બુધવારથી (28 જાન્યુઆરી) સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ. પરંપરાને જાળવી રાખતાં રાષ્ટ્રપતિના અભિભાષણથી સંસદ સત્રની શરૂઆત થઈ. હવે આગલા તબક્કામાં 1 ફેબ્રુઆરીએ (રવિવાર) કેન્દ્રીય નાણાંમંત્રી વાર્ષિક બજેટ રજૂ કરશે. બજેટ રજૂ થાય એ પહેલાં 29 જાન્યુઆરીએ સંસદમાં સરકાર આ બજેટની દિશા નક્કી કરતો ‘ઇકોનોમિક સરવે’ રજૂ કરશે.
આ આર્થિક સરવે શું છે એ જાણીએ.
સરળ શબ્દોમાં કહીએ તો આર્થિક સરવે એ જણાવે છે કે દેશનું અર્થતંત્ર હાલ કઈ સ્થિતિમાં છે. બજેટમાં ત્યારે આગામી વર્ષમાં સરકાર કયા ક્ષેત્રમાં કેટલો ખર્ચ કરશે તેની વિગતો હોય છે. પરંતુ ખર્ચ કરવો હોય તો પહેલાં વર્તમાન સ્થિતિ જાળવી પડે. કયા ક્ષેત્રમાં આર્થિક સ્થિતિ કેવી છે એ જાણવું પડે. તો જ આગળ ખર્ચ ક્યાં કેટલો કરવો તેનો ખ્યાલ આવે. એના માટે બજેટ પહેલાં ઇકોનોમિક સરવે રજૂ કરવામાં આવે છે.
ઇકોનોમિક સરવે નાણાં મંત્રાલય હેઠળ આવતો આર્થિક મામલાનો વિભાગ તૈયાર કરે છે અને મોટેભાગે મુખ્ય આર્થિક સલાહકાર અને તેમની ટીમ દ્વારા અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. આ ટીમમાં અર્થશાસ્ત્રીઓ હોય છે.
સરવેનો મૂળ ઉદ્દેશ્ય એ જાણવાનો અને જણાવવાનો છે કે અર્થતંત્રએ ગયા વર્ષે કેવું પ્રદર્શન કર્યું, કેવા પડકારોનો સામનો કરવો પડ્યો અને હવે આગળ શું તકો છે. સરવેમાં ડેટા, વિશ્લેષણ, ટ્રેન્ડ સહિત અર્થવ્યવસ્થાના લગભગ દરેક પાસાંને આવરી લેવામાં આવે છે.
ઇકોનોમિક સરવેમાં શું આવરી લેવામાં આવે છે?
GDP ગ્રોથ કેટલો રહ્યો, મોંઘવારી અને ફુગાવાનો દર શું હતો, રોજગારી અને નોકરી સર્જન કેટલું અને કેવું રહ્યું, કૃષિની શું સ્થિતિ છે, ગ્રામ્ય અર્થવ્યવસ્થા ક્યાં છે, મેન્યુફેક્ચરિંગ અને ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથની સ્થિતિ શું છે, સર્વિસ સેક્ટરનું પ્રદર્શન કેવું રહ્યું, દેશ ઇમ્પોર્ટ-એક્સપોર્ટની દૃષ્ટિએ ક્યાં છે અને તેમાં શું સુધારા-વધારા થયા, બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરની સ્થિતિ શું છે, સરકારી ખર્ચની શું સ્થિતિ છે, ક્લાયમેટ ચેન્જથી માંડીને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આગળ શું પડકારો આવી શકે– આ તમામ બાબતો ઇકોનોમિક સરવેમાં આવરી લેવામાં આવે છે.
ઇકોનોમિક સરવે એક પ્રકારે વિશ્લેષણ કરતો દસ્તાવેજ છે, તેમાં કોઈ નવી નીતિ નક્કી કરવામાં આવતી નથી કે ટેક્સના દરોની કોઈ વાત થતી નથી. એ બધું કામ બજેટનું છે.
સરવેનો મૂળ ઉદ્દેશ્ય જ એ છે કે ગત વર્ષે અર્થતંત્રની શું સ્થિતિ રહી તેનો ચિતાર આપવામાં આવે. જેનાથી અર્થતંત્રની શક્તિઓ શું છે અને નબળાઈઓ શું છે એ પણ જાણવા મળે. અમુક નીતિગત સુધારાઓ સૂચવવામાં આવી શકે, જે સંપૂર્ણપણે ડેટા પર આધારિત હોય છે. ઉપરાંત આવનાર બજેટમાં કઈ કઈ બાબતોને પ્રાથમિકતા અને પ્રાધાન્ય આપવાં એ પણ સરવે પરથી જાણવા મળે છે.
બજેટ પહેલાં આપે છે અમુક પ્રશ્નોના જવાબ
બજેટ રજૂ કર્યા પહેલાં દેશની આર્થિક સ્થિતિ વિશે સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે. સરવે એ જ જાણકારી આપવાનું કામ કરે છે. જેમાંથી અનેક પ્રશ્નોના જવાબ પણ મળી રહે, જેમકે દેશમાં પાછળના વર્ષમાં થયેલો ગ્રોથ સાચો છે કે સરકારી ખર્ચના કારણે થાય છે, લોકો ખર્ચ વધુ કરે છે કે બચત વધુ કરી રહ્યા છે, મોંઘવારીની અસર લોકો પર પડી રહી છે, કંપનીઓ રોકાણ કરી રહી છે કે હાલ રાહ જોવાની સ્થિતિમાં છે, વસ્તીના દર પ્રમાણે શું નોકરીનું સર્જન થઈ રહ્યું છે– આ બધા પ્રશ્નોના જવાબ પણ સરવેમાંથી મળી રહે છે.
બીજું, સરવેમાં માત્ર આંકડાઓ નથી હોતા, પણ તેની પાછળનું ગણિત પણ હોય છે. જેમકે ફુગાવો વધે તો તેની પાછળના કારણની ચર્ચા કરવામાં આવે છે કે એ ફૂડ પ્રાઇસના કારણે છે, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ થવાના કારણે છે કે ડોમેસ્ટિક સપ્લાયની સમસ્યા છે. એ જ રીતે ગ્રોથ ધીમો પડે તો તેનું પણ વિશ્લેષણ થાય છે કે તે શું ઓછા એક્સપોર્ટના કારણે છે, ઓછા ખાનગી રોકાણના કારણે છે કે આમાં કોઈ વૈશ્વિક બાબતો જોડાયેલી છે. આવું જ ટેક્સ કલેક્શનનું છે. જો કલેક્શન વધ્યું તો તેનાં કારણોની પણ ચર્ચા થાય છે કે આખરે આ આંકડાઓ ક્યાંથી આવ્યા. જેથી સમજનારાઓને અંગ્રેજીમાં જેને ડોટ કનેક્ટ કરવું કહે તેમાં સરળતા થઈ પડે છે.
અર્થશાસ્ત્ર જાણનારાઓ કહે છે કે ઇકોનોમિક સરવે સરકારનું દિમાગ દર્શાવે છે. ઘણી વખત સરવે પરથી સરકાર કઈ દિશામાં અને શું વિચારી રહી છે તેનો ખ્યાલ આવી જાય. પાછલાં વર્ષોમાં સરવે મોટેભાગે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ થકી ગ્રોથ, ઉત્પાદનમાં વધારો, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વગેરે પર ભાર મૂકતા રહ્યા છે. આ જ બાબતો પછીથી બજેટમાં પણ જોવા મળે છે.
બજેટ અને સરવેમાં શું તફાવત છે?
ઘણાને બજેટ અને ઇકોનોમિક સરવેમાં કન્ફ્યુઝન થાય છે. બંને એક દિવસના અંતરે સંસદમાં રજૂ થાય છે અને વાર્ષિક ધોરણે વર્ષમાં એક જ વખત આવે છે, પણ બંનેનું કામ જુદું છે. પહેલાં આવતો સરવે એ દર્શાવે છે કે ગયા વર્ષે શું થયું, આજે આપણે ક્યાં છીએ અને કયા પડકારો છે જેની ઉપર ધ્યાન આપવાની જરૂર છે. બીજી તરફ, બજેટ દર્શાવે છે કે હવે પછી પૈસાનો ખર્ચ ક્યાં થશે, કેટલો થશે અને રેવન્યુ કઈ રીતે વધશે. પહેલાં સરવે એટલા માટે લાવવામાં આવે જેથી સંસદ, નીતિનિર્ધારકો, નાગરિકો પાસે આર્થિક બાબતોની પૂરતી પૃષ્ઠભૂમિ હોય અને બજેટમાં લેવામાં આવેલા નિર્ણયો તેઓ સરળતાથી સમજી શકે.
આમ તો આર્થિક સરવે માટે સરકાર કાયદાકીય રીતે બધી હોતી નથી. સરકાર તેની ભલામણો સ્વીકારી પણ શકે, ન પણ સ્વીકારે. જોકે એક જ મંત્રાલય, એક જ સરકારમાંથી બંને ડોક્યુમેન્ટ તૈયાર થાય છે એટલે સંઘર્ષની કોઈ ગુંજાઈશ રહેતી નથી. મોટેભાગે સરવે બજેટ માટે પ્રાથમિકતાઓ નક્કી કરવામાં, નીતિઓ ઘડવામાં મદદરૂપ થતા હોય છે.


