લગભગ ચારેક દાયકાથી કાગળ પર રહી ગયેલા ચિનાબ નદી પરના સાવલકોટ હાઈડ્રોપાવર પ્રોજેક્ટને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ આપવા માટે કેન્દ્રની મોદી સરકારે પ્રક્રિયા આગળ ધપાવી છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની પેનલે સપ્ટેમ્બર 2025ની બેઠકમાં આ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટેની ભલામણ કરી હતી. જોકે, ચાર દાયકાથી આ પ્રોજેક્ટ વિવિધ કારણોસર અટકી પડ્યો હતો, પરંતુ સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ હવે કેન્દ્ર સરકારે તેને ઝડપથી પૂર્ણ કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પ્રોજેક્ટ વ્યાવહારિક દ્રષ્ટિએ તો ભારત માટે મહત્વપૂર્ણ છે જ પણ વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ તે વધુ મહત્વપૂર્ણ બની રહે છે.
રામબન જિલ્લામાં નિર્માણ પામનાર આ પ્રોજેક્ટ જમ્મુ-કાશ્મીરનો સૌથી મોટો હાઈડ્રોપાવર પ્લાન્ટ બનશે. તેનાથી લાખો પરિવારોને લાભ પહોંચશે અને અંતરિયાળ વિસ્તારોમાં વીજળીની અછત પૂર્ણ થશે. આ સાથે જ આ પ્રોજકેટ ઉત્તર ભારતના વીજળી ગ્રીડને પણ મજબૂતી આપશે. આ પ્રોજેક્ટ ઇન્ડસ વોટર ટ્રીટીને (IWT) અનુરૂપ છે, પરંતુ એપ્રિલ 2025માં મોદી સરકારે સંધિ સ્થગિત કર્યા બાદ તેને આગળ વધારવા માટેનો માર્ગ પણ મોકળો થઈ ગયો છે. આ પ્રોજેક્ટ અને તેના મહત્વ વિશે વિગતે ચર્ચા કરીએ.
શું છે સાવલકોટ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ?
સાવલકોટ પ્રોજેક્ટ એ ચિનાબ નદીના પાણીનો ઉપયોગ કરીને વીજળી બનાવવા માટેનો એક ખાસ પ્લાન્ટ છે. તેને રન-ઑફ-ધ રિવર પણ કહેવાય છે. તેનો અર્થ એ થયો કે તે કોઈ વિશેષ સુવિધા કે મોટું જળાશય બનાવ્યા વિના નદીના કુદરતી વહેણનો ઉપયોગ કરે છે અને વીજળી ઉત્પન્ન કરે છે. તેના કારણે હેઠવાસના વિસ્તારોમાં પાણીના પ્રવાહને ઓછામાં ઓછી અસર થાય છે. આ પ્રોજેક્ટ રામબન, રિયાસી અને ઉધમપુર જિલ્લાઓમાં ફેલાયેલો છે. તેમાં 192.5 મીટર ઊંચો ડેમ, ભૂગર્ભમાં વીજળી ઉત્પન્ન કરવાનું પાવરહાઉસ અને પાણીને નિયંત્રિત કરવા માટે ટનલની વ્યવસ્થા પણ હશે.
આ પ્રોજેક્ટ બે તબક્કામાં બનશે. પહેલા ભાગમાં 1,406 મેગાવોટની ક્ષમતા સાથે છ 225 મેગાવોટના અને એક 56 મેગાવોટનું યુનિટ બનશે. બીજા તબક્કામાં વધુ બે 225 મેગાવોટના યુનિટનો તેમાં ઉમેરો કરવામાં આવશે. આ પ્લાન્ટ દર વર્ષે લગભગ 8,000 ગીગાવોટ-કલાક વીજળી ઉત્પન્ન કરશે. તેનાથી જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હરિયાણાના ઘરો અને ફેક્ટરીઓને લાભ મળશે. આ પ્રોજેક્ટને નેશનલ હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC) ચલાવે છે અને તે 1,401 હેક્ટર જમીન પર ફેલાયો છે, જેમાં જંગલની જમીનો પણ આવરી લેવામાં આવી છે.
1980ના દાયકામાં આ પ્રોજેક્ટનો વિચાર આવ્યો હતો, પરંતુ પર્યાવરણીય ચિંતાઓ, નાણાંની અછત અને ‘પાકિસ્તાનના ડર’ના કારણે તે અટકી પડ્યો હતો. હવે નવી ઉર્જા અને કેન્દ્રના મજબૂત નેતૃત્વની નિર્ણયશક્તિ સાથે આ પ્રોજેક્ટ ચિનાબની અઢળક સંભવિતતાને બહાર લાવવા માટે તૈયાર થઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ તેના પર કામ શરૂ કરી દેવામાં આવશે.
સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ શરૂ થયો પ્રોજેક્ટ
સિંધુ જળ સંધિ (IWT) 1960માં વર્ડ બેન્કની મધ્યસ્થીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલો એક કરાર હતો. તેમાં નદીઓના પાણીની વહેંચણીના મુદ્દાઓ આવરવામાં આવ્યા હતા. આ સંધિમાં કહેવાયું હતું કે રાવી, બિયાસ અને સતલજ નદીઓ ભારત અને સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓ મુખ્યત્વે પાકિસ્તાનને આપવામાં આવશે. જોકે, એ ઉલ્લેખ પણ હતો કે ભારતને ચિનાબ જેવી પશ્ચિમી નદીઓના પાણીનો થોડો ભાગ વીજળી ઉત્પાદન જેવા ઉપયોગ માટે મળી શકે છે, પરંતુ તેના માટે ભારતે પાકિસ્તાનને 6 મહિના પહેલાં જાણ કરવાની અને ડિઝાઇનની તપાસ બાદ કામ શરૂ કરવાનું.
આ કારણે અગાઉની સરકારોએ આ પ્રોજેક્ટ્સને દાયકાઓ સુધી અટકાવી રાખ્યો હતો અને પાકિસ્તાન પણ આ પ્રોજેક્ટ પર વારંવાર અવળચંડાઈ કરી રહ્યું હતું. પરંતુ, 22 એપ્રિલ, 2025ના રોજ પહલગામ આતંકી હુમલા બાદ મોદી સરકારે બીજા જ દિવસે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. આ ઉપરાંત ભારતે પાકિસ્તાન સાથે પાણીની માહિતી અને ચર્ચા પણ બંધ કરી દીધી હતી.
આ સંધિ સ્થગિત થયા બાદ સાવલકોટ જેવા પ્રોજેક્ટ્સને ઝડપથી આગળ વધારવાનો વિશાળ માર્ગ ખુલ્લી ગયો હતો. જોકે, સિંધુ જળ સંધિ અસ્તિત્વમાં હોત તો પણ ભારત આ પ્રોજેક્ટ કરી શક્યું હોત, પણ અગાઉની સરકારોની નિર્ણયશક્તિ પાકિસ્તાના નિર્ણય પર આવીને અટકી જતી હતી. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે IWTના નિયમોને અનુરૂપ છે, પરંતુ હવે ભારત પોતાના હક્કના પાણીનો પૂરો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છે.
કેમ મહત્વપૂર્ણ છે આ પ્રોજેક્ટ?
સાવલકોટ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માત્ર વીજળી બનાવવાનો પ્લાન્ટ નથી, તે ભારતની વ્યૂહાત્મક શક્તિનું પ્રતિક પણ છે. રામબન, રિયાસી અને ઉધમપુર જિલ્લાઓમાં ફેલાયેલું આ સ્થાન ચિનાબના હિમાલયના ઢોળાવમાંથી ઝડપથી વહેતા પ્રવાહને કારણે ખાસ છે. આ ઝડપી વહેણ 1,856 મેગાવોટની વીજળી ઉત્પન્ન કરવા માટે મહત્વપૂર્ણ છે અને વળી તે પાકિસ્તાનની સરહદ પર હોવાથી વધુ જરૂરી ગણાય છે. ચિનાબનું પાણી અત્યાર સુધી પાકિસ્તાનના ખેતરો અને વીજળી ઉત્પાદનને લાભ પહોંચાડી રહ્યું હતું, કારણ કે ભારત પોતાના હક્કના પાણીનો ખૂબ ઓછો ઉપયોગ કરી રહ્યું હતું. પરંતુ હવે સાવલકોટ પ્રોજેક્ટ આ પાણીનો સંપૂર્ણ ઉપયોગ કરીને ભારતને ઉર્જા સુરક્ષા પૂરી પાડશે અને પ્રાદેશિક પ્રભાવમાં પણ વધારો કરશે. ગૃહ મંત્રાલયે આ પ્રોજેક્ટને ‘વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ’ ગણાવ્યો છે. પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષાની બાબતોને ધ્યાને રાખીને પણ તેનું મહત્વ ખૂબ વધ્યું છે.
જોકે, તે સિવાય પણ આ પ્રોજેક્ટ અનેક રીતે મહત્વપૂર્ણ સાબિત થશે. તે જમ્મુ-કાશ્મીરમાં હજારો નોકરીઓ લાવશે, સ્થાનિક રસ્તાઓ અને ઇન્ફ્રાસ્ટ્રકચરને બહેતર બનાવશે અને 550 મિલિયન ઘનમીટરનું જળાશય ખેતી માટે સિંચાઇની સુવિધા પણ આપશે. આ ઉપરાંત આ પ્લાન્ટ સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરશે, જે ભારતના પર્યાવરણીય ધ્યેયોને ધ્યાનમાં રાખશે અને કાર્બન ઉત્સર્જન ઘટાડશે. રાષ્ટ્રીય સ્તરે આ પ્રોજેક્ટ આખા ઉત્તર ભારતના વીજળી ગ્રીડને મજબૂત કરશે, જેનાથી કોલસા અને પેટ્રોલ જેવા આયાતી ઈંધણ પરની નિર્ભરતા ઘટશે.
આ પ્રોજેક્ટ ચિનાબ ખીણમાં પાકલ દુલ અને રાતલે જેવા અન્ય પ્રોજેક્ટ્સ સાથે મળીને 10,000 મેગાવોટની વીજળી ઉત્પન્ન કરી શકે છે, જે ભારતની શક્તિને નવી ઊંચાઈ આપશે. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પાણીનો ઉપયોગ શસ્ત્ર તરીકે નહીં કરે, પરંતુ IWT સ્થગિત થવાથી પાકિસ્તાનમાં પાણી ઘટવાની ચિંતા વધી છે અને તેના કારણે આતંકી દેશ વારંવાર ધમપછાડા કરી રહ્યો છે.
કેટલો ખર્ચ અને ક્યારે તૈયાર થશે પ્રોજેક્ટ?
આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ લગભગ ₹31,380 કરોડ છે. આ રકમમાં ભૂકંપ-પ્રતિરોધી ટેક્નોલોજી, જટિલ ટનલ અને ફુગાવાનો સમાવેશ થાય છે. આ નાણાં NHPC, સરકારી ગ્રાન્ટ અને આંતરરાષ્ટ્રીય લોનથી ભેગા થશે. અગાઉનો અંદાજ ₹22,700 કરોડનો હતો, પરંતુ 2025 પછીના ખર્ચના વધારા અને પર્યાવરણીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ આંકડો વધ્યો છે. અગાઉ પર્યાવરણીય ચિંતાઓ પર ધ્યાન નહોતું અપાયું, પણ હવે પર્યાવરણીય બાબતોને નુકસાન ન પહોંચે તે રીતે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે અને તેના કારણે ખર્ચમાં વધારો થવાની સંભાવના પણ છે.
ઉપલબ્ધ માહિતી અનુસાર, પ્રોજેક્ટનું નિર્માણ 2026ની શરૂઆતમાં શરૂ થશે અને 2035 સુધીમાં આખો પ્લાન્ટ તૈયાર થઈ જશે. પહેલો ભાગ 2032 સુધીમાં વીજળી આપવાનું શરૂ કરી શકે છે. અગાઉના વિલંબો, જેમ કે 847 હેક્ટર જંગલ જમીનની મંજૂરી (જુલાઈ 2025માં મળી) અને જૂના પર્યાવરણીય રિપોર્ટ, હવે રાષ્ટ્રીય હિત અને સુરક્ષાને પ્રાધ્યાન આપવાના કારણે દૂર થયા છે. જોકે, હજુ પણ પર્યાવરણની બાબતોને લઈને ચિંતા જોવા મળી રહી છે, પણ રાષ્ટ્રીય હિત અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને તેને મંજૂરી આપવા માટેની ભલામણ યોગ્ય ગણવામાં આવી રહી છે.
આ પ્રોજેક્ટથી નદીના પ્રાણીઓ અને હિમાલયની નાજુક જમીન પર અસર થઈ શકે છે, પરંતુ સરકારે માછલીઓ માટે ખાસ લેડર, વૃક્ષારોપણ અને રિયલ-ટાઈમ-સેડીમેન્ટ મોનિટરિંગ જેવાં પગલાં લેવાનું કહ્યું છે. ગામડાઓમાં રહેતા ઘણા લોકોની જમીન પણ આ પ્રોજેક્ટ હેઠળ જશે, તેમના માટે ન્યાયી વળતર અને નવી આજીવિકાની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કે તેમને સરકાર મકાન અને આજીવિકા આપશે. હિમાલયના સ્નો લેપર્ડ જેવા પ્રાણીઓને બચાવવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આ બધું વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન રાખવાનો પ્રયાસ છે.


