કોંગ્રેસના નેતા પવન ખેડાએ શુક્રવારે (22 ઑગસ્ટ) જણાવ્યું છે કે, કોંગ્રેસે પત્રકાર શિવ અરૂર વિરુદ્ધ રાહુલ ગાંધીના ‘વૉટચોરી’ના આરોપોને ખોટા ઠેરવતા તેમના નિવેદનોને લઈને ફોજદારી ફરિયાદ નોંધી છે. આ ફરિયાદ NDTV પર પ્રસારિત ‘ઇન્ડિયા મેટર્સ’ કાર્યક્રમ દરમિયાન શિવ અરૂરની ટિપ્પણીઓને લઈને કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે, ‘એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા’એ (EGI) આ બાબતે મૌન જાળવી રાખ્યું છે. આસામમાં કરણ થાપર અને સિદ્ધાર્થ વરદરાજન સામે અરેસ્ટ વૉરંટ જારી કરવામાં આવ્યા ત્યારે આ જ ગુપ મેદાનમાં ઉતરી આવ્યું હતું.
પવન ખેડાએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું, “શિવ અરૂરે (@ShivAroor) 19 ઑગસ્ટ, 2025ના રોજ એનડીટીવી (NDTV) પર પ્રસારિત ‘ઇન્ડિયા મેટર્સ’માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બદનામી કરવાનો દૂષિત પ્રયાસ કર્યો છે, જેનો જવાબ આપ્યા વિના છોડવામાં નહીં આવે.”
Shiv Aroor’s (@ShivAroor) malicious attempt to defame the Indian National Congress & the Leader of Opposition Shri @RahulGandhi on “India Matters” aired on 19.08.2025, on @ndtv, will not go unanswered. A criminal complaint has been filed, and our lawyer (@EeshaBakshi) will pursue…
— Pawan Khera ?? (@Pawankhera) August 22, 2025
તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ મામલે ફોજદારી ફરિયાદ નોંધવામાં આવી છે અને અમારા વકીલ કાયદાના તમામ માધ્યમો દ્વારા આ મામલે પૂરેપૂરી કાર્યવાહી કરશે.”
19 ઑગસ્ટના રોજ પ્રસારિત ‘ફ્રોમ ચોરી ટુ સૉરી: વૉટ ધ ફેક નેરેટિવ?’ શીર્ષકવાળા કાર્યક્રમમાં શિવ અરૂરે CSDSના સંજય કુમાર દ્વારા મહારાષ્ટ્રની મતદાર યાદીમાં મોટી ગડબડીનો આરોપ લગાવતા ખોટા ડેટા પ્રકાશિત કરવા બદલ માફી માગવાનો ઉલ્લેખ કર્યો હતો.
સંજય કુમારે આરોપ લગાવ્યો હતો કે, મહારાષ્ટ્રની કેટલીક લોકસભા અને વિધાનસભા બેઠકોમાં મતદારોની સંખ્યામાં મોટો તફાવત છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ X પર આ ખોટા ડેટાનો ઉપયોગ કરીને ચૂંટણી પંચ પર હુમલો કર્યો હતો અને ‘વૉટચોરી’નો આરોપ લગાવ્યો હતો. જોકે, 19 ઑગસ્ટના રોજ સંજય કુમારે તેની મૂળ પોસ્ટ ડિલીટ કરી અને એક્સ પર જાહેર માફીનામું પ્રકાશિત કર્યું હતું.
સંજય કુમારે લખ્યું હતું કે, “મહારાષ્ટ્ર ચૂંટણીઓ અંગેની પોસ્ટ માટે હું નિષ્ઠાપૂર્વક માફી માગું છું. 2024ની લોકસભા અને વિધાનસભાના ડેટાની તુલના કરતી વખતે ભૂલ થઈ હતી. અમારી ડેટા ટીમે રોનો ડેટા ખોટી રીતે વાંચ્યો હતો. આ પોસ્ટ હવે દૂર કરવામાં આવી છે. મારો ખોટી માહિતી ફેલાવવાનો કોઈ ઇરાદો નહોતો.”
શિવ અરૂરે આ ઘટનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના ચૂંટણી પંચ વિરુદ્ધના મોટાભાગના આરોપો નિરાધાર છે, કારણ કે તેમના અન્ય આરોપોનો પણ યોગ્ય રીતે ખુલાસો કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવેલા એફિડેવિટમાં આ આરોપોને સ્પષ્ટ રીતે ન જણાવીને આ મુદ્દાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધો છે.
થાપર માટે રડતું એડિટર્સ ગિલ્ડ ‘મૌન’
નોંધનીય છે કે, કરણ થાપર અને સિદ્ધાર્થ વરદરાજન સામે પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. આસામ પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 152 હેઠળ FIR દાખલ કરી હતી. આ કલમ જૂના રાજદ્રોહ કાયદાનું નવું સંસ્કરણ છે. આ FIR ‘ધ વાયર’ પર પ્રકાશિત થયેલા એક અહેવાલ અંગે હતી જેમાં ‘ઑપરેશન સિંદૂર’ સંબંધિત માહિતી હતી.
EGI Statement on FIRs and Summons Issued to Siddharth Varadarajan and Karan Thapar pic.twitter.com/tWNDhzM0R5
— Editors Guild of India (@IndEditorsGuild) August 19, 2025
જ્યારે આ પત્રકારો મુશ્કેલીમાં મુકાયા ત્યારે એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા (EGI) તરત જ તેમના સમર્થનમાં મેદાનમાં આવી ગયું હતું. ગિલ્ડે એક નિવેદન બહાર પાડીને આસામ પોલીસની કાર્યવાહીની ટીકા કરી અને તેને પ્રેસ સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે પણ કરણ થાપર અને સિદ્ધાર્થ વરદરાજનને ધરપકડથી રક્ષણ આપ્યું હતું.
આ બંને કિસ્સાઓ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. જ્યારે કરણ થાપર જેવા પત્રકાર પર કેસ કરવામાં આવે છે, ત્યારે એડિટર્સ ગિલ્ડ (EGI) તરત જ તેની પડખે આવીને ઊભું રહે છે. પરંતુ શિવ અરૂરના કિસ્સામાં ગિલ્ડ સંપૂર્ણપણે મૌન રહે છે. શું આનો અર્થ એ છે કે પત્રકારો માટે ન્યાયના નિયમો અલગ છે? અથવા તે દર્શાવે છે કે પત્રકારત્વની સંસ્થાઓ પણ રાજકીય વિચારધારા અનુસાર કાર્ય કરે છે?


