હોમપેજગુજરાતજન્માષ્ટમી પહેલાં ભગવાન દ્વારકાધીશના પ્રસાદના નામે સાયબર ફ્રોડ કરતી વેબસાઈટો સક્રિય, મંદિર...

જન્માષ્ટમી પહેલાં ભગવાન દ્વારકાધીશના પ્રસાદના નામે સાયબર ફ્રોડ કરતી વેબસાઈટો સક્રિય, મંદિર ટ્રસ્ટે જારી કરી ચેતવણી: ‘માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરો’

ટ્રસ્ટના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, "આવી એપ્લિકેશનો અથવા વેબસાઈટો મંદિરના નામે લોકોની ભક્તિની ભાવનાઓ સાથે રમી રહી છે. લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે તેઓ આવા ફ્રોડથી બચે અને મંદિરની અધિકૃત માહિતીનો જ ઉપયોગ કરે."

- Advertisement -

દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ચાલી રહી છે અને આવતીકાલે જન્માષ્ટમી તહેવારની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન શ્રી દ્વારકાધીશ મંદિર (Dwarkadhish Temple) ટ્રસ્ટે શ્રદ્ધાળુઓ માટે ગંભીર ચેતવણી જારી કરી છે. ટ્રસ્ટે જણાવ્યું છે કે કેટલીક ભ્રામક મોબાઈલ એપ્લિકેશનો અને અસત્તાવાર વેબસાઈટો મંદિરના નામે ઘરપ્રસાદીની સેવા આપવાનો દાવો કરી રહી છે, જે સંપૂર્ણપણે ફ્રોડ છે. મંદિર ટ્રસ્ટે લોકોને આવા પ્રસાદના નામે થતા ફ્રોડથી સાવચેત રહેવા અને મંદિરની અધિકૃત માહિતીનો જ ઉપયોગ કરવા અપીલ કરી છે.

અહેવાલ અનુસાર, એક એપ્લિકેશન પર ₹201માં દ્વારકાધીશ મંદિરનો માખણ અને મીસરીનો પ્રસાદ ઘરે ઘરે પહોંચાડવાના દાવા કરવામાં આવ્યા હતા. જોકે, સત્તાવાર રીતે મંદિર દ્વારા કોઈપણ એવી સેવા આપવામાં આવતી નથી. આ મામલે મંદિર પ્રશાસનને જાણ થતાં ટ્રસ્ટે સ્પષ્ટતા આપી અને કહ્યું કે આવી એપ્લિકેશનો અને વેબસાઈટો લોકોની ભક્તિની ભાવનાઓનો દુરુપયોગ કરી રહી છે.

મંદિર ટ્રસ્ટે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા આપતો વિડીયો જારી કર્યો છે. પોસ્ટમાં લખ્યું છે કે, “ખોટી માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન કે અસત્તાવાર વેબસાઇટ પર ભરોસો ન રાખો. આવા ફ્રોડથી સાવચેત રહો. મંદિર સંબંધિત સાચી માહિતી ફક્ત અધિકૃત વેબસાઇટ અને સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર જ આપવામાં આવે છે. ભ્રમમાં ન આવો – ભાવથી આવો! શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ – દ્વારકા.”

- Advertisement -

ટ્રસ્ટના અધિકારીએ જણાવ્યું છે કે, “‘ઘર મંદિર’ કરીને કોઈ વેબસાઈટ છે એ એવો દાવો કરે છે કે દ્વારકાધીશ ભગવાનના પ્રાગટ્ય દિનના પ્રસંગ નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવની તિથિ છે, ભગવાનના મંદિરનો પ્રસાદ અને એની જે ફૂલમાળા વગેરે તમને કોઈ નિશ્ચિત રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરવાથી ઘેરબેઠાં મોકલી આપવામાં આવશે, એવો ભ્રામક દાવો એ વેબસાઈટ એજન્સી મારફતથી કરવામાં આવે છે.”

ટ્રસ્ટનું નિવેદન

ટ્રસ્ટના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, “આવી એપ્લિકેશનો અથવા વેબસાઈટો મંદિરના નામે લોકોની ભક્તિની ભાવનાઓ સાથે રમી રહી છે. લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે તેઓ આવા ફ્રોડથી બચે અને મંદિરની અધિકૃત માહિતીનો જ ઉપયોગ કરે.”

તેમણે આ દાવાઓને ભ્રામક ગણાવતાં કહ્યું કે, “આ તમામ પોકળ દાવાઓનું અમે ખંડન કરીએ છીએ. અમારા મંદિરની જે પ્રણાલી છે એ અનુસાર મંદિરમાં ભગવાન દ્વારકાધીશને જે નિત્ય ભોગ અને પ્રસાદ લાગે છે એ અમારા ભોગ ભંડારમાં અમારા પૂજારી પ્રતિનિધિ અને જે વારાદાર પૂજારી હોય તેમના માર્ગદર્શનમાં તૈયાર થાય છે. તેમના દ્વારા જ ભગવાનને નેક, ભોગ કરીને પછી મંદિર પટાંગણમાંથી જ એ પ્રસાદનું વિતરણ થાય છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ સિવાય અમારી જે dwarkadhish.org વેબસાઈટ છે, એના પર જે નેક ભોગ લખાવવામાં આવે છે એ અમે ઘેરબેઠા મોકલી આપીએ છીએ. આ સિવાય અમારા નામ પર, અમારા ટ્રસ્ટ કે મંડળ કે સમિતિ કે પૂજારીના નામે જે પણ વ્યક્તિઓ આવી પ્રકારની પ્રવૃત્તિ કરે છે અને આ પ્રકારની ભ્રામક વાતો કરે છે એ તમામનું અમે ખંડન કરીએ છીએ. તમામ ભાવિક ભક્તો, શ્રદ્ધાળુઓ, વૈષ્ણવોને આ પ્રકારના દાવાઓથી અળગા રહેવા માટે અપીલ કરીએ છીએ. ભગવાન દ્વારકાધીશના જન્મ મહોત્સવ 2025 નિમિત્તે તમામને દ્વારકાધીશ મંદિર ખાતે રૂબરૂમાં આવી દર્શનનો લહાવો લેવા, પ્રસાદનો લહાવો લેવા માટે અપીલ કરીએ છીએ.”

જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારો દરમિયાન લોકોની ભક્તિની ભાવનાઓને લઈને આવા ફ્રોડ કરનારાઓ એક્ટિવ થાય છે. તેઓ મંદિરના નામે લોકોને ફસાવવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. જોકે આવી કોઈપણ ભ્રામક માહિતી પર વિશ્વાસ કર્યા પહેલાં તેની વિશ્વનીયતા સ્વીકારવી જોઈએ. આ અંગેની વધુ માહિતી માટે મંદિરની અધિકૃત વેબસાઈટ (www.dwarkadhishtemple.org) અથવા સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર સંપર્ક કરી શકાય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં