હોમપેજદેશઅંતિમ દિવસો ગણતો નક્સલવાદ

અંતિમ દિવસો ગણતો નક્સલવાદ

જે વામપંથી ઉગ્રવાદ અનેક રાજ્યોના અનેક જિલ્લાઓ સુધી ફેલાયો હતો એ હવે છત્તીસગઢ-ઝારખંડ અને આસપાસના અમુક વિસ્તારો સુધી સીમિત રહી ગયો છે અને અંતિમ દિવસો ગણી રહ્યો છે.

- Advertisement -

(તંત્રીલેખ, 15 સપ્ટેમ્બર) 

તાજા સમાચારો એવા છે કે ઝારખંડના હજારીબાગ જિલ્લામાં એક ઠેકાણે સ્પેશિયલ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે હાથ ધરેલા ઑપરેશનમાં ત્રણ નક્સલવાદીઓ ઠાર મરાયા છે. તેમાંથી એકના માથે એક કરોડ રૂપિયાનું ઈનામ હતું. બીજાના માથે પચ્ચીસ લાખનું અને ત્રીજાના માથે દસ લાખનું. એક કરોડવાળો કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાનો (માઓવાદી) સેન્ટ્રલ કમિટીનો સભ્ય હતો. સુરક્ષાબળોએ ઠાર કરી દીધો. 

ભારતની સરકાર અને સૈન્ય સામે સશસ્ત્ર બળવો કરવાની માઓવાદી વિચારધારાથી પ્રેરિત આ વામપંથી ઉગ્રવાદે એક સમયે આંતરિક સુરક્ષા સામે મોટું જોખમ ઊભું કર્યું હતું. છત્તીસગઢ, ઝારખંડથી લઈને પશ્ચિમે છેક મહારાષ્ટ્ર અને દક્ષિણમાં આંધ્ર-તેલંગાણાના વિસ્તારો સુધી નક્સલવાદનો ફેલાવો હતો. સુરક્ષાબળોને ટાર્ગેટ કરવામાં આવતાં, પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોકતાંત્રિક સંસ્થાઓને ટાર્ગેટ કરાતી. (2017માં ગુજરાત સમાચારે જવાનો માટે ‘ફૂંકી માર્યા’ જેવા શબ્દો વાપર્યા હતા, એ હુમલો પણ નક્સલવાદીઓએ કર્યો હતો.)

- Advertisement -

હવે આ લાલ આતંક પર સરકારે જબરદસ્ત લગામ કસી છે. જે વામપંથી ઉગ્રવાદ અનેક રાજ્યોના અનેક જિલ્લાઓ સુધી ફેલાયો હતો એ હવે છત્તીસગઢ-ઝારખંડ અને આસપાસના અમુક વિસ્તારો સુધી સીમિત રહી ગયો છે અને અંતિમ દિવસો ગણી રહ્યો છે. સફળતાનો પૂરેપૂરો શ્રેય ગૃહ પ્રધાન અમિત શાહને જાય છે, જેમણે ડંકાની ચોટ પર જાહેરમાં કહ્યું હતું કે 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે. 

આ આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે? કારણ એ છે કે મોદી સરકાર, ગૃહ ખાતું વર્ષોથી આ વિષય પર કામ કરી રહ્યાં હતાં. એક મલ્ટી ડાયમેન્શનલ કાઉન્ટર- LWE સ્ટ્રેટેજી (LWE એટલે લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ) બનાવવામાં આવી. તેના પરિણામે એપ્રિલ 2018માં નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 126 પરથી 90 પર આવી. 2021માં આ 70 થઈ અને એપ્રિલ 2024માં 38. 2025માં આંકડો પાંચથી છ પર જ આવી ગયો છે. 

નક્સલવાદથી થતાં મૃત્યુમાં ઘટાડો સ્પષ્ટ દેખાય છે. 2010માં નક્સલવાદી હિંસાની ઘટનાઓ સત્તાવાર સંખ્યા 1936 જેટલી હતી. 2024માં એ 374 થઈ. એટલે 81%નો ઘટાડો. નાગરિકો અને સૈન્યકર્મીઓનાં મૃત્યુમાં 2010થી 2024 વચ્ચે 85%નો ઘટાડો આવ્યો છે. 2010માં સંખ્યા 1005 હતી, 2024માં 150. 

નક્સલવાદના કારણે સર્જાતી અરાજકતા અને અવ્યવસ્થાના કારણે સીધી અસર જે-તે જિલ્લાઓ ઉપર, ત્યાંના જનજીવન ઉપર પડે. તેમાંથી તેમને ઉગારવા માટે આવા જિલ્લાઓને કેન્દ્ર સરકાર વિશેષ ગ્રાન્ટ પણ આપી રહી છે. અન્ય અમુક વિશેષ પ્રોજેક્ટ પણ ફાળવવામાં આવે છે. નાણાકીય સહાય સમયેસમયે ચાલતી રહે છે. સાથે નક્સલવાદીઓને મુખ્યધારામાં લાવવાનાં અભિયાનો વર્ષોથી ચાલી જ રહ્યાં છે. એક સાથે અનેક તબક્કે કામ ચાલે અને સતત ચાલે ત્યારે આટલો મોટો બદલાવ આવે છે. 

હવે નક્સલવાદ તેના અંત તરફ છે. એક સમયે આ આતંકવાદ જેટલી જ મોટી સમસ્યા હતી. પાછળની સરકારોએ કામો કર્યાં, પણ એક વ્યવસ્થિત માળખામાં, રણનીતિ સાથે કામ કરવાની જરૂર હતી. મોદી સરકારે આવીને કામ શરૂ કર્યું અને 12 વર્ષ પછી પરિણામો સુધી પહોંચશે. તેમાં જોકે છત્તીસગઢમાં ભાજપ સરકાર બની પછી કામ વધુ સરળ થઈ પડ્યું. જોકે ભૂતકાળની ભૂપેશ બઘેલ સરકારે પણ બહુ રોડાં નાખ્યાં ન હતાં. રાજકારણ બદલવા આવેલી પાર્ટી જેવી કોઈ સત્તામાં હોત તો અમિત શાહે આ ડેડલાઈન થોડાં વર્ષો વધારવી પડી હોત! 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં