હોમપેજદેશ18 કરોડ શ્રદ્ધાળુઓ, 1.2 લાખ રોજગાર, ₹10000 કરોડની ટૂરિઝમ રેવન્યુ… 1 વર્ષમાં...

18 કરોડ શ્રદ્ધાળુઓ, 1.2 લાખ રોજગાર, ₹10000 કરોડની ટૂરિઝમ રેવન્યુ… 1 વર્ષમાં રામ મંદિરે અયોધ્યાની અર્થવ્યવસ્થામાં ઉમેર્યા ₹4 લાખ કરોડ

સદીઓથી ભારતનાં મંદિરો માત્ર આસ્થાનાં કેન્દ્રો જ નથી રહ્યાં, પરંતુ તેમણે સ્થાનિક અર્થતંત્ર, રોજગાર અને માળખાગત સુવિધાઓને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. તિરુપતિ, વૈષ્ણો દેવી અને શિરડી જેવાં તીર્થધામો આનાં જીવંત ઉદાહરણો છે. હવે અયોધ્યા પણ આ જ પરંપરાને આગળ ધપાવતાં આધુનિક વિકાસ અને સાંસ્કૃતિક વારસાના સંગમનું નવું મોડેલ બની રહ્યું છે.

- Advertisement -

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ 2020ના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિરનો શિલાન્યાસ કર્યો અને 22 જાન્યુઆરી 2024ના રોજ શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા પણ સંપન્ન થઈ. આ ઐતિહાસિક ઘટનાએ માત્ર ભારતની સાંસ્કૃતિક ચેતનાને પુનર્જીવિત નથી કરી, પરંતુ અયોધ્યા હવે એક ધાર્મિક નગરીથી આગળ વધીને અર્થતંત્રના એક મોટા કેન્દ્ર તરીકે પણ ઉભરી રહ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના પ્રયાસોથી અયોધ્યા આજે વિકાસના પથ પર તેજીથી દોડી રહ્યું છે.

સદીઓથી ભારતનાં મંદિરો માત્ર આસ્થાનાં કેન્દ્રો જ નથી રહ્યાં, પરંતુ તેમણે સ્થાનિક અર્થતંત્ર, રોજગાર અને માળખાગત સુવિધાઓને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. તિરુપતિ, વૈષ્ણો દેવી અને શિરડી જેવાં તીર્થધામો આનાં જીવંત ઉદાહરણો છે. હવે અયોધ્યા પણ આ જ પરંપરાને આગળ ધપાવતાં આધુનિક વિકાસ અને સાંસ્કૃતિક વારસાના સંગમનું નવું મોડેલ બની રહ્યું છે.

IIM લખનૌ દ્વારા The Economic Renaissance of Ayodhya, India: A Case Study on Sri Ram Mandir શીર્ષક હેઠળ એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે રામ મંદિરના નિર્માણે અયોધ્યાનું આર્થિક ચિત્ર બદલી નાખ્યું છે.

- Advertisement -

ભારતની ટેમ્પલ ઇકોનોમી કેટલી વિશાળ છે?

‘ટેમ્પલ ઇકોનોમી’ (Temple Economy) એટલે એ તમામ આર્થિક પ્રવૃત્તિઓ જે મંદિરોને કારણે ઉદભવે છે, જેમ કે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ, તીર્થ પ્રવાસન, મંદિર વ્યવસ્થાપન, પ્રસાદ, ફૂલ-હાર, હોટલ, પરિવહન અને અન્ય સેવાઓ. ભારતમાં મંદિરો માત્ર પૂજાના સ્થળો જ નથી રહ્યાં, પરંતુ હજારો વર્ષોથી આર્થિક પ્રવૃત્તિઓના મોટા કેન્દ્રો પણ રહ્યાં છે. પ્રાચીન સમયમાં જ્યારે અર્થતંત્ર સ્થાનિક સ્તરે ચાલતું હતું ત્યારે મંદિરો આસપાસના લોકોને રોજગાર અને વેપારની તકો પૂરી પાડતાં હતાં. તીર્થયાત્રાને કારણે દુકાનદારો, કારીગરો, પૂજારીઓ, ગાઈડ અને અન્ય કામદારોને રોજગારી મળતી હતી.

