હોમપેજદુનિયાસ્વામિનારાયણ સંસ્થા વિરુદ્ધ અમેરિકાની તપાસ પૂર્ણ, તમામ આરોપો ખોટા: BAPSએ કહ્યું- હિંદુઓને...

સ્વામિનારાયણ સંસ્થા વિરુદ્ધ અમેરિકાની તપાસ પૂર્ણ, તમામ આરોપો ખોટા: BAPSએ કહ્યું- હિંદુઓને નિશાન બનાવી બદનામ કરવાનો પ્રયાસ

BAPS વિરુદ્ધની આ તપાસ એક મોટો વિવાદ બની ગઈ હતી, જેણે હિંદુ સમુદાય અને અમેરિકામાં ભારતીય ડાયસ્પોરાને હચમચાવી દીધો હતો. ચાર વર્ષની લાંબી તપાસ પછી, DOJનો નિર્ણય સ્પષ્ટ કરે છે કે BAPS પર લગાવવામાં આવેલા આરોપોમાં કોઈ સત્ય નહોતું.

- Advertisement -

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) અને તેના સંલગ્ન સંગઠનો વિરુદ્ધ અમેરિકાના ન્યાય વિભાગ (Department of Justice – DOJ) દ્વારા ચાલી રહેલી ચાર વર્ષની તપાસ આખરે બંધ થઈ ગઈ છે. આ તપાસમાં BAPS  અને તેની સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ કોઈ આરોપ સાબિત થયો નથી. BAPSએ આ નિર્ણયને ‘સત્યની જીત’ અને હિંદુ સમુદાયની મોટી સફળતા ગણાવી છે. આ તપાસ 2021માં ન્યૂજર્સીના રોબિન્સવિલમાં આવેલા BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના નિર્માણ સ્થળ પર FBIના દરોડા પછી શરૂ થઈ હતી, જેમાં માનવ વેપાર, બળજબરીથી શ્રમ કરાવવું અને જાતિવાદી ભેદભાવ જેવા ગંભીર આરોપો લગાવાયા હતા.

BAPS શું છે?

BAPS (બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા) એ એક વૈશ્વિક હિંદુ આધ્યાત્મિક અને સેવાકીય સંસ્થા છે, જે 1907માં શાસ્ત્રીજી મહારાજ દ્વારા સ્થપાયેલી. આ સંસ્થા હિંદુ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયને અનુસરે છે અને આધ્યાત્મિક વિકાસ, સેવા, શિક્ષણ અને સાંસ્કૃતિક સંરક્ષણ માટે કામ કરે છે. BAPSના વિશ્વભરમાં હજારો મંદિરો અને કેન્દ્રો છે, જેમાં અમેરિકામાં 100થી વધુ મંદિરો અને સેન્ટર્સ છે.

રોબિન્સવિલનું (ન્યૂજર્સી) BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર અમેરિકાનું સૌથી મોટું હિંદુ મંદિર છે, જે 185 એકરમાં ફેલાયેલું છે અને 2014માં ખુલ્યું હતું, જોકે તેનું નિર્માણ હજુ ચાલુ છે. BAPS આપત્તિ રાહત, આરોગ્ય જાગૃતિ, શિક્ષણ અને સમાજસેવાના અનેક કાર્યોમાં સક્રિય છે, જેના દ્વારા તે વિશ્વભરમાં લાખો લોકોની સેવા કરે છે.

- Advertisement -

કેસની શરૂઆત

આ કેસની શરૂઆત મે 2021માં થઈ હતી, જ્યારે ન્યૂજર્સીના રોબિન્સવિલમાં આવેલા BAPS અક્ષરધામ મંદિરના નિર્માણ સ્થળ પર અમેરિકાની ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI), ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટી અને લેબર ડિપાર્ટમેન્ટના એજન્ટોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન લગભગ 90 શ્રમિકોને ‘મુક્ત’ કરવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના ભારતના ગુજરાત અને અન્ય રાજ્યોના હતા. આ શ્રમિકો મંદિરના નિર્માણમાં કામ કરતા હતા અને મોટાભાગે R-1 વિઝા (ધાર્મિક કાર્યો માટેનો વિઝા) પર અમેરિકા આવ્યા હતા.

દરોડા પછી ભારતીય શ્રમિકોના એક જૂથે BAPS વિરુદ્ધ ન્યૂજર્સીની ફેડરલ કોર્ટમાં ‘વર્ગ-કાર્યવાહી કેસ’ (class-action lawsuit) દાખલ કર્યો. આ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો કે BAPS સંસ્થા ભારતના નીચલા વર્ગોના (ખાસ કરીને દલિત સમુદાય) 200થી વધુ શ્રમિકોને ધાર્મિક સેવાના નામે અમેરિકા લાવી અને તેમની સાથે ગેરવર્તન કર્યું. આ ઘટનાએ મીડિયામાં ખૂબ ચર્ચા જગાવી અને ન્યૂયોર્ક ટાઇમ્સ સહિતના મોટા મીડિયા હાઉસે આ મુદ્દાને ‘જાતિવાદી શોષણ’ અને ‘આધુનિક ગુલામી’ તરીકે રજૂ કર્યો.

આ કેસને કારણે DOJએ આપરાધિક તપાસ શરૂ કરી અને ફેડરલ કોર્ટે સિવિલ કેસ પર ‘સ્ટે’ (રોક) લગાવી દીધી જ્યાં સુધી DOJની તપાસ પૂરી ન થાય. આ તપાસ ચાર વર્ષ સુધી ચાલી અને અમેરિકાના અન્ય રાજ્યોમાં (જેમ કે કેલિફોર્નિયા, ઇલિનોઇ, ટેક્સાસ અને જ્યોર્જિયા) BAPSના મંદિરોના નિર્માણ પર પણ ધ્યાન કેન્દ્રિત થયું.

આરોપો શું હતા?

કેસમાં BAPS પર લગાવવામાં આવેલા આરોપો ખૂબ ગંભીર હતા.

માનવ વેપાર (Trafficking Victims Protection Act – TVPA): આરોપ હતો કે BAPS સંસ્થા ભારતના ગુજરાત અને અન્ય રાજ્યોના શ્રમિકોને ધાર્મિક સેવાના નામે R-1 વિઝા પર અમેરિકા લાવી, પરંતુ તેમને બળજબરીથી શ્રમ કરાવ્યું. શ્રમિકોના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા, તેમને મંદિરના કેમ્પસમાં બંધાયેલા રાખવામાં આવ્યા અને તેમની હિલચાલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. શ્રમિકોને ધમકીઓ આપવામાં આવી, જેથી તેઓ નિયમોનું પાલન કરે.

બળજબરીનો શ્રમ અને ઓછું વેતન (Fair Labor Standards Act – FLSA): શ્રમિકોને દરરોજ 12થી 13 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવી, જેમાં પથ્થર કાપવા, ક્રેન ચલાવવા, કચરો ઉપાડવા અને રસ્તા બનાવવા જેવા ભારે કામોનો સમાવેશ થતો. આ ઉપરાંત શ્રમિકોને નજીવું વેતન આપવામાં આવતું, જે લગભગ $1 પ્રતિ કલાક (અંદાજે 75 રૂપિયા) અથવા માસિક $450 ડોલર (અંદાજે 33,750 રૂપિયા) હતું. આ સિવાય નાની ભૂલો માટે વેતન કાપવામાં આવતું હોવાનો અને શ્રમિકોને ભોજનમાં માત્ર બાફેલા બટાકા અને કોબીજ જેવું સાદું ભોજન આપવામાં આવતું હોવાનો પણ આરોપ લાગ્યો હતો.

જાતિવાદી ભેદભાવ: દાવો કરવામાં આવ્યો કે BAPSએ ખાસ કરીને દલિત સમુદાયના શ્રમિકોને નિશાન બનાવીને તેમનું શોષણ કર્યું હતું. ઘણા મીડિયા હાઉસે આ મુદ્દાને ‘જાતિવાદી અન્યાય’ તરીકે રજૂ કર્યો, જેમાં દલિત શ્રમિકોને અલગથી રાખવામાં આવ્યા અને તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો તેવો આરોપ હતો.

આ સિવાય એવા આરોપ પણ હતા કે શ્રમિકોને એવા અંગ્રેજી દસ્તાવેજો પર દબાણ કરીને સહી કરાવવામાં આવી, જેનો અર્થ તેઓ સમજતા ન હતા. શ્રમિકોને ‘નિપુણ કલાકારો’ તરીકે રજૂ કરવામાં આવ્યા, જોકે તેઓ બાંધકામના કામો કરતા હતા. મંદિરના કેમ્પસમાં 20-30 કેમેરાઓથી શ્રમિકોનું નિરંતર નિરીક્ષણ થતું હતું અને નિયમો તોડવા પર દંડની ધમકી આપવામાં આવતી હોવાનો પણ આરોપ લાગ્યો હતો.

BAPSએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે આ શ્રમિકો ‘સેવા’ના (સ્વયંસેવક તરીકે ભક્તિ) ભાગરૂપે કામ કરતા હતા, નહીં કે નોકરી કરતા કર્મચારી તરીકે. સંસ્થાના પ્રવક્તા લેનિન જોશી અને સ્થાનિક વડા કનુ પટેલે આ આરોપોને ‘ખોટા અને પાયાવિહોણા’ ગણાવ્યા હતા.

