આજના ડિજિટલ યુગમાં વ્યવસાય અને વ્યક્તિગત જીવનને સરળ બનાવવા માટે અનેક ક્લાઉડ-આધારિત સોફ્ટવેર અને એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે. પરંતુ તેમાંથી મોટાભાગની કંપનીઓ વિદેશી મૂળની છે. જેમ-જેમ જમાનો અને ટેકનોલોજી સજોડે આગળ વધતાં જાય છે તેમ આવી મોટી-મોટી કંપનીઓ પર ડેટા પ્રાઈવસીને લઈને પ્રશ્નો પણ ઉઠતા રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ભારતીય કંપની ઝોહો કોર્પોરેશન (Zoho Corporation) એક વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે. ઝોહો એ એક ભારતીય ટેક્નોલોજી કંપની છે, જે વ્યવસાય માટે વિવિધ સોફ્ટવેર અને એપ્લિકેશન્સ પૂરાં પાડે છે.
ગૂગલ, માઇક્રોસોફ્ટ અને વોટ્સએપ જેવા ઇન્ટરનેશનલ જાયન્ટ્સને સીધી ટક્કર આપવા માટે બનાવવામાં આવેલી આ કંપની થોડા સમયથી દેશભરમાં ચર્ચામાં છે. સૌથી પહેલાં કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેર માધ્યમમાં કંપનીને પ્રમોટ કરી હતી. ત્યારબાદ કેબિનેટ બેઠક બાદ થતા બ્રિફિંગમાં પણ તેનો ઉલ્લેખ કર્યો. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝોહો મેઇલ પર સ્વિચ થવાની ઘોષણા કરી. પછીથી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી અને અન્ય નેતાઓએ પણ ઝોહો પર ખાતાં ખોલાવ્યાં અને સોશિયલ મીડિયા પર તેની જાહેરાત પણ કરી.
ઝોહો શું છે?
ઝોહો એ ભારતની મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની છે, જે વાયરલેસ ઓફિસ સુઇટ અને વ્યવસાયિક સોફ્ટવેર પર કેન્દ્રિત છે. તે વિશ્વભરમાં 150થી વધુ દેશોમાં કાર્યરત છે. ઝોહોની 55થી વધુ એપ્લિકેશન્સ છે, જે ઝોહો વન (Zoho One) નામના એક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ પ્લેટફોર્મ વ્યવસાયોને CRM (કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ), ઇ-મેઇલ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ, HR અને અન્ય સેવાઓ માટેનાં ઉપયોગી ટૂલ્સ પૂરાં પાડે છે.
ઝોહોની વિશેષતા એ છે કે તે ફ્રીમિયમ મોડલ એટલે કે ફ્રી અને પેઇડ વર્ઝન પર કાર્ય કરે છે. અર્થાત નાના વ્યવસાયો માટે ફ્રી વર્ઝન અને મોટા માટે પેઇડ સબ્સ્ક્રિપ્શન. તે વિશ્વભરમાં 130 મિલિયનથી વધુ યુઝર્સને સેવા આપે છે અને તેની આવકનો ટેક્સ ભારતમાં જ ભરવામાં આવે છે. જે ભારતીય અર્થતંત્રને મદદરૂપ બને છે.
ઝોહોની શરૂઆત: ક્યારે, કેવી રીતે અને કોણે કરી?
ઝોહોની શરૂઆત 1996માં ભારતીય ઉદ્યોગપતિ શ્રીધર વેમ્બુ (Sridhar Vembu) અને તેમના મિત્ર ટોની થોમસે (Tony Thomas) કરી હતી. શ્રીધર વેમ્બુએ IIT મદ્રાસ અને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. કંપનીનું મુખ્યમથક ચેન્નાઈમાં છે. અમેરિકાના ટેક્સાસમાં પણ ઑફિસ છે.
1999માં કંપનીએ ભારતમાં ચેન્નાઈમાં ઓફિસ ખોલી અને 2000માં ઝોહો નામના વેબ-આધારિત ઓફિસ સુઇટને લૉન્ચ કર્યું હતું. 2005માં ઝોહો CRM અને ઝોહો રાઇટર જેવી પ્રોડક્ટ્સ આવી અને 2009માં કંપનીનું નામ ઝોહો કોર્પોરેશન પડ્યું. 2017માં ઝોહો વન લૉન્ચ થયું, જે 40થી વધુ એપ્લિકેશન્સને એકીકૃત કરે છે. આજે ઝોહોમાં 18,000થી વધુ કર્મચારીઓ છે અને લગભગ 80 દેશોમાં તેની ઑફિસ છે.
2023 સુધીમાં શ્રીધર વેમ્બુના ભાઈ શેખર વેમ્બુ કંપનીના 35.2% શેર ધરાવતા હતા અને તેમનાં બહેન રાધા વેમ્બુના 47.8% શેર હતા. શ્રીધર વેમ્બુ 5% શેર ધરાવતા હતા અને સહ-સ્થાપક ટોની થોમસ 8% શેર ધરાવતા હતા. હાલમાં સ્થાપક શ્રીધર વેમ્બુએ CEO પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ AI અને અન્ય સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કંપનીમાં મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કામ કરી રહ્યા છે.
ઝોહો કેવી રીતે કામ કરે છે?
ઝોહો ક્લાઉડ-આધારિત પ્લેટફોર્મ છે. એટલે કે તમારા ડેટાને તમારા કમ્પ્યુટર પર સ્ટોર કરવાને બદલે, તેને ઝોહોના સર્વર પર સ્ટોર કરવામાં આવે છે. તમે કોઈ પણ ડિવાઇસ (મોબાઈલ, લેપટોપ) પરથી ઈન્ટરનેટ દ્વારા તેનો ઉપયોગ કરી શકો છો. તેની વેબસાઈટ અથવા એપ પરથી એકાઉન્ટ બનાવીને ડેટાને ઈમ્પોર્ટ કરી શકાય છે.
ઝોહો વનમાં બધાં ટૂલ્સ એકબીજા સાથે જોડાયેલાં છે. ઉદાહરણ તરીકે CRMમાંથી ઇ-મેઇલ મોકલવામાં આવે તો તે આપમેળે એનાલિટિક્સમાં રિપોર્ટ થાય છે. ઝિયા (Zia) નામનું AI ટૂલ યુઝરોને પ્રિડિક્શન, ઓટોમેશન અને રિપોર્ટ્સ આપે છે. ઝોહોનાં વિશ્વભરમાં 18 ડેટા સેન્ટર્સ છે, પરંતુ ભારતીય યુઝરોના ડેટા માત્ર ભારતમાં (દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ) સ્ટોર થાય છે.
ઝોહોની મુખ્ય સુવિધાઓ
ઝોહોના પ્રોડક્ટ્સ વ્યવસાયનાં દરેક પાસાંને આવરી લે છે.
ઝોહો CRM: વેચાણ અને માર્કેટિંગ માટે યુઝર્સના સંબંધો મેનેજ કરવા.
ઝોહો મેઇલ: વ્યવસાયિક ઇ-મેઇલ અને કોલબ્રેશન માટે, જેમ કે ગ્રુપમાં વાતચીત.
ઝોહો પ્રોજેક્ટ્સ: પ્રોજેક્ટ્સને વિભાજિત કરીને ટાસ્ક આપવા અને પ્રોગ્રેસ ટ્રેક કરવા.
ઝોહો બુક્સ: એકાઉન્ટિંગ, ઈન્વોઈસિંગ અને ટેક્સ મેનેજમેન્ટ માટે.
ઝોહો ડેસ્ક: ગ્રાહક સપોર્ટ માટે ટિકેટિંગ સિસ્ટમ.
ઝોહો ક્રિએટર: લો-કોડ પ્લેટફોર્મ, જેમાં તમે તમારી જરૂરિયાત મુજબ કસ્ટમ એપ્સ બનાવી શકો છો.
ઝોહો એનાલિટિક્સ: ડેટાનું વિઝ્યુઅલાઈઝેશન અને બિઝનેસ ઈન્ટેલિજન્સ.
ઝોહો વર્કપ્લેસ: ડોક્યુમેન્ટ્સ, સ્પ્રેડશીટ્સ અને ચેટ માટે.
ઝોહો અરટ્ટાઇ: તાજેતરમાં જ લૉન્ચ થયું છે, જે મેસેજિંગ માટે છે. વૉટ્સએપનું પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે.
નોંધનીય છે કે અરટ્ટાઇમાં ટેક્સ્ટ, વોઈસ/વિડીયો કોલ્સ, ગ્રુપ ચેટ (1000 સુધી), મીડિયા શેરિંગ, સ્ટોરીઝ અને ચેનલ્સ છે. તે વોટ્સએપનો સ્વદેશી વિકલ્પ છે અને તમિલમાં ‘અરટ્ટાઇ’નો અર્થ ‘સરળ વાતચીત’ એવો થાય છે. ઝોહોનાં ટૂલ્સ સસ્તાં છે અને વિદેશી કંપનીઓ કરતાં 50% ઓછા ખર્ચે ઓપન-સોર્સ પ્રોજેક્ટ્સને સપોર્ટ કરે છે.
તાજેતરમાં ઝોહો કેમ ચર્ચામાં આવ્યું છે?
તાજેતરમાં લૉન્ચ થયેલ અરટ્ટાઇ એપના કારણે ઝોહો હાલ ચર્ચામાં છે. સપ્ટેમ્બર 2025માં ડાઉનલોડ્સમાં લગભગ 100ગણો વધારો થયો છે. ડેટા અનુસાર રોજના 3,000થી 3,50,000 સુધી નવાં સાઇન-અપ્સ જોવા મળ્યાં. એપલ એપ સ્ટોરમાં તે સોશિયલ નેટવર્કિંગ કેટેગરીમાં નંબર 1 બન્યું છે. આ વધારો સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનથી પ્રેરિત છે.
