હોમપેજમંતવ્યગોવા મુક્તિ દિવસ: જો સરદાર પટેલ જીવિત હોત તો 1950ના દાયકામાં જ...

ગોવા મુક્તિ દિવસ: જો સરદાર પટેલ જીવિત હોત તો 1950ના દાયકામાં જ ઉકેલાઈ ગયો હોત ગોવાનો પ્રશ્ન

ગોવાની મુક્તિ માત્ર એક સૈન્ય અભિયાન નહોતું, પરંતુ તે ભારતની સાર્વભૌમત્વની અંતિમ મહોર હતી. આ ઘટના એ પણ શીખવે છે કે, દરેક સમસ્યાનો ઉકેલ અહિંસા અને કૂટનીતિમાં નથી હોતો, નિર્ણાયક નેતૃત્વ ઇતિહાસની ગતિ બદલી શકે છે અને રાષ્ટ્રીય હિત માટે આંતરરાષ્ટ્રીય મંજૂરીની રાહ જોઈ શકાય નહીં.

- Advertisement -

ભારતની સ્વતંત્રતાની ગાથા સામાન્યપણે 15 ઑગસ્ટ, 1947 પર સમાપ્ત ગણવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે દિવસે ભારત સંપૂર્ણપણે સ્વતંત્ર નહોતો થયો. દેશની અંદર ઘણા એવા વિસ્તારો હતા, જ્યાં કાં તો વિદેશી શાસન ચાલી રહ્યા હતા અને કાં તો કોઈક વિવાદ ચાલી રહ્યો હતો. આવો જ એક પ્રદેશ ગોવા પણ હતો. ગોવા સિવાય, જૂનાગઢ, કાશ્મીર, હૈદરાબાદમાં પણ વિવાદ ચાલી રહ્યો હતો. થોડા જ સમયમાં સરદાર પટેલના પ્રયાસોથી હૈદરાબાદ અને જૂનાગઢનો ભારતમાં વિલય પણ થઈ ચૂક્યો હતો. 

પરંતુ કાશ્મીર અને ગોવામાં સ્થિતિ વિપરીત હતી. કારણ કે આ બંને વિવાદનું નેતૃત્વ કરી રહ્યા હતા જવાહરલાલ નેહરુ. ગોવામાં તો પોર્ટુગીઝોનું શાસન પણ ચાલી રહ્યું હતું. લગભગ 450 વર્ષ સુધી પોર્ટુગીઝોના શાસનમાં રહેલું ગોવા, સ્વતંત્રતા બાદ 14 વર્ષે 19 ડિસેમ્બર, 1961માં ભારતનો ભાગ બન્યું હતું. આ વિલંબ માત્ર ઐતિહાસિક સંયોગ નહોતો, પરંતુ તે રાજકીય દ્રષ્ટિકોણનું પરિણામ હતું, જેણે રાષ્ટ્રીય એકીકરણને કૂટનૈતિક અને અહિંસાને આધીન રાખ્યું હતું. 

આ જ સંદર્ભમાં એક કથન વારંવાર સામે આવે છે કે, “જો સરદાર પટેલ જીવિત હોત તો ગોવાનો પ્રશ્ન 1950ના દાયકાની શરૂઆતમાં જ ઉકેલાઈ ગયો હોત.” આ વાક્ય કોઈ નેતાનું પ્રત્યક્ષ ઉદાહરણ નથી, પણ ઇતિહાસકારો અને વિશ્લેષકોના તુલનાત્મક અધ્યયનથી નીકળેલો નિષ્કર્ષ છે. 

- Advertisement -

ગોવા: સ્વતંત્રતા બાદ પણ વિદેશી શાસનમાં રહ્યો પ્રદેશ

ગોવા પર પોર્ટુગીઝોનો કબજો 1510થી હતો. ભારત 1947માં સ્વતંત્ર થયું, ત્યારે પણ પોર્ટુગલે દીવ, દમણ અને ગોવાને પોતાનું અભિન્ન અંગ ગણાવ્યું હતું અને તેને ભારતીય ભાગ ગણવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ભારતની તત્કાલીન નેહરુ સરકારે તે સમયે શરૂઆતમાં આ મુદ્દાને કૂટનીતિથી ઉકેલવાના પ્રયાસો કર્યા હતા. વાટાઘાટો, આંતરરાષ્ટ્રીય મંચો પર અપીલ અને અહિંસક સત્યાગ્રહ – બધું કરવામાં આવ્યું. પરંતુ પોર્ટુગલ ટસથી મસ ન થયું.

1955માં જ્યારે ભારતીય સત્યાગ્રહીઓ શાંતિપૂર્ણ રીતે ગોવામાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે પોર્ટુગીઝ સેનાએ તેમના પર ગોળીબાર કરી દીધો. અનેક ભારતીયો માર્યા ગયા. તેમ છતાં પણ ભારત સરકારે તાત્કાલિક સૈન્ય કાર્યવાહી ન કરી. તે પહેલાં પણ ગોવામાં મિશનરીઓ અને ખ્રિસ્તી કટ્ટરપંથીઓએ હજારો હિંદુઓનો ભોગ લીધો ત્યારે પણ તત્કાલીન નહેરુ સરકાર મૌન રહી હતી.

ગોવાના મુદ્દા પર નેહરુને ડર હતો કે ભારત સરકાર પર ‘આક્રમક’ હોવાનો થપ્પો લાગી શકે છે. પશ્ચિમી દેશ, ખાસ કરીને અમેરિકા અને બ્રિટન તેનાથી નારાજ થઈ શકે છે અને સંયુક્ત રાષ્ટ્રમાં પણ ભારત સરકાર પર સવાલો ઉઠી શકે છે. આ બધી નગણ્ય બાબતોને આગળ ધરીને નેહરુ કાયમ કાર્યવાહી કરવાથી ડરી રહ્યા હતા. પરંતુ સત્યાગ્રહીઓની હત્યા બાદ ભારતભરમાં વિરોધનું વંટોળ ફરી વળ્યું હતું અને નેહરુ સરકારે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. 

નેહરુના પત્રો અને ભાષાનોમાં વારંવાર ‘ઇન્ટરનેશનલ ઓપિનિયન’ અને ‘વર્લ્ડ રિએક્શન’ જેવા શબ્દો મળે છે, આ જ કારણ હતું કે વર્ષો સુધી ગોવાનો મુદ્દો ટાળવામાં આવી રહ્યો હતો. ઇતિહાસકાર આરસી મજૂમદારે પોતાનાં પુસ્તક ‘History of the Freedom Movement in India (Vol. 4)’માં સ્પષ્ટપણે કહ્યું છે કે જો સરદાર પટેલ જીવિત હોત તો ગોવાનો પ્રશ્ન તત્કાલીન ઉકેલાઈ શકાયો હોત. તેમણે એવું પણ કહ્યું છે કે પટેલે જૂનાગઢ અને હૈદરાબાદમાં નિર્ણાયક કાર્યવાહી કરી હતી, જ્યારે નેહરુએ ગોવા મુદ્દે અકારણ વિલંબ કર્યો હતો. 

મૂળ મુદ્દો નેહરુ અને સરદાર પટેલ વચ્ચેનાં દ્રઢ મનોબળ અને વિચારધારાનો છે. એક તરફ નેહરુ અકારણ ‘અહિંસા’ની વાતો કરીને ભારતના મહત્વના ભૂભાગને વિદેશી આધિપત્ય હેઠળ ધકેલી રહ્યા હતા. બીજી તરફ સરદાર પટેલ આક્રમક નીતિ અપનાવીને ભારતને અખંડ કરી રહ્યા હતા. 

સરદાર પટેલ જીવિત હોત તો તાત્કાલિક ઉકેલાયો હોત ગોવાનો પ્રશ્ન

સરદાર પટેલ ભારતના પહેલા નાયબ વડા પ્રધાન અને ગૃહમંત્રી હતા. તેમણે 1947-48 વચ્ચે 560થી વધુ રજવાડાઓને ભારતમાં જોડયાં હતા. હૈદરાબાદનો નિઝામ, જૂનાગઢનો નવાબ અને કાશ્મીરની અનિશ્ચિતતા- આ તમામ મામલે પટેલનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ હતો કે, “રાષ્ટ્રીય એકતામાં વિલંબ રાષ્ટ્રને નબળો કરે છે.” 1948માં હૈદરાબાદ વિરુદ્ધ ‘પોલીસ એક્શન’ માત્ર પાંચ દિવસમાં પૂરું થયું હતું. આંતરરાષ્ટ્રીય દબાણ, સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રતિક્રિયા કે પશ્ચિમી દેશોની નારાજગી – આ બાબતોએ પટેલને રોક્યા નહોતા.

ઇતિહાસકાર મજૂમદાર પોતાનાં ‘History of the Freedom Movement in India’માં સ્પષ્ટ લખે છે કે પટેલ માટે સાર્વભૌમત્વ સર્વોચ્ચ હતું, જ્યારે નેહરુ આંતરરાષ્ટ્રીય છબીને મહત્વ આપીને અહિંસાની તરફેણ કરી રહ્યા હતા. સરદાર પટેલના સચિવ અને નજીકના અધિકારી વી.પી. મેનને પોતાનાં પુસ્તક ‘The Integration of the Indian States’માં પટેલની નિર્ણય પ્રક્રિયાનું વિસ્તારથી વર્ણન કર્યું છે. તેમના મતે પટેલ વિદેશી કે અર્ધ-વિદેશી સત્તાને ભારતની અંદર રહેવા દેવાને જ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ માનતા હતા. 

આ જ આધારે અનેક ઇતિહાસકારો તે નિષ્કર્ષ કાઢે છે કે જો પટેલ 1950ના દાયકામાં જીવિત હોત તો ગોવાને ‘કૂટનીતિક સમસ્યા’ નહીં, પરંતુ ‘અધૂરી સ્વતંત્રતા’ માનવામાં આવત અને તેના પર નિર્ણાયક કાર્યવાહી ઘણી વહેલી થઈ ગઈ હોત. જોકે, સત્યાગ્રહીઓ પર ગોળીબાર બાદ દેશભરમાં વિરોધ થવાનો શરૂ થઈ ગયો હતો અને આખરે નેહરુ સરકારે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

ડિસેમ્બર 1961માં નેહરુ સરકારે સૈન્ય કાર્યવાહીને મંજૂરી આપી. ઑપરેશન વિજય હેઠળ ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાએ મળીને માત્ર 36 કલાકમાં પોર્ટુગીઝ શાસનનો અંત આણી દીધો. ન કોઈ મોટો આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લાગ્યો, ન ભારત અલગ પડ્યું અને ન કોઈ લાંબા ગાળાનું કૂટનીતિક નુકસાન થયું. આ જ તે બિંદુ છે જ્યાં ઇતિહાસે પટેલ મોડલની વ્યાવહારિકતા સાબિત કરી દીધી હતી. 

ગોવાની મુક્તિ માત્ર એક સૈન્ય અભિયાન નહોતું, પરંતુ તે ભારતની સાર્વભૌમત્વની અંતિમ મહોર હતી. આ ઘટના એ પણ શીખવે છે કે, દરેક સમસ્યાનો ઉકેલ અહિંસા અને કૂટનીતિમાં નથી હોતો, નિર્ણાયક નેતૃત્વ ઇતિહાસની ગતિ બદલી શકે છે અને રાષ્ટ્રીય હિત માટે આંતરરાષ્ટ્રીય મંજૂરીની રાહ જોઈ શકાય નહીં. એટલે જ ઐતિહાસિક અને તર્કસંગત રીતે કહી શકાય કે — જો સરદાર પટેલ જીવિત હોત તો ગોવાનો પ્રશ્ન 1950ના દાયકાની શરૂઆતમાં જ ઉકેલાઈ ગયો હોત.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં