હોમપેજએક્સપ્લેઇનરસિંધુ સભ્યતા, વામપંથી પ્રોપગેન્ડા અને અતીતના પથ્થરોમાં દબાયેલું સત્ય: 'આર્યન આક્રમણ'ના દાવાથી...

સિંધુ સભ્યતા, વામપંથી પ્રોપગેન્ડા અને અતીતના પથ્થરોમાં દબાયેલું સત્ય: ‘આર્યન આક્રમણ’ના દાવાથી હિંદુઓને વિભાજિત કરનારી ટોળકીએ આ વાંચવું જરૂરી

આજે તે સ્પષ્ટ છે કે આર્યોને વિદેશી અને સિંધુ-નાશક કહેવાની વાર્તા ન તો વૈજ્ઞાનિક હતી, ન તો તર્કસંગત અને ન તો ભારતની સભ્યતાગત આત્મા અનુરૂપ. આ સંસ્થાનવાદ સમયમાં જન્મેલી અને વામપંથી ઇતિહાસકારો દ્વારા પોષિત કરવામાં આવેલી તે વૈચારિક રચના હતી, જેણે ભારતીય સમાજને વિભાજિત કરવા, તેના સાંસ્કૃતિક સાતત્યને નકારવા અને હિંદુ સભ્યતાને 'આક્રાંતા' કહેવાનું કાર્ય કર્યું.

- Advertisement -

અતીતના કાળમીઢ પથ્થરોમાં એવા અનેક ઇતિહાસો દબાયેલા છે, જેને કાં તો દાટી દેવાયા છે અને કાં તો ભૂંસી નખાયા છે. પણ સમયના ચક્રની સાથે સદીઓ બાદ તે ઇતિહાસ અસત્ય, દુષ્પ્રચાર અને મલીન ઈરાદાઓની છાતી છીરીને બહાર આવે છે. આ સિદ્ધાંત છે અને અટલ છે. સદીઓ પહેલાં પણ આવું થતું હતું અને આજે પણ થાય છે. ભગવાન રામને કાલ્પનિક ગણવાથી લઈને સિંધુ ખીણની મહાન સભ્યતાને હિંદુઓથી અળગી કરવા સુધીના ઇતિહાસમાં આ બધાં પાસાં જોવા મળ્યાં છે. રામ મંદિરની સ્થાપના બાદ હવે કાલ્પનિક, ઘડી કાઢેલી વાતોનો પ્રોપગેન્ડા તો ધ્વસ્ત થઈ ગયો છે, પણ એક પ્રોપગેન્ડા હજુ પણ જીવિત હતો. તે હતો ‘આર્યન ઇન્વેઝન’ (આર્યન આક્રમણ)નો.

આર્યોએ સિંધુ ખીણ પર હુમલો કરીને ત્યાંની મહાન સભ્યતાનો નાશ કર્યો હોવાનો દાવો સંસ્થાનવાદથી શરૂ થયો હતો અને તેની પાછળ બ્રિટિશ વામપંથી ઇતિહાસકારો જવાબદાર હતા. આજે ભારતીય ઇતિહાસને લઈને સૌથી લાંબા સમય સુધી ચાલનારો આ પ્રોપગેન્ડા પોતાના અંત પર આવીને ઊભો છે. એ પ્રોપગેન્ડા છે પ્રાચીન હિંદુઓ, જેને વેદોમાં આર્ય કહ્યા છે, તે વિદેશી હતા અને આક્રાંતા હતા, તેમણે જ સિંધુ ખીણની મહાન સભ્યતાનો નાશ કર્યો હતો. 

આ દાવો માત્ર એક શૈક્ષણિક ભૂલ નથી. આ એક વૈચારિક યોજના હતી અને તેને સ્થાપિત કરવા માટે આખી એક પેઢીને જુઠ્ઠાણું પીરસવામાં આવ્યું હતું. હું અને તમે પણ એમાંથી બાકાત રહી શક્યા નથી. ઇતિહાસના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવેલા તમામ પુસ્તકોમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે આર્યો વિદેશી હતા, આક્રાંતા હતા અને સિંધુ ખીણની સભ્યતા તેમણે જ નષ્ટ કરી હતી. 

- Advertisement -

પરંતુ આજે આધુનિક જેનેટિક્સ, પુરાતત્વ અને જળવાયુ વિજ્ઞાન આ દાવાને ફગાવી ચૂક્યા છે. એક નવા સંશોધનમાં સ્પષ્ટપણે સ્વીકાર કરવામાં આવ્યો છે કે હડપ્પા સંસ્કૃતિનું (સિંધુ ખીણની સભ્યતા) પતન કોઈ યુદ્ધ, ‘આર્યોના હુમલા’ અને વિદેશી વિજયનું પરિણામ નહોતું. પણ એ એક પર્યાવરણીય દીર્ઘકાલિન સંકટની અસર હતી. હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આર્યોના કથિત હુમલાની આ કથા આવી ક્યાંથી? કોણે ઘડી અને શું ઇરાદો હતો? 

હિંદુઓને પોતાના જ દેશમાં વિદેશી સાબિત કરવાના પ્રોપગેન્ડાનો ઇતિહાસ

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જ્યારે યુરોપિયન સંસ્થાનવાદી ઇતિહાસકારો ભારતનું અધ્યયન કરી રહ્યા હતા, ત્યારે ભાષા-વિજ્ઞાન અને પુરાતત્વની પ્રારંભિક સમજ ખૂબ સમિતિ હતી. આર્ય શબ્દના વિશ્લેષણના આધારે કેટલાક યુરોપિયન ઇતિહાસકારોએ (વામપંથી) એવો પ્રોપગેન્ડા ઘડ્યો કે આર્યો મધ્ય-એશિયાથી આવ્યા હતા. બાદમાં આ જ ભાષા તર્કને વંશીય (નસ્લીય) આયામ મળ્યા અને પશ્ચિમી લેખકોએ તેને ‘Indo-European Conquerors’ની મિથક છબીમાં ઢાળી દીધો. અહીંથી આર્યોના કથિત આક્રમણનો પાયો નાખવામાં આવ્યો હતો. 

બ્રિટિશરો માટે આ થિયરી રાજનીતિક કારણોસર ઉપયોગી હતી. જો હિંદુ અને તેની વૈદિક સંસ્કૃતિને ‘બાહરી’ સાબિત કરવામાં આવે તો અંગ્રેજોનું શાસન પણ એક રીતે ‘સ્વાભાવિક’ અને ‘પુનરાવૃત’ ઘટનાઓ તરીકે જોવા મળે. 19-20મી સદીની શરૂઆતમાં કેટલાક પશ્ચિમી ઇતિહાસકારોએ સિંધુ ખીણ પરના કથિત હુમલાની કથા રજૂ કરી હતી. જેમાં સૌથી મોટું નામ બ્રિટિશ ઇતિહાસકાર-પુરાતત્વવિદ મૉર્ટિમર વ્હીલરનું હતું. વ્હીલરનાં પુસ્તક ‘Harappa: The Indus Civilization‘માં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, “Indra stands accused of destroying the Harappan cities.” અર્થાત- આર્ય દેવતા ઇન્દ્રને હડપ્પા શહેરોને નષ્ટ કરવાના આરોપી ગણવામાં આવ્યા છે. 

અન્ય એક બ્રિટિશ પુરાતત્વવિદ સ્ટુઅર્ટ પીગૉર્ટે પોતાનાં પુસ્તક ‘Prehistoric India ‘માં સ્પષ્ટ લખ્યું હતું કે, “આર્યો વિદેશી હતા, ઘોડા અને હથિયારો સાથે આવ્યા અને સિંધુ ખીણનાં શહેરોને તબાહ કરી નાખ્યાં.” સ્વતંત્રતા બાદ પણ આ જ થિયરી કેટલાક ભારતીય વામપંથી ઇતિહાસકારોએ વગર વૈજ્ઞાનિક પરીક્ષણે અપનાવી લીધી હતી. ડીડી કોસામ્બીથી લઈને ઘણા માર્કસવાદી ઇતિહાસ લેખન સમૂહોએ તેને વૈચારિક આધાર આપ્યો. 

The Indo-Aryan Theory (1916–1920) અને Prehistoric Indiaમાં (1929) રામપ્રસાદ ચંદ્રએ પણ દાવો કર્યો હતો કે ‘આર્યો વિદેશી હતા.’ તે સિવાય માર્કસવાદી ઇતિહાસકાર ડીડી કોસામ્બીએ પોતાનાં પુસ્તકમાં એવો દાવો પણ કર્યો હતો કે, “આર્ય જનજાતિઓએ પહેલાંથી વસેલી સિંધુ ખીણની સભ્યતાના લોકો પર હુમલો કર્યો અને અને તેમની નગર સંસ્કૃતિને અંત તરફ લઈ ગયા.”

રોમિલા થાપરનાં પ્રારંભિક લખાણોથી લઈને NCERTના 1970-2005 વચ્ચેના પાઠ્યપુસ્ત્કો સુધી, દરેક જગ્યાએ વારંવાર આ કથા દોહરાવવામાં આવી હતી કે ‘આર્યો વિદેશી હતા’ અને ‘તેમણે હડપ્પાને નષ્ટ કર્યું હતું.’ જૂની પેઢી અને ઘણી નવી પેઢીના વિદ્યાર્થીઓને પણ વારંવાર એવું ભણાવવામાં આવ્યું કે ભારતની મૂળ સંસ્કૃતિ દ્રવિડ હતી અને આર્ય તેનો વિનાશ કરનારા વિદેશી આક્રાંતાઓ હતા. આ સાથે એક કથા એવી પણ ફેલાવવામાં આવી હતી કે ભારત એક ‘બહુજાતીય પ્રયોગશાળા’ છે, જ્યાં કોઈપણ સાંસ્કૃતિક નિરંતરતા નહોતી રહી. 

ઇતિહાસ લેખનનું આ સંસ્કરણ કોઈ એકેડમિક દુર્ઘટના કે ભૂલ નહોતી, પણ સંસ્થાનવાદી શોધ અને વામપંથી રાજકારણનાં ગઠબંધનથી પેદા થયેલી એક રણનીતિ હતી. આ પ્રોપગેન્ડાની મદદથી ભારતીય સમાજમાં તિરાડો પાડવામાં આવી, ઉત્તર ભારત વિરુદ્ધ દક્ષિણ ભારતને ઊભું કરાયું, આર્યોની સામે દ્રવિડ અને હિંદુઓની (જેને કથિત આદિવાસીઓ આજે ‘વિદેશી’ બ્રાહ્મણો અને ક્ષત્રિયો કહે છે) સામે ‘મૂળનીવાસી’ને (દલિતો-આદિવાસીઓ) ઊભા કરવામાં આવ્યા, જેથી ભારતની સભ્યતાગત ધારાને ‘કૃત્રિમ’ અથવા તો ‘વિભાજિત’ સાબિત કરી શકાય.

આર્યો વિદેશી નહીં, પણ મૂળનિવાસી

સિંધુ ખીણની સભ્યતાના ધાર્મિક-સાંસ્કૃતિક અવશેષો સ્પષ્ટ સંકેત આપે છે કે આ પરંપરા વૈદિકકાળથી અલગ નહોતી, પરંતુ તેનો જ એક ભાગ હતી. મોહેંજોદડો અને હડપ્પામાં મળી આવેલાં યજ્ઞ કુંડ, પવિત્ર જળ સ્નાન સ્થળ, શિવ-પશુપતિ મોહર, માતૃકા ઉપાસના, હિંદુ આરાધ્યોની મૂર્તિઓ અને ત્રિશુળ જેવાં ચિહ્ન વૈદિક-હિંદુ સાંસ્કૃતિક નિરંતરતા તરફ સંકેત આપે છે. 

2019માં પ્રકાશિત ‘ધ ફોર્મેશન ઑફ હ્યુમન પોપ્યુલેશન ઇન સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયા’ નામના એક મહત્વપૂર્ણ જેનેટિક સંશોધનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, સિંધુ ખીણના સભ્યોનાં DNA એ જ હતાં, જે આજે ભારતીયોનાં છે. આજના પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન (પ્રમાણે થોડા ઓછા), શ્રીલંકા, નેપાળ જેવા ભારતના તમામ પાડોશી દેશોના લોકોનાં DNA એક જ છે. તેમના પૂર્વજો એક જ હતા. મૂળરૂપે તે DNA સનાતન-વૈદિક યુગના હતા. સિંધુ ખીણનાં શહેરોનાં ખોદકામમાં મળી આવેલાં કંકાળોના DNA પણ સમાન હતાં. એ સાબિત કરે છે કે સિંધુ ખીણની સભ્યતા મૂળરૂપે હિંદુઓની હતી અને હિંદુઓ જ આર્યો હતા. 

તેવામાં હવે પ્રશ્ન એ છે કે જો સિંધુ ખીણની સભ્યતાનો સાંસ્કૃતિક આધાર હિંદુ ધર્મ હતો અને વૈદિક ગ્રંથોમાં હિંદુઓને ‘આર્ય’ કહેવામાં આવ્યા છે તો આર્યો પોતે જ પોતાની સભ્યતા પર હુમલો શા માટે કરવાના? આ દાવો તર્કહીન હતો, પરંતુ રાજકારણથી પ્રેરિત ઇતિહાસલેખનમાં તેને એક તથ્ય તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હતો. 

આધુનિક સંશોધનોએ ધ્વસ્ત કર્યો વામપંથી પ્રોપગેન્ડા

Communications Earth & Environment‘માં પ્રકાશિત એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે સિંધુ ખીણની સભ્યતાનાં પતન પાછળ સતત લાંબા સમય સુધી ચાલેલા દુકાળ જવાબદાર છે. તેમાં કહેવાયું છે કે સિંધુ ખીણની સભ્યતામાં 85 વર્ષ કે તેથી વધુ સમય સુધી સતત દુષ્કાળ પડ્યો હતો, જેના કારણે ધીમે-ધીમે સભ્યતાનું પતન થયું હતું. ઉચ્ચ-ગુણવત્તાવાળા પુરા-જળવાયુ અભિલેખોને (પ્રાચીન હવામાનના કુદરતી રેકોર્ડ્સ) પ્રાચીન નદી પ્રવાહના પુનર્નિર્માણ અને જળવાયુ મોડેલ સિમ્યુલેશન સાથે જોડતા સંશોધકોને એ જાણવા મળ્યું કે સિંધુ નદી વિસ્તારમાં લગભગ 4400-3400 વર્ષ પહેલાં દાયકાઓથી લઈને સદીઓ સુધી ચાલતા ગંભીર દુકાળ પડ્યા હતા.

સંશોધનમાં જણાવાયું છે કે નદી પ્રવાહમાં ઘટાડાના વ્યાપક સંકેતો એ પણ દર્શાવે છે કે આ લાંબા દુકાળ તે સમયે વિસ્તારમાં વરસાદની ઊણપ સાથે જોડાયેલા હતા, જેનાથી મીઠા પાણીની ઉપલબ્ધતા ઓછી થઈ ગઈ. પાણીની ઉપલબ્ધતામાં આવેલા ઘટાડા અને વિસ્તારમાં વધતી સૂકી પરિસ્થિતિઓએ મોટા હડપ્પા શહેરોમાંથી લોકોને વિસ્થાપિત (Migration) થવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સંશોધન અનુસાર, હડપ્પા વિસ્તારનું જળવાયુ પરિવર્તન ઉનાળાના માનસૂન (ISM) અને શિયાળાના માનસૂન (IWM) બંનેથી પ્રભાવિત થતું હતું. હોલોસીન (Holocene) કાળના શરૂઆતી અને મધ્ય તબક્કામાં આ બંને માનસૂન એકબીજા સાથે જોડાયેલા હતા પણ મધ્યથી અંતિમ હોલોસીનમાં એ બંને અલગ-અલગ અસર કરવા લાગ્યા. પુરા-જળવાયુ પુરાવાઓ દર્શાવે છે કે વિવિધ સમયે વિવિધ પરિબળોએ જળવાયુમાં ફેરફાર ઉત્પન્ન કર્યા છે.

દુકાળની અસર સમજવા માટે સંશોધકોએ અનેક પ્રયાસો કર્યા છે. તેમણે તળાવોનાં તળિયાં (Sediment), ગુફાઓમાં બનેલા સ્પેલિયોથેમ (ગુફા-ખનિજ) તથા વનસ્પતિના અવશેષો જેવી વસ્તુઓનો અભ્યાસ કર્યો છે. સંશોધકોએ ત્સો મોરિરી તળાવના (ઉત્તર-પશ્ચિમ હિમાલય) 4500 વર્ષ જૂના તળીયાઓનો અભ્યાસ કરીને જાણ્યું કે આ સમયની આસપાસ માનસૂનમાં પ્રાદેશિક ફેરફાર થયા હતા અને લગભગ 4350થી 3450 વર્ષ પૂર્વે સુધીનો સમય લાંબા દુકાળ સાથે જોડાયેલો હોય શકે છે અને તેનાથી સિંધુ સભ્યતામાં પાણીની અછત વધી હશે. 

સંશોધન અનુસાર, પ્રાચીન દુકાળની ઓળખ માટે સંશોધકોએ સિંધુ સભ્યતાના (IVC) ચોક્કસ વિસ્તારનો અભ્યાસ કર્યો, જેમાં જળવાયુ અને પાણીની ઉપલબ્ધતામાં સમય સાથે થયેલા ફેરફારો સમજવા ટ્રાન્ઝિયન્ટ ક્લાઈમેટ સિમ્યુલેશન અને પુરા-જળવાયુ અભિલેખોનો ઉપયોગ કરવામાં આવ્યો.

સિંધુ ખીણ સભ્યતા દરમિયાન પહેલો મોટો દુકાળ D1 પરિપક્વ હડપ્પા કાળની શરૂઆતમાં લગભગ 4000 વર્ષ પહેલાં થયો અને આ દરમિયાન 65% વિસ્તાર તેની ઝપેટમાં હતો. આ દુકાળ લગભગ 88 વર્ષ સુધી ચાલ્યો પણ તેની તીવ્રતા પછીના દુકાળોની સરખામણીમાં બે-ત્રણ ગણી ઓછી હતી.

બીજા દુકાળની D2ની તીવ્રતા ત્રીજા દુકાળ D3 કરતાં ઓછી હતી. આ દરમિયાન મધ્ય સિંધુ વિસ્તાર પર વધુ અસર પડી, જ્યારે નીચલા અને ઉપલા સિંધુ વિસ્તારની સરખામણીમાં ગણવેરીવાલા અને કાલીબંગન વિસ્તારો પર અસર પ્રમાણમાં ઓછી રહી. D4 દુકાળ લગભગ 3531 વર્ષ પૂર્વે શરૂ થયો અને લગભગ 114 વર્ષ સુધી ચાલ્યો, જેમાં લગભગ 13% વરસાદમાં ઘટાડો નોંધાયો.

દુકાળો દરમિયાન સિંધુ સંસ્કૃતિની સ્થિતિ

સંશોધન અનુસાર, D1થી D4 સુધી આવતાં-આવતાં વાર્ષિક અને ગ્રીષ્મકાલિન વરસાદમાં સતત ઘટાડો થતો ગયો. સાથે જ શીતકાલિન વરસાદમાં ઘટાડો D3 સુધી રહ્યો પણ D4 દરમિયાન તેમાં થોડો સુધારો જોવા મળ્યો અને આ દરમિયાન D1થી D4 સુધી સરેરાશ વાર્ષિક તાપમાન પણ વધતું રહ્યું, જેનાથી વાતાવરણમાં પાણીની માંગ વધ. 4000થી 3000 વર્ષ પૂર્વેની વચ્ચે IVC વિસ્તારમાં શુષ્કતા વધુ સ્પષ્ટ રીતે વધી અને ખાસ કરીને છેલ્લા ત્રણ દુકાળો દરમિયાન તેની અસર સૌથી વધુ મધ્ય સિંધુ વિસ્તારમાં જોવા મળી.

સંશોધકોનું કહેવું છે કે આ બદલાતી જળવાયુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંભવ છે કે એ જ સમયમાં વસાહતોનો ઝોક ગંગાના મેદાની વિસ્તારો તથા સૌરાષ્ટ્ર વિસ્તાર તરફ વધી ગયો હોય. સંશોધન અનુસાર, પૂર્વ-હડપ્પા કાળ (PreH) દરમિયાન સિંધુ ઘાટી સભ્યતાના પશ્ચિમી વિસ્તાર તથા ઉપરી ગંગા મેદાનોમાં વસાહતોની સંખ્યા વધુ હતી અને આ તે જ સમયની વધુ પાણીની ઉપલબ્ધતા સાથે મેળ ખાતી હતી. આ સમયે મોટાભાગની વસાહતો નદીઓથી દૂર બની હતી, જેનાથી ખ્યાલ આવે છે કે તે સમયે વરસાદ વધુ હતો અને આખા વિસ્તારમાં મીઠું પાણી સરળતાથી મળી જતું હતું. તે કાળમાં વરસાદ આજની સરખામણીમાં 40–60% વધુ હતો.

સંશોધકો અનુસાર, હડપ્પા વિસ્તારમાં દુકાળની શરૂઆત લગભગ 4440 વર્ષ પહેલાં થઈ અને એ જ સમયે વસાહતોના પેટર્ન તથા સંસ્કૃતિમાં પણ ફેરફાર દેખાવા લાગ્યા. જળવાયુ સિમ્યુલેશન અને હાઈડ્રોલોજિકલ મોડેલિંગ દર્શાવે છે કે આ અવધિમાં 85 વર્ષથી વધુ લાંબા અનેક ગંભીર દુકાળ પડ્યા, જેની તીવ્રતા સમય સાથે વધતી ગઈ. 4500–3000 વર્ષ પૂર્વે સુધી ગરમીનું માનસૂન નબળું પડતું ગયું અને શિયાળાનો વરસાદ વધતો રહ્યો પણ 3300 વર્ષ પૂર્વે પછી શિયાળાના વરસાદમાં પણ ઘટાડો આવ્યો, જેનાથી હડપ્પા વસાહતોનું વિસ્થાપન ઝડપી બન્યું.

પહેલા બે દુકાળો દરમિયાન કેટલાક વિસ્તારોમાં શિયાળાનો વરસાદ થોડી રાહત આપતો હતો પણ જ્યારે શિયાળાનો વરસાદ પણ ઓછો થવા લાગ્યો ત્યારે સ્થિતિ વધુ બગડી ગઈ. જળવાયુ પરિવર્તન સાથે-સાથે હડપ્પાવાસીઓ પૂર્વ અને દક્ષિણ તરફ (ગંગા મેદાન અને સૌરાષ્ટ્ર) વધતા ગયા. ઉપરી સિંધુ વિસ્તારમાં નદી પ્રવાહ ઘટવાથી વસાહતોએ નવા વિસ્તારોમાં જવું પડ્યું, જ્યારે સૌરાષ્ટ્ર અને હિમાલયના નીચલા વિસ્તારમાં ભેજ વધુ સ્થિર હતો જેનાથી ત્યાં ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિઓ હતી.

સંશોધનમાં કહેવાયું છે કે IVCનો અંત અચાનક નહોતો થયો પણ ધીમે-ધીમે થયેલું લાંબુ પરિવર્તન હતું, જેમાં જળવાયુ, કૃષિ અનુકૂલન, વેપાર અને સાંસ્કૃતિક ફેરફારો બધું સામેલ હતું. અનેક પુરાવા દર્શાવે છે કે સભ્યતા સંપૂર્ણપણે સમાપ્ત નહોતી થઈ પણ વિકસિત સ્વરૂપ બદલીને નાના સમુદાયો અને નવી સાંસ્કૃતિક ઓળખોમાં વિભાજિત થઈને આગળ વધી ગઈ. આજે જે સભ્યતા દેખાય છે, તે પણ તેનો જ એક ભાગ છે. 

નિષ્કર્ષ

આજે તે સ્પષ્ટ છે કે આર્યોને વિદેશી અને સિંધુ-નાશક કહેવાની વાર્તા ન તો વૈજ્ઞાનિક હતી, ન તો તર્કસંગત અને ન તો ભારતની સભ્યતાગત આત્મા અનુરૂપ. આ સંસ્થાનવાદ સમયમાં જન્મેલી અને વામપંથી ઇતિહાસકારો દ્વારા પોષિત કરવામાં આવેલી તે વૈચારિક રચના હતી, જેણે ભારતીય સમાજને વિભાજિત કરવા, તેના સાંસ્કૃતિક સાતત્યને નકારવા અને હિંદુ સભ્યતાને ‘આક્રાંતા’ કહેવાનું કાર્ય કર્યું. પરંતુ વૈજ્ઞાનિક પ્રગતિએ આ મિથકને તોડી પાડ્યું છે. આજે તથ્યો કહી રહ્યા છે કે સિંધુ ખીણની સભ્યતાના મૂળ આ જ ભૂમિમાં હતા, તેની સંસ્કૃતિ હિંદુ પરંપરાનું જ પ્રારંભિક સ્વરૂપ હતું અને તેનું પતન કોઈ ‘વિદેશી આર્ય’ને કારણે નહીં પણ પ્રકૃતિના દીર્ઘકાલીન ફેરફારોને કારણે થયું.

ભારત હવે તે સ્થિતિ પર પહોંચી ગયું છે, જ્યાં તે પોતાની સભ્યતાગત કથાને વિદેશી થિયરીથી નહીં પણ પોતાનાં તથ્યો, પોતાના પુરાતત્વ, પોતાની વૈજ્ઞાનિક શોધો અને પોતાના સાંસ્કૃતિક સાતત્યથી સમજી શકે છે. હવે તે દિવસ દૂર નથી જ્યારે ‘આર્યન આક્રમણ થિયરી’ માત્ર એક ચેતવણી તરીકે વાંચવામાં આવશે કે કેવી રીતે રાજકીય વિચારધારા જો એકેડમિક જગત પર હાવી થઈ જાય તો ઇતિહાસને પણ જૂઠમાં બદલી શકે છે. 

સંદર્ભસૂચિ

  • Mortimer Wheeler — Harappa: The Indus Civilization
  • Stuart Piggott — Prehistoric India
  • Ramaprasad Chanda — The Indo-Aryan Theory (1916–1920 writings)
  • D.D. Kosambi — An Introduction to the Study of Indian History
  • Romila Thapar — A History of India, Vol. 1 (1966, First Edition)
- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં