પૂર્વ સાંસદ અને વકીલ પિનાકી મિશ્રા (Pinaki Misra) વિરુદ્ધ ગૃહ મંત્રાલય અને પ્રવર્તન નિદેશાલયને (ED) બે ફરિયાદ મોકલવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. ફરિયાદોમાં નાણાકીય અનિયમિતતાઓ અને સંપત્તિની લેવડદેવડ મામલે સંસદમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ પ્રશ્નો પૂછવા અને કોર્પોરેટ હિતોના સંઘર્ષ સુધીના આરોપો સામેલ છે. બંને ફરિયાદો સ્વીકારી લેવામાં આવી છે અને હાલ તપાસ ચાલી રહી છે. ફરિયાદમાં આ કેસની સરખામણી પિનાકીનાં પત્ની અને તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રા સંબંધિત કેસ સાથે પણ કરવામાં આવી હતી, જેમની ઉપર ઉદ્યોગપતિને મદદ કરવા માટે સંસદમાં અદાણીને ટાર્ગેટ કરતા પ્રશ્નો પૂછવાનો આરોપ લાગ્યો હતો અને પછીથી નિષ્કાસિત થયાં હતાં.
ઑપઇન્ડિયા પાસે બંને ફરિયાદો ઉપલબ્ધ છે. પહેલી ફરિયાદમાં ગોલ્ફ લિન્ક અને જોર બાગ સ્થિત બે બંગલાની ખરીદી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આરોપ એવા છે કે મિશ્રાએ બંને બંગલા સીધા પોતાના નામે રજિસ્ટર કરવાના સ્થાને એ કંપનીઓના શેર ખરીદીને મેળવ્યા હતા, જેના નામે આ સંપત્તિઓ હતી. આરોપ લગાવાયો છે કે આવું જાણીજોઈને કરવામાં આવ્યું હતું, જેથી શંકા ન જાય.
જે સમયે આ ખરીદી કરવામાં આવી ત્યારે પિનાકી મિશ્રાની ઘોષિત આવક સીમિત હતી, જ્યારે સંપત્તિની કિંમત કરોડોમાં છે. 2017માં દિલ્હી હાઇકોર્ટે પણ નોંધ્યું હતું કે તેમની આવક આ ખરીદીને અનુરૂપ ન હતી. આ જ દરમિયાન તેમની પહેલી પત્ની સંગીતાના ખાતામાં હોંગકોંગથી 3 લાખ ડૉલરથી વધુની રકમ ‘ગિફ્ટ’ તરીકે જમા થઈ હતી, જેની ઉપર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
ફરિયાદમાં પિનાકી મિશ્રાના ચંદ્રાસ્વામી (જેમના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ સાથે સંબંધો રહ્યા હતા) સાથેના નજીકના સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું કે 1980ના દાયકામાં મિશ્રા ચંદ્રાસ્વામીના વકીલ બન્યા અને તેમની સાથે અનેક વિદેશ યાત્રાઓ પણ કરી. આયકર વિભાગે જ્યારે તપાસ કરી તો આ યાત્રાઓ વ્યવસાયી કામ માટે થઈ હોવાના કોઈ પુરાવા ન મળ્યા. એક પૂર્વ CBI અધિકારીએ તેમના પુસ્તકમાં આરોપ લગાવ્યો છે કે મિશ્રાએ ચંદ્રાસ્વામી વિરુદ્ધની તપાસમાં જાણીજોઈને અડચણો નાખી હતી.
સાંસદ રહેતાં સંવેદનશીલ જાણકારી માગતા પ્રશ્નો કરવાનો આરોપ
બીજી ફરિયાદ, પિનાકી મિશ્રાના સંસદીય કાર્યકાળ પર કેન્દ્રિત છે. જેમાં જણાવવામાં આવ્યું કે સાંસદ રહેતાં તેમણે 600થી વધુ પ્રશ્નો પૂછ્યા, જેમાં ઘણા રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તકનીકી અને ગોપનીય મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. જેમાં પરમાણુ સબમરીન INS અરિહંત અને INS ચક્રની સ્થિતિ, મેન્ટેનન્સનો ખર્ચ અને સમયમર્યાદા જેવી જાણકારી પણ માંગવામાં આવી હતી. જોકે સરકારે સુરક્ષા કારણોસર આ માહિતી આપવાની ના પાડી દીધી હતી.
આ સિવાય તેમણે રાફેલ ડીલ, વિયેતનામની પાયલટ ટ્રેનિંગ, રશિયા પાસેથી ખરીદવામાં આવેલી S-400 સિસ્ટમ, રક્ષાબજેટ અને અહીં સુધી કે ભારતની ઉત્તર કોરિયા નીતિ પર પણ પ્રશ્નો પૂછ્યા છે. ફરિયાદીનું કહેવું છે કે આ પ્રશ્ન સામાન્ય સંસદીય કામકાજથી આગળ વધીને સંવેદનશીલ જાણકારીઓ પ્રાપ્ત કરવાના પ્રયાસો વધુ લાગે છે અને તેમાં રશિયાવિરોધી વલણ પણ સ્પષ્ટ દેખાય છે.
અન્ય એક ફરિયાદ એ છે કે જે સમયે તેઓ કોલસા અને સ્ટીલ ક્ષેત્રની મોટી કંપનીઓના વકીલ હતા, એ જ સમયે સંસદમાં કોલસા ખાણ, માફિયા હસ્તક્ષેપ અને ઉત્પાદન સંબંધિત પ્રશ્નો પૂછતા રહ્યા હતા. ઉડ્ડયન ક્ષેત્ર પર પ્રશ્નો કર્યા ત્યારે તેઓ એવિએશન કંપની સંબંધિત બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં પણ હતા.
શાળા ટ્રસ્ટમાં નાણાકીય ગેરરીતિના આરોપ
આ સાથે વિદ્યાજ્યોતિ ટ્રસ્ટ મામલે પણ ઇન્કમ ટેક્સ વિભાગને એક ફરિયાદ મોકલવામાં આવી છે. આ ટ્રસ્ટ કટકમાં દિલ્હી પબ્લિક સ્કૂલ કલિંગ ચલાવે છે. જેમાં મોટા પ્રમાણમાં રોકડ, નોટબંધી દરમિયાન જમા થયેલી રકમ, વાસ્તવિક આવક છુપાવવા અને ફર્જી ખર્ચ બતાવીને ટેક્સ છૂટ લેવાના આરોપ લગાવવામાં આવ્યા છે. ટ્રસ્ટ 2001માં બનાવાયું હતું, જેમાં પિનાકી મિશ્રા અને તેમનાં પૂર્વ પત્ની પણ સામેલ હતાં. ટ્રસ્ટના પૈસાથી ટ્રસ્ટીઓને ‘પ્રોફેશનલ ફી’ આપવામાં આવી હોવાના અને સંબંધિત કંપનીઓ દ્વારા લગ્ઝરી સંપત્તિ ખરીદવામાં આવી હોવાના આરોપ પણ સામેલ છે. મિશ્રા વિરુદ્ધ કરોડોની સંપત્તિ ઓછી કિંમતે ઘોષિત કરીને હવાલા મારફતે વિદેશમાં પણ સંપત્તિ ખરીદવાનો આરોપ લાગ્યો છે.
ફરિયાદોમાં કહેવામાં આવ્યું છે કે આ મામલો માત્ર નાણાકીય અનિયમિતતાઓ સુધી સીમિત નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને સંસદના વિશેષાધિકારોના દુરુપયોગ સાથે પણ જોડાયેલો છે. હાલ આ આ બાબતે વિગતવાર તપાસ ચાલી રહી છે.
(વિગતવાર, સંપૂર્ણ રિપોર્ટ અહીંથી વાંચી શકાશે)


