હોમપેજદેશનક્સલવાદનો અંત, રાષ્ટ્રધ્વજનો ઉદય: મોદી સરકારે ખતમ કર્યો લાલ આતંક તો બસ્તરનાં...

નક્સલવાદનો અંત, રાષ્ટ્રધ્વજનો ઉદય: મોદી સરકારે ખતમ કર્યો લાલ આતંક તો બસ્તરનાં 14 ગામો પહેલી વખત ઉજવશે સ્વાતંત્ર્ય દિવસ

આ સફળતાની પાછળ સરકારની પુનર્વસન નીતિ અને વિકાસના કાર્યોનો પણ મોટો હાથ છે. ‘નક્સલ સરેન્ડર રિહેબિલિટેશન પોલિસી 2025’ અને ‘નિયદ નેલ્લા નાર’ યોજનાએ નક્સલીઓને હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવાની તક આપી.

- Advertisement -

છત્તીસગઢના (Chhattisgarh) બસ્તર (Bastar) વિભાગના 14 અંતરિયાળ આદિવાસી ગામોમાં આ વર્ષે 15 ઑગસ્ટ, 2025ના રોજ પહેલી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. આ એક ઐતિહાસિક ઘટના છે. આ ગામો દાયકાઓથી નક્સલવાદના પ્રભાવ હેઠળ હતા. ત્યાં અગાઉ સ્વતંત્રતા દિવસ કે ગણતંત્ર દિવસની ઉજવણીની હિંમત કોઈ કરી શકતું ન હતું. નક્સલીઓ દ્વારા કાળા કે લાલ ધ્વજ ફરકાવવામાં આવતા અને રાષ્ટ્રીય તહેવારોનો બહિષ્કાર કરવાના ફરમાનો જારી કરવામાં આવતા હતા. પરંતુ, મોદી સરકારની આક્રમક નીતિઓ, સુરક્ષાદળોની બહાદુરી અને વિકાસના પ્રયાસોના કારણે આ ગામોમાં આ વર્ષે તિરંગો લહેરાશે.

ઐતિહાસિક સ્વતંત્રતા દિવસની ઉજવણી

છત્તીસગઢના બિજાપુર, નારાયણપુર અને સુકમા જિલ્લાઓમાં આવેલા 14 ગામોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. આ ગામોમાં ગુંજેપુર્ટી, પુજારીકાંકેર, ભીમારામ, કુટુલ, પદમકોટ, નેલાંગુર, પાંગુર, ઉસ્કાવાયા, કોંડાપલ્લી, રાયગુડેમ, ગોમગુડા અને પિડિયા જેવા નક્સલવાદના ગઢ ગણાતા ગામોનો સમાવેશ થાય છે. આ ગામોમાં 26 જાન્યુઆરી 2025 પછી નવા સુરક્ષા શિબિરો સ્થાપવામાં આવ્યા, જેના કારણે આ પરિવર્તન શક્ય બન્યું. બસ્તર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ પી. સુંદરરાજે જણાવ્યું કે, “આ ગામોમાં પેરામિલિટરી ફોર્સ, બસ્તર પોલીસ અને સ્થાનિક રહેવાસીઓની હાજરીમાં ગામના કેન્દ્રોમાં તિરંગો ફરકાવવામાં આવશે. આ ગામોમાં અગાઉ ક્યારેય રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી થઈ નથી.”

આ ઉજવણીઓ દરમિયાન, ગામલોકોને સ્વતંત્રતા દિવસના મહત્વ અને ઇતિહાસ વિશે શિક્ષિત કરવામાં આવશે. બસ્તરમાં તિરંગા રેલીઓનું આયોજન પણ થઈ રહ્યું છે, જેમાં સ્થાનિક લોકો અને CRPFના જવાનો ભાગ લઈ રહ્યા છે. આ ઘટના માત્ર રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક નથી, પરંતુ નક્સલવાદના ભયથી મુક્તિ અને ગામડાઓમાં શાંતિની સ્થાપનાનું પણ સૂચક છે.

- Advertisement -

આ સિવાય ઉજવણી સારી રીતે કરી શકાય તે માટે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), બસ્તર ફાઈટર્સ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), છત્તીસગઢ આર્મ ફોર્સ (CAF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF), કોબ્રા, શસ્ત્ર સીમા બળ (SSB), ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), બોર્ડર સિક્યુરીટી ફોર્સ અને સ્થાનિક પોલીસદળો તહેનાત કરવામાં આવ્યા છે. મહત્વની બાબત છે આ ગામડા કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાનો (માઓઇસ્ટ) ત્રાસ હતો. જોકે, મોદી સરકારના શાસનમાં આવ્યા બાદ નક્સલવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

મોદી સરકારની નક્સલવાદ નાબૂદીની રણનીતિ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વારંવાર જણાવ્યું છે કે મોદી સરકારનો લક્ષ્યાંક માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલવાદથી મુક્ત કરવાનો છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે સરકારે બહુઆયામી રણનીતિ અપનાવી છે, જેમાં સુરક્ષા, વિકાસ અને જનસંપર્કનો સમન્વય છે.

સુરક્ષા શિબિરોની સ્થાપના

26 જાન્યુઆરી, 2025 પછી બસ્તરના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં નવા સુરક્ષા શિબિરો સ્થાપવામાં આવ્યા. આ શિબિરો માત્ર સુરક્ષા પૂરી પાડે છે એટલું જ નહીં, પરંતુ વિકાસ અને જનસંપર્કના કેન્દ્રો તરીકે પણ કામ કરે છે. આ શિબિરોની સ્થાપનાથી ગામડાઓમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું, જેના કારણે ગ્રામીણો હવે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે.

બસ્તરના આઈજી પી. સુંદરરાજે જણાવ્યું છે કે, “આ શિબિરોએ નક્સલીઓના ભયને દૂર કર્યો છે અને ગ્રામજનોમાં આત્મવિશ્વાસ જગાવ્યો છે, જેના કારણે તેઓ રાષ્ટ્રીય ઉજવણીઓમાં ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે.”

સફળ એન્કાઉન્ટર્સ અને આત્મસમર્પણ

એન્કાઉન્ટર્સ

2025માં છત્તીસગઢમાં 305 નક્સલીઓ ઠાર મરાયા, જેમાંથી 65 બસ્તર વિભાગમાં હતા. મે 2025માં નક્સલી લીડર નમ્બાલા કેશવ રાવ (ઉર્ફે બસવ રાજુ), જેના પર ₹45 લાખનું ઈનામ હતું, બિજાપુરમાં ઠાર મરાયો હતો. 9 ફેબ્રુઆરી 2025ના રોજ બિજાપુરના ઇન્દ્રાવતી નેશનલ પાર્કમાં 31 નક્સલીઓ ઠાર મરાયા, જે એક મોટી સફળતા હતી. એપ્રિલ 2025માં ઑપરેશન સંકલ્પ હેઠળ, બિજાપુરમાં 22 નક્સલીઓ ઠાર મરાયા. સુકમાના કેરલાપાલ વિસ્તારમાં 16 નક્સલીઓ ઠાર મરાયા અને મોટી માત્રામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા.

આત્મસમર્પણ

2025ના પ્રથમ ચાર મહિનામાં જ 718 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. 2024માં 928 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. સુકમા જિલ્લામાં 22 નક્સલીઓ, જેમના પર ₹40 લાખનું ઈનામ હતું તેમણે ‘નક્સલ સરેન્ડર રિહેબિલિટેશન પોલિસી 2025’ અને ‘નિયદ નેલ્લા નાર’ યોજના હેઠળ આત્મસમર્પણ કર્યું હતું. CRPFની ગુપ્તચર શાખાએ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આત્મસમર્પણની સંખ્યામાં બમણો વધારો કર્યો. આ ઉપરાંત 2025માં 1,177 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી, જે નક્સલી સંગઠનો પર દબાણ વધારવામાં મદદરૂપ થઈ.

પુનર્વસન નીતિ

સરકારે આત્મસમર્પણ કરનારા નક્સલીઓ માટે ‘નક્સલ સરેન્ડર રિહેબિલિટેશન પોલિસી 2025’ અને ‘નિયદ નેલ્લા નાર’ યોજના શરૂ કરી, જેમાં શિક્ષણ, વ્યવસાયિક તાલીમ, આરોગ્યસંભાળ અને સામાજિક પુનઃસંગઠનની સુવિધાઓ આપવામાં આવે છે. આ નીતિએ ખાસ કરીને મહિલા નક્સલીઓમાં આત્મસમર્પણનું પ્રમાણ વધાર્યું, જેમાં 2025માં 111 મહિલાઓએ આત્મસમર્પણ કર્યું હતું.

વિકાસના પ્રયાસો

નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સરકારે વિકાસના અનેક પ્રોજેક્ટ શરૂ કર્યા છે. ઉદાહરણ તરીકે, સુકમા જિલ્લાના એલ્માગુંડા ગામમાં 76મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ વીજળી પહોંચાડવામાં આવી. આ ઉપરાંત, રસ્તાઓ, શાળાઓ અને અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. મે 2025માં નારાયણપુર અને કુટુલ વચ્ચે બસ સેવા શરૂ કરવામાં આવી, જે અગાઉ નક્સલીઓનું મુખ્ય કેન્દ્ર અબુઝમદના અંતરિયાળ વિસ્તારોને જોડે છે.

નક્સલવાદનો અંત નજીક

મોદી સરકારની ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અને ‘વિશ્વાસ, વિકાસ, સુરક્ષા’ના ત્રિવેણી મંત્રએ નક્સલવાદ પર નોંધપાત્ર અસર કરી છે. છેલ્લા દસ વર્ષમાં નક્સલી હિંસામાં 73% ઘટાડો થયો છે અને સુરક્ષાદળોના જવાનોના મૃત્યુમાં 70% ઘટાડો થયો છે. 2025ના જુલાઈ સુધીમાં 204 નક્સલીઓ ઠાર મરાયા હતા. આ આંકડાઓ દર્શાવે છે કે નક્સલવાદ હવે નબળો પડી રહ્યો છે અને સરકારનું લક્ષ્ય માર્ચ 2026 સુધીમાં તેને સંપૂર્ણ નાબૂદ કરવાનું છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ આ ઉજવણીઓને ‘નવા બસ્તર’ની શરૂઆત ગણાવી, જે વિકાસ અને શાંતિનું પ્રતીક છે. અમિત શાહે પણ આ પ્રગતિની પ્રશંસા કરી અને જણાવ્યું કે મોદી સરકારની નીતિઓએ નક્સલ પ્રભાવિત વિસ્તારોને લોકતાંત્રિક વ્યવસ્થામાં સામેલ કર્યા છે.

છત્તીસગઢના આ 14 ગામોમાં તિરંગો ફરકાવવો એ નક્સલવાદના ભયના અંત અને રાષ્ટ્રીય એકતાનો એક ઐતિહાસિક સંદેશ છે. મોદી સરકારની ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ, સુરક્ષાદળોની નિર્ભીક કામગીરી અને વિકાસના પ્રયાસોએ નક્સલવાદના મૂળને નબળા પાડ્યા છે. 2025માં 305 નક્સલીઓ ઠાર મરાયા, 1,177ની ધરપકડ થઈ અને 985એ આત્મસમર્પણ કર્યું, જે દર્શાવે છે કે અમિત શાહનું માર્ચ 2026 સુધી નક્સલવાદ નાબૂદ કરવાનું લક્ષ્ય હવે દૂર નથી. બસવ રાજુ જેવા ટોચના નક્સલી નેતાઓનો ખાતમો અને સુકમા, બિજાપુર જેવા વિસ્તારોમાં ઑપરેશન સંકલ્પ જેવી સફળ કામગીરીઓએ નક્સલીઓની કમર તોડી નાખી છે.

આ સફળતાની પાછળ સરકારની પુનર્વસન નીતિ અને વિકાસના કાર્યોનો પણ મોટો હાથ છે. ‘નક્સલ સરેન્ડર રિહેબિલિટેશન પોલિસી 2025’ અને ‘નિયદ નેલ્લા નાર’ યોજનાએ નક્સલીઓને હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવાની તક આપી, જેના પરિણામે 2025માં 111 મહિલાઓ સહિત 718 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. આ ઉપરાંત, એલ્માગુંડા જેવા ગામોમાં વીજળી અને નારાયણપુર-કુટુલ બસ સેવા જેવા વિકાસ કાર્યોએ ગામલોકોમાં આશા જગાવી છે. આ ઐતિહાસિક સ્વતંત્રતા દિવસ નવા બસ્તરની શરૂઆત છે, જે શાંતિ, વિકાસ અને રાષ્ટ્રીય ગૌરવની નવી ગાથા લખી રહ્યું છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં