હાલ દેશભરમાં અમેરિકાના (USA) વલણની ચર્ચા થઈ રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના (President Donald Trump) 25% ટેરિફ વધારવાના નિર્ણયના ગુણદોષ પણ જોવામાં આવી રહ્યા છે અને ભારતની પ્રતિક્રિયાઓ વિશેની પણ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન જ એક ચર્ચા રાહુલ ગાંધીના (Rahul Gandhi) નિવેદનની પણ થઈ રહી છે. વાત એમ છે કે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને મૃતપાય (Dead Economy) ગણાવ્યું, ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમનું સમર્થન કર્યું અને જાહેરમાં કહ્યું કે, ‘હા, ભારતની ઇકોનોમી ‘ડેડ ઇકોનોમી’ છે.’ ડોનાલ્ડ ટ્રમ્પનું તો સમજી શકાય છે કે, તેઓ પોતાના રાજકીય હિતો સાધવા માટે ભારત વિશે આવાં નિવેદનો આપી રહ્યાં છે, પરંતુ પોતાના જ લોકતાંત્રિક દેશના ગતિશીલ અર્થતંત્રને ‘મૃતપાય’ કહેવું એક વિપક્ષના નેતા તરીકે કેટલું યોગ્ય?
‘હું ખુશ છું કે ટ્રમ્પે કહ્યું કે ભારતનું અર્થતંત્ર મૃતપાય છે’- આ શબ્દો હતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના. રાહુલ ગાંધીએ ગુરુવારે (31 જુલાઈ) ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદનનું સમર્થન કર્યું હતું, જેમાં ભારતની અર્થવ્યવસ્થાને મૃતપાય કહેવામાં આવી હતી. રાહુલ ગાંધીએ હસતાં-હસતાં મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે, ટ્રમ્પનું આ નિવેદન ‘વાસ્તવિકતા’ દર્શાવે છે. તેમણે એવો દાવો કર્યો હતો કે, આ ‘વાસ્તવિકતા’ માત્ર ભારત સરકાર જ માનવા તૈયાર નથી. પણ આ ‘વાસ્તવિકતા’ની ‘વાસ્તવિકતા’ એ છે કે, દુનિયા આખી માનવા તૈયાર નથી.
ટ્રમ્પની વાતને સમર્થન આપતાં રાહુલ ગાંધીએ કહ્યું, “હા. તેઓ સાચા છે. વડાપ્રધાન અને નાણામંત્રીને છોડીને બધા જ જાણે છે કે, ભારતીય અર્થવ્યવસ્થા મૃતપાય છે. હું ખુશ છું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તથ્યો સામે રાખ્યાં. આખી દુનિયા જાણે છે કે, ભારતીય અર્થવ્યવસ્થા એક ડેડ ઇકોનોમી છે.” ત્યારબાદ ફરી તેઓ પોતાની પરંપરાગત બળતરા કરવા લાગ્યા અને અદાણી-અંબાણીનો ઢોલ પીટવા લાગ્યા. તેઓ માત્ર આટલે ના અટક્યા. મીડિયા સામે બળાપો કાઢીને ઘરે જઈને ફરી X પર પોસ્ટ કરીને કહેવા લાગ્યા કે, ‘ભારતની અર્થવ્યવસ્થા મૃતપાય છે.’ તેઓ મોદી સરકારને ટાર્ગેટ કરતાં-કરતાં હવે દેશની ખોદણી પર પણ ઉતરી આવ્યા છે.
THE INDIAN ECONOMY IS DEAD.
— Rahul Gandhi (@RahulGandhi) July 31, 2025
Modi killed it.
1. Adani-Modi partnership
2. Demonetisation and a flawed GST
3. Failed “Assemble in India”
4. MSMEs wiped out
5. Farmers crushed
Modi has destroyed the future of India’s youth because there are no jobs.
રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને પણ એ જ વાતો કરી હતી કે, ભારતની અર્થવ્યવસ્થા મરી પરવારી છે અને જવાબદાર વડાપ્રધાન મોદી છે. સાથે તેમણે પોતાના ‘વિકસિત મસ્તિષ્ક’માં ઉપજેલાં ઘણાં કારણોની વાત પણ કરી છે. ખેર, રાહુલ ગાંધી પણ જાણતા હશે કે આજે દેશ કઈ સ્થિતિ પર છે, પરંતુ રાજકારણ એટલું અપવિત્ર કરી નખાયું છે કે, તેઓ દેશની સિદ્ધિને માત્ર સરકારની સિદ્ધિ તરીકે જુએ છે અને તેના કારણે જ તેઓ દેશની સિદ્ધિને અવગણી નાખે છે. આ કેસમાં પણ એવું જ થયું છે.
શું છે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ?
ભારત આજે વૈશ્વિક અર્થતંત્રમાં એક શક્તિશાળી ખેલાડી તરીકે ઊભરી રહ્યું છે, જેની સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિની સંભાવનાઓએ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. કોંગ્રેસના યુવરાજ અનુસાર જો ભારતની અર્થવ્યવસ્થા મૃતપાય હોય તો શા માટે IMF અને વર્લ્ડ બેન્ક જેવી સંસ્થાઓ ભારતને મજબૂત અર્થતંત્ર ધરાવતો દેશ ગણે છે. IMF અનુસાર, ભારત આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જેની નોમિનલ GDP 2024-25માં અંદાજે 4.112 ટ્રિલિયન ડોલર છે. પરચેઝિંગ પાવર પેરિટીની (PPP) દ્રષ્ટિએ ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જેનું મૂલ્ય 14.6 ટ્રિલિયન ડોલરની આસપાસ છે. તે સિવાય ભારતમાં હમણાં સુધીમાં 112 યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ છે, જેનું કુલ મૂલ્ય 350 બિલિયન ડોલરથી વધુનું છે.
આ તમામ આંકડાઓ દર્શાવે છે કે, ભારતનું આર્થિક કદ વિશ્વમાં કેટલું છે અને મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ તમામ આંકડા ભારત સરકારના નથી, આ આંકડા IMF અને વર્લ્ડ બેન્ક જેવી સંસ્થાઓના છે. આશા છે, કોંગ્રેસ યુવરાજ એવું નહીં કહે કે, IMF અને વર્લ્ડ બેન્ક પણ મોદી સરકારના ઇશારા પર કામ કરી રહી છે. આ ઉપરાંત ભારતનો અંદાજિત GDP વૃદ્ધિ દર પણ 6.8 છે, જે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી છે. ચીન (4.8%), અમેરિકા (2.5%) અને યુરોપિયન યુનિયનની (1.2%) સરખામણીમાં ભારતનો વૃદ્ધિ દર નોંધપાત્ર રીતે ઉચ્ચ છે. IMF અને વર્લ્ડ બેન્કના અંદાજ મુજબ, માત્ર ગણતરીનાં વર્ષોમાં જ ભારત જર્મનીને પછાડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
આ આંકડાઓ દર્શાવે છે કે ભારતની અર્થવ્યવસ્થા માત્ર જીવંત જ નથી, પરંતુ તે ઝડપથી વિકાસ પામી રહી છે. ‘ડેડ ઇકોનોમી’નો દાવો આર્થિક વૃદ્ધિ, રોકાણ અને નવીનતાના આંકડાઓ સામે ટકી શકતો નથી. ભારતે ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી પહેલો દ્વારા વૈશ્વિક ફલક પર પોતાની ઓળખ ઉભી કરી છે, જેની નોંધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા લેવામાં આવી છે અને વાસ્તવિકતા તો એ છે કે, આજે અમેરિકા પણ ભારતને અવગણી શકે તેમ નથી. ભારત સાથેના વેપાર કરારોની બાબતે જ ટ્રમ્પ આજે રાજકીય હિતો સાધવા ભારત માટે પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે અને દેશના જ જવાબદાર નેતા તરીકે તેમના નિવેદનનું ખંડન કરવાના બદલે રાહુલ ગાંધી જેવા લોકો તેમનું સમર્થન કરે છે.
મહામારી સમયે પણ સ્થિર હતું ભારતનું અર્થતંત્ર
કોરોના મહામારી દરમિયાન વૈશ્વિક અર્થવ્યવસ્થાઓને ધરાશાયી થતી જોવામાં આવી હતી. લોકડાઉનના કારણે સપ્લાય ચેઇન તૂટી, ઉત્પાદન બંધ થયું અને બેરોજગારી વધી. આખી દુનિયાની ઇકોનોમી ડામાડોળ થઈ ગઈ, એકમાત્ર ભારત જ હતું, જે મજબૂતીથી આર્થિક હિતો સાધી રહ્યું હતું. આસપાસના દેશો તો દિવાળિયું થવા પર આવી ગયા હતા, તેમ છતાં ભારત સતત આગળ વધી રહ્યું હતું. 2020-21માં ભારતની GDP -6.6% સંકુચિત થઈ હતી, જે યુકે (-9.8%), ઇટાલી (-8.9%), અને ફ્રાન્સની (-8.1%) સરખામણીમાં ઘણી ઓછી હતી. 2021-22માં ભારતે 8.7%ના વૃદ્ધિ દર સાથે ઝડપી પુનઃપ્રાપ્તિ કરી, જે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી હતી.
કોરોના મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાઓને હચમચાવી દીધી, પરંતુ ભારતે મોદી સરકારની નીતિઓ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાર્માસ્યુટિકલ ક્ષમતાઓના આધારે ઝડપથી પુનઃપ્રાપ્તિ કરી. ભારતની આર્થિક સ્થિતિ સમજવા માટે પાડોશી દેશોની સ્થિતિ સામે નજર કરવાની જરૂર છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ તો આર્થિક રીતે પાયમાલ થઈ ચૂક્યા છે. પાકિસ્તાનની ઇકોનોમી ખરેખર મૃતપાય છે. તેવામાં ભારતની સદ્ધર અને વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમીને ‘ડેડ’ કહેનારાઓની બુદ્ધિના વખાણ કરવા જોઈએ!
આ સમગ્ર ચર્ચાની જરૂર રાહુલ ગાંધીના એકમાત્ર નિવેદનથી પડી. કોઈપણ માણસ પોતાના જ દેશની પ્રગતિને મૃત કઈ રીતે કહી શકે? સામાન્ય સંજોગોમાં કોઈ વિદેશી નેતા જ્યારે કોઈ દેશની ખોદણી કરે અથવા તો તેના વિશે ઉતરતું બોલે