હોમપેજદેશ‘મંદિરના ભંડોળનો ઉપયોગ ફક્ત મંદિર માટે’: ધર્મસ્થાનોના પૈસે લગ્ન માટેના હૉલ બનાવવા...

‘મંદિરના ભંડોળનો ઉપયોગ ફક્ત મંદિર માટે’: ધર્મસ્થાનોના પૈસે લગ્ન માટેના હૉલ બનાવવા જઈ રહી હતી તમિલનાડુ સરકાર, હાઇકોર્ટે રદ કર્યો આદેશ 

તમિલનાડુ સરકારે મંદિરનાં નાણાંનો ઉપયોગ કરીને લગ્ન માટે હોલ બનાવવાના આદેશો આપ્યા હતા. આ નિર્ણય વિરુદ્ધ પછીથી મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પછીથી આ મામલે મદ્રાસ હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી.

- Advertisement -

મદ્રાસ હાઇકોર્ટે (Madras High Court) તાજેતરમાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં તમિલનાડુ સરકારના મંદિરોના ભંડોળનો (Temple Fund) ઉપયોગ લગ્ન હોલ બનાવવા જેવા સરકારી પ્રોજેક્ટ્સ માટે કરવાના 5 આદેશને રદ કરવામાં આવ્યા છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે મંદિરના ભંડોળનો ઉપયોગ ફક્ત મંદિરોની જાળવણી, વિકાસ અને ધાર્મિક હેતુઓ માટે જ થવો જોઈએ, અન્ય કોઈ સરકારી અથવા બિનધાર્મિક હેતુઓ માટે નહીં.

નોંધનીય છે કે તમિલનાડુ સરકારે મંદિરનાં નાણાંનો ઉપયોગ કરીને લગ્ન માટે હોલ બનાવવાના આદેશો આપ્યા હતા. આ નિર્ણય વિરુદ્ધ પછીથી મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પછીથી આ મામલે મદ્રાસ હાઇકોર્ટના જસ્ટિસ એસ.એમ. સુબ્રમણ્યમ અને જસ્ટિસ જી. અરુલ મુરુગનની ડિવિઝન બેન્ચે સુનાવણી હાથ ધરી.

કોર્ટમાં તમિલનાડુ સરકારે પોતાના નિર્ણયનો બચાવ કર્યો. એડિશનલ એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું કે, હિંદુ ધર્મમાં લગ્ન એક ધાર્મિક પ્રવૃત્તિ છે, તેથી મંદિરના નાણાંમાંથી હોલ બનાવવા ધાર્મિક હેતુ ગણવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આ હોલ હિંદુઓને ઓછા ખર્ચે લગ્ન કરવામાં મદદ કરશે અને મંદિરના નાણાંમાંથી લીધેલી લૉન નિયમો અનુસાર ચૂકવવામાં આવશે.

- Advertisement -

હાઇકોર્ટનો ચુકાદો

જોકે હાઇકોર્ટ સરકારની આ દલીલોથી સંતુષ્ટ ન થઈ. ન્યાયાધીશોએ જણાવ્યું કે લગ્ન એક પવિત્ર બંધન હોય શકે, પરંતુ તેને HR&CE એક્ટ હેઠળ ‘ધાર્મિક હેતુ’ ગણી શકાય નહીં. કોર્ટે નોંધ્યું કે આ પ્રોજેક્ટમાં દાનનું કોઈ તત્વ નથી, કારણ કે હોલ ભાડે આપવાની યોજના હતી.

કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે મંદિરનાં નાણાં સરકારની સંપત્તિ નથી. ભક્તો મંદિરને નાણાં, ઘરેણાં અને જમીન આપે છે, એવી શ્રદ્ધા સાથે કે તેનો ઉપયોગ મંદિરની જાળવણી અને ધાર્મિક વિધિઓ માટે થશે. આ નાણાંનો સરકારી પ્રોજેક્ટ્સ માટે ઉપયોગ કરવો એ સ્પષ્ટ દુરુપયોગ છે.

બેન્ચે એમ પણ યાદ અપાવ્યું કે સરકારના આદેશથી સરપ્લસ ફંડ્સ રૂલ્સ, 1960નું પણ ઉલ્લંઘન થયું છે. આ નિયમોમાં પારદર્શક પ્રક્રિયા અને નાણાંના ઉપયોગ પર કડક મર્યાદાની જરૂર હોય છે. કોર્ટે સરકારની કાર્યવાહીને ‘ગેરકાયદેસર અને ગેરબંધારણીય’ જાહેર કરીને પાંચેય આદેશો રદ કર્યા. તેમણે એમ પણ કહ્યું કે મંદિરના નાણાંનું કોઈ નુકસાન કે દુરુપયોગ થયો હોય તો તે જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલવું જોઈએ.

શું હતો સમગ્ર મામલો

આ કેસની શરૂઆત તમિલનાડુ સરકારના આદેશોથી થઈ હતી. જેમાં મંદિરોનાં નાણાંથી લગ્ન હોલ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ આદેશો 2023 અને 2025ની વચ્ચે જારી કરવામાં આવ્યા હતા અને તે પલનીના પ્રખ્યાત અરુલમિગુ ધંડાયુથપાણિ સ્વામી દેવસ્થાનમ જેવાં મંદિરોને લાગુ પડતા હતા. તમિલનાડુ વિધાનસભામાં હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોવમેન્ટ (HR&CE) મંત્રી પી.કે. સેકરબાબુએ જાહેરાત કરી હતી કે રાજ્ય 27 મંદિરોમાં લગ્ન હોલ બનાવશે.

આ પ્રોજેક્ટની કિંમત 80 કરોડ હતી, જે મંદિરના વધારાના નાણાંમાંથી લેવામાં આવવાની હતી. બાદમાં આ હોલ ભાડે આપીને આવક ઉભી કરવાની યોજના હતી. અરજદાર રામા રવિકુમારે આ કેસ દાખલ કર્યો હતો, જેમાં સરકાર પર મંદિરની સંપત્તિનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. અરજદારે જણાવ્યું હતું કે મંદિરના નાણાંનો આવા હેતુઓ માટે ઉપયોગ ન થઈ શકે. HR&CE એક્ટ, 1959 અનુસાર મંદિરનાં સંસાધનો ફક્ત મંદિરની જાળવણી, ઉત્સવો, ગરીબોને ભોજન આપવા કે જરૂરિયાતમંદ ભક્તોની મદદ માટે વાપરી શકાય.

અરજદારની દલીલ હતી કે ભાડે આપવા માટે હોલ બનાવવા એ ભક્તો દ્વારા મંદિરમાં ધાર્મિક હેતુઓ માટે આપેલા દાનથી વ્યવસાય કરવા બરાબર છે. આ સિવાય એવો પણ આરોપ હતો કે કેટલાક કિસ્સામાં હોલ નાણાં આપનારા મંદિરથી 100 કિ.મી.થી વધુ દૂર બનાવવાની યોજના હતી. મદ્રાસ હાઇકોર્ટે આ મામલે સુનાવણી કરીને મંદિરના ભંડોળમાંથી લગ્ન હોલ બનાવવાના સરકારી આદેશો રદ કરી દીધા હતા.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં