અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતા મુસ્લિમ વિદ્યાર્થીએ ધોરણ દસના એક હિંદુ વિદ્યાર્થીની હત્યા કરી નાખી હતી. ત્યારપછીથી આ ઘટનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. હિંદુ સંગઠનો અને વાલીઓએ શાળા બંધ કરાવવા પ્રદર્શન પણ કર્યાં છે. આ ઘટનાના કારણે સ્કૂલની સલામતી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટના બાદ આરોપી અને તેના મિત્ર વચ્ચે થયેલી ઇન્સ્ટાગ્રામ ચેટ વાયરલ થઈ છે, જેમાં આરોપીએ હત્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે.
19 ઑગસ્ટ, 2025ના રોજ બપોરે મૃતક વિદ્યાર્થી સ્કૂલની બહાર નીકળ્યો હતો. આ દરમિયાન આરોપી વિદ્યાર્થી અને તેના કેટલાક સાથીઓએ તેને ઘેરી લીધો હતો. ત્યારબાદ આરોપીએ ચાકુ કાઢીને મૃતકના પેટમાં ઘા ઝીંક્યા અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને પછીથી મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો, પરંતુ સારવાર દરમિયાન 20 ઑગસ્ટના રોજ રાત્રે તેનું મોત નીપજ્યું હતું. અહીં શાળા પર પણ સવાલો ઉઠ્યા છે અને વિદ્યાર્થીને સમયસર હૉસ્પિટલ ન પહોંચાડવાના આરોપ લાગ્યા છે.
પોલીસે આ ઘટના બાદ આરોપીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ અટકાયતમાં લીધો અને હત્યામાં વપરાયેલું ચાકુ પણ જપ્ત કર્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટનાનું કારણ બંને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો એક નાનકડો ઝઘડો હતો.
વાયરલ ચેટની ચોંકાવનારી વિગતો
આ ઘટના બાદ આરોપી અને તેના મિત્ર વચ્ચે થયેલી ઇન્સ્ટાગ્રામ ચેટના સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ચેટમાં આરોપીએ હત્યાની કબૂલાત કરી હોવાનું જણાય છે.
મિત્ર: ભાઈ, તુને કુછ કિયા આજ? (તે આજે કંઈ કર્યું?)
આરોપી: હા.
મિત્ર: ભાઈ, તૂને ચાકુ મારા થા? (તે ચાકુ માર્યું હતું?)
આરોપી: તુજે કિસને બોલા? (તને કોણે કહ્યું?)
મિત્ર: કોલ કર એક મિનીટ..કોલ પર વાત કરીએ..
આરોપી: ના..ના..

મિત્ર: ચેટમાં આ બધી વાતો નથી કરવી, મને અંદાજ આવી ગયો હતો કે તેં જ માર્યું હશે એટલે તને મેસેજ કર્યો છે.
આરોપી: અત્યારે નહીં, મારો મોટો ભાઈ છે સાથે…એને આ બધી ખબર નથી.
મિત્ર: એ મરી ગયો છે લગભગ.
આરોપી: કોણ હતો એ?

મિત્ર: છરી તેં મારી હતી?
આરોપી: હા..તો..
બીજા એક સ્ક્રીનશોટમાં જોવા મળે છે કે આરોપીએ છરી અને મૃતકની હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.
મિત્ર: તો છરી થોડી ઝીંકવાની હોય..અને ઝીંકી તો પણ મારી થોડી નાખવાનો હોય..

આરોપી: છોડ હવે..જે થઈ ગયું એ થઈ ગયું.
મિત્ર: પોતાનું ધ્યાન રાખજે. થોડા સમય માટે અંડરગ્રાઉન્ડ થઈ જા. આ ચેટ ડિલીટ કરી નાખ.
આ ચેટમાં આરોપીએ મૃતક નામ લઈને હત્યાની વાત કબૂલી હોવાનું પણ જણાય છે. આશરે છથી સાત સ્ક્રીનશૉટ ઓનલાઇન ફરતા થયા છે. પોલીસ હાલ આ ચેટની સત્યતા તપાસી રહી છે.
હિંદુ વિદ્યાર્થીના મોતના સમાચારે સ્થાનિક સમુદાય અને પરિવારજનોમાં ભારે રોષ ફેલાવ્યો છે. 20 ઑગસ્ટના રોજ મૃતકના પરિવારજનો, સ્થાનિક લોકો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સહિતના હિંદુ સંગઠનોએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટના બાદ ઑપઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે આ પહેલાં પણ શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીઓ અન્ય હિંદુ વિદ્યાર્થીઓને ધમકાવતા હતા. આ સિવાય મૃતકના દાદાએ આરોપ લાગાવ્યો હતો કે પ્રિન્સિપાલને ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં.
આ ઘટનાની તપાસ સિટી ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. આરોપીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો છે અને હત્યામાં વપરાયેલું ચાકુ પણ જપ્ત કરવામાં આવ્યું છે. FIR નોંધવામાં આવી છે અને આ ઘટનાને લઈને વધુ તપાસ ચાલુ છે.


