લખનૌનું RSS કાર્યાલય હતું ટાર્ગેટ પર, અમદાવાદના નરોડામાં પણ કરી હતી રેકી: ગુજરાત ATSએ પકડેલા આતંકીઓ વિશે તપાસમાં વધુ ઘટસ્ફોટ

આઝાદ સુલેમાન શેખ, ડૉ. અહેમદ સૈયદ, મોહમ્મદ સુહેલ (ફોટો: The Hindu)

તાજેતરમાં ગુજરાત ATSએ મોટા બાયોલોજિકલ ટેરર પ્લૉટનો પર્દાફાશ કર્યો હતો. જે મામલે 3 આતંકીઓની ધરપકડ થઈ હતી. બાદમાં તપાસમાં સામે આવ્યું હતું કે આ આતંકીઓ રાઈસિન ઝેર બનાવવાના કામે લાગ્યા હતા, જેનાથી હજારો નિર્દોષ માણસોને મારી શકાય એમ હતા. તે પછીની તપાસમાં વધુ ઘટસ્ફોટ થયા હતા કે આતંકી લખનૌ RSSના મુખ્ય કાર્યાલય, દિલ્હીની આઝાદપુર APMC મંડી અને અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં હુમલાની યોજના બનાવી રહ્યા હતા. પકડાયેલા આતંકીઓ પાસેથી વિદેશી પિસ્તોલો, કારતૂસ, ચાર લિટર કેસ્ટર ઓઇલ તથા રિસિન ઝેર બનાવવાના કેમિકલ્સ મળી આવ્યા હતા.

ઘટનાની વાત કરીએ તો 7 નવેમ્બરની રાત્રે 11:30 વાગ્યે અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલા અડાલજ ટોલ પ્લાઝા નજીક ગુજરાત ATSએ એક સફેદ સ્વિફ્ટ ડિઝાયર કારને ઘેરી લીધી હતી. કારમાં બેઠેલો મુખ્ય આતંકી ડૉ. અહેમદ મોહિયુદ્દીન સૈયદ (ઉં. 35, હૈદરાબાદ) ઝડપાઈ ગયો હતો. તેની કારની ડિકીમાંથી બે ઓસ્ટ્રિયન ગ્લોક પિસ્તોલ, એક ઇટાલિયન બેરેટા પિસ્તોલ, 35 કારતૂસ, ચાર લિટર કેસ્ટર ઓઇલની કેન અને રાઈસિન ઝેર બનાવવા માટેના પ્રારંભિક કેમિકલ્સનો સમાવેશ થતો હતો.

આ પછી માત્ર ત્રણ કલાકમાં જ ATSએ મોબાઇલ લોકેશન ટ્રેકિંગની મદદથી બાકીના 2 આતંકીઓ, આઝાદ સુલેમાન શેખ (20, શામલી, UP), મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનને (23, લખીમપુર ખેરી, UP) પાલનપુરની એક હોટલમાંથી ઝડપી લીધા હતા. તેમની પાસેથી બે લેપટોપ, ત્રણ મોબાઇલ ફોન તથા ટાર્ગેટ સ્થળોની રેકીના ફોટા અને વિડીયો મળી આવ્યા હતા.

આરોપીઓની ચોંકાવનારી પ્રોફાઇલ

તપાસમાં સામે આવ્યું છે કે ડૉ. અહેમદ મોહિયુદ્દીન સૈયદ ચીનની યુનિવર્સિટીમાંથી MBBSની ડિગ્રી ધરાવે છે. હૈદરાબાદમાં તે ઓનલાઇન ક્લિનિક ચલાવે છે અને એક રેસ્ટોરન્ટનો પણ માલિક છે. તેના મોબાઇલમાં ચેટજીપીટી પર “How to extract ricin from castor beans at home” અને “How to make ricin poison without lab” જેવી સર્ચ હિસ્ટ્રી મળી આવી છે. તેનો મુખ્ય હેન્ડલર અફઘાનિસ્તાનમાં બેઠેલો અબુ ખાદિજા છે, જે ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સનો (ISKP) ટોચનો કમાન્ડર છે. ડૉ. સૈયદે દોઢ મહિના પહેલા અમદાવાદમાંથી 5 લાખનું પાર્સલ પણ લીધું હતું.

બીજો આરોપી આઝાદ સુલેમાન શેખ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાનો રહેવાસી છે અને ગામમાં દરજીનું કામ કરે છે. તે પાકિસ્તાની હેન્ડલર અબુ હુઝૈફા સાથે ટેલિગ્રામ પર જોડાયેલો હતો અને તેણે લખનૌના RSS કાર્યાલયની રેકી કરી હતી.

ત્રીજો આરોપી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાન લખીમપુર ખેરીનો રહેવાસી અને કોલેજમાં બીએસસીનો વિદ્યાર્થી છે. તેણે રાજસ્થાનના હનુમાનગઢ સરહદેથી ડ્રોન દ્વારા આવેલા હથિયારોની ડિલિવરી લીધી હતી.

રાઈસિન ઝેર: સાયનાઇડ કરતાં ખતરનાક

સાયનાઇડ એ કેસ્ટરના બીજમાંથી (એરંડાના દાણા) કાઢવામાં આવતું પ્રોટીન આધારિત ઝેર છે. તે સાયનાઇડ કરતાં 6000 ગણું વધુ ઝેરી છે. માત્ર એક મિલીગ્રામ સાયનાઇડ હજારો લોકોને મારી શકે છે. તેનું કોઈ એન્ટીડોટ નથી. ખોરાક, પાણી કે હવામાં ભેળવી દેવાથી 36થી 72 કલાકમાં હજારો મોત થાય છે. સૈયદે ઘરે જ રાઈસિન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. તેણે એરંડાના દાણા ઉકાળીને એસિટોનમાં ભેળવીને પાવડર બનાવવાની તૈયારી કરી હતી.

આતંકીઓ પાસેથી મળેલાં હથિયારો.
(ફોટો: દિવ્યભાસ્કર)

કયા સ્થળોની કરી રેકી?

આ આતંકીઓએ ગીચ વિસ્તારો જ્યાં હજારો લોકો એકસાથે આવે એવા સ્થળોની રેકી કરી હતી. સામે આવ્યું હતું કે તેઓ લગભગ દોઢ વર્ષથી આ સ્થળોની રેકી કરી રહ્યા હતા. જેમાં સૌથી પહેલુ સ્થાન છે લખનૌનું RSS મુખ્યાલય, જ્યાં સવારે શાખાના સમયે 500થી વધુ સ્વયંસેવકો એકઠા થાય છે. બીજું સ્થાન છે દિલ્હીની આઝાદપુર APMC મંડી, જે એશિયાનું સૌથી મોટું ફળ-શાકભાજી માર્કેટ, દરરોજ 30,000થી વધુ લોકો ભેગા થાય છે.

ત્રીજું સ્થાન છે અમદાવાદનું નરોડા ફ્રૂટ માર્કેટ. આ માર્કેટ ગુજરાતનું સૌથી મોટું હોલસેલ માર્કેટ છે. આ ઉપરાંત મુંબઈના ક્રોફોર્ડ માર્કેટ અને જમ્મુના રઘુનાથ મંદિર વિસ્તારની પણ રેકી થઈ હોવાના સંકેત મળ્યા છે. આ આતંકીઓ ઝેરને પાણીની ટાંકીમાં ભેળવીને કે ફળ-શાકભાજી પર સ્પ્રે કરીને મોટાપાયે હત્યાકાંડ આચરવાનું ષડ્યંત્ર રચી રહ્યા હતા.

પાકિસ્તાની કનેક્શન અને ડ્રોન દ્વારા હથિયારો

સામે આવ્યું છે કે આ લોકો પાસેથી મળી આવેલ હથિયારો પાકિસ્તાનની રાજસ્થાનના હનુમાનગઢ પાસે અડતી સરહદેથી ડ્રોન દ્વારા આવ્યાં હતાં. આ લોકોને ક્રિપ્ટોકરન્સી અને હવાલા મારફતે ફન્ડિંગ પણ થયું હતું. આતંકીઓ ટેલિગ્રામ અને સિગ્નલ એપના માધ્યમથી એકબીજા સાથે સંપર્કમાં હતા. હેન્ડલર્સમાં અબુ ખાદિજા (ISKP) અને અબુ હુઝૈફાનો (પાકિસ્તાની ISI લિંક) સમાવેશ થાય છે.

આ આતંકીઓને ઝડપવા માટેના આ સમગ્ર ઑપરેશનનું નેતૃત્વ ગુજરાત ATSના DIG સુનીલ જોશીએ કર્યું હતું. તેમની સાથે DySP શંકર ચૌધરી અને DySP કે.કે. પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. ATSએ જણાવ્યું હતું કે, “આ ભારતમાં પ્રથમ વખતનું રાઈસિન ઝેર આતંકી હુમલાનું કાવતરું હતું. અમે સમયસર તેને નિષ્ફળ બનાવ્યું. હજુ ચાર-પાંચ આરોપીઓની શોધ ચાલુ છે.” સૈયદના 17 નવેમ્બર સુધી પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે. આ તપાસમાં NIA પણ સામેલ થઈ છે. આ કેસમાં હજુ વધુ ઘસ્ફોટ થઈ શકે છે.