UP: પરણિત ડૉક્ટર રમીઝુદ્દીને હિંદુ સહકર્મીનું યૌન શોષણ કરી ધર્માંતરણ માટે દબાણ કર્યું હોવાનો આરોપ, પીડિતાના આપઘાતના પ્રયાસ બાદ સામે આવ્યો મામલો

લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં (KGMU) એક ગંભીર કેસ સામે આવ્યો છે. પેથોલોજી વિભાગના રેસિડન્ટ ડૉક્ટર રમીઝુદ્દીન નાઈક (રમીઝ મલિક) પર તેની હિંદુ સહાધ્યાયી ડૉક્ટરને પ્રેમની જાળમાં ફસાવી શારીરિક શોષણ કરવા, ગર્ભપાત કરાવવા, અશ્લીલ ફોટા-વિડીયો ઉતારીને ઇસ્લામ કબૂલવા દબાણ કરવાનો આરોપ છે.

KGMUના રેસિડેન્ટ ડૉક્ટર રમીઝુદ્દીન નાઈક વિરુદ્ધ લખનૌના ચોક પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 69, 89 અને 351(1) તેમજ ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધર્મ પરિવર્તન નિષેધ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ACP ચૌક રાજકુમાર સિંહે જણાવ્યું કે પોલીસ ટીમ આરોપીની શોધમાં છે અને તેને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. બીજી તરફ KGMUએ તેને સસ્પેન્ડ કરી કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

આત્મહત્યાના પ્રયાસ કર્યા બાદ સામે આવ્યો મામલો

સતત ત્રાસથી વ્યથિત થઈ પીડિતા ડોક્ટરે 17 ડિસેમ્બરે હોસ્ટેલમાં ઝેરી દવાઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેને KGMUના ટ્રોમા સેન્ટર અને પછી ICUમાં દાખલ કરવામાં આવી હતી. 19 ડિસેમ્બરે તેને રજા આપવામાં આવી. ત્યારબાદ તેણે રાજ્ય મહિલા આયોગ અને જન શિકાયત પોર્ટલ પર અરજી કરી.

પીડિતાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી તેની વ્યથા વ્યક્ત કરી અને જણાવ્યું કે આરોપી એકલો નથી કાર્ય કરતો, પરંતુ KGMU કેમ્પસ પર ધર્મ પરિવર્તનની ગેંગ ચલાવે છે. CMએ યુનિવર્સિટી પ્રશાસન પાસે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે અને સરકારે આરોપીઓને નહીં બક્ષવાની ખાતરી આપી છે. પીડિતાના પરિવારે આ મામલાને લવ જેહાદનો મામલો ગણાવ્યો છે.

ધર્માંતરણ કરી નિકાહ કરવા કરો હતો દબાણ

પીડિતા મૂળ પશ્ચિમ બંગાળના હાવડાની છે અને લખનઊના ઠકુરગંજમાં રહે છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીએ નિકાહનું વચન આપી ઑગસ્ટમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. સપ્ટેમ્બરમાં ગર્ભવતી થતાં તેણે દવા આપી ગર્ભપાત કરાવ્યો. પીડિતાના પરિવારના જણાવ્યા અનુસાર, આરોપીએ અગાઉ પણ માનસી સક્સેના નામક હિંદુ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને ફેબ્રુઆરીમાં નિકાહ કર્યા હતા.

પીડિતાએ કહ્યું, “મેં તેનાથી અંતર બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે મારો પીછો કરતો રહ્યો અને અશ્લીલ ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો રહ્યો. તે વારંવાર ઇસ્લામ અપનાવવા દબાણ કરતો હતો.” નોંધનીય છે કે નવેમ્બરમાં આરોપીએ નિકાહ માટે માટે દબાણ કર્યું અને ધર્મ પરિવર્તનની શરત મૂકી હતી. પીડિતાએ ઇનકાર કરતાં તેણે ઝઘડો કર્યો અને ત્રાસ આપવા લાગ્યો, જેના કારણે પીડિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

નોંધનીય છે કે આ મામલે યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર પ્રો. સોનિયા નિત્યાનંદના આદેશથી વિશાખા કમિટી આ મામલે તપાસ કરી રહી છે. KGMU પ્રશાસને રમીઝુદ્દીન નાઈકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે અને કેમ્પસમાં તેના પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો છે. પીડિત મહિલા ડૉક્ટરની સુરક્ષા માટે હોસ્ટેલમાં 24 કલાક મહિલા સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.