વારાણસી, મદુરાઈ, પુષ્કર અને ઉજ્જૈન જેવા શહેરો આનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે. આ શહેરો કોઈ મોટા ઉદ્યોગ માટે નહીં પરંતુ તેમનાં પ્રખ્યાત મંદિરો અને તીર્થસ્થળો માટે જાણીતાં છે. મંદિરોની આસપાસ વિકસેલું આ અર્થતંત્ર સદીઓથી આ શહેરોને આર્થિક ટેકો આપી રહ્યું છે. પ્રાચીન ભારતીય ગ્રંથો જેવા કે સુપ્રભેદગમ, વિજયગમ, અનલગમ અને પ્રોદ્ગીતગમમાં પણ ઉલ્લેખ છે કે મંદિરોએ એવી સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ જે સમાજના તમામ વર્ગો, ખાસ કરીને નબળા વર્ગોને લાભ પહોંચાડે અને સંતુલિત વિકાસમાં મદદરૂપ થાય.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને અન્ય આર્થિક નિષ્ણાતોના અંદાજ મુજબ, ભારતની ટેમ્પલ ઇકોનોમી દર વર્ષે આશરે ₹3.02 લાખ કરોડથી ₹6 લાખ કરોડ સુધીનું યોગદાન આપે છે. જે દેશની કુલ GDPનો આશરે 2.3% થી 3% જેટલો હિસ્સો છે. આ સંદર્ભમાં, રામ મંદિર અયોધ્યાના અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અને શહેરને વિશ્વના પ્રમુખ તીર્થસ્થળોની યાદીમાં સામેલ કરી રહ્યું છે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 5 ફેબ્રુઆરી 2020થી 5 ફેબ્રુઆરી 2025 દરમિયાન સરકારને ટેક્સ પેટે આશરે ₹400 કરોડ ચૂકવ્યા છે. જેમાં ₹270 કરોડ GST અને ₹130 કરોડ અન્ય ટેક્સનો સમાવેશ થાય છે. માત્ર રામ મંદિરના નિર્માણથી જ સરકારને આશરે ₹400 કરોડની GST આવક થવાનો અંદાજ છે.

કરોડો શ્રદ્ધાળુઓના આગમનથી વધતો આર્થિક પ્રભાવ

અયોધ્યામાં શ્રીરામ મંદિરના ઉદ્ઘાટન બાદ આર્થિક પ્રવૃત્તિઓનો પ્રભાવ અનેકગણો વધી ગયો છે. ધાર્મિક પર્યટને અહીં પરિવહન, હોટલ, ભોજન, વેપાર અને ‘દાન અર્થતંત્ર’ને અભૂતપૂર્વ ગતિ આપી છે. IIM લખનૌના અહેવાલ મુજબ, જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 દરમિયાન અયોધ્યામાં 13.77 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા, જે વર્ષના અંત સુધીમાં 16 થી 18 કરોડ સુધી પહોંચવાનો અંદાજ હતો.

જો આ આંકડાઓની તુલના કરવામાં આવે તો ખ્રિસ્તીઓના સૌથી મોટા તીર્થસ્થળ વેટિકનમાં દર વર્ષે આશરે 0.9 કરોડ અને મુસ્લિમોના મક્કામાં અંદાજે 2 કરોડ લોકો પહોંચે છે. અયોધ્યા અન્ય ઘણાં ધાર્મિક સ્થળોને પાછળ છોડીને એક વિશાળ તીર્થસ્થળ બનવા જઈ રહ્યું છે, જેનાથી 2025-26 સુધીમાં દર વર્ષે પ્રવાસન દ્વારા 100 બિલિયન ડોલરથી (₹8.40 લાખ કરોડથી વધુ) વધુની આવક થઈ શકે છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના (SBI) એક સંશોધન મુજબ, નાણાકીય વર્ષ 2024માં માત્ર અયોધ્યા સાથે જોડાયેલી તીર્થયાત્રા અને તેને સંબંધિત પ્રવૃત્તિઓથી ₹4 લાખ કરોડથી વધુનું આર્થિક ઉત્પાદન (Economic Output) થવાનો અંદાજ હતો. એટલે કે રામ મંદિરને કારણે અહીં આવતા શ્રદ્ધાળુઓ દ્વારા પર્યટન, હોટલ, દુકાનો અને પરિવહન જેવી સેવાઓથી ખૂબ જ મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે.

મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક જ દિવસમાં ₹3 કરોડથી વધુની ભેટ ચઢાવવામાં આવી હતી. આ દર્શાવે છે કે શ્રદ્ધાળુઓની આસ્થાની સાથે અહીં મોટી આર્થિક ગતિવિધિ પણ જોડાયેલી છે. નાણાકીય વર્ષ 2025માં ઉત્તર પ્રદેશ સરકારને ₹25,000 કરોડ સુધીની વધારાની ટેક્સ આવક મળવાની શક્યતા છે. આ આવકનો ઉપયોગ રાજ્યના વિકાસ કાર્યોમાં કરી શકાશે.

અયોધ્યામાં હોટલ અને લોજિંગ ક્ષેત્રનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. 150થી વધુ હોટલ અને લોજ વિવિધ તબક્કામાં બની રહ્યાં છે અથવા તૈયાર થઈ ચૂક્યાં છે. તાજ હોટલ્સ, રેડિસન અને OYO જેવી બ્રાન્ડ્સ પણ અહીં પોતાની હાજરી વધારી રહી છે. વર્ષ દરમિયાન હોટલોમાં સરેરાશ 60%થી 70% રૂમ ભરાયેલા રહે છે, જે તહેવારોમાં 100% સુધી પહોંચી જાય છે. ડોમિનોઝ અને પિઝા હટ જેવી આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઈન્સે પણ અયોધ્યામાં પોતાના આઉટલેટ શરૂ કર્યાં છે, જેનાથી સ્થાનિકોને રોજગારી મળી રહી છે.

રોજગાર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઐતિહાસિક ઉછાળો

અહેવાલ મુજબ રામ મંદિર નિર્માણ પરિયોજનાથી પ્રત્યક્ષ રીતે 1,000થી વધુ લોકોને રોજગારી મળી છે, જેઓ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. એટલે કે મંદિરનું સંચાલન, સુરક્ષા, વહીવટ અને અન્ય કાર્યોમાં એક હજારથી વધુ લોકો નિયમિતપણે કામ કરી રહ્યા છે. નિર્માણ કાર્ય દરમિયાન આ સ્થિતિ વધુ વ્યાપક હતી; મંદિરના નિર્માણ કાર્યમાં વિવિધ તબક્કે 50,000થી વધુ શ્રમિકો જોડાયા હતા. જેમાં કડિયા, એન્જિનિયરો, પથ્થર કંડારનારા કારીગરો, ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકો અને અન્ય મજૂરોનો સમાવેશ થાય છે, જેનાથી હજારો પરિવારોની આવકમાં વધારો થયો છે.

મંદિરના નિર્માણ બાદ માત્ર પ્રત્યક્ષ જ નહીં, પરંતુ અપ્રત્યક્ષ રોજગારીમાં પણ ઝડપથી વધારો થયો છે. પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે મળીને અંદાજે 1.2 લાખ નવી નોકરીઓનું સર્જન થયું છે. આ નોકરીઓ મુખ્યત્વે હોટલ અને પર્યટન, હસ્તકલા અને ધાર્મિક વસ્તુઓનો વેપાર, સ્થાનિક પરિવહન અને ટૂર ગાઈડ સેવાઓ વગેરે ક્ષેત્રોમાં ઊભી થઈ છે.

જમીનના ભાવમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2020 પહેલાં અહીં જમીનની કિંમત ₹400થી ₹800 પ્રતિ ચોરસ ફૂટની વચ્ચે હતી. પરંતુ 2024 સુધીમાં આ કિંમત વધીને ₹4,000થી ₹10,000 પ્રતિ ચોરસ ફૂટ સુધી પહોંચી ગઈ છે. એટલે કે માત્ર ચાર વર્ષમાં આશરે દસ ગણો વધારો થયો છે, જેના કારણે અયોધ્યા રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

ધાર્મિક સામગ્રી વેચતા દુકાનદારોના વેચાણમાં મોટો વધારો થયો છે. ખાસ કરીને GI ટેગ ધરાવતા અયોધ્યાના બેસનના લાડુ બનાવનારાઓ અને સ્થાનિક હસ્તકલાના કારીગરોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. તીર્થયાત્રીઓની સંખ્યા વધતા આ ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે. ઘણા નાના વિક્રેતાઓએ 2024માં ₹5 લાખથી વધુની કમાણી કરી છે, જે અગાઉની સરખામણીએ ઘણી વધારે છે.

રોડ, રેલવે અને એરપોર્ટ: અયોધ્યાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર

સરકારે અયોધ્યાને એક આધુનિક અને વિશ્વસ્તરીય આધ્યાત્મિક નગરી બનાવવા માટે ‘અયોધ્યા માસ્ટર પ્લાન 2031′ હેઠળ ₹85,000 કરોડથી વધુના રોકાણનો પ્રસ્તાવ મૂક્યો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય માત્ર મંદિર વિસ્તારનો વિકાસ કરવાનો જ નથી, પરંતુ સમગ્ર શહેરને આયોજનબદ્ધ રીતે વિકસાવવાનો છે, જેથી આગામી વર્ષોમાં વધતી જતી વસ્તી અને તીર્થયાત્રીઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળી શકે.

આ યોજનામાં નવા રસ્તાઓ, શ્રેષ્ઠ ડ્રેનેજ સિસ્ટમ (જલ નિકાસ), સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ, આધુનિક બસ ટર્મિનલ, પાર્કિંગ ઝોન અને શહેરી સુવિધાઓના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. ટૂંકમાં, અયોધ્યાને એક સુવ્યવસ્થિત અને સ્વચ્છ શહેર તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, રસ્તાઓ, એરપોર્ટ અને રેલવે સ્ટેશનોનો પણ સર્વાંગી વિકાસ કરવામાં આવ્યો છે.

ડિસેમ્બર 2023થી કાર્યરત થયેલ મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અયોધ્યાની કનેક્ટિવિટીમાં મોટું પરિવર્તન લાવ્યું છે. નાણાકીય વર્ષ 2025 માં આ એરપોર્ટ પર 1.1 કરોડથી વધુ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી, જે અગાઉના વર્ષોની સરખામણીએ 423%નો ધરખમ વધારો દર્શાવે છે. આગામી સમયમાં આ એરપોર્ટની ક્ષમતા વધારીને વાર્ષિક 10 કરોડ મુસાફરો સુધી લઈ જવાની યોજના છે.

રેલવે અને રોડ કનેક્ટિવિટી

રેલવે સ્ટેશનનું પુનઃનિર્માણ કરીને તેને ભવ્ય ડિઝાઇન, આધુનિક વેઇટિંગ રૂમ, એસ્કેલેટર અને લિફ્ટ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. નવા એક્સપ્રેસ-વે અને પહોળા રસ્તાઓએ અયોધ્યાને લખનૌ, વારાણસી, પ્રયાગરાજ અને ગોરખપુર સાથે સીધું જોડી દીધું છે. આનાથી મુસાફરીનો સમય ઘટ્યો છે અને વેપાર તેમજ લોજિસ્ટિક્સ પ્રવૃત્તિઓને પણ વેગ મળ્યો છે.

2021 પહેલાની અયોધ્યા અને 2025ની અયોધ્યા વચ્ચેનો તફાવત હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. 2021 પહેલા શહેરમાં માત્ર 500 ઈ-રિક્ષા હતી, જે 2025 સુધીમાં વધીને 17,000 થઈ ગઈ છે. જે દર્શાવે છે કે લોકોની અવરજવરમાં જબરદસ્ત વધારો થયો છે. હોટલ ઉદ્યોગમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે, જ્યાં પહેલા માત્ર 20 હોટલ હતી, ત્યાં 2025માં તેમની સંખ્યા 200 સુધી પહોંચી ગઈ છે, જેમાં 5-સ્ટાર હોટલોનો પણ સમાવેશ થાય છે. બેંકિંગ સેવાઓ 15થી વધીને 60 થઈ ગઈ છે, જે વધતી આર્થિક પ્રવૃત્તિઓ અને રોકાણનો સંકેત આપે છે.

ઈલેક્ટ્રોનિક્સની દુકાનોની સંખ્યા 108થી વધીને 401 થઈ ગઈ છે. પેટ્રોલ/CNG પંપની સંખ્યા 50થી ઓછી હતી જે વધીને 7થી વધુ થઈ ગઈ છે, જે વાહનો અને પરિવહનના વિસ્તારને દર્શાવે છે. સાથે જ, સ્ટ્રીટ વેન્ડર્સની (ફેરીયાઓ) સંખ્યા 500થી વધીને લગભગ 2,000 થઈ ગઈ છે, જેનાથી નાના વેપાર અને સ્વરોજગારમાં ચાર ગણો ઉછાળો જોવા મળે છે. એકંદરે, 2021ની તુલનામાં 2025ની અયોધ્યા વધુ સક્રિય, વધુ વ્યાપારી અને ઘણી વધુ ઝડપથી વિકસતી નજરે પડે છે.

આ આંકડાઓ દર્શાવે છે કે શહેરમાં અવરજવર, રોકાણ, બેંકિંગ પ્રવૃત્તિઓ અને સ્વરોજગારમાં અનેકગણો ઉછાળો આવ્યો છે. ખાસ કરીને નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સની સંખ્યામાં થયેલો ચાર ગણો વધારો સામાન્ય માણસની આર્થિક સ્થિતિમાં સુધારાનો સંકેત છે.

આસપાસના જિલ્લાઓ પર પ્રભાવ

અયોધ્યાના વિકાસની અસર માત્ર શહેર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની સકારાત્મક અસર પડોશી જિલ્લાઓ પર પણ પડી રહી છે. ફૈઝાબાદ, બસ્તી, સુલતાનપુર, અમેઠી, લખનૌ અને ગોરખપુર જેવા વિસ્તારોમાં આર્થિક ગતિવિધિઓ તેજ થઈ છે. આ ક્ષેત્રોમાં હોટલ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓની સંખ્યા વધી રહી છે, સાથે જ લોજિસ્ટિક્સ હબ અને પરિવહન સેવાઓનું પણ વિસ્તરણ થયું છે.

આ તમામ આર્થિક પ્રવૃત્તિઓ પરથી સ્પષ્ટ થાય છે કે મોદી અને યોગી સરકારનો હેતુ માત્ર અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સુધી મર્યાદિત નથી. બંને સરકારો અયોધ્યાને એક મોટા વિઝન હેઠળ વિકસાવી રહી છે. જ્યારે વિશ્વના નકશા પર મોટાં તીર્થસ્થળોનો ઉલ્લેખ કરવામાં આવશે ત્યારે અયોધ્યાનું નામ ટોચનાં સ્થાનોમાં સામેલ હોય તેવી સંપૂર્ણ તૈયારી સરકારો કરી રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં