો મંદિરો સાથે બન્યું તે જ રીતે અહીં પણ મંદિરનો એક ભાગ તોડીને મસ્જિદ ઊભી કરી દેવામાં આવી હતી. કમલ મૌલા મસ્જિદ કહેવાતા આ ઢાંચા પર મુસ્લિમો દાવો કરતા રહ્યા છે અને ત્યાં નમાજ પણ પઢવામાં આવે છે. બીજી તરફ પ્રાચીન સરસ્વતી મંદિર અને પાઠશાળા હોઈ હિંદુઓ પણ અહીં નિયમિત પૂજા કરતા આવ્યા છે. આ પરિસર ASI (આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયા)ના સંરક્ષણ હેઠળ આવે છે.
થોડાં વર્ષો પહેલાં મામલો કોર્ટમાં પહોંચ્યો અને આ પરિસરનો ASI પાસે વૈજ્ઞાનિક સરવે કરાવવાની માંગ ઉઠી, જેથી જાણી શકાય કે અહીં પહેલાં શું અને કેવું બાંધકામ હતું અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા છે કે કેમ. 2024માં આખરે મધ્ય પ્રદેશ હાઇકોર્ટની ઇન્દોર બેન્ચે ભોજશાળાનો ASI સરવે કરવાનો આદેશ આપ્યો. પછીથી સરવે હાથ ધરવામાં આવ્યો, સમગ્ર પરિસરની ફોટો અને વિડીયોગ્રાફી પણ થઈ. રિપોર્ટ કોર્ટને જમા કરી દેવામાં આવ્યો હતો, પણ સુપ્રીમ કોર્ટના આદેશના કારણે ખોલવામાં આવ્યો ન હતો. તાજેતરમાં આ રિપોર્ટ કોર્ટ સમક્ષ ખોલાયો અને હવે તેમાંની વિગતો બહાર આવી છે.
ઐતિહાસિક તથ્યો જોઈએ તો 1034માં પરમાર વંશના રાજા ભોજે મંદિર બનાવ્યું હતું. મંદિર માતા સરસ્વતીનું હતું એટલે અહીં પૂજાપાઠ સાથે-સાથે પાઠશાળા પણ ચાલતી. આ સ્થાન વિશ્વનું પ્રથમ સંસ્કૃત અભ્યાસ કેન્દ્ર પણ હતું. જ્યાં અધ્યાત્મ, રાજનીતિ, આયુર્વેદ, વ્યાકરણ, જ્યોતિષ, કલા, નાટક, સંગીત, યોગ, દર્શન વગેરે વિષયોનું જ્ઞાન મેળવવા માટે ભારત અને વિદેશના હજારો વિદ્વાનો આવતા હતા. આ ઉપરાંત આ શિક્ષા કેન્દ્રમાં વિમાન, જહાજો અને અન્ય ઘણાં સ્વચાલિત (ઓટોમેટિક) ઉપકરણો વિશે પણ અભ્યાસ કરવામાં આવતો હતો. એકંદરે આ એક આધુનિક યુનિવર્સિટી કક્ષાની પાઠશાળા હતી.
પછીથી જ્યારે ઇસ્લામી આક્રાન્તાઓએ ભારત પર હુમલા શરૂ કર્યા તો અનેક હિંદુ મંદિરો તોડાયાં, તેમનાં સ્વરૂપ બદલીને ત્યાં મજહબી ઢાંચા ઊભા કરી દેવાયા. 14મી સદીમાં અલાઉદ્દીન ખીલજી આવ્યો ત્યારે તેણે ભોજશાળા પર આક્રમણ કરીને ત્યાં ભણતા 1200થી વધુ હિંદુ વિદ્યાર્થીઓને બંધક બનાવી લીધા અને ઇસ્લામ કબૂલ કરવા માટે દબાણ કર્યું. દબાણને વશ ન થયા તો હત્યા કરી નાખવામાં આવી. પછીથી દિલાવર ખાન આવ્યો, તેણે 1401માં ભોજશાળાનો એક હિસ્સો તોડીને દરગાહ બાંધી દીધી. ત્યારબાદ 1514માં મહેમૂદ શાહ ખિલજીએ બાકીના ભાગમાં પણ મસ્જિદ ઊભી કરી. જે કમલ મૌલા મસ્જિદ તરીકે ઓળખાય છે. પછીથી અહીં નમાજ પઢવાનું શરૂ કરવામાં આવ્યું.
બ્રિટિશ શાસન દરમ્યાન આ પરિસરને સંરક્ષિત સ્મારક ઘોષિત કરવામાં આવ્યું. સ્વતંત્રતા બાદ 1952માં કેન્દ્ર સરકાર દ્વારા ભોજશાળાને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને સોંપવામાં આવી હતી. 12 માર્ચ 1997 પહેલાં હિંદુઓને ત્યાં દર્શન કરવાની પરવાનગી હતી, પરંતુ પૂજા કરવાની છૂટ નહોતી. જોકે, 1997માં તત્કાલીન કોંગ્રેસી મુખ્યમંત્રી દિગ્વિજય સિંઘે એક આદેશ જારી કર્યો, જેમાં મુસ્લિમોને દર શુક્રવારે ભોજશાળામાં નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી, પરંતુ હિંદુઓના પ્રવેશ પર જ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. હિંદુઓને માત્ર વસંત પંચમીના દિવસે જ ભોજશાળામાં પ્રવેશવા અને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવતી હતી.
2003માં અટલ બિહારી સરકાર વખતે બંને સમુદાયો વચ્ચેનો સંઘર્ષ રોકવા માટે ASI સાથે મળીને એક કરાર કરવામાં આવ્યો. 7 એપ્રિલ 2003ના રોજ નવા નિયમો બનાવવામાં આવ્યા જે અનુસાર મંગળવારે અને વસંત પંચમીના રોજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હિંદુઓને પૂજા કરવાની અને દર શુક્રવારે બપોરે 1 વાગ્યા સુધી મુસ્લિમોને નમાજ અદા કરવાની પરવાનગી આપવામાં આવી હતી.
વિવાદ કોર્ટમાં પહોંચ્યો અને ASI સરવેની માંગ થઈ, જે કોર્ટે સ્વીકારી. કોર્ટે ASIને એ જાણવાનો આદેશ આપ્યો કે પરિસરનો સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવામાં આવે અને એ જાણવામાં આવે કે બાંધકામો (જમીન પરનાં અને જમીનની નીચેનાં) કેટલાં વર્ષ જૂનાં છે, શું તેના મૂળ માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે કે કેમ, તેના અવશેષો શું જણાવે છે. બાંધકામ એક જ સમયે બન્યું હતું કે જુદા-જુદા સમયે થતાં રહ્યાં, મૂળ ઇમારત નીચે કોઈ અન્ય બાંધકામ છે? વગેરે બાબતો ઉપરાંત સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવા માટેનો અને બંને પક્ષોના પ્રતિનિધિઓને સાથે રાખવાનો પણ આદેશ અપાયો હતો, જેથી પારદર્શિતા જાળવી શકાય.
શું છે સરવે રિપોર્ટમાં?
સરવે માટે ASIએ મેપિંગ પદ્ધતિથી સ્થળનો ચોક્કસ નકશો તૈયાર કર્યો અને ત્યારબાદ સિસ્ટમેટિક રેકોર્ડિંગ માટે સમગ્ર માળખાને 5*5 મીટર ગ્રીડમાં વહેંચી દેવામાં આવ્યું. તમામ સ્તંભ, દીવાલો, ફરશથી માંડીને સિલીંગને ક્રમ આપવામાં આવ્યા. જમીનની નીચેના સ્ટ્રક્ચરને તપાસવા માટે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર સ્કેનિંગનો ઉપયોગ કરવામાં આવ્યો, જેથી કોર્ટના આદેશ અનુસાર માળખાને કોઈ નુકસાન કર્યા વગર નીચે દટાયેલા અવશેષોનો અભ્યાસ કરી શકાય. જ્યાં ખોદકામ થઈ શકે એમ હતું ત્યાં ખોદકામ કરીને અવશેષો મેળવવામાં આવ્યા. જે શિલા, સ્તંભો પર લખાણો મળી આવ્યાં તે પણ નોંધવામાં આવ્યાં.
ASIએ રિપોર્ટમાં જણાવ્યું છે કે પરિસર પથ્થરનું એક મોટું સ્ટ્રક્ચર છે, જે અનેક સ્તંભો પર ટકેલું છે. વચ્ચે મોટો કોર્ટયાર્ડ છે, જેની તમામ બાજુએ ગલિયારા છે. વચ્ચે એક પાણીની ટાંકી પણ છે. સ્તંભોની કુલ સંખ્યા 106 છે. 82 હાફ પિલર છે, જે દીવાલો સાથે જોડાયેલા છે. જેમાંથી અનેક સ્તંભો પર નકશીકામ થયેલું જોવા મળે છે.

ASIએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ બાંધકામ એક સમયે બન્યું ન હતું પરંતુ જુદા-જુદા સમયે જુદા-જુદા ભાગોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બાબત મૂળ ઐતિહાસિક તથ્યો સાથે મેળ ખાય છે. ઉપરાંત એ પણ જણાવાયું કે અમુક પથ્થરોનો ઉપયોગ ફરીથી કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં અનેક વખત એ સાબિત થઈ ચૂક્યું છે કે ઇસ્લામી આક્રમણો બાદ મંદિર તોડીને તેના જ ભાગોનો ઉપયોગ ત્યાં મસ્જિદ કે અન્ય મજહબી ઢાંચા બનાવવા માટે થતો હતો. આ પણ એવું જ જણાય છે.
રિપોર્ટ કહે છે કે અમુક ભાગો બદલી નાખવામાં આવ્યા હતા કે અમુક પછીથી ઉમેરવામાં આવ્યા હતા. જ્યારે હાલની જે ફરશ છે તેની નીચે અગાઉનું મૂળ બાંધકામ હતું એ હજુ પણ સ્થિત છે.