તપાસનો સમય

મે 2021માં FBI દ્વારા રોબિન્સવિલના BAPS મંદિર પર પાડવામાં આવ્યા અને 90 શ્રમિકોને ‘મુક્ત’ કરવામાં આવ્યા. ત્યારપછી શ્રમિકોના એક જૂથે BAPS વિરુદ્ધ સિવિલ કેસ દાખલ કર્યો. નવેમ્બર 2021માં કેસ અન્ય રાજ્યોમાં (કેલિફોર્નિયા, ઇલિનોઇ, ટેક્સાસ, જ્યોર્જિયા) BAPSના મંદિરોના નિર્માણ સુધી વિસ્તર્યો. ડિસેમ્બર 2021માં DOJએ આપરાધિક તપાસ શરૂ કરી અને સિવિલ કેસ પર સ્ટે લગાવવામાં આવ્યો.

જુલાઈ 2023માં 23થી વધુ શ્રમિકોએ કેસમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું અને દાવો કર્યો કે તેમને ધમકીઓ આપીને ભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. 15-16 સપ્ટેમ્બર 2025ના રોજ DOJએ BAPSના વકીલોને આધિકારિક પત્ર દ્વારા જાણ કરી કે તપાસ બંધ થઈ ગઈ છે અને કોઈ આરોપ સાબિત થયો નથી. 18 સપ્ટેમ્બર 2025ના રોજ BAPSના વકીલોએ ન્યૂજર્સીની ફેડરલ કોર્ટમાં પત્ર દાખલ કરીને તપાસ બંધ થવાની જાહેરાત કરી.

BAPSએ આ નિર્ણયને ‘સત્યમેવ જયતે’ કહીને વધાવ્યો છે અને જણાવ્યું છે કે અક્ષરધામ મંદિર શાંતિ, સેવા અને ભક્તિનું પ્રતીક છે, જે હજારો શ્રદ્ધાળુઓના પ્રેમ, નિષ્ઠા અને સ્વયંસેવાના આધારે બન્યું છે. અબુધાબીના BAPS હિંદુ મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે કહ્યું, “અમે મંદિરો પ્રેમ, શ્રદ્ધા અને સ્વયંસેવાના આત્માથી બનાવીએ છીએ. ચાર વર્ષની તપાસ પછી અમેરિકન સરકારે સ્પષ્ટ કર્યું કે કોઈ આરોપ સાબિત થયો નથી. આ ન્યાયમાં અમારો વિશ્વાસ મજબૂત કરે છે.”

હિંદુ અમેરિકન ફાઉન્ડેશને (HAF) આ નિર્ણયનું સ્વાગત કર્યું, પરંતુ ચિંતા વ્યક્ત કરી કે ‘જાતિવાદી ભેદભાવના ખોટા આરોપોએ હિંદુ સમુદાયને ચાર વર્ષ સુધી અપમાનિત કર્યો.’ કાસ્ટફાઇલ્સના એક પ્રવક્તાએ જણાવ્યું કે, “આ કેસ ખોટા જાતિગત સિદ્ધાંતો પર આધારિત હતો અને તેનો ઉદ્દેશ માત્ર BAPSને જ નહીં, પરંતુ સમગ્ર હિંદુ સમુદાયને નિશાન બનાવવાનો હતો. આ નિર્ણય અમેરિકામાં જાતિવાદી ભેદભાવના ખોટા આરોપોને નકારી કાઢે છે.”

BAPSએ જણાવ્યું કે તેઓ અમેરિકા અને વિશ્વભરમાં તેમની આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓને વધુ મજબૂતીથી ચાલુ રાખશે. સંસ્થાએ સૌને રોબિન્સવિલના અક્ષરધામ મંદિરની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે, જે હિંદુ સમુદાયના અમેરિકન મૂલ્યો સાથેના જોડાણનું પ્રતીક છે.

BAPS વિરુદ્ધની આ તપાસ એક મોટો વિવાદ બની ગઈ હતી, જેણે હિંદુ સમુદાય અને અમેરિકામાં ભારતીય ડાયસ્પોરાને હચમચાવી દીધો હતો. ચાર વર્ષની લાંબી તપાસ પછી, DOJનો નિર્ણય સ્પષ્ટ કરે છે કે BAPS પર લગાવવામાં આવેલા આરોપોમાં કોઈ સત્ય નહોતું. આ નિર્ણયને હિંદુ સમુદાયે ‘મોટી જીત’ ગણાવી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં