ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી (Election of Vice President) એ ભારતની લોકશાહીની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, જે બંધારણ અને કાયદાઓના નિયમો અનુસાર ચોક્કસ પદ્ધતિ દ્વારા યોજાય છે. તાજેતરમાં જ જગદીપ ધનખડે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને લઈને ઉપરાષ્ટ્રપતિના પદ પરથી રાજીનામું આપ્યું છે. ત્યારથી આ પદ ખાલી પડ્યું છે. બંધારણીય જોગવાઈ અનુસાર, ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી વહેલી તકે યોજવામાં આવવી જરૂરી છે. આ તમામ બાબતોને ધ્યાને રાખીને હવે ફરી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચે પણ આ માટે તારીખો જાહેર કરી દીધી છે.
ચૂંટણી પંચે શુક્રવારે (1 ઑગસ્ટ) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની સત્તાવાર જાહેરાત કરી છે. EC અનુસાર, મતદાન 9 સપ્ટેમ્બરના રોજ થશે અને એ જ દિવસે મતગણતરી હાથ ધરીને પરિણામો પણ ઘોષિત કરવામાં આવશે. ચૂંટણી માટે 7 ઑગસ્ટના રોજ અધિસૂચના જાહેર કરવામાં આવશે. 9 ઑગસ્ટના દિવસથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન શરૂ કરવામાં આવશે અને 21 ઑગસ્ટ સુધી ચાલશે. 22 ઑગસ્ટે ચકાસણી થશે અને 25 સુધીમાં નામાંકન પરત લઈ શકાશે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી વિશે સમજવું પણ જરૂરી બની રહે છે.
ક્યાં સંજોગોમાં યોજાય છે ચૂંટણી?
બંધારણની કલમ 67 અનુસાર, દેશના ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. 5 વર્ષ પૂર્ણ થયા બાદ ફરી ચૂંટણી યોજવામાં આવે છે, જે સામાન્ય બાબત છે. તે સિવાય જો ઉપરાષ્ટ્રપતિનું મૃત્યુ થાય, તેઓ રાજીનામું આપે, તેમને દૂર કરવામાં આવે અથવા તો અન્ય કારણોસર તેમનું પદ ખાલી પડે તો બંધારણની કલમ 68( 2) અનુસાર, શક્ય તેટલી વહેલી તકે ચૂંટણી યોજવી જરૂરી છે. નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ પાંચ વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ ભોગવે છે, જે તેમના પદગ્રહણ કરવાની તારીખથી શરૂ થાય છે.
2025માં ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું હોવાથી તે પદ ખાલી થયું છે. 22 જુલાઈથી તે પદ ખાલી પડ્યું હોવાથી ચૂંટણી પંચ દ્વારા 17મી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 9 તારીખે પદની ચૂંટણી પણ યોજવામાં આવશે.
કોણ નિભાવશે ચૂંટણીની જવાબદારી?
બંધારણની કલમ 324 અનુસાર, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન, નિર્દેશન અને નિયંત્રણ ચૂંટણી પંચ કરે છે. આ ચૂંટણી ‘પ્રેસિડેન્શિયલ એન્ડ વાઇસ-પ્રેસિડેન્શિયલ ઇલેક્શન્સ એક્ટ, 1952’ અને ‘પ્રેસિડેન્શિયલ એન્ડ વાઇસ-પ્રેસિડેન્શિયલ રૂલ્સ, 1974’ અનુસાર યોજવામાં આવે છે. પરંપરા અનુસાર, સંસદના કોઈપણ ગૃહના સેક્રેટરીને વારફરતી ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે. હાલના મતદાન માટે ચૂંટણી પંચે રાજ્યસભાના સેક્રેટરી જનરલને રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્યાં છે અને સાથે બે આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારના વરિષ્ઠ અધિકારીઓને મતદાન અને મતગણતરીના સ્થળે નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કોણ આપી શકે છે મત અને શું હોય છે પદ્ધતિ?
બંધારણની કલમ 66 અનુસાર, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ઇલેક્ટોરલ કોલેજ દ્વારા થાય છે, જેમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા સભ્યો (હાલમાં 5 બેઠકો ખાલી) અને 12 નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે. તે સિવાય લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યોનો (હાલમાં 1 બેઠક ખાલી) પણ સમાવેશ કરવામાં આવે છે. હાલની વાત કરીએ તો આ ચૂંટણી માટે ઇલેક્ટોરલ કોલેજમાં કુલ 788 સભ્યો છે, પરંતુ હાલમાં 782 સભ્યો જ ઉપલબ્ધ છે. દરેક સભ્યના મતનું મૂલ્ય સમાન, એટલે કે એક (1) છે.
ચૂંટણી પદ્ધતિની વાત કરવામાં આવે તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ‘પ્રમાણસર પ્રતિનિધિત્વ પદ્ધતિ’ (Proportional Representation) દ્વારા ‘સિંગલ ટ્રાન્સફરેબલ વોટ’ (Single Transferable Vote) સિસ્ટમથી થાય છે. આ પદ્ધતિમાં નીચેના મુખ્ય પગલાં સામેલ છે:
નોમિનેશન પ્રક્રિયા
- ઉમેદવારે નોમિનેશન પેપર રિટર્નિંગ ઓફિસરને નવી દિલ્હીમાં નિર્દિષ્ટ સ્થળે જમા કરાવવાનું હોય છે.
- નોમિનેશન ફોર્મ (ફોર્મ 3) ઉમેદવાર, તેમના પ્રસ્તાવકો અથવા સમર્થકો દ્વારા સવારે 11:00થી બપોરે 3:00 વચ્ચે રજૂ કરી શકાય છે.
- નોમિનેશન પેપરમાં ઓછામાં ઓછા 20 મતદાતાઓએ પ્રસ્તાવક તરીકે અને 20 મતદાતાઓએ સમર્થક તરીકે હસ્તાક્ષર કરવા જરૂરી છે.
- એક મતદાતા ફક્ત એક જ નોમિનેશન પેપરમાં પ્રસ્તાવક અથવા સમર્થક તરીકે હસ્તાક્ષર કરી શકે છે.
- એક ઉમેદવાર મહત્તમ ચાર નોમિનેશન પેપર દાખલ કરી શકે છે.
- ઉમેદવારે ₹ 15,000ની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડે છે.
મતદાન પ્રક્રિયા
- મતદાન ગુપ્ત બેલેટ દ્વારા થાય છે અને તેનું સ્થળ સંસદ ભવન, નવી દિલ્હી (રૂમ નં. F-101, વસુધા, પ્રથમ માળ) છે.
- મતદાતાઓએ ચૂંટણી કમિશન દ્વારા પૂરી પાડવામાં આવેલી ખાસ પેનનો ઉપયોગ કરીને મતદાન કરવું જરૂરી છે. અન્ય કોઈ પેનનો ઉપયોગ કરવાથી મત અમાન્ય ગણાશે.
- મતદાતાએ બેલેટ પેપર પર ઉમેદવારોના નામ સામે પસંદગી (Preference) નોંધવી પડે છે. પસંદગી આંતરરાષ્ટ્રીય અંકો, રોમન અંકો અથવા કોઈપણ માન્ય ભારતીય ભાષામાં નોંધી શકાય છે, પરંતુ શબ્દોમાં નહીં.
- પ્રથમ પસંદગી (First Preference) નોંધવી ફરજિયાત છે, જ્યારે અન્ય પસંદગીઓ ઐચ્છિક છે.
ગુપ્તતા અને નિયમો
- બંધારણ મુજબ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતની ગુપ્તતા જાળવવી ફરજિયાત છે. મતદાતાએ પોતાનું બેલેટ પેપર કોઈને બતાવવું નહીં.
- મતદાન પછી બેલેટ પેપરને ફોલ્ડ કરીને બેલેટ બોક્સમાં નાખવું પડે છે. આ નિયમનું ઉલ્લંઘન કરવાથી બેલેટ પેપર રદ થઈ શકે છે.
- રાજકીય પક્ષોને તેમના સાંસદોને વ્હિપ જારી કરવાની મનાઈ છે, એટલે કે તેઓ મતદાતાઓને કોઈ ચોક્કસ ઉમેદવારને મત આપવા દબાણ કરી શકે નહીં.
મતગણતરી
- જો મતદાનની જરૂર પડે તો મતગણતરી નવી દિલ્હીમાં રિટર્નિંગ ઓફિસરની દેખરેખ હેઠળ થશે.
- ગણતરી પૂર્ણ થયા પછી રિટર્નિંગ ઓફિસર દ્વારા ચૂંટણીનું પરિણામ (ફોર્મ 7) જાહેર કરવામાં આવે છે.
વિશેષ લક્ષણો
ઇકોફ્રેન્ડલી ચૂંટણી – ચૂંટણી કમિશન આ ચૂંટણીને ઇકોફ્રેન્ડલી બનાવવા માટે બાયોડિગ્રેડેબલ સામગ્રીનો ઉપયોગ કરવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા દિશાનિર્દેશ આપે છે.
ચૂંટણીની નિષ્પક્ષતા – ચૂંટણીમાં લાંચ (Bribery) અથવા અયોગ્ય પ્રભાવ (Undue Influence) જેવા ગેરકાયદેસર કૃત્યો થાય તો સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પિટિશન દાખલ કરીને ચૂંટણી રદ કરી શકાય છે.
ઇલેક્ટોરલ કોલેજની યાદી – ECI ઇલેક્ટોરલ કોલેજના સભ્યોની યાદી જાળવે છે.
ઉમેદવારો અને મતદાતાઓની જવાબદારી
- ઉમેદવારો ચૂંટણી સ્થળે અને મતગણતરી સ્થળે પોતાના પ્રતિનિધિ નિયુક્ત કરી શકે છે.
- મતદાતાઓએ ગુપ્તતા જાળવવી અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે, જેથી ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રહે.
ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી એક ગુપ્ત, નિષ્પક્ષ અને બંધારણીય પ્રક્રિયા છે, જેમાં સંસદના સભ્યો દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વ પદ્ધતિ દ્વારા નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવામાં છે. આ પ્રક્રિયા ચૂંટણી કમિશનની દેખરેખ હેઠળ થાય છે, જે નિયમોનું પાલન અને ગુપ્તતા સુનિશ્ચિત કરે છે.