જમીન નીચે શું જોવા મળ્યું?
ASIને સરવેમાં જાણવા મળ્યું કે નીચે અનેક પ્રાચીન પથ્થરનાં બાંધકામના અવશેષો જોવા મળે છે. અમુક ખંડિત મૂર્તિઓ, તૂટેલાં શિલ્પો પણ દટાયેલાં હોવાનું જાણવા મળ્યું છે. જૂનું માળખું હજુ પણ જોવા મળે છે. આ માળખું જ મૂળ મંદિર હતું, જેની ઉપર પછીથી મસ્જિદ તાણી બાંધવામાં આવી હતી. આ તારણ એ સ્પષ્ટ નિર્દેશ કરે છે કે નવા બાંધકામ પહેલાં નીચે જૂનું બાંધકામ હતું.
સૌથી મોટો પુરાવો એ છે કે લખાણો મળી આવ્યાં એ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનાં છે. સરસ્વતી મંદિર અને ભોજશાળામાં સંસ્કૃત ભણાવાય એ દેખીતી વાત છે, કઈ મસ્જિદના સ્તંભો પર સંસ્કૃત લખાણ લખવામાં આવે? બીજું, આ લખાણોમાં પરમાર વંશ અને રાજા ભોજનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. માતા સરસ્વતી સંબંધિત લખાણો પણ છે. અમુક લખાણ ‘ૐ નમઃ શિવાય’ અને ‘ૐ સરસ્વતયૈ નમઃ’થી શરૂ થાય છે. જે 12થી 16મી સદી વચ્ચેનાં હોવાનું તારણ છે. આ સિવાય અન્ય શિલ્પો, સિક્કાઓ, ધાતુઓ, પથ્થરનાં સાધનો પણ મળી આવ્યાં છે, જે ઘણાં પ્રાચીન છે.

અમુક અરેબિક અને પર્શિયન લખાણો પણ મળ્યાં છે, પણ એ પછીથી ઉમેરવામાં આવ્યાં હોવાનું જણાય છે. એટલે કે જ્યારે મૂળ બાંધકામનું સ્વરૂપ બદલવામાં આવ્યું પછીથી આ લખાણો ઉમેરાયાં હતાં.
સરવે કર્યો ત્યારે જાણવા મળ્યું કે નવી દીવાલો બાંધવા માટે કોતરાયેલા પથ્થરોનો ઉપયોગ થયો હતો અને રેન્ડમ જગ્યાઓએ લખાણો અને શિલાલેખો ચણી દેવામાં આવ્યા હતા. અમુક નવા બાંધકામ માટે પથ્થરોને નવા આકાર અપાયા હતા.
ASIના સરવેમાં જાણવા મળ્યું કે મસ્જિદોમાં જે મિહરાબ જોવા મળે છે એ પણ આ બાંધકામમાં છે, પણ તે પણ પછીથી ઉમેરવામાં આવી હતી. છેક 1900નાં વર્ષોમાં આ ભાગ ઉમેરાયો હોવાનું જણાય છે. એટલે કે તે મૂળ બાંધકામનો ભાગ ન હતો.
ઉતાવળમાં બની હતી મસ્જિદ, કોઈ યુનિફોર્મિટી નહીં
સામાન્ય રીતે કોઈ બાંધકામ નવેસરથી ઊભું કરવામાં આવે તો પૂરતા આયોજન સાથે, વ્યવસ્થિત એક યુનિફોર્મિટી જળવાય રહે એ રીતે બનાવાય છે, પણ અહીં મંદિર તોડીને, તેના ભાગોનો ઉપયોગ કરીને ઉતાવળમાં મસ્જિદ તાણી બંધાઈ હતી એટલે આવું કંઈ જળવાયું ન હતું એવું ASIનો રિપોર્ટ જણાવે છે. જેમાં અમુક દીવાલો પર એક પ્રકારના પથ્થર હોય તો તેની બાજુની જ દીવાલે પથ્થરનો પ્રકાર બદલાઈ ગયો હોય. અમુક સ્તંભો વચ્ચે જગ્યા વધુ હોય, અમુક વચ્ચે ઓછી, દીવાલો પણ એક રેખામાં ન હોય. મિહરાબવાળો ભાગ અલગ પડતો હોય, રિપેર મટિરિયલ અલગ પડી ગયું હોય. આ સાબિતી છે કે પછીથી ઉતાવળમાં મસ્જિદ બનાવી દેવાઈ હતી.
વાસ્તવમાં ASIનો આ રિપોર્ટ વધુ એક વખત એ સાબિત કરે છે કે કઈ રીતે ભારતનાં મંદિરો, તીર્થસ્થળોને ઇસ્લામી શાસન દરમ્યાન તોડવામાં આવ્યાં અને ત્યાં મજહબી ઢાંચા બાંધી દેવાયા. જેટલાં-જેટલાં માળખાંમાં આવા સરવે થતા રહેશે ત્યાં-ત્યાં પરિણામો આ જ આવશે, કારણ કે એ જ સત્ય છે. સત્ય ક્યારેય છુપાતું નથી.


