શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશભરમાં આ નવ દિવસોમાં ઘરે-ઘરે માતા દુર્ગાની આરાધના કરવામાં આવશે. ધર્મશાસ્ત્રોમાં દેવીની આરાધનાનું વિશેષ સ્થાન છે અને તેનું એક અમર રત્ન છે દુર્ગા સપ્તશતી. આ પવિત્ર ગ્રંથ માર્કંડેય પુરાણનો ભાગ છે, જેમાં કુલ 700 શ્લોકોનું વર્ણન કરવામાં આવ્યું છે. ‘સપ્તશતી’ શબ્દનો અર્થ થાય છે ‘સાત સો’, જે આ ગ્રંથના શ્લોકોની સંખ્યા પર આધારિત છે. તેને દેવી માહાત્મ્ય અથવા ચંડીપાઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રંથમાં માતા દુર્ગાની ગૌરવગાથા, તેમના ત્રણ મુખ્ય ચરિત્રો (પ્રથમ, મધ્યમ અને ઉત્તમ) અને અસુરોના વધની કથાઓનું વર્ણન છે.
મહત્વની બાબત એ છે કે દુર્ગા સપ્તશતીમાં માતાના 9 સ્વરૂપોનું તાદ્રશ્ય વર્ણન કરવામાં આવ્યું છે. આદિશક્તિ મા જગદંબાની આરાધના માટે સપ્તશતીનો પાઠ કરવામાં આવે છે. જોકે, પાઠ કરવાના ચોક્કસ નિયમો અને માન્યતાઓ પણ છે. સપ્તશતીમાં 13 જેટલા અધ્યાયો છે અને દરેક અધ્યાયના પઠન માટેનો એક ચોક્કસ ક્રમ પણ છે. અમારો પ્રયાસ આ પવિત્ર નવરાત્રિ પર્વમાં શ્રી દુર્ગા સપ્તશતીની કથા વાચકો સુધી પહોંચાડવાનો છે, તેથી નવ દિવસ સુધી શ્રી દુર્ગા સપ્તશતી પરના લેખોની શ્રેણી ક્રમાનુસાર અહીં પ્રસ્તુત કરીશું. નવરાત્રિના પ્રથમ દિવસે એટલે 22 સપ્ટેમ્બર, પ્રથમ અધ્યાયનો સાર સમજવા પ્રયાસ કરીશું.
શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય-1
દુર્ગા સપ્તશતીનો પ્રથમ અધ્યાય માર્કંડેય ઋષિના મુખે શરૂ થાય છે, જેમાં તેઓ સાવર્ણિ મનુની ઉત્પત્તિની કથા સંભળાવે છે. સાવર્ણિ સૂર્યના પુત્ર અને આઠમા મનુ તરીકે ઓળખાય છે, તેમની ઉત્પત્તિ મા ભગવતીની મહામાયા શક્તિના આશીર્વાદથી થઈ હતી. આ કથા એક એવા સમયની છે, જ્યારે સ્વારોચિષ મન્વંતરમાં ચૈત્રવંશી રાજા સુરથનું શાસન હતું, જેમનો સમગ્ર ભૂમંડળ પર અધિકાર હતો.
રાજા સુરથ પોતાની પ્રજાનું પોતાના પુત્રોની જેમ ધર્મપૂર્વક પાલન કરતા હતા. તેમની દંડનીતિ અત્યંત પ્રબળ હતી, પરંતુ તેમના શત્રુઓ કોલાવિધ્વંસી ક્ષત્રિયો તેમની સામે ઊભા થયા. આ શત્રુઓ સંખ્યામાં ઓછા હોવા છતાં યુદ્ધમાં રાજા સુરથને હરાવી દીધા. યુદ્ધભૂમિમાંથી પરાજિત થઈને સુરથ પોતાના નગરમાં પાછા ફર્યા, પરંતુ તેમણે સમગ્ર ભૂમંડળ પરનો અધિકાર ગુમાવી દીધો અને તેઓ માત્ર પોતાના દેશના રાજા રહ્યા.
જોકે, તેમની મુશ્કેલીઓ અહીં સમાપ્ત ન થઈ. શત્રુઓએ તેમની રાજધાની પર પણ હુમલો કર્યો. રાજાનું બળ ઘટી ગયું હતું અને તેમના દુષ્ટ અને બળવાન મંત્રીઓએ તેમની સેના અને ખજાનો ઝડપી લીધો. આ રીતે, રાજા સુરથનું પ્રભુત્વ સમાપ્ત થઈ ગયું. નિરાશ થઈને એકલા તેઓ શિકારના બહાને ઘોડા પર સવાર થઈ એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા.
મેધા મુનિના આશ્રમમાં આશ્રય
જંગલમાં ભટકતાં ભટકતાં રાજા સુરથને વિપ્રવર મેધા મુનિનો આશ્રમ જોવા મળ્યો. આ આશ્રમ એક શાંત અને પવિત્ર સ્થળ હતું, જ્યાં હિંસક જીવો પણ તેમની સ્વાભાવિક હિંસા છોડીને શાંતિપૂર્વક રહેતા હતા. મુનિના શિષ્યો આ વનની શોભા વધારતા હતા. મેધા મુનિએ રાજાનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું અને રાજા સુરથ ત્યાં થોડા સમય માટે રોકાયા. આ દરમિયાન તેમનું ચિત્ત મોહથી આકર્ષાઈને વિચારોમાં ડૂબી ગયું.
રાજા સુરથ વિચારવા લાગ્યા: “મારા પૂર્વજોએ જે નગરનું પાલન કર્યું, તે આજે મારી પાસે નથી. મારા દુરાચારી ભૃત્યો તેનું ધર્મપૂર્વક પાલન કરે છે કે નહીં, તેની મને ખબર નથી. મારો શૂરવીર હાથી, જે હંમેશા મદની વર્ષા કરતો હતો, તે હવે શત્રુઓને આધીન છે. જે લોકો મારી કૃપા, ધન અને ભોજનથી મારી પાછળ ચાલતા હતા, તેઓ હવે અન્ય રાજાઓની સેવા કરતા હશે. મેં અત્યંત કષ્ટથી એકઠો કરેલો ખજાનો આ અપવ્યયી લોકો ખાલી કરી દેશે.” આવા વિચારોમાં ડૂબેલા રાજા દુ:ખી થઈ ગયા.
સમાધિ વૈશ્યની વેદના
એક દિવસ રાજા સુરથે મેધા મુનિના આશ્રમ નજીક એક વૈશ્યને જોયો, જે શોકગ્રસ્ત અને ઉદાસ દેખાતો હતો. રાજાએ પ્રેમથી પૂછ્યું, “ભાઈ, તું કોણ છે? અહીં આવવાનું કારણ શું છે? તું આટલો દુ:ખી કેમ લાગે છે?” વૈશ્યે વિનમ્રતાથી પ્રણામ કરીને જવાબ આપ્યો, “રાજન, મારું નામ સમાધિ છે અને હું ધનિક વૈશ્ય કુળમાં જન્મ્યો છું. મારા દુષ્ટ સ્ત્રી અને પુત્રોએ ધનના લોભે મને ઘરમાંથી કાઢી મૂક્યો છે. હું હવે ધન, સ્ત્રી અને પુત્રોથી વંચિત છું. મારા વિશ્વાસુ બંધુઓએ મારું ધન ઝડપી લઈને મને દૂર કર્યો છે અને હું દુ:ખી થઈને આ જંગલમાં આવી ગયો છું. મને ખબર નથી કે મારા પુત્રો, સ્ત્રી અને સ્વજનો કુશળ છે કે નહીં. તેઓ ઘરે સુખી છે કે કષ્ટમાં? મારા પુત્રો સદાચારી છે કે દુરાચારી થઈ ગયા છે?”
રાજાએ પૂછ્યું, “જે સ્ત્રી-પુત્રોએ ધનના લોભે તને ઘરમાંથી કાઢ્યો, તેમના પ્રત્યે તારા મનમાં આટલો સ્નેહ કેમ છે?” વૈશ્યે જવાબ આપ્યો, “રાજન, તમે જે કહો છો તે બરાબર છે, પરંતુ હું શું કરું? મારું મન નિષ્ઠુર નથી થઈ શકતું. જેમણે ધનના લોભે મારા પ્રત્યેના સ્નેહ, પ્રેમ અને આત્મીયતાને તિલાંજલિ આપીને મને ઘરમાંથી કાઢ્યો, તેમના પ્રત્યે પણ મારા હૃદયમાં સ્નેહ છે. હું જાણું છું, છતાં સમજી શકતો નથી કે આ શું છે? ગુણહીન બંધુઓ પ્રત્યે પણ મારું ચિત્ત આટલું પ્રેમમગ્ન થઈ રહ્યું છે. હું તેમના માટે દુઃખી થઈ રહ્યો છું.”
મેધા મુનિનો ઉપદેશ
આ વાતચીત પછી રાજા સુરથ અને સમાધિ વૈશ્ય બંને મેધા મુનિની સેવામાં ગયા. તેમણે વિનયપૂર્વક બેસીને પોતાના મનની વેદના વ્યક્ત કરી. રાજાએ કહ્યું, “ભગવન, મારું ચિત્ત મારા અધીન નથી અને તે મને ખૂબ દુ:ખ આપે છે. જે રાજ્ય મારા હાથમાંથી ગયું, તેના અને તેના સમગ્ર ભાગો પ્રત્યે મારી મમતા (મોહ) છે. હું જાણું છું કે તે મારું નથી, છતાં અજ્ઞાનીની જેમ મને તેનું દુ:ખ થયા કરે છે. આ વૈશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને આવ્યો છે અને તેના પુત્રો, સ્ત્રી અને ભૃત્યોએ તેનો ત્યાગ કર્યો છે, છતાં તે તેમના પ્રત્યે અત્યંત સ્નેહ રાખે છે. અમે બંને સમજદાર છીએ તોપણ અમને આ મોહ કેમ થાય છે? આ મૂઢતા શું છે?”
મેધા મુનિએ જવાબ આપ્યો, “મહાભાગ, દરેક જીવને વિષયોનું જ્ઞાન હોય છે, પરંતુ વિષયો દરેક માટે અલગ-અલગ હોય છે. કેટલાક પ્રાણીઓ દિવસે નથી જોતા, કેટલાક રાત્રે નથી જોતા અને કેટલાક વળી દિવસે અને રાતે બરાબર જોતા હોય છે. મનુષ્યો સમજદાર હોય છે, પરંતુ એવું નથી કે માત્ર તેઓ જ સમજદાર હોય છે. પશુ, પક્ષી અને મૃગ પણ સમજદાર હોય છે. તેમની સમજ મનુષ્યોની જેમ જ હોય છે અને મનુષ્યોની સમજ પણ તેમના જેવી હોય છે. જુઓ, આ પક્ષીઓ ભૂખથી પીડાતા હોવા છતાં પોતાના બચ્ચાંના મુખમાં પ્રેમથી અન્નના દાણા નાખે છે.”
મુનિએ આગળ કહ્યું, “મનુષ્યો પણ સમજદાર હોવા છતાં લોભવશ પોતાના ઉપકારનો બદલો મેળવવા પુત્રોની ઈચ્છા રાખે છે. આ બધું ભગવતી મહામાયાના પ્રભાવથી થાય છે, જે જગતને મોહમાં રાખે છે. તેમના દ્વારા જ જ્ઞાનીઓનું ચિત્ત પણ બળપૂર્વક મોહમાં ખેંચાય છે. તેઓ જ આ સમગ્ર ચરાચર જગતની સૃષ્ટિ કરે છે અને પ્રસન્ન થઈને મનુષ્યોને મુક્તિનું વરદાન આપે છે. તેઓ જ પરા વિદ્યા, સનાતની દેવી અને સમગ્ર ઈશ્વરોની અધીશ્વરી છે.”
રાજાનો પ્રશ્ન અને મહામાયાનું સ્વરૂપ
રાજા સુરથે પૂછ્યું, “ભગવન, આ મહામાયા દેવી કોણ છે? તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો? તેમના ચરિત્રો કયા છે? તેમનું સ્વરૂપ, પ્રભાવ અને પ્રાદુર્ભાવની વિગતો હું તમારા મુખેથી સાંભળવા માંગું છું.”
મેધા મુનિએ જવાબ આપ્યો, “રાજન, દેવી નિત્યસ્વરૂપા છે. સમગ્ર જગત તેમનું જ સ્વરૂપ છે અને તેમણે આખા વિશ્વને વ્યાપી રાખ્યું છે. તેમ છતાં તેમનો પ્રાકટ્ય અનેક રીતે થાય છે. તેઓ નિત્ય અને અજન્મા હોવા છતાં, જ્યારે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા પ્રગટ થાય છે, ત્યારે તેમનો જન્મ થતો હોવાનું કહેવાય છે.”
મધુ-કૈટભનો વધ અને દેવીનું પ્રાકટ્ય
મેધા મુનિએ એક પ્રસંગનું વર્ણન કર્યું: “કલ્પના અંતે જ્યારે સમગ્ર જગત એકાર્ણવ (જળમગ્ન) હતું અને ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા પર યોગનિદ્રામાં સૂતા હતા, ત્યારે તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટભ નામના બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા. તેઓ બ્રહ્માજીનો વધ કરવા તૈયાર થયા. ભગવાન વિષ્ણુના નાભિકમળમાં વિરાજમાન બ્રહ્માજીએ આ ભયંકર અસુરોને જોયા અને ભગવાન વિષ્ણુને જગાડવા યોગનિદ્રા દેવીની સ્તુતિ કરી.”
બ્રહ્માજીની સ્તુતિથી પ્રસન્ન થઈને યોગનિદ્રા દેવી ભગવાન વિષ્ણુના નેત્ર, મુખ, નાસિકા, બાહુ, હૃદય અને વક્ષઃસ્થળમાંથી પ્રગટ થયા અને બ્રહ્માજીની સામે આવીને ઊભા રહ્યા. આ જોઈને ભગવાન વિષ્ણુ એકાર્ણવના જળમાં શેષનાગની શય્યામાંથી જાગી ઊઠ્યા. તેમણે મધુ અને કૈટભને જોયા, જે બળવાન અને ક્રોધની જ્વાળાઓ સાથે આગળ વધી રહ્યા હતા અને બ્રહ્માજીનો નાશ કરવા માટે આગળ ઘસી રહ્યા હતા. ભગવાન વિષ્ણુએ તેમની સાથે પાંચ હજાર વર્ષ સુધી બાહુયુદ્ધ કર્યું. મહામાયાના પ્રભાવથી મોહિત થઈને અસુરોએ ભગવાન વિષ્ણુને કહ્યું, “અમે તમારી વીરતાથી પ્રસન્ન છીએ, વરદાન માંગો.”
ભગવાન વિષ્ણુએ કહ્યું, “જો તમે પ્રસન્ન છો તો મારા હાથે મરો. આ જ મારું વરદાન છે.” મોહિત થયેલા મધુ અને કૈટભે કહ્યું, “જ્યાં પૃથ્વી જળમાં ડૂબેલી ન હોય ત્યાં અમારો વધ કરો.” ભગવાને ‘તથાસ્તુ’ કહીને તેમના મસ્તક પોતાની જાંઘ પર રાખીને ચક્રથી તેમનો નાશ કર્યો. આ રીતે, બ્રહ્માજીની સ્તુતિથી મહામાયા દેવી પ્રગટ થયાં અને મધુ-કૈટભનો વધ થયો.
આ રીતે શ્રી માર્કન્ડેય પુરાણમાં વર્ણીત દેવી માહાત્મ્યનો ‘મધુ-કૈટભ-વધ’ નામનો પ્રથમ અધ્યાય પૂર્ણ થાય છે.
દુર્ગા સપ્તશતીનો આ પ્રથમ અધ્યાય આપણને મહામાયાની શક્તિનો પરિચય આપે છે, જે જગતને મોહમાં રાખે છે અને જ્ઞાનીઓને પણ પોતાના પ્રભાવમાં લઈ લે છે. રાજા સુરથ અને સમાધિ વૈશ્યની કથા આપણને જણાવે છે કે મનુષ્યનું ચિત્ત સાંસારિક મોહમાં કેવી રીતે બંધાયેલું રહે છે અને આ મોહમાંથી મુક્તિ માત્ર દેવીની કૃપાથી જ સંભવ છે. મેધા મુનિનો ઉપદેશ આપણને યાદ અપાવે છે કે સમજદારી હોવા છતાં મનુષ્ય માયાના બંધનમાં ફસાય છે અને તેમાંથી છૂટવા માટે દેવીની શરણાગતિ જરૂરી છે. આવનારા લેખમાં આપણે અધ્યાય 2 (દેવતાઓના તેજથી દેવીનો પાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ), 3 (સેનાપતિઓ સહિત મહિષાસુરનો વધ) અને 4ની (ઇન્દ્ર અને અન્ય દેવતાઓ દ્વારા દેવીની સ્તુતિ) વાત કરીશું.


