બિહારમાં હાર બાદ લાલુ પરિવારમાં કકળાટ, પુત્રી રોહિણીએ પરિવાર અને રાજકારણથી છેડો ફાડ્યો

બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડીની હાર બાદ પાર્ટી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં કકળાટ શરૂ થયો છે. લાલુની નાની દીકરી અને તેજસ્વીની બહેન રોહિણી આચાર્યે X પર એક પોસ્ટ કરીને પોતાના પરિવારથી સંબંધ તોડવાની વાત કહી છે. નોંધનીય છે કે રોહિણી આચાર્યે જ લાલુ યાદવને કિડની આપી હતી. તે સિંગાપુરમાં રહે છે.

રોહિણી આચાર્યે X પર લખ્યું છે કે, “હું રાજકારણ છોડી રહી છું અને મારા પરિવારથી સંબંધ તોડી રહી છું. સંજય યાદવ અને રમીઝે મને આવું કરવા કહ્યું હતું અને હું તમામ દોષ પોતાના માથે લઈ રહી છું.”

રોહિણીનાં આ પગલાંને લાલુ પરિવારમાં કલહ વધવાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. લાલુ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ પણ પહેલાંથી જ અલગ છે. તેમને લાલુ યાદવે જ આરજેડીમાંથી નિષ્કાસિત કર્યા હતા અને પરિવારમાંથી બહાર કરી દીધા હતા. આ વિધાનસભા ચૂંટણીમાં તેમણે જનશક્તિ જનતા દળ નામની અલગ પાર્ટી બનાવી અને આરજેડીની વિરુદ્ધ ચૂંટણી પણ લડી છે.