બોટાદમાં પરવાનગી વગર યોજાયેલી AAPની મહાપંચાયત અટકાવવા પહોંચેલી પોલીસ પર જીવલેણ હુમલો: પથ્થર ફેંકાયા, વાહનોમાં તોડફોડ

બોટાદના હડદડ ગામમાં આમ આદમી પાર્ટીના સમર્થનથી પરવાનગી વગર યોજવામાં આવેલી મહાપંચાયત અટકાવવા માટે પહોંચેલી પોલીસ પર હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે.

ઘટનામાં અમુક પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે તો તેમનાં વાહનોને પણ ભરપૂર નુકસાન થયું છે. પોલીસે પછીથી ટીયરગેસના સેલ છોડીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવો પડ્યો હતો.

બોટાદ APMCમાં કદડાનો વિવાદ ચાલી રહ્યો છે, જેના પગલે હડદડમાં મહાપંચાયતનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે તેની પરવાનગી આપી ન હતી. પહેલેથી જ જિલ્લા પોલીસ પ્રશાસને સ્પષ્ટ કર્યું હતું કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સર્જાય તો ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.

પછીથી જ્યારે રવિવારે (12 ઑક્ટોબર) મહાપંચાયતના નામે ટોળાં એકઠાં થવા માંડ્યાં તો પોલીસની ટીમો તેમને વિખેરવા માટે પહોંચી હતી, પરંતુ આ દરમિયાન તેમની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો. ઉપરાંત પોલીસનાં વાહનોને પણ ટાર્ગેટ કરીને પથ્થર ફેંકવામાં આવ્યા.

જિલ્લા પોલીસ વડા હરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર મંડળીને વિખેરવા માટે પોલીસ પહોંચી ત્યારે પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસની ગાડીને પણ ટાર્ગેટ કરવામાં આવી. જેના કારણે બળપ્રયોગ કરવો પડ્યો હતો. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. તેમણે ઉમેર્યું કે સ્થળ પરથી વીસેક લોકોની અટકાયત કરવામાં આવી છે.

એસપીએ જણાવ્યું કે કોઈનું મૃત્યુ થઈ શકે એટલા મોટા પથ્થરો પોલીસ તરફ ફેંકવામાં આવ્યા હતા અને પૂર્વઆયોજિત રીતે તૈયારી કરીને હુમલાને અંજામ આપવામાં આવ્યો. આ મામલે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવામાં આવશે.