જોકે ઝોહો વામપંથી જૂથોને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે. તેઓ તેને ‘સરકારી એજન્ટ’ કહીને બહિષ્કારની અપીલ કરી રહ્યા છે. આ સિવાય ઝોહો પરથી ડેટા લીક થતો હોવાની અફવાઓ ફેલાવીને તેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુએ ડેટા સુરક્ષા પર ફેલાવવામાં આવેલી અફવાઓને રદિયો આપ્યો છે.
સુરક્ષાની દ્રષ્ટિએ ઝોહો કેવું છે?
તેમણે જણાવ્યું કે ઝોહોની પ્રાઈવસી અને સુરક્ષા સુવિધાઓ ખૂબ મજબૂત છે, જે તેને વિદેશી કંપનીઓથી અલગ પાડે છે. એની મુખ્ય વિશેષતા અને સુરક્ષા એ છે કે ભારતીય યુઝર્સનો ડેટા માત્ર ભારતમાં સ્ટોર થાય છે – કોઈ વિદેશી સર્વર પર નહીં. આ GDPR, HIPAA અને ભારતીય ડેટા પ્રોટેક્શન કાયદાઓને અનુરૂપ છે. આ સિવાય ઝોહો ડેટા ટ્રાન્ઝિટમાં TLS 1.2/1.3 અને સ્ટોરેજમાં AES-256 એન્ક્રિપ્શન વાપરે છે. કીઝ પોતાના KMSમાં સુરક્ષિત છે.
આ ઉપરાંત તેમાં બે-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA), IP રિસ્ટ્રિક્શન્સ, ઓડિટ લોગ્સ અને રોલ-બેઝ્ડ એક્સેસ છે. તેમાં ISO 27001, SOC 2 Type II નામક સિક્યુરીટી મેનેજમેન્ટ સિસ્ટમ છે. આ સિવાય GDPR કોમ્પ્લાયન્ટ છે એટલે કે યુરોપિયન યુનિયનના (EU) જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR)ના નિયમોનું પાલન કરે છે. તે OWASP નામક સોફ્ટવેર સિક્યુરિટી સંસ્થાના સ્ટાન્ડર્ડ્સ પર આધારિત છે. ઝોહો દાવો કરે છે કે તેમનું બિઝનેસ મોડલ યુઝરોના ડેટાને સુરક્ષિત રાખે છે.
નોંધનીય છે કે USAમાં ઝોહોનો સૌથી વધુ ઉપયોગ થાય છે જે દર્શાવે છે કે ઝોહોનો વૈશ્વિક સ્તરે પણ ઘણો પ્રભાવ છે. 2001માં તેનું નેટવર્ક જાપાનથી લઈને સમગ્ર વિશ્વભરમાં ફેલાયું હતું. ઝોહો ક્લાય (CLI) જેવા ડેવલપર ટૂલ્સ અને AI-આધારિત Zia સાથે આગળ વધી રહ્યું છે. ઝોહો ઓપન-સોર્સને સપોર્ટ કરે છે અને વિદેશી ડિપેન્ડન્સી ઘટાડે છે.
ભારતીય નેતાઓએ થયા ઝોહો પર સ્વિચ
ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝોહો પ્રોડક્ટ્સ અપનાવવાની અપીલ કરી છે. આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સહિતના કેન્દ્રીય નેતાઓ ઇ-મેઇલ, વ્હોટ્સએપ જેવી એપ્સ છોડીને સ્વદેશી ઝોહોના વિવિધ પ્લેટફોર્મ્સ પર સ્વિચ કરી ચૂક્યા છે. તેઓ દેશની જનતાને પણ ઝોહો તરફ વળવાની અપીલ કરી રહ્યા છે.
નોંધનીય છે કે ગૂગલ અને માઇક્રોસોફ્ટ લાંબા સમયથી ઓફિસ સોફ્ટવેર જગતમાં પ્રભુત્વ ધરાવે છે. ભારતીય યુઝર્સ પણ તેનો જ ઉપયોગ કરે છે. જોકે ઝોહોએ આ એકાધિકારને પડકાર્યો છે અને માત્ર ભારતીય બજારમાં જ નહીં પરંતુ વૈશ્વિક બજારમાં પણ પોતાનું સ્થાન સ્થાપિત કર્યું છે. જેમ-જેમ આ સ્વદેશી સોફ્ટવેરનો વિસ્તાર થશે તેમ તેમ ભારત વધુ મજબૂત બનશે. આ સિવાય ભારતીય ટેક કંપનીઓને પણ મદદ મળશે જે વૈશ્વિક બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે.


