તાજેતરના દિવસોમાં નેપાળ ભારે રાજકીય ઉથલપાથલનો ભોગ બન્યું. આ ઉથલપાથલનું મુખ્ય કારણ હતું સરકારે સોશિયલ મીડિયા પર લગાવેલ પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દાઓ પર લાંબા સમયથી થતો વિરોધ. સોશિયલ મીડિયા પ્રતિબંધે એક ટ્રિગર પોઈન્ટનું કામ કર્યું અને દેશભરમાંથી યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા. તેમનાં પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને સંસદ ભવન અને સુપ્રીમ કોર્ટ જેવી ઇમારતો, પૂર્વ શાસકોનાં નિવાસસ્થાનો વગેરેમાં તોડફોડ કરવામાં આવી. પછીથી વડા પ્રધાન કે.પી શર્મા ઓલીએ રાજીનામું આપી દેવું પડ્યું. હવે ત્યાં વચગાળાની સરકાર સ્થાપવાની વિચારણા ચાલી રહી છે. જેમાં નેપાળના આગામી વડાં પ્રધાન તરીકે પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીનું નામ આગળ કરવામાં આવી રહ્યું છે.
મીડિયા અહેવાલોનું માનીએ તો નેપાળના જેન-ઝી પ્રદર્શનકારીઓ સુશીલા કાર્કી વચગાળાનાં વડાં પ્રધાન બને તેવી માંગ કરી રહ્યા છે. તેમાં પણ એક અડચણ છે. વડા પ્રધાન એ જ વ્યક્તિ બની શકે જે સંસદની સભ્ય હોય અને સુશીલા સંસદસભ્ય નથી. તેથી હવે સંસદ ભંગ કરવાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ રાષ્ટ્રપતિએ હજુ સુધી આ માંગ સ્વીકારી નથી. આ મામલે તાજેતરમાં સેના મુખ્યમથક ખાતે લાંબી બેઠક પણ ચાલી હતી. બેઠકમાં જે હામી નેપાળ નામનું NGO પ્રદર્શનોના કેન્દ્રમાં છે તેણે સુશીલા કાર્કીના નામનો પ્રસ્તાવ મૂક્યો. કાઠમંડુના મેયર બાલેન શાહે પણ સમર્થન કર્યું પણ માંગ કરી કે પહેલાં સંસદ ભંગ કરવામાં આવે. હવે આગળ શું થાય એ જોવું રહ્યું.
સુશીલા કાર્કી નેપાળના ન્યાયતંત્રનો મહત્વનો ભાગ રહી ચૂક્યાં છે અને તેમનો ભારત સાથે શૈક્ષણિક સંબંધ છે. તેમણે PM મોદી અંગે હંમેશા સકારાત્મક વલણ દર્શાવ્યું છે. જેના પગલે નેપાળ-ભારતના સહયોગમાં વધારો થવાની સંભાવના છે. નોંધનીય છે કે આ પહેલાંના નેપાળના વડા પ્રધાન કે.પી શર્મા ઓલી ચીન તરફી અને સામ્યવાદી વલણ ધરાવતા હતા.
કોણ છે સુશીલા કાર્કી?
સુશીલા કાર્કીનો જન્મ 7 જૂન, 1952ના રોજ નેપાળના મોરાંગ જિલ્લાના બિરાટનગરમાં થયો હતો. તેઓ સાત ભાઈ-બહેનોમાં સૌથી મોટાં હતાં. તેઓ ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમનો પરિવાર નેપાળના પ્રથમ વડા પ્રધાન બી. પી. કોઈરાલાના પરિવાર સાથે નજીકના સંબંધો ધરાવતો હતો, જેનો પ્રભાવ તેમના જીવન પર પણ પડ્યો.
કાર્કીએ 1972માં બિરાટનગરના મહેન્દ્ર મોરાંગ કેમ્પસમાંથી બેચલર ઓફ આર્ટ્સની (BA) ડિગ્રી મેળવી હતી. 1975માં ભારતની બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU), વારાણસીમાંથી રાજ્યશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી (MA) પૂર્ણ કરી હતી. ત્યારપછી તેમણે 1978માં નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી (LLB) મેળવી હતી.
1979માં બિરાટનગરમાં તેમણે વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કાર્કીએ 1985માં ધરણના મહેન્દ્ર મલ્ટિપલ કેમ્પસમાં સહાયક શિક્ષક તરીકે પણ કામ કર્યું. વર્ષ 2007માં તેઓ સિનિયર એડવોકેટ બન્યાં. 2009માં સર્વોચ્ચ અદાલતમાં એડ-હોક ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ અને 2010માં કાયમી ન્યાયાધીશ બન્યાં હતાં. 2016માં નેપાળના સર્વોચ્ચ અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ અને તેઓ નેપાળનાં પહેલાં મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યાં. જુલાઈ 2016થી જૂન 2017 સુધી તેમણે નેપાળના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી.
સુશીલા કાર્કીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હતી. તેમણે 2012માં નેપાળના બેઠેલા મંત્રી જય પ્રકાશ ગુપ્તાને ભ્રષ્ટાચારના આરોપમાં જેલની સજા આપી, જે પણ નેપાળના ઇતિહાસમાં પ્રથમ ઘટના હતી. આ સિવાય તેમણે નેપાળી મહિલાઓના બાળકોને નાગરિકત્વ આપવાનો અધિકાર આપતો ઐતિહાસિક ચુકાદો આપ્યો, જે અગાઉ માત્ર પુરુષો માટે મર્યાદિત હતો.
આ ઉપરાંત તેમણે નિજગઢ ફાસ્ટ ટ્રેક પ્રોજેક્ટ અને પોલીસ નિમણૂકોમાં અનિયમિતતા જેવા સંવેદનશીલ કેસોમાં મહત્વના ચુકાદા આપ્યા છે. 2017માં તેમણે આપેલા સ્પષ્ટ નિર્ણયોને કારણે રાજકીય વિવાદ થયો, જેના પરિણામે તેમની સામે મહાભિયોગની દરખાસ્ત લાવવામાં આવી. જોકે, આ દરખાસ્ત પાછી ખેંચવામાં આવી હતી.
બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી મેળવ્યું છે શિક્ષણ
સુશીલા કાર્કીનો ભારત સાથે ગાઢ શૈક્ષણિક અને ભાવનાત્મક સંબંધ રહ્યો છે, જે ખાસ કરીને તેમના BHU ખાતેના શિક્ષણ દરમિયાન વિકસ્યો. 1970ના દાયકામાં તેમણે વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી રાજ્યશસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી, જેનો તેમના જીવન પર ઊંડો પ્રભાવ પડ્યો છે.
તેમણે BHUમાં તેમના શિક્ષકો, મિત્રો અને ગંગા નદી સાથેનાં સ્મરણોને હંમેશા યાદ કર્યાં છે. સુશીલા કાર્કીએ ભારતીય લોકોને ‘ભાઈ-બહેન’ તરીકે વર્ણવ્યા છે. તેમણે જણાવ્યું, “મારા ભારતીય મિત્રો મને બહેન તરીકે ગણે છે. અમારા ઘણા સંબંધીઓ અને પરિચિતો ભારતમાં છે. અમારી વચ્ચે ખૂબ જ સદ્ભાવના અને પ્રેમ છે.” તેમનું ઘર ભારતની સરહદથી માત્ર 25 માઈલ દૂર છે, અને તેઓ નિયમિતપણે સરહદ પરના બજારોમાં જતાં હતાં.
એક ઇન્ટરવ્યુમાં તેમણે ભારત-નેપાળ સંબંધોને મજબૂત કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું, “ભારતે હંમેશા નેપાળની મદદ કરી છે. અમે ખૂબ નજીક છીએ.” તેમણે ભારતીય નેતાઓ વિશે પણ ખૂબ જ સકારાત્મક ટિપ્પણી કરી છે, જેમાં ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો હતો.
CNN-News18ને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં સુશીલા કાર્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નમસ્કાર કર્યા અને જણાવ્યું, “હું મોદીજી વિશે ખૂબ જ સારો અભિપ્રાય ધરાવું છું. હું ભારતીય નેતાઓથી ખૂબ પ્રભાવિત છું.” તેમણે ઉમેર્યું, “હું મોદીજીને નમસ્કાર કરું છું. મારા મનમાં મોદીજીની ખૂબ જ સારી છાપ છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારથી સરકારના સંબંધો અલગ બાબત છે, પરંતુ નેપાળ અને ભારતના લોકો વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત અને હૃદયસ્પર્શી છે.
સુશીલા કાર્કીના નામ પર અમુક બંધારણીય મર્યાદાઓના કારણે મહોર લાગી નથી. હવે નેપાળ પાસે બે વિકલ્પો છે. કાં રાષ્ટ્રપતિ સંસદ સભ્ય હોય તેવી કોઈ વ્યક્તિની નિમણૂક કરે અને કેબિનેટની ભલામણ પર સંસદ ભંગ કરીને નવેસરથી ચૂંટણી કરાવે, અથવા પ્રદર્શનકારીઓની માંગ પર વચગાળાની સરકારનાં વડાં તરીકે સુશીલા કાર્કીના નામ પર મહોર મારવામાં આવે. જોકે બીજા વિકલ્પ માટે બંધારણીય જોગવાઈ કોઈ નથી. પરંતુ હકીકત એ પણ છે કે અરાજકતા બાદ સર્જાયેલી પરિસ્થિતિઓમાં ભૂતકાળમાં પણ ઘણા દેશોએ બંધારણીય જોગવાઈને માળિયે ચડાવીને નિર્ણયો લીધા છે.


