દિલ્હી હાઇકોર્ટે 2020નાં હિંદુવિરોધી રમખાણોના કેસમાં ઉમર ખાલિદ, શરજીલ ઈમામ સહિત 9 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. આમાં એક નામ ગુલફિશા ફાતિમાનું પણ છે, જે ગુલ અથવા ગુલફિશા ખાતૂન તરીકે પણ ઓળખાય છે. આ કેસમાં ગુલફિશાના વકીલોએ જામીન માટે પૂરેપૂરો પ્રયાસ કર્યો, પરંતુ હાઇકોર્ટે તેમની દલીલો ફગાવી દીધી.
હાઇકોર્ટે જણાવ્યું કે ગુલફિશા ફાતિમા એક એવા ગેંગનો ભાગ અને મુખ્ય ષડયંત્રકાર હતી, જે શાસન વ્યવસ્થાને ખોરવીને અરાજકતા અને હિંસા ફેલાવવામાં સંકળાયેલી હતી. હાઇકોર્ટના ચુકાદાની નકલ ઑપઈન્ડિયા પાસે છે, જેના આધારે ગુલફિશા ફાતિમાનાં તમામ કૃત્યો તમારી સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યાં છે.
દિલ્હી હિંદુવિરોધી રમખાણોમાં ગુલફિશા ફાતિમા મુખ્ય આરોપીઓમાંની એક છે. જે કેસમાં તેની જામીન અરજી ફગાવાઈ, તેનો FIR નંબર 59/2020 છે. આ કેસ માર્ચ 2020માં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો હતો. આ મામલો ફેબ્રુઆરી 2020નો છે, જ્યારે દિલ્હીમાં CAA (સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ) અને NRCના (નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન) વિરોધમાં પ્રદર્શનો ચાલી રહ્યાં હતાં. સરકારી પક્ષે દલીલ કરી કે આ રમખાણો એક મોટા ષડયંત્રનો ભાગ હતાં, જેમાં ઘણા લોકો સામેલ હતા અને ગુલફિશા પણ તેમાંની એક હતી.
કોણ છે ગુલફિશા ફાતિમા, જે મહિલાઓ-બાળકોને બનાવી રહી હતી હિંસાનું હથિયાર
ગુલફિશા ફાતિમા (ઉર્ફે ગુલ અથવા ગુલફિશા ખાતૂન) દિલ્હીના સીલમપુર વિસ્તારની રહેવાસી છે. તે 26 વર્ષની હતી જ્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનો આરોપ છે કે તે રમખાણોના ષડયંત્રમાં સક્રિય હતી. તે ‘પિંજરાતોડ’ ગ્રૂપ સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે, જે મહિલાઓના અધિકારો માટે કામ કરે છે. પોલીસનું કહેવું છે કે ગુલફિશાએ પ્રોટેસ્ટ સાઈટ્સને મેનેજ કરી, બેઠકોમાં ભાગ લીધો અને હિંસા ભડકાવવામાં મદદ કરી હતી. તેની એપ્રિલ 2020માં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં છે – હવે 5 વર્ષ થઈ ગયાં છે.
દિલ્હી હાઇકોર્ટે 2 સપ્ટેમ્બર 2025ના રોજ તેની જામીન અપીલ ફગાવી દીધી હતો. આ ચુકાદો (CRL.A. 211/2022) પેજ 120થી શરૂ થાય છે, જ્યાં કોર્ટે ગુલફિશાની ભૂમિકા પર ચર્ચા કરી છે.

પ્રૉસિક્યુશને શું કહ્યું અને કોર્ટે શું નોંધ્યું?
દિલ્હી હાઇકોર્ટે ગુલફિશાના કેસ પર પેજ 120થી 130 સુધી ચર્ચા કરી છે. પ્રૉસિક્યુશને જણાવ્યું કે ગુલફિશા ષડયંત્રનો સક્રિય ભાગ હતી. તેણે સીલમપુર-જાફરાબાદમાં પ્રોટેસ્ટ સાઈટ્સને મેનેજ કરી હતી, જ્યાં તેનું ઘર નજીકમાં છે. 15 જાન્યુઆરી 2020ના રોજ તેણે મદીના મસ્જિદમાં 24×7 પ્રદર્શન શરૂ કર્યું. તેની સાથે DPSGના (દિલ્હી પ્રોટેસ્ટ સપોર્ટ ગ્રૂપ) સભ્યો નતાશા નરવાલ અને દેવાંગના કલિતા પણ હતા. આ દરમિયાન ગુલફિશાએ ફ્રૂટ માર્કેટ, ગલી અખાડે વાલી જેવી જગ્યાઓ પર પ્રોટેસ્ટ સાઈટ્સ ઉભી કરી હતી.
સરકારી વકીલે જણાવ્યું કે ગુલફિશા પિંજરાતોડની સભ્ય હતી અને સ્થાનિક સ્તરે લોકોને એકઠા કર્યા હતા. પિંજરાતોડનું ઓફિસ E-1/13, સીલમપુરમાં હતું, જ્યાં મિટિંગ્સ થતી હતી. ગુલફિશાએ ‘વૉરિયર્સ’ (26 ડિસેમ્બર 2019) અને ‘ઔરતોં કા ઈન્કલાબ’ વોટ્સએપ ગ્રૂપ બનાવ્યા, જ્યાં પ્રોટેસ્ટની યોજના બનતી હતી. 23 જાન્યુઆરી 2020ના રોજ પિંજરાતોડની ઑફિસમાં મિટિંગ થઈ, જ્યાં ઉમર ખાલિદે લાલ મરચું પાઉડર, એસિડ, બોટલો, લાકડીઓ વગેરે એકઠાં કરવાના નિર્દેશ આપ્યા અને ગુલફિશાએ તેમ કર્યું પણ ખરું.
16-17 ફેબ્રુઆરી 2020ની રાત્રે ચાંદ બાગમાં એક મિટિંગ થઈ. અહીં ગુલફિશા અથર ખાન, શાદાબ અહેમદ, નતાશા, દેવાંગના અને અન્ય લોકો સાથે હતી. પ્રૉસિક્યુશને કોર્ટને જણાવ્યું કે અહીં ચક્કા જામનો પ્લાન ઘડાયો અને અમેરિકી રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન હિંસા ફેલાવવાનું ષડયંત્ર રચાયું હતું.
ગુલફિશાએ કોડ વર્ડ્સનો ઉપયોગ કર્યો – ‘કલ ઈદ હૈ’ એટલે રોડ બ્લોક કરો, ‘આજ ચાંદ રાત હૈ’ એટલે બ્લોકેજનો દિવસ. સાક્ષીએ કોર્ટમાં જણાવ્યું કે મિટિંગમાં હિંસા ભડકાવવાની રીતો પર ચર્ચા થતી અને ગુલફિશાએ તેમાં સક્રિય ભૂમિકા ભજવતી હતી. કોર્ટે આ નિવેદનોને પ્રથમ દ્રષ્ટ્યા સાચા ગણ્યાં છે.

પ્રૉસિક્યુશને જણાવ્યું કે ગુલફિશાએ ભાષણો આપ્યાં અને અન્ય સ્પીકરો પણ પસંદ કર્યા હતા. 22 ફેબ્રુઆરી 2020ના રોજ જાફરાબાદ મેટ્રો સ્ટેશન નીચે રોડ બ્લોક કર્યો અને મહિલાઓને પોલીસ પર હુમલો કરવા ઉશ્કેરી, જેના માટે FIR 48/2020 નોંધાઈ હતી. 23 ફેબ્રુઆરીએ 300 મહિલાઓને એકઠી કરી અને લાલ મરચું, પથ્થરો, લાકડીઓથી પોલીસ પર હુમલો કરાવ્યો. ઉપરાંત, તાહિર હુસૈન પાસેથી રમખાણો માટે ફન્ડિંગ લીધું હતું.
દિલ્હી હાઇકોર્ટે (ન્યાયમૂર્તિ નવીન ચાવલા અને શાલિન્દર કૌરની બેન્ચ) જણાવ્યું કે પ્રૉસિક્યુશનના આરોપો પ્રાથમિક રીતે (પ્રથમ દૃષ્ટિએ) સાચા લાગે છે. કોર્ટે સાક્ષીઓના નિવેદનો (બેટા, ગામા, આર્ગન, જૂપિટર, ઈકો, સ્મિથ, બ્રાવો, જોની, હેલિયમ, સેટર્ન, ડેલ્ટા, સિએરા) નોંધ્યાં, જે ગુલફિશાની ભૂમિકાને સમર્થન આપે છે.
કોર્ટે કહ્યું, “અમે ષડયંત્ર પર પહેલેથી જ ચર્ચા કરી છે… ગુલફિશા સામેના આરોપોને જોતાં જામીન આપી શકાય નહીં.”

ષડયંત્રમાં પૈસાની પણ ભૂમિકા હતી. કોર્ટના જણાવ્યા મુજબ ગુલફિશાએ તાહિર હુસૈન પાસેથી ફન્ડિંગ લીધું હતું જે રમખાણોમાં વપરાયું હતું. સાક્ષી સેટર્ને જણાવ્યું કે તાહિર હુસૈન સીલમપુર પ્રોટેસ્ટ સાઈટ પર આવ્યો અને ગુલફિશાને નોટોના બંડલ આપ્યાં હતાં. આ પૈસા ગેરકાયદે કામ માટે હતા. કોર્ટે આ આરોપોને પ્રાથમિક રીતે સાચા ગણ્યા.

ગુલફિશાએ સ્થાનિક સ્તરે લોકોને એકઠા કર્યા, મહિલાઓને તાલીમ આપી અને ષડયંત્રને પાર પાડ્યું હતું. કોર્ટનું કહેવું છે કે આ બધું ડિસેમ્બર 2019થી શરૂ થયેલા મોટા પ્લાનિંગનો ભાગ હતું – MSJ, DPSG, JCC, JACT, SOJ જેવાં ગ્રૂપ બનાવાયાં, 24×7 પ્રોટેસ્ટ સાઈટ્સ સેટઅપ કરવામાં આવી. ગુલફિશા આ બધાની લોકલ મેનેજર હતી.
કોર્ટે પેરિટીની (અન્ય સાથે સરખામણી) દલીલો પણ ફગાવી દીધી અને સુપ્રીમ કોર્ટને ટાંકીને કહ્યું કે અગાઉ જેમને જામીન મળ્યા હતા તેમને રાહત આપતી વખતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આને બેલ પ્રેસિડેન્ટ માનવામાં ન આવે. કોર્ટે જોયું કે પ્રોટેસ્ટ મેનેજમેન્ટ, મિટિંગ્સ, ફન્ડિંગ વગેરેને જોતાં ગુલફિશાની ભૂમિકા ગંભીર છે. કોર્ટે UAPAની કલમનો 43D(5) પ્રતિબંધ લગાવ્યો, અહીં દિલ્હી હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને સાચો ગણ્યો અને જામીન અરજી ફગાવી દીધી.
નોંધનીય છે કે ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં હિંદુ વિરોધી રમખાણો થયાં હતાં. રમખાણોમાં 54 લોકો માર્યા ગયા હતા. કોર્ટના જણાવ્યા મુજબ આ બધું CAA અને NRCના વિરોધના નામે એક મોટા ષડયંત્રનું પરિણામ હતું. આ ષડયંત્રનાં મુખ્ય પાત્રોમાં ઉમર ખાલિદ, શરજીલ ઈમામ સાથે ગુલફિશા ફાતિમા પણ હતી, જેનો ઉલ્લેખ કોર્ટે ગુલફિશા ખાતૂન તરીકે પણ કર્યો છે. ટ્રાયલ કોર્ટે તેની જામીન ફગાવી હતી અને હાઇકોર્ટે પણ 2 સપ્ટેમ્બર 2025ના રોજ અપીલ નકારી દીધી છે.


