દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના ષડયંત્રના કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ જેવા અનેક હાઈ-પ્રોફાઈલ આરોપીઓના નામ સામે આવ્યા છે. આ કેસ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધુ ચર્ચિત કેસોમાંથી એક બની ગયો છે. આમાં એવી બધી બાબતો છે જે કોઈ વિવાદાસ્પદ કેસને હેડલાઈન્સમાં લાવે છે, જેમ કે ચર્ચિત આરોપીઓ, જાણીતા વકીલોની દલીલો, ન્યાયપાલિકામાં પક્ષપાતના આરોપો અને કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવા.
ભારતમાં 2020 પછી મેઈનસ્ટ્રીમ મીડિયાનો મોટો હિસ્સો સતત એવી વાર્તાઓ પીરસતો રહ્યો છે જે આરોપીઓને નિર્દોષ સાબિત કરવાનો પ્રયાસ કરે છે. એવું લાગે છે કે મીડિયા જાણે ન્યાય પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય.
હાલમાં ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં એસ.ક્યૂ.આર. ઇલિયાસનો એક લેખ પ્રકાશિત થયો, જેનું શીર્ષક હતું, ‘ભારતને યુએપીએ (ગેરકાયદેસર પ્રવૃત્તિ નિવારણ કાયદો) વિરુદ્ધ જન આંદોલનની જરૂર છે.’ આ લેખમાં ઇલિયાસે એવો ખ્યાલ આપ્યો કે સુપ્રીમ કોર્ટની બેન્ચ વારંવાર બદલાતી રહે છે, આરોપીઓ જામીન પર જ તેમની નિર્દોષતા સાબિત કરી દે છે અને વિલંબ માટે હંમેશા રાજ્યને (સરકાર) જવાબદાર ઠેરવવામાં આવે છે.
આવા તર્ક આપનાર વ્યક્તિની પૃષ્ઠભૂમિ સમજવી જરૂરી છે. ઇલિયાસ એક સમયે પ્રતિબંધિત ઇસ્લામી આતંકવાદી સંગઠન SIMIનો (SIMI) સભ્ય હતો. તેણે 1985માં SIMI છોડી દીધું હતું. 2019માં તેણે પશ્ચિમ બંગાળમાં વેલફેર પાર્ટી ઑફ ઇન્ડિયાની (WPI) ટિકિટ પર મુર્શિદાબાદ જિલ્લાની મુસ્લિમ બહુસંખ્યક જંગીપુર સીટ પરથી લોકસભા ચૂંટણી પણ લડી હતી. ભૂતપૂર્વ SIMI સભ્ય હવે જમાત-એ-ઇસ્લામી હિંદ અને AIMPLBની કેન્દ્રીય સલાહકાર પરિષદનો સભ્ય છે.
2016માં જ્યારે ઉમર ખાલિદની દેશદ્રોહી ભાષણ આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ઇલિયાસે સવાલ ઉઠાવ્યો હતો કે શું તેના પુત્રને તેના SIMI સાથેના જૂના સંબંધોના કારણે નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેણે કહ્યું હતું, “મેં 1985માં SIMI છોડી દીધું હતું, જ્યારે મારા પુત્ર ઉમર ખાલિદનો જન્મ પણ થયો નહતો. તે સમયે SIMI કે તેના કોઈ સભ્ય પર કોઈ કેસ ન હતો.”
નોંધનીય છે કે ઇલિયાસ પોતાને અને તેના પુત્રને ‘પીડિત’ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ તર્ક નબળો છે. કોઈ પણ સંગઠન એક દિવસમાં આતંકવાદી બનતું નથી. SIMIનો પાયો જ કટ્ટરવાદી વિચારધારા પર રખાયો હતો. એટલે 2001 પહેલાં તેના પર કાયદેસર પ્રતિબંધ ન હતો, તેનો અર્થ એ નથી કે તે ત્યાં સુધી તે નિર્દોષ કે સમાજસેવી સંગઠન હતું.
બીજી બાબત 2012માં જ્યારે SIMI પર પ્રતિબંધને 11 વર્ષ થઈ ગયા હતા, ત્યારે ઇલિયાસે આ પ્રતિબંધ હટાવવાની જોરદાર માગણી કરી હતી. તેણે એક કૉન્ફરન્સ બોલાવી હતી, જેમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકારે SIMI પર પ્રતિબંધ મૂકીને અન્યાય કર્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ઇલિયાસ હજુ પણ માને છે કે SIMI આતંકવાદી સંગઠન ન હતું અને તેની પ્રવૃત્તિઓ યોગ્ય હતી.
હવે જ્યારે આપણે જાણી ગયા છીએ કે ઇલિયાસ કોણ છે અને તે કેવી રીતે પોતાને પીડિત દર્શાવવાનો પ્રયાસ કરે છે, તો તેના પુત્ર ઉમર ખાલિદને બચાવવાના તેના પ્રયાસોને સમજવા જરૂરી બની જાય છે. ઉમર ખાલિદ એ જ વ્યક્તિ છે જેને દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના ષડ્યંત્રનો મુખ્ય આરોપી માનવામાં આવે છે.
“બાહ્ય રીતે ઇલિયાસનો ઈન્ડિયન એક્સપ્રેસમાં લખેલો લેખ સ્વતંત્રતાની માગણી જેવો લાગે છે. પરંતુ જો ઊંડાણથી જોઈએ તો તે રાજકીય પ્રચાર જેવો લાગે છે, જેમાં તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે, કાયદાની ખોટી વ્યાખ્યા કરવામાં આવી છે અને તેના પુત્રના કેસ સાથે જોડાયેલી સચ્ચાઈઓને છુપાવી દેવામાં આવી છે.”
જો ભારતમાં યુએપીએ કાયદા પર ચર્ચા કરવી હોય તો તે પ્રામાણિકપણે થવી જોઈએ. પરંતુ ઇલિયાસનો લેખ સત્યને તોડી-મરોડીને રજૂ કરે છે અને અંતે એક પ્રકારનો પ્રોપેગેન્ડા બની જાય છે.
તેનું મુખ્ય દુઃખ એ છે કે ઉમર ખાલિદ અને તેના અન્ય સાથીઓ જેવા કે શરજીલ ઇમામને (જેણે કહ્યું હતું કે પૂર્વોત્તર ભારતને દેશથી અલગ કરી દેવું જોઈએ કારણ કે તે ‘ચિકન નેક’ વિસ્તારમાં મુસ્લિમોની બહુમતી છે) જામીન મળી રહ્યા નથી અને તેનું કારણ તે કહેવાતા વિલંબને ગણાવે છે.
પરંતુ એ વાત છુપાવી દેવામાં આવી છે કે દિલ્હી હાઇકોર્ટે સહ-આરોપી તસ્લીમ અહમદના જામીનના આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ કેસમાં જે વિલંબ થઈ રહ્યો છે, તેનું મુખ્ય કારણ આરોપીઓ જાતે જ છે. કોર્ટે નોંધ્યું હતું કે કેવી રીતે વારંવાર સુનાવણી ટાળવામાં આવી અને આ ટાળમટોળ ઘણી વખત એવા લોકો દ્વારા કરવામાં આવી જેઓ પહેલેથી જ જામીન પર હતા. આનો હેતુ કૃત્રિમ વિલંબ પેદા કરવાનો હતો જેથી અન્ય આરોપીઓ પણ આ જ આધારે જામીનની માગણી કરી શકે.
આનો અર્થ એ થયો કે વિલંબ એ સિસ્ટમની ભૂલ ન હતી, પરંતુ બચાવ પક્ષની એક રણનીતિ હતી અને હવે તે જ વિલંબને ‘ન્યાય ન મળ્યો’ કહીને રજૂ કરવું એ કોર્ટની વાતોને અવગણવા અને જનતાને ગેરમાર્ગે દોરવા બરાબર છે. ખરેખર, આ લેખમાં ઇલિયાસે પોતે જ સ્વીકાર્યું છે કે વિલંબનું કારણ તેના પુત્ર અને તેના વકીલ કપિલ સિબ્બલની ચાલબાજીઓ હતી.
તેણે લખ્યું છે, “સામાન્ય રીતે જો સુપ્રીમ કોર્ટમાં કોઈ કેસની સુનાવણી ટળી જાય તો તે આગલી વખતે કોઈ નવી બેન્ચ સામે આવે છે. પરંતુ ખાલિદના કેસમાં આવું ન થયું. તેનો કેસ સતત છ વખત એક જ જજ સામે રજૂ કરવામાં આવ્યો. આ જોઈને તેના વકીલોએ આખરે અરજી પાછી ખેંચી લીધી અને નક્કી કર્યું કે હવે નીચલી અદાલતમાં નસીબ અજમાવશે. કારણ કે સુપ્રીમ કોર્ટમાં બેન્ચની ફાળવણી મુખ્ય ન્યાયાધીશ દ્વારા નક્કી કરવામાં આવે છે, તેથી એક જ જજ સામે કેસ વારંવાર આવવો એ સંયોગ ન કહી શકાય. હવે જ્યારે હાઇકોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી છે તો ફરી એકવાર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો એ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.”
ખરેખર, ઇલિયાસે તે જ વાત સ્વીકારી જે ઑપઇન્ડિયાએ રિપોર્ટ કરી હતી અને તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે પણ તેની પુષ્ટિ કરી હતી. ઉમર ખાલિદની જામીન અરજીમાં મોટાભાગે જે વિલંબ થયો તે એના પક્ષના લોકોના કારણે જ થયો હતો. કુલ 14 વખત સુનાવણી ટળી, જેમાંથી 7 વખત ઉમર ખાલિદ અને તેના વકીલ કપિલ સિબ્બલે સમય માગ્યો હતો. ઑપઇન્ડિયાના રિપોર્ટ અને તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની પુષ્ટિ મુજબ, ઉમર ખાલિદની ટીમ ઇચ્છતી ન હતી કે આ કેસ જસ્ટિસ બેલા ત્રિવેદીની બેન્ચમાં સંભળાય. તેથી વારંવાર તારીખ ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આને ‘બેન્ચ ફિક્સિંગ’ અથવા ‘ફોરમ શૉપિંગ’ કહેવામાં આવે છે, એટલે કે પોતાની પસંદના જજ સામે કેસ લાવવાનો પ્રયાસ.
ખાલિદની ટીમે ત્યાં સુધી પ્રયાસ કર્યો કે મુખ્ય ન્યાયાધીશ જાતે આ કેસની સુનાવણી કરે. પરંતુ જ્યારે મુખ્ય ન્યાયાધીશે આ પ્રયાસને નકારી દીધો અને ફોરમ શૉપિંગ પર નારાજગી વ્યક્ત કરી, ત્યારે કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી.
આજે જ્યારે કેટલાક લોકો આ વિલંબ માટે સિસ્ટમને દોષ આપે છે અથવા કોર્ટ પર સવાલ ઉઠાવે છે, ત્યારે સંપૂર્ણ ચિત્ર સામે રાખવું જરૂરી છે. વિલંબનું મુખ્ય કારણ ઉમર ખાલિદ તરફથી લેવાયેલો સમય અને કોર્ટની પ્રક્રિયાને પ્રભાવિત કરવાના પ્રયાસો હતા, નહીં કે માત્ર ન્યાયપાલિકાની ઢીલાશ. લેખમાં એવું કહેવામાં આવ્યું છે કે ‘જામીન એ દરેક આરોપીનો સ્વાભાવિક અધિકાર’ છે. આ વાત ભાવનાત્મક રીતે અસરકારક લાગે છે, પરંતુ કાયદાની દૃષ્ટિએ તે સાચી નથી.
1977માં જસ્ટિસ કૃષ્ણ ઐયરે કહ્યું હતું, “જામીન એ નિયમ છે, જેલ એ અપવાદ.” પરંતુ આ એક સામાન્ય સિદ્ધાંત છે, દરેક કેસમાં લાગુ થતો અધિકાર નથી. કેટલાક ખાસ કાયદાઓ જેમ કે યુએપીએ, NDPS (નાર્કોટિક્સ કાયદો) અને PMLAમાં (મની લોન્ડરિંગ કાયદો) જામીન મેળવવા મુશ્કેલ બનાવવામાં આવ્યા છે કારણ કે આ ગંભીર અપરાધો સાથે જોડાયેલા છે, જેમ કે આતંકવાદ, નશીલા પદાર્થોની દાણચોરી અને આતંક માટે નાણાં પૂરા પાડવા.
2021માં સુપ્રીમ કોર્ટે કે.એ. નજીબ કેસમાં કહ્યું હતું કે જો ટ્રાયલ ખૂબ લાંબી ચાલે અને તેમાં આરોપીની કોઈ ભૂલ ન હોય તો કોર્ટ જામીન આપી શકે છે. પરંતુ જો વિલંબ બચાવ પક્ષના કારણે થઈ રહ્યો હોય, જેમ કે તસ્લીમ અહમદના કેસમાં થયું, તો આ નિયમ લાગુ પડતો નથી.
એવું કહેવું કે યુએપીએમાં આરોપીએ પોતાની ‘નિર્દોષતા સાબિત કરવી પડે છે’, તે સંપૂર્ણપણે ખોટું છે. યુએપીએની કલમ 43D(5) હેઠળ, જો અભિયોજનનો કેસ પ્રથમદ્રષ્ટિએ સાચો લાગે તો જામીન આપવામાં આવતા નથી. NIA વિરુદ્ધ વટાલી (2019) કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે જામીન દરમિયાન કોર્ટ ફક્ત એ જુએ છે કે અભિયોજનના આપેલા પુરાવા આરોપને સમર્થન આપે છે કે નહીં. કોર્ટ પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ નથી કરતી, ન તો આરોપી પાસેથી કોઈ પુરાવા માગે છે. એટલે કે નિર્દોષતા સાબિત કરવાનું કામ આરોપીનું નથી.
યુએપીએ કોઈ નાના-મોટા અપરાધ માટે નથી. આ કાયદો આતંકવાદ, દેશવિરોધી સંગઠનો અને દેશના સાર્વભૌમત્વને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓ સામે લડવા માટે બનાવવામાં આવ્યો છે. આવા કેસોમાં લાંબી ચાર્જશીટ, હજારો પાનાંની ફાઈલો અને અનેક દસ્તાવેજો હોય છે. કારણ કે તપાસમાં ડિજિટલ ડેટા, નાણાકીય ટ્રેલ્સ અને ઘણા આરોપીઓની ભૂમિકા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આવી ચાર્જશીટને ‘કાગળની સજા’ કહેવું એ સત્યને અવગણવું છે.
જો તપાસ દરમિયાન કોઈ નવો પુરાવો મળે તો કાયદા મુજબ તેને કોર્ટમાં રજૂ કરવો જરૂરી છે. તેને ‘હેરાન કરવાની રીત’ કહેવું એ ન્યાય પ્રક્રિયાનું અપમાન છે. શું આપણે ફક્ત એટલા માટે પુરાવા ન રજૂ કરીએ કે આરોપી ગરીબ છે કે કોઈ ખાસ પંથનો છે?
ઇલિયાસના લેખમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે TADA અને POTA જેવા કાયદા ‘જન આંદોલનો’થી ખતમ થયા, પરંતુ આ પણ સાચું નથી. TADA સંસદ દ્વારા સમય પર ન વધારવાથી ખતમ થયો અને POTAને આગલી સરકારે રાજકીય નિર્ણય હેઠળ હટાવ્યો. કોઈ મોટું જન આંદોલન ન હતું. ઇતિહાસને આ રીતે બદલીને રજૂ કરવું એ ખોટી માહિતી ફેલાવવું છે.
લેખમાં ઇલિયાસ વારંવાર દાવો કરે છે કે તેના પુત્રને ફક્ત મુસ્લિમ હોવાને કારણે ફસાવવામાં આવ્યો છે. તે પોતાના SIMI સાથેના જોડાણને અવગણે છે. પરંતુ SIMIને તેના કટ્ટર અને દેશવિરોધી વિચારોના કારણે પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. આ ઇતિહાસને ભૂંસી નાખીને પોતાને પીડિત તરીકે પ્રદર્શિત કરવું એ રાજકીય એજન્ડા છે, સત્ય નથી.
દિલ્હી રમખાણો સાથે જોડાયેલી ચાર્જશીટમાં ષડ્યંત્ર, ઉશ્કેરણી, આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન, નકલી દસ્તાવેજો અને સંગઠિત હિંસાના સ્પષ્ટ પુરાવા છે. તેને ફક્ત પોલીસની ‘કલ્પના’ કહેવું એ ખોટું અને એકતરફી છે. જો તમારા પર આટલા ગંભીર આરોપો હોય તો તેની તપાસને ‘ફક્ત મુસ્લિમ નામ’નો મામલો કહેવું એ ન્યાય માટે અને રમખાણોના પીડિતો માટે અન્યાય છે, ખાસ કરીને જ્યારે તેના પોતાના પુત્ર સામેના આરોપોમાં મોટાપાયે નિર્દોષ લોકોની હત્યાનું ષડયંત્ર અને ઉશ્કેરણી સામેલ છે.
આ નિવેદનબાજી પુરાવાઓથી ધ્યાન હટાવવા માટે છે. પરંતુ આરોપો નામના આધારે નહીં પરંતુ કૃત્યોના આધારે ઘડાય છે. દિલ્હી રમખાણોના ષડ્યંત્રના કેસમાં ઘણી ચાર્જશીટો ષડ્યંત્ર, ઉશ્કેરણી અને આતંકવાદને દર્શાવે છે.
ભારત આતંકવાદ, માઓવાદ અને આંતરરાષ્ટ્રીય ફન્ડિંગથી ચાલતા કટ્ટરપંથી નેટવર્કનો સામનો કરી રહ્યું છે. 26/11, બાટલા હાઉસ અને અનેક સિરિયલ બ્લાસ્ટ જેવા હુમલાઓએ બતાવી દીધું છે કે સામાન્ય કાયદા આ જોખમોનો સામનો કરવા માટે પૂરતા નથી. યુએપીએને સંયુક્ત રાષ્ટ્રની ભલામણો અનુસાર અપડેટ કરવામાં આવ્યો છે, જેથી ભારત આંતરરાષ્ટ્રીય આતંકવાદનો અસરકારક રીતે સામનો કરી શકે.
ઇલિયાસનો લેખ કોઈ ગંભીર અને સંતુલિત ચર્ચાનો ભાગ નથી, પરંતુ એકતરફી અને ભ્રામક પ્રચાર છે. વાસ્તવિક ડિબેટમાં નાગરિક સ્વતંત્રતા અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચે સંતુલનની વાત થાય છે, પરંતુ ઇલિયાસ આ સંતુલનને સંપૂર્ણપણે અવગણે છે. તે તેને ફક્ત એક તરફી દ્રષ્ટિકોણમાં ફેરવી દે છે, જે કોઈ પણ રીતે વિદ્વતાપૂર્ણ કે પ્રામાણિક વિશ્લેષણ નથી.
તેનો લેખ ઘણી ખોટી માહિતી ફેલાવે છે, જેમ કે તે કોર્ટની એવી પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે જે વાસ્તવમાં થતી જ નથી. તે જામીન સંબંધિત કાયદાને ખોટી રીતે રજૂ કરે છે, યુએપીએની મર્યાદા અને અસરને અતિશયોક્તિપૂર્ણ રીતે બતાવે છે, આરોપીઓ દ્વારા થયેલા વિલંબને છુપાવે છે, ‘જન આંદોલનો’નો ખોટો ઇતિહાસ ઘડે છે અને વારંવાર SIMIના જૂના કેસો અને ‘મુસ્લિમ નામ’ બ્રાન્ડિંગની થાકેલી પીડિત વાર્તા પર પાછો ફરે છે.
આવી વાતો ન તો તથ્યાત્મક હોય છે, ન તો સમાજ માટે ફાયદાકારક. આ ફક્ત લોકોને ગેરમાર્ગે દોરવા માટે લખવામાં આવે છે. યુએપીએ, તેના દુરુપયોગની શક્યતા, જામીનની પ્રક્રિયા અને કાયદાકીય સુરક્ષા અંગે ગંભીર ચર્ચા થવી જોઈએ. પરંતુ આ ચર્ચા તથ્યોના આધારે હોવી જોઈએ, ભાવનાઓ અને પીડિતતાની રાજનીતિ પર નહીં.
આ લેખ મૂળરૂપે અંગ્રેજીમાં નૂપુર જે. શર્માએ લખ્યો હતો. મૂળ રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો.


