હોમપેજગુજરાતહિંદુઓને પ્રલોભનો આપી બનાવાતા ખ્રિસ્તી, ખાનગી મકાનમાં ધર્માંતરણ થતું હોવાનો આરોપ: દ્વારકાના...

હિંદુઓને પ્રલોભનો આપી બનાવાતા ખ્રિસ્તી, ખાનગી મકાનમાં ધર્માંતરણ થતું હોવાનો આરોપ: દ્વારકાના ખંભાળિયામાં નેપાળી દંપતી સહિત ત્રણની ધરપકડ

ફરિયાદ અનુસાર ઘટનાસ્થળે પહોંચતા હિંદુ સંગઠને જોયું હતું કે લગભગ 25થી 30 લોકો ત્યાં હાજર હતા. આ લોકો હિંદુ ધર્મના હતા અને ત્યાં હાજર ત્રણ આરોપીઓ તેમને ઈશુ ખ્રિસ્તની વાતો કરી રહ્યા હતા અને નાણાકીય લાભની લાલચ આપીને ખ્રિસ્તી પંથ અપનાવવા માટે પ્રેરિત કરી રહ્યા હતા.

- Advertisement -

દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં ખ્રિસ્તી ધર્માંતરણ થતું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. હિંદુ સંગઠનોની આ ફરિયાદનાં આધારે FIR પણ નોંધાઈ છે. આરોપ છે કે શહેરનાં એક ખાનગી મકાનમાં હિંદુ આદિવાસીઓને એકઠા કરીને તેમને ખ્રિસ્તી પંથ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા હતા. ફરિયાદ બાદ ખ્રિસ્તી દંપતી સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના 28 સપ્ટેમ્બર, 2025ના રોજ સામે આવી હતી. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. હિંદુ સંગઠને નોંધાવેલી FIRમાં કહેવાયું છે કે વિશ્વ હિંદુ પરિષદના એક કાર્યકર્તાએ VHPના ઉપાધ્યક્ષ કિરણબેનને જણાવ્યું હતું કે ખંભાળિયાના શક્તિનગરમાં શ્રીનાથજી સ્કૂલની પાછળ આવેલા એક રહેણાંક મકાનમાં ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. 

કાર્યકર્તાએ આગળ જણાવ્યું હતું કે કેટલાક લોકો નાણાકીય લાભની લાલચ આપીને હિંદુઓને ખ્રિસ્તી પંથ અપનાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આ માહિતીના આધારે VHP ઉપાધ્યક્ષ અને તેમના પતિ વિજય કુમાર મનસુખલાલ કટારીયાએ VHPના સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ કંચવાનાને આ બાબતની જાણ કરી હતી. 28 સપ્ટેમ્બરની સવારે લગભગ 11:45 વાગ્યે કિરણબેન અને VHPના અન્ય સભ્યો આ સ્થળે તપાસ માટે પહોંચ્યા હતા. 

- Advertisement -

હિંદુઓને પ્રલોભનો આપી ધર્માંતરણ કરાવાતું હોવાનો આરોપ

ફરિયાદ અનુસાર ઘટનાસ્થળે પહોંચતા હિંદુ સંગઠને જોયું હતું કે લગભગ 25થી 30 લોકો ત્યાં હાજર હતા, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો હિંદુ ધર્મના હતા અને ત્યાં હાજર ત્રણ આરોપીઓ તેમને ઈશુ ખ્રિસ્તની વાતો કરી રહ્યા હતા અને નાણાકીય લાભની લાલચ આપીને ખ્રિસ્તી પંથ અપનાવવા માટે પ્રેરિત કરી રહ્યા હતા. આ ત્રણ આરોપીઓની ઓળખ દિપક રઘુવીરસિંહ ગુરુસિંહ બિશ્વકર્મા (ખ્રિસ્તી), દીપાબેન દિપકભાઈ બિશ્વકર્મા (ખ્રિસ્તી) અને મુકેશ સુભાષભાઈ અજનાર (ખ્રિસ્તી) તરીકે થઈ છે. 

દીપાબેન અને દિપક બંને પતિ-પત્ની હોવાનું સામે આવ્યું છે, બંને મૂળ નેપાળના છે અને હાલ ખંભાળિયામાં રહે છે. તે સિવાય મુકેશ મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય આરોપીઓએ હિંદુ આદિવાસીઓને પ્રાર્થનાનાં બહાને બોલાવીને આર્થિક લાભ અને લાલચ આપી ખ્રિસ્તી પંથ અપનાવવા માટે દબાણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. 

FIRમાં હાજર લોકોની યાદી આપવામાં આવી છે, જેમાં 27 વ્યક્તિઓનાં નામ, ઉંમર, ધંધો અને સરનામાંનો ઉલ્લેખ છે. આ તમામ લોકો હિંદુ ધર્મના હોવાનું જણાવાયું છે અને તેમને મુકેશ સુભાષભાઈ અજનાર દ્વારા લાલચ આપીને આ સ્થળે લાવવામાં આવ્યા હતા. આ લોકોમાં મોટાભાગના માણસો મજૂરી કરતા હતા અને મધ્ય પ્રદેશના અલીરાજપુર, ધાર અને જાબુઆ જિલ્લાઓના મૂળ રહેવાસી હતા, જે હાલ ખંભાળીયા અને આસપાસના ગામોમાં રહે છે.

આ ઘટનાને લઈને ખંભાળિયા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2003ની કલમ 4 અને ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 54 હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપ છે કે દીપક, દીપાબેન અને મુકેશ અજનારે એકબીજાને મદદ કરીને હિંદુ આદિવાસી સમુદાયના લોકોને ગેરકાયદેસર રીતે ખ્રિસ્તી પંથ અપનાવવા માટે નાણાકીય લાલચ આપી હતી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં