
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. રાષ્ટ્રીય જનતા દળના (RJD) અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, તેમનાં પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી તથા પુત્ર તેજસ્વી યાદવ વિરુદ્ધ IRCTC (ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) કૌભાંડ કેસમાં છેતરપિંડી અને ષડયંત્રના આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે.
આ કેસ 2004-2005નો છે, જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. CBIની તપાસ અનુસાર IRCTCના હોટલના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો હતો. રાંચી (ઝારખંડ) અને પુરીમાં (ઓડિશા) આવેલા બીએનઆર હોટલના ટેન્ડર પ્રક્રિયામાં લાલુ પરિવારને લાભ પહોંચાડવા માટે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. કોર્ટમાં આજે આ ઘટનાની સુનાવણી થઈ, જેમાં લાલુ યાદવ વ્હીલચેર પર બેસીને કોર્ટમાં હાજર થયા હતા. તેઓ અને તેમના પરિવારના સભ્યો દિલ્હીમાં મીસા ભારતીના ઘરે રોકાયેલા છે.
કોર્ટના જજ વિશાલ ગોગનેના આદેશ મુજબ લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ સરકારી પ્રતિનિધિ તરીકે ગેરમાર્ગે દોરવાનો (ક્રિમિનલ મિસ્કન્ડક્ટ) અને છેતરપિંડીનું ષડયંત્ર (ક્રિમિનલ કોન્સ્પિરસી ટુ કમિટ ચીટિંગ) રચવાનો આરોપ છે. આ ઉપરાંત રાબડી દેવી અને તેજસ્વી યાદવ વિરુદ્ધ છેતરપિંડી કરવી અને છેતરપિંડીનું ષડયંત્ર રચવાનો આરોપ છે.
સીબીઆઈના કેસ મુજબ, લાલુ યાદવે રેલવે મંત્રી તરીકે હોટલ કોન્ટ્રાક્ટ આપવા માટે પોતાના પરિવારને લાભ આપ્યો હતો. આ કોન્ટ્રાક્ટના બદલામાં પરિવારને જમીન અને અન્ય સુવિધાઓ આપી હોવાનો દાવો છે. આ ઘટના ‘લેન્ડ ફોર જોબ’ કેસ સાથે પણ જોડાયેલી છે. આ કેસ બિહાર ચૂંટણીઓના વચ્ચે આવ્યો છે, જે આરજેડી માટે રાજકીય રીતે મુશ્કેલી વધારી શકે છે.

