આ દેશમાં, આ દુનિયામાં કે આ રાજ્યમાં મુસ્લિમ આતંકવાદનું અસ્તિત્વ છે એવું તમે કહી શકો છો. સમુદાય વિશેષ પ્રત્યે દ્વેષ હોય એટલે નહીં, તેના પુરાવા છે એટલે. દેશ-દુનિયામાં ઇસ્લામના નામે, ઈસ્લામિક જેહાદના નામે આતંકવાદી કૃત્યો થયાં હોય એવી ઢગલેબંધ ઘટનાઓ જોવા મળશે, મળતી રહે છે. બીજી તરફ હિંદુ આતંકવાદ જેવું કશું નથી, હિંદુ ક્યારેય આતંકવાદી નથી હોતો એવું પણ તમે કહી શકો છો. ક્યારેય કોઈ હિંદુએ ધર્મના નામે જાહેર જગ્યાએ જઈને બૉમ્બ બ્લાસ્ટ કર્યો હોય, આત્મઘાતી હુમલો કર્યો હોય, કોઈ પર્યટન સ્થળે જઈને તેમને ધર્મ પૂછીને ગોળીએ દીધા હોય એવો કિસ્સો બન્યો નથી.
આજે આપણે ‘હિંદુ આતંકવાદ’ જેવું કશું નથી એમ કહી શકીએ છીએ. પણ બે દાયકા પહેલાં, સુવ્યવસ્થિત રીતે, તત્કાલીન શાસનવ્યવસ્થાના હસ્તક્ષેપથી હિંદુઓને પણ આતંકવાદી ચીતરવાના પ્રયાસો થયા હતા એવું પાછળનાં વર્ષોમાં જઈએ તો જાણવા મળે છે. એક તરફ છાશવારે દેશમાં આતંકવાદી ઘટનાઓ બનતી હતી અને આવી દરેક ઘટનામાં મુસ્લિમ આતંકવાદીઓ પકડાતા હતા. આ જ સમયે ‘આતંક કા મજહબ નહીં હોતા’વાળી ગેંગ સક્રિય થઈ અને ‘આતંકવાદ’ના કેન્દ્રમાંથી મજહબ દૂર કરવાના પ્રયાસો થયા, જેથી કહી શકાય કે આતંકવાદનું પણ ચોરી જેવું છે. ચોરી હિંદુ પણ કરે છે અને મુસ્લિમ પણ. એ જ રીતે આતંકવાદી હિંદુ પણ હોય અને મુસ્લિમ પણ. (આપણા) સદભાગ્યે આ થિયરી ક્યારેય સ્થાપિત થઈ શકી નહીં. તેનાં અનેક કારણો છે. તેની પાછળ અનેક વ્યક્તિઓનાં પરિશ્રમ અને યોગદાન છે. તેઓ ન હોત કે અમુક ઘટનાઓ જેવી બની તેના કરતાં થોડી જુદી બની હોત તો આજે આપણને આતંકવાદી ચીતરી દેવાયા હોત.
આવી વ્યક્તિઓનાં નામની યાદી લાંબી છે. આજે યાદ કરીએ આર. વી. એસ. મણિને. રામાસ્વામી વેંકટ સુબ્રમણિ એક દાયકા અગાઉ નિવૃત્ત થયા તે પહેલાં કેન્દ્ર સરકારમાં કર્મચારી હતા. અનેક વિભાગોમાં ફરજ બજાવ્યા પછી 2006માં તેમનું પોસ્ટિંગ ગૃહ વિભાગમાં થયું. ત્યાં તેઓ અન્ડર સેક્રેટરી હતા. હાયાર્કી જોઈએ તો આ પાંચમું-છઠ્ઠું પદ આવે. અન્ડર સેક્રેટરી ડેપ્યુટી સેક્રેટરી કે ડાયરેક્ટરના હાથ નીચે કામ કરતા હોય. મણિસાહેબ ગૃહ વિભાગના ઇન્ટર્નલ સિક્યુરિટી (આંતરિક સુરક્ષા) વિભાગમાં કાર્યરત હતા.
2006-10નો એ સમય હતો જ્યારે ભારત આંતરિક સુરક્ષાની દૃષ્ટિએ ઘણુંખરું ડામાડોળ રહ્યું. અનેક બૉમ્બ ધડાકા થયા. 2008નો મુંબઈ આતંકવાદી હુમલો પણ થયો. બીજી પણ અનેક ઘટનાઓ બની. આ જ સમય દરમ્યાન ‘હિંદુ આતંકવાદ’ની થિયરીને સીધું સત્તા તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ આખું ષડ્યંત્ર શું હતું, કઈ રીતે ઘડાયું, તેમાં કોણ-કોણ સામેલ હતા– આ બધું આર. વી. એસ મણિએ ગૃહ વિભાગમાં રહેતાં નજરે જોયું. માત્ર જોયું નહીં, પછીથી આ તમામને ઉઘાડા પાડ્યા.
2018માં તેમનું એક પુસ્તક આવ્યું– ‘ધ મિથ ઑફ હિંદુ ટેરર: એન ઇનસાઈડ અકાઉન્ટ ઑફ મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સ.’ જે-તે સમયે હિંદુ ટેરરની તદ્દન ખોટી થિયરીને આગળ ધપાવવાના કેવા-કેવા પ્રયાસો સરકાર સ્તરે થયા હતા, કોંગ્રેસની ઈકોસિસ્ટમ તેમાં કેવી રીતે જોતરાયેલી હતી એ સમજવા માટેનું શ્રેષ્ઠ પુસ્તક છે. ગુજરાતીઓ પુસ્તકથી સાવ અજાણ હોય એમ પણ નથી. ઑપઇન્ડિયાના કૉલમિસ્ટ, સંનિષ્ઠ રાષ્ટ્રવાદી પત્રકાર સૌરભ શાહે 2019માં આ જ પુસ્તક પર આધારિત તેર જેટલા લેખોની શ્રેણી ચલાવી હતી, જે ખાસ્સી વંચાઈ હોવાનું એક વાચક તરીકે યાદ છે.
આર.વી.એસ મણિની દિગ્વિજય સિંઘ-હેમંત કરકરે સાથેની મુલાકાત અને ‘હિંદુ ટેરર’ની થિયરીનાં બીજ રોપાવાની ઘટના
‘હિંદુ આતંકવાદ’વાળી થિયરીનું મૂળ ક્યાં તેની ચર્ચા કરતાં આર.વી.એસ મણિ અમુક ઘટનાઓ યાદ કરાવે છે. 2005-06નો સમય હતો જ્યારે દેશમાં અનેક ઠેકાણે બૉમ્બ ધડાકા થયા હતા. માર્ચ 2006માં વારાણસીના હનુમાન મંદિરે એક બ્લાસ્ટ થયો. તે પહેલાં ડિસેમ્બર 2005માં બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ખાતે યોજાયેલી કૉન્ફરન્સમાં બ્લાસ્ટ થયો હતો. ઑક્ટોબર 2005માં દિલ્હીમાં દિવાળી પર અમુક બ્લાસ્ટ થયા. આ તમામ ઘટનાઓમાં પકડાયેલા આરોપીઓ મુસ્લિમો હતા. મણિસાહેબ લખે છે, ‘આવી ઘટનાઓ પછી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે દરેક મુસ્લિમ આતંકવાદી નથી હોતો, પણ દરેક આતંકવાદી મુસ્લિમ હોય છે.’
મે 2006માં, 30-31 મે ટૂ બી પ્રિસાઇઝ, પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બંને દેશના ગૃહ વિભાગો વચ્ચે ‘હાઈ લેવલ સેક્રેટરી ટૉક્સ’ યોજાઈ હતી. (ભૂતકાળની UPA સરકારોમાં આપણે આ રીતે પાકિસ્તાન સાથે વાતચીતો કરતા રહેતા અને હુમલાઓ થાય પછી એકબીજાને ડોઝિયરની આપ-લે કરતા રહેતા. હવે મોદી આવ્યા પછી આપણે રાફેલ અને બ્રહ્મોસ મોકલીએ છીએ. તેમનાં ખખડધજ ચીની ડ્રોન સરહદ પાર કરવાની ગુસ્તાખી કરે તો તેના માટે એસ-400 તૈયાર રાખીએ છીએ. આટલો ફેર પડ્યો આટલાં વર્ષોમાં.)
ખેર, આ વાતચીત માટે ભારતના ગૃહ વિભાગના ઇન્ટર્નલ સિક્યુરિટી વિભાગના અધિકારીઓ, ઇન્ટેલિજન્સ અધિકારીઓ, CBI, નાર્કોટિક્સ વગેરેના અધિકારીઓ ઈસ્લામાબાદ હતા. 29 મેએ તેઓ રવાના થયા અને 1 જૂને પરત ફરવાના હતા. આ જ એક જૂને નાગપુરના RSS મુખ્યમથક પર એક હુમલો થયો.
ઘટના બની ત્યારે આર.વી.એસ મણિ દિલ્હીમાં કાર્યસ્થળે હાજર હતા, પણ તેમના ઉપરીઓ મોટાભાગના ઇસ્લામાબાદમાં હતા. આ જ સમયે તેમને તેડું આવ્યું તત્કાલીન ગૃહ પ્રધાન શિવરાજ પાટિલના કાર્યાલયેથી. સામાન્ય રીતે અન્ડર સેક્રેટરીનું સીધું કામ ગૃહ પ્રધાનને ન પડે, પણ આ સંજોગો અલગ હતા એની ચર્ચા ઉપર કરી.
મણિ કહે છે કે તેઓ ગૃહ પ્રધાનની કેબિનમાં પ્રવેશ્યા ત્યારે ત્યાં બીજી બે વ્યક્તિઓ હાજર હતી: એક રાજકારણી અને એક પોલીસ અધિકારી. રાજકારણી હતા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંઘ અને પોલીસ અધિકારી હતા હેમંત કરકરે. કરકરે પછીથી મુંબઈ ATSના ચીફ બન્યા. 26/11ના હુમલામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૃત્યુ પામ્યા.
આર.વી.એસ કહે છે કે, “મને કરકરેએ આ તમામ આતંકવાદી હુમલાઓ વિશે પૂછવાનું શરૂ કર્યું. કેટલા હુમલાઓ થયા, ક્યાં થયા, તેમાં કેટલા લોકો પકડાયા અને તપાસ કેટલે પહોંચી. ત્યારપછી દિગ્વિજય સિંઘે પણ અમુક માહિતી મેળવી. આ દરમ્યાન ગૃહ પ્રધાન સદંતર ચૂપ રહ્યા કે ન ચર્ચામાં બહુ હસ્તક્ષેપ કર્યો.”
ત્યારબાદ મણિ લખે છે, “મંત્રીના રૂમમાં આ બંને વ્યક્તિઓ સાથેની ચર્ચામાં મને એટલું સમજાય ગયું કે તેઓ એ બાબતથી બહુ નાખુશ હતા કે મોટેભાગના આતંકવાદી હુમલાઓમાં એક ચોક્કસ સમુદાય સામેલ છે. મુસ્લિમો આતંકવાદી હુમલાઓમાં સામેલ છે એ બાબત તેમને કઠતી હોય એમ જણાયું. એટલું જ નહીં જે રીતે માહિતી માગવામાં આવી રહી હતી… તેમાં સતત નાંદેડ, બજરંગ દળ વગેરેનો ઉલ્લેખ આવતો હતો.”
મણિ અહીં લખે છે કે ગૃહ પ્રધાનની કેબિનમાં હાજર આ નેતા-પોલીસ વચ્ચે ગાઢ સંબંધ હોય એમ મને જણાયું અને પ્રશ્ન એ પણ થયો કે એક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીને પાડોશી રાજ્યના એક પોલીસ અધિકારી સાથે શું લાગે-વળગે? મજાની વાત એ છે કે તેના થોડા જ દિવસો પછી તથાકથિત ‘હિંદુ આતંકવાદ’નો એક કેસ આવી ગયો.
આર.વી.એસ. મણિ લખે છે કે ‘હિંદુઓ પણ આતંકવાદી છે’ એવી થિયરીનાં બીજ અહીંથી રોપાયાં અને સૌથી પહેલો કેસ આવ્યો નાંદેડનો. એક ગૃહ વિભાગના અધિકારી તરીકે તેઓ પુસ્તકમાં લખે છે કે ત્યાં સુધી અમને (ગૃહ વિભાગના ઇન્ટર્નલ સિક્યુરિટી વિભાગને) જાણ જ ન હતી કે આવી કોઈ ઘટના નાંદેડમાં બની છે. પછીથી જાણવા મળ્યું કે થોડા સમય પહેલાં આવું કશુંક બન્યું હતું.
નાંદેડ, માલેગાંવ, સમજૌતા એક્સપ્રેસ
એપ્રિલ 2006માં નાંદેડમાં બ્લાસ્ટ થયો તેમાં અમુક હિંદુઓને પકડવામાં આવ્યા. પછીથી સપ્ટેમ્બર 2006માં માલેગાંવમાં બ્લાસ્ટ થયો. શરૂઆતમાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ઇસ્લામિક જૂથ અહ્લ-એ-હદીસનું આ કામ હતું. આર.વી.એસ મણિએ પોતે નાશિકના જિલ્લા પોલીસ વડા પાસેથી માહિતી મેળવી હતી અને તેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે આરોપીઓ પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન SIMIના માણસો હતા.
ફેબ્રુઆરી 2007માં સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ થયો. જેની જવાબદારી કરાચીના એક આતંકવાદી સંગઠને લીધી હતી. મે 2007માં હૈદરાબાદની મસ્જિદમાં બ્લાસ્ટ થયો. તેમાં ગૃહ વિભાગને પ્રારંભિક જાણકારી મળી હતી કે મોહમ્મદ શાહિદ ઉર્ફે બિલાલનું આ કાવતરું હતું, જે જૈશ-એ-મોહમ્મદ જેવાં સંગઠન સાથે સંકળાયેલો હતો. વિસ્ફોટકો પ્લાન્ટ કરનારા પણ મૂળ બાંગ્લાદેશી મુસ્લિમો હતા. ઑગસ્ટ 2007માં હૈદરાબાદના એક પાર્કમાં બ્લાસ્ટ થયો, જેમાં પણ પોલીસે શરૂઆતમાં અમુક બાંગ્લાદેશી મુસ્લિમોની ધરપકડ કરી. ઑક્ટોબર 2007માં અજમેર શરીફમાં બ્લાસ્ટ થયો, જેમાં પણ શાહિદ બિલાલ સંડોવાયેલો હોવાની આશંકા ગૃહ વિભાગને સોંપવામાં આવેલા રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી હતી.
આ દરેક કેસમાં મુસ્લિમ આતંકવાદીઓ, આરોપીઓ પકડાયા હતા. ગૃહ વિભાગના જે-તે સમયના દસ્તાવેજો પરથી આ જાણવા મળે છે. પરંતુ ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે 2008ના મધ્ય ભાગમાં આવા કેસોની તપાસ મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડને સોંપવાની શરૂ કરવામાં આવી.
