હોમપેજરાજકારણડિયર રાહુલ, ટ્રમ્પ, 'ડેડ' નહીં 'ડાયનેમો' છે ભારતની ઇકોનોમી: પ્રથમ ત્રિમાસિક ગાળામાં...

ડિયર રાહુલ, ટ્રમ્પ, ‘ડેડ’ નહીં ‘ડાયનેમો’ છે ભારતની ઇકોનોમી: પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8% સાથે હરણફાળ ભરી રહ્યો છે GDP ગ્રોથ રેટ

રાહુલ ગાંધી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને માત્ર એટલું કહી શકાય કે, ભારતની અર્થવ્યવસ્થા ન તો 'ડેડ' છે અને ન તો થાકેલી. ભારતની અર્થવ્યવસ્થા આજે દુનિયાથી સૌથી જીવંત અને ઝડપથી આગળ વધતી ઇકોનોમી છે.

- Advertisement -

થોડા દિવસો પહેલાં અમેરિકી (US) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trumpe) ભારતની રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીથી ઉશ્કેરાઈને દેશની ઇકોનોમીને ‘ડેડ’ (મૃતપાય) કહી દીધી હતી. ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ પણ ઝીંકી દીધો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર મૃતપાય (Dead Economy) છે. ટ્રમ્પનું તો સમજ્યા, પણ તેમના નિવેદનને ઢાલ બનાવીને દેશની અંદર રહેલી ભારતવિરોધી જમાત અને મોદીવિરોધી ગેંગ પણ ભારતને ઉતરતું દર્શાવવાના કુકૃત્યમાં પર ઉતરી આવી હતી. રાહુલ ગાંધી જેવા નેતાઓ તો ટ્રમ્પના આ નિવેદન પર તાળીઓ વરસાવી રહ્યા હતા.

રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહી દીધું હતું કે, “હું ખૂબ ખુશ છું કે ટ્રમ્પે આવું કહ્યું.” મોદીનો વિરોધ કરતા કરતા આ ગેંગ ભારતનો વિરોધ કરવાનું દુસ્સાહસ કેળવવા લાગી હતી. રાહુલ ગાંધી તક ઝડપીને ફરી લોકતંત્રનું ભૂત ધૂણાવી કહેવા લાગ્યા હતા કે, મોદી સરકારે ભારતીય અર્થવ્યવસ્થાને તબાહ કરી નાખી છે અને આજે અર્થવ્યવસ્થા મૃત બની ગઈ છે. પણ, હકીકત ખૂબ જુદી છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે ભારતની ઇકોનોમી ‘ડેડ’ નહીં પણ ‘વેલસેટ’ છે.

‘ડેડ’ નહીં પણ ‘ડાયનેમો’ છે ભારતની ઇકોનોમી

તાજેતરના આંકડા અનુસાર, ભારતનો GDP ગ્રોથ રેટ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન) 7.8% રહ્યો છે. GDPનો આ ગ્રોથ રેટ ભારતની આશાઓ કરતાં ઘણો વધુ છે. દુનિયાની મોટાભાગની અર્થવ્યવસ્થાઓ આજે ધીમી પડી ગઈ છે, જ્યારે ભારત આજે દુનિયાની સૌથી ઝડપી વિકસતી ઇકોનોમી છે. આજે ભારતની આ કથિત ‘ડેડ’ ઇકોનોમીએ અમેરિકા સહિત દરેક મોટી અર્થવ્યવસ્થાને પાછળ છોડી દીધી છે. 

- Advertisement -

શુક્રવારે (29 ઑગસ્ટ) કેન્દ્ર સરકારે જાહેર કર્યું કે, 2025-26ના એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ભારતનો વાસ્તવિક GDP 7.8 ટકા વધ્યો, જે ગત વર્ષના સમાન ત્રિમાસિકના 6.5 ટકાના દર કરતાં ઘણો આગળ છે. 2024-25માં ભારતની અર્થવ્યવસ્થા 6.5 ટકા વધી, જ્યારે 2023-24માં 9.2 ટકાનો વૃદ્ધિ દર નોંધાયો હતો. વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ, 2047 સુધીમાં વિકસિત દેશ બનવા માટે ભારતે 7.8 ટકાના સરેરાશ વૃદ્ધિ દરની જરૂર છે, જે માટે મહત્વાકાંક્ષી સુધારાઓ પણ કરવામાં આવી રહ્યા છે.

ભારતની અર્થવ્યવસ્થા એટલી ‘મૃત’ છે કે, યુનાઈટેડ કિંગડમે તાજેતરમાં ભારત સાથે એક મોટો મુક્ત વેપાર કરાર કર્યો અને યુરોપિયન યુનિયન પણ આવો જ કરાર કરવા ઉત્સુક છે. ભારતની અર્થવ્યવસ્થા એટલી ‘મૃત’ છે કે, જાપાન આગામી 10 વર્ષમાં 10 ટ્રિલિયન યેનનું રોકાણ કરવા જઈ રહ્યું છે. ટ્રમ્પની ધમકીઓ છતાં એપલ જેવી મોટી અમેરિકન કંપનીઓએ ભારતમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને તેનો વિસ્તાર કરવા માંગે છે. EFTA દેશો પણ ભારતની વધતી આર્થિક તાકાતને જોતાં લાભદાયી વેપાર સોદા કરવા આગળ વધી રહ્યા છે. ભારતની ઇકોનોમી એટલી ‘મૃત’ છે કે, તેણે જાપાનને પાછળ છોડી દીધું છે અને હવે જર્મનીને પાછળ છોડવાની તૈયારીમાં છે.

ભારતની અર્થવ્યવસ્થા પર પ્રોપગેન્ડા પર ઉતરી આવી હતી ગેંગ

ભારતની અર્થવ્યવસ્થાને લઈને ‘મંદી’, ‘બેરોજગારી’ અને ‘મોંઘવારી’નો પ્રોપગેન્ડા લાંબા સમયથી ચાલી રહ્યો છે. વિદેશી મીડિયા હોય કે પછી દેશનો જ એક ‘બુદ્ધિજીવી વર્ગ’, તમામના પ્રયાસો એ રહ્યા છે કે, રોકાણકારો અને સામાન્ય નાગરિકોના મનમાં નકારત્મકતા ભરવામાં આવે. રાહુલ ગાંધીએ પણ એ જ કર્યું હતું. ટ્રમ્પનું નિવેદન તો એક વિદેશી દ્રષ્ટિકોણથી નીકળ્યું હતું. ટ્રમ્પનો પોતાનો સ્વાર્થ અને સસ્તું રાજકારણ આ નિવેદન પાછળ ભાગ ભજવી રહ્યું હતું, પણ રાહુલ ગાંધીની શું મજબૂરી રહી હતી કે, દેશની સિદ્ધિને બિરદાવવાની જગ્યાએ તેઓ દેશની ખોદણી કરવા પર ઉતરી આવ્યા? 

રાહુલ ગાંધી જેવા નેતાઓ ‘વિદેશી રેડિમેટ હથિયારો’ દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને ‘ડેડ’ ગણાવવાના પ્રયાસો કરવા લાગે ત્યારે સહજ સવાલ ઉઠે કે, આખરે તેઓ કોના એજન્ડા માટે કામ કરી રહ્યા છે? શું ભારતની સફળતા તેમને નથી પચી રહી? શું માત્ર મોદી સરકારના વિરોધના નામે તેઓ દેશની પ્રતિષ્ઠાને દાવ પર લગાવી રહ્યા છે? ડોનાલ્ડ ટ્રમ્પનું તો સમજી શકાય છે કે, તેઓ પોતાના રાજકીય હિતો સાધવા માટે ભારત વિશે આવાં નિવેદનો આપી રહ્યાં છે, પરંતુ પોતાના જ લોકતાંત્રિક દેશના ગતિશીલ અર્થતંત્રને ‘મૃતપાય’ કહેવું એક વિપક્ષના નેતા તરીકે કેટલું યોગ્ય? 

સામાન્ય સંજોગોમાં કોઈ વિદેશી નેતા જ્યારે કોઈ દેશની ખોદણી કરે અથવા તો તેના વિશે ઉતરતું બોલે તો સંબંધિત તે દેશના વિપક્ષના નેતાઓ પણ સ્પષ્ટ વલણ અપનાવે છે અને એક સંદેશ પહોંચાડી દે છે કે, બહારની કોઈ વ્યક્તિએ તેમના દેશમાં દખલ ન કરવી જોઈએ, જે પણ સમસ્યા છે તે દેશના લોકો સાથે મળીને સોલ્વ કરશે. પણ આપણાં દેશમાં તો વિપક્ષના નેતા પોતે જ પોતાની ટોળકી સાથે દેશની ખોદણી કરવા પર ઉતરી આવે છે. રાહુલ ગાંધીએ એ પણ યાદ રાખવું જોઈએ કે, દેશના સમૃદ્ધ અર્થતંત્રનો શ્રેય સૌપ્રથમ ભારત અને ભારતીયોને જાય છે અને ત્યારબાદ મોદી સરકારને. 

કોઈ વિદેશી નેતાની વાતમાં સહમતી દર્શાવીને પોતાના જ દેશને બદનામ કરવાનું કામ રાહુલ ગાંધી માટે નવું નથી. તેઓ જ્યારે-જ્યારે વિદેશમાં જાય છે, ત્યારે-ત્યારે તેઓ પોતાની આ ‘અસીમિત શક્તિઓ’નો પરિચય આપે છે અને દેશ વિશે એલફેલ બોલીને પરત એ જ દેશમાં આવીને રાજકારણ કરવા લાગે છે. વારંવાર કહેવાતું આવ્યું છે કે, લોકતંત્રમાં વિપક્ષ સરકારનો વિરોધ કરે તે સામાન્ય વાત છે અને કરવો પણ જોઈએ. પરંતુ જ્યારે વાત દેશ હિતની આવે ત્યારે કોઈ વિદેશીની વાતને સમર્થન આપીને પોતાના જ દેશની સ્થિતિને નિમ્ન કક્ષાની ન દર્શાવી શકાય. 

જો એવી સ્થિતિ હોય તોપણ ન દર્શાવી શકાય, પરંતુ રાહુલ ગાંધીએ તો રીતસર જૂઠું બોલીને કહી દીધું હતું કે, ભારતની અર્થવ્યવસ્થા મરી ગઈ ગઈ છે. આજે આપણા દેશના અર્થતંત્રની સ્થિતિ ખૂબ સદ્ધર છે. બેશક તે મોદી સરકારની સિદ્ધિ છે, પરંતુ વિપક્ષના નેતાએ એ પણ ન ભૂલવું જોઈએ કે, તે સૌપ્રથમ દેશની સિદ્ધિ છે. દેશની ઉપરવટ કોઈ નથી, ન સત્તાપક્ષ અને ન તો વિપક્ષ. તેથી આવી બાબતોમાં દેશના હિતોને ધ્યાને રાખવા જરૂરી છે.  

રાહુલ ગાંધી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને માત્ર એટલું કહી શકાય કે, ભારતની અર્થવ્યવસ્થા ન તો ‘ડેડ’ છે અને ન તો થાકેલી. ભારતની અર્થવ્યવસ્થા આજે દુનિયાથી સૌથી જીવંત અને ઝડપથી આગળ વધતી ઇકોનોમી છે. આંકડાઓ ક્યારેય જુઠ્ઠું નથી બોલતા અને આંકડાઓ સ્પષ્ટ કહે છે કે, ભારતની ઇકોનોમી આજે દુનિયાની તમામ અર્થવ્યવસ્થાઓ કરતાં ઝડપથી આગળ વધી રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં