ફરીદાબાદથી 100 કિલો એમોનિયમ નાઇટ્રેટ, એક AK-47 અને 84 કારતૂસ જપ્ત: કાશ્મીરી ‘ડૉક્ટર’ આદિલ-મુઝમ્મિલ પર IED બ્લાસ્ટની યોજના અંગે તપાસ

આતંકીવિરોધી અભિયાનમાં જમ્મુ-કાશ્મીર પોલીસને એક મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાંથી 100 કિલો એમોનિયમ નાઇટ્રેટ, એક AK-47 રાઇફલ, 84 જીવતા કારતૂસ, ટાઈમર, પાંચ લિટર રાસાયણિક ઘોળ, અન્ય 48 વસ્તુઓ અને દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે, આ બધી વસ્તુનો ઉપયોગ IED બનાવવા માટે કરવામાં આવે છે. તાજેતરમાં જ કાશ્મીર પોલીસે એક કાશ્મીરી ડૉક્ટર આદિલ અહમદ રાથરની યુપીના સહરાનપુરથી ધરપકડ કરી હતી, તેના કાશ્મીર સ્થિત હોસ્પિટલના લૉકરમાંથી AK-47 મળી આવી હતી અને તે જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન સાથે જોડાયેલો હોવાનું પણ કહેવાય રહ્યું છે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા કાશ્મીરી ડૉક્ટરની પૂછપરછમાં આ વિશેનો ઘટસ્ફોટ થયો હતો અને ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પોલીસે ફરીદાબાદની ‘અલ ફલાહ’ હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. આ મામલે હોસ્પિટલમાં કાર્યરત એક અન્ય ડૉક્ટર મુઝમ્મિલ શકીલની પણ ધરપકડ કરવામાં આવી છે. તે આ હથિયારોને સંરક્ષણ કરી આપી રહ્યો હતો. 

હાલ પોલીસની કસ્ટડીમાં રહેલા કાશ્મીરી ડૉક્ટરની પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન તેણે આ વિશેનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પહેલાં પોલીસે કાશ્મીર ઘાટીમાં આ ડૉક્ટરના લૉકરમાંથી એક AK-47 રાઇફલ અને અન્ય દારૂગોળો જપ્ત કર્યો હતો. જોકે, ફરીદાબાદમાંથી જે ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે તે પણ કાશ્મીરી હોવાનું સામે આવ્યું છે. 

તપાસમાં પુલવામાં જિલ્લાના કોઈલના નિવાસી ડૉ. મુઝમ્મિલ શકીકની સંડોવણી પણ સામે આવી છે. તેણે વિસ્ફોટક સામગ્રીને સાચવવામાં મદદ કરી હોવાનું કહેવાય રહ્યું છે. બંને ડૉક્ટરોને જમ્મુ-કાશ્મીર લઈ જવામાં આવ્યા છે અને હાલ બંને પોલીસ કસ્ટડીમાં છે. અધિકારીઓએ આ કાર્યવાહીને તાજેતરના વર્ષોની સૌથી મોટી જપ્તી ગણાવી છે. 

આ સમગ્ર તપાસ જમ્મુ-કાશ્મીરના ડૉક્ટરોના એક નેટવર્ક પર કેન્દ્રિત છે, જેના પર પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને ગઝવત-ઉલ-હિન્દ સાથે સંબંધો હોવાની શંકા છે. પોલીસ સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે આ આખા નેટવર્કમાં હજુ વધુ ધરપકડ અને હથિયારો મળી આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. 

બંને ડૉક્ટરો પર શસ્ત્ર અધિનિયમની કલમ 7/25 અને UAPAની કલમ 13, 28, 38 અને 39 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીરમાં મોટાપાયે આતંકીવિરોધી અભિયાન પણ ચાલી રહ્યું છે. રવિવારે ઘાટીમાં દરોડા દરમિયાન એક મહિલા સહિત 9 લોકોની અટકાયત કરવામાં આવી હતી ને હાલ પણ આ અભિયાન ચાલી રહ્યું છે.

નોંધ:- પોલીસનું નિવેદન સામે આવ્યા વાદ રિપોર્ટ અપડેટ કરવામાં આવ્યો છે.