માલેગાંવ કેસની તપાસ ATS પાસે ગઈ અને બદલાઈ ગયો નરેટિવ
આર.વી.એસ મણિ લખે છે કે આ રીતે કોઈ કેસની તપાસ પોલીસ પાસેથી લઈને કોઈ સ્પેશ્યલાઇઝ્ડ એજન્સીને સોંપવામાં આવે તો તેની નિયત પ્રક્રિયા હોય છે, પણ માલેગાંવ કેસ જે ઝડપે પોલીસ પાસેથી લઈને ATSને સોંપી દેવામાં આવ્યો એ આશ્ચર્યજનક હતું. જેવી માલેગાંગ કેસની તપાસ ATSના હાથમાં આવી એટલે નરેટિવ બદલાઈ ગયો. આ ATSની કમાન કોના હાથમાં હતી? હેમંત કરકરે.
માલેગાંવમાં અહલ-એ-હદીસની સંડોવણી હોવાની વાત નકારી દેવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે આમાં કોઈ હિંદુ ગ્રુપની સંડોવણી છે. સાધ્વી પ્રજ્ઞા વગેરેનાં નામો આવવા માંડ્યાં. આ કેસની તપાસ અને ધરપકડો પર પણ આર.વી.એસ મણિ આશંકા વ્યક્ત કરે છે.
તેઓ લખે છે કે 2006ના મુંબઈ બૉમ્બિંગ કેસમાં ATS છ મહિનાની તપાસને અંતે સંદિગ્ધોની ધરપકડ કરી શકી હતી. માલેગાંવ કેસમાં માત્ર 35 દિવસ લાગ્યા અને ભારતીય સેનાના અધિકારી લેફ્ટ. કર્નલ શ્રીકાંત પ્રસાદ પુરોહિતની ધરપકડ કરી લેવામાં આવી. સામાન્ય રીતે 35 દિવસ તો કેસની તપાસ સોંપવા માટેની પ્રક્રિયામાં જ લાગી જતા હોય છે.
લેખક કહે છે, “એ માનવું અત્યંત કઠિન છે કે માત્ર 35 દિવસમાં જ ATSને ડહાપણ આવી ગયું કે માલેગાંવ કેસ પાછળ હિંદુ જૂથો સામેલ હતાં, જ્યારે ગ્રાઉન્ડ પર કામ કરતા પોલીસ અધિકારીઓનો મત હજુ પણ સ્પષ્ટ હતું કે આ કૃત્ય પાછળ અહલ-એ-હદીસનો જ હાથ હતો.”
અહીં આર.વી.એસ મણિ કહે છે, “તે સમયે ગૃહ મંત્રાલયના ઇન્ટર્નલ સિક્યુરિટી વિભાગ પાસે એક શ્રેષ્ઠ ટીમ હતી, પણ સરકારનું વલણ અને દરેક આતંકવાદી ઘટનાને ‘ભગવા આતંક’માં ખપાવી દેવાની અને સાચા ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી ન કરવાની વૃત્તિ ભારતનાં હિતો વિરુદ્ધ કામ કરનારાઓને તૈયારની સામગ્રી પૂરી પાડતી હતી.”
આ બધા કેસોનું પછી શું થયું? નાંદેડ બ્લાસ્ટ કેસનો ચુકાદો જાન્યુઆરી 2025માં આવ્યો. તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરી દેવાયા. જુલાઈ 2025માં માલેગાંવ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો હતો. સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત સહિતના તમામને દોષમુક્ત કરવામાં આવ્યા. સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસથી માંડીને આવા બીજા કેસોમાં પણ અસીમાનંદજી વગેરે દોષમુક્ત થઈને બહાર આવ્યા. પરંતુ ટ્રાયલ જ્યાં સુધી ચાલી, ખાસ કરીને UPA સરકારના કાર્યકાળ વખતે એક ઈકોસિસ્ટમ કાયમ આ તમામને હિંદુ આતંકવાદી ચીતરતી રહી.
નવેમ્બર 2008માં 26/11નો આતંકવાદી હુમલો થયો. આ હુમલો થયો ત્યારે ગૃહ વિભાગના મોટાભાગના અધિકારીઓ પેલી HSLT વાતચીત માટે ઈસ્લામાબાદ હતા. તેમનો સ્ટે કઈ રીતે એક દિવસ માટે લંબાવી દેવાયો હતો, છેલ્લી ઘડીએ એક અધિકારીને કેમ સામેલ કરવામાં આવ્યા અને કોના કહેવાથી સામેલ કરવામાં આવ્યા, તત્કાલીન ગૃહ પ્રધાનના નબળા વલણના કારણે, અમુક ભૂલોના કારણે કઈ રીત સમયસર મદદ પહોંચી ન શકી, તાજ હોટેલમાં હુમલો થયો ત્યારે ત્યાં મહારાષ્ટ્રનાં એક અધિકારી કઈ રીતે હાજર હતાં– આ બધી વિગતો પણ પુસ્તકમાં છે, પણ અત્યારે વિષયાંતર થઈ જશે. એને ઉચિત સમયે અલગ લેખમાં આવરી લઈશું.
‘હિંદુ ટેરર’વાળી થિયરીને આગળ ધપાવવા માટે NIAનો ઉપયોગ કઈ રીતે થયો?
26/11ના હુમલા પછી શિવરાજ પાટીલ ગૃહમંત્રી પદેથી ગયા અને તેમના સ્થાને પી ચિદમ્બરમ આવ્યા. તેમણે મહિનામાં જ બે બિલ પાસ કરાવ્યાં. એક UAPAને વધુ કડક કરવાનું બિલ. બીજું નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની સ્થાપના કરવાનું. UAPA કડક કરવા માટે અગાઉ ઘણી વખત માંગ-ચર્ચાઓ થઈ હતી, પણ હુમલો થયો ત્યાં સુધી તત્કાલીન કોંગ્રેસ સરકારને એવું બધું કરવામાં કોઈ રસ ન હતો.
આ NIAનો ઉપયોગ પણ હિંદુ આતંકવાદની થિયરીને પુશ આપવા માટે કરવામાં આવ્યો એવું આ પુસ્તક વાંચતાં જણાય છે. આર.વી.એસ મણિના જ શબ્દોમાં:
“જો કોઈ 2009-10 દરમિયાન NIAએ જે-જે કેસોની તપાસ કરી હતી તેનું સિંહાવલોકન કરે તો સમજાશે કે તેનો મૂળ ઉદ્દેશ્ય જ ‘હિંદુ આતંકવાદ’ના કન્સેપ્ટને મજબૂતી આપવાનો હતો. સમજૌતા એક્સપ્રેસથી લઈને માલેગાંવથી અજમેર શરીફ બ્લાસ્ટ સુધી– આ દરેક કેસમાં પ્રાથમિક પુરાવાઓને અવગણીને તેના સ્થાને હિંદુ ટેરરના નરેટિવને બળ આપે એવા પુરાવાઓ ગોઠવી દેવામાં આવ્યા હતા.”
આગળ તેઓ લખે છે,
“એ બહુ સ્પષ્ટ રીતે દેખાતું હતું કે આ ઇનિશિએટિવની (NIA સ્થાપવાની) આડમાં નવા ગૃહમંત્રીએ (ચિદમ્બરમ) દેશની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું હતું. NIA વાસ્તવમાં ‘હિંદુ આતંક’, ‘ભગવા આતંક’ જેવા નરેટિવને આગળ વધારવા માટેનું એક સાધન બનાવી દેવામાં આવી.”
આર.વી.એસ મણિ કહે છે કે આ તમામ આતંકવાદી ઘટનાઓની તપાસ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દેખરેખ રાખતું હતું અને માસિક ધોરણે અમારી પાસે સ્ટેટસ રિપોર્ટ આવતા હતા. પણ ઇન્ટર્નલ સિક્યુરિટી ડિવિઝનના અધિકારીઓ સ્પષ્ટ જોઈ શકતા હતા કે આ તમામ કેસમાં શરૂઆતમાં અમારી પાસે જે માહિતી આવી હતી એ ધીમે-ધીમે ગાયબ બદલાતી જતી હતી અને NIA પાસે જે કેસો હતા તેનું સ્ટેટસ ધીમેધીમે જુદું જ થતું જતું હતું.
એક પારદર્શક, પ્રામાણિક અધિકારી હોવાની કિંમત પણ પછીથી આર.વી.એસ મણિએ ચૂકવવી પડી. અહીં સુધી કે એક તબક્કે તેમનું અપહરણ કરીને તેમના બદલે કસાબને પાકિસ્તાન સોંપવા સુધીનું કાવતરું ઘડાયું હતું. પુસ્તકમાં વિગતો છે. સદભાગ્યે તેઓ બચી ગયા. ત્યારપછી પણ તેમણે ઘણું ભોગવવાનું આવ્યું. તેમના પરિવારે ભોગવવાનું આવ્યું.
ગુજરાતના તત્કાલીન ગૃહ પ્રધાન અમિત શાહને જેમ સંડોવવામાં આવ્યા હતા એ ઇશરત જહાં એનકાઉન્ટર કેસમાં પણ ગૃહ મંત્રાલય દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલા એક એફિડેવિટમાં ઉપરના સ્તરેથી થયેલા આદેશથી કઈ રીતે ગોલમાલ કરવામાં આવી હતી તે વિશે પણ આર.વી.એસ મણિએ પુસ્તકમાં વિગતે લખ્યું છે. એ પણ એક અલગ લેખનો વિષય છે પણ અહીં ઉલ્લેખ કરી રાખીએ.
મોદી સરકારમાં આર.વી.એસ મણિને પદ્મ પુરસ્કાર
આપણે આર.વી.એસ મણિને હમણાં યાદ કેમ કરી રહ્યા છીએ? બે દિવસ પહેલાં પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારોની ઘોષણા થઈ તો પદ્મશ્રીની યાદીમાં એક નામ આર.વી.એસ મણિનું પણ હતું. નામની ઘોષણા થયા પછી મણિસાહેબે કહ્યું, “આ મારા માટે બહુ ભાવુક ક્ષણો છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર વ્યક્ત કરું છું.”
તેઓ આગળ કહે છે, “પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અમિત શાહ ગૃહમંત્રી હતા ત્યારે તેમની ધરપકડ કરવાનો કારસો ઘડાઈ ચૂક્યો હતો. મેં જો હસ્તાક્ષર કરી દીધા હોત તો આજે દેશની સ્થિતિ જુદી હોત. છેલ્લાં 10-11 વર્ષમાં પીએમ મોદી દેશને બહુ આગળ લઈ ગયા છે. દેશનો વિકાસ થાય તેના માટે વડા પ્રધાન પુરુષાર્થ કરી રહ્યા છે અને આપણને એનો ભારોભાર ગર્વ છે. આપણા ગૃહમંત્રી તેજસ્વી નેતા છે. એક આખું ષડ્યંત્ર હતું, પણ એ રોકવામાં હું સફળ રહ્યો એને હું ઈશ્વરના આશીર્વાદ માનું છું.”
તત્કાલીન UPA સરકારો વિશે મણિસાહેબ કહે છે, “તે સમયની UPA સરકારે આપણી એજન્સીઓનાં ઇનપુટ અવગણવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. પણ મેં એ સ્ટેન્ડ ક્યારેય ન સ્વીકાર્યું. હું માનું છું કે આપણી એજન્સીઓ શ્રેષ્ઠ છે. તેમને અવગણવી એટલે અપમાન કરવું. હું ત્યારે પણ તેમની સાથે હતો અને આજે પણ છું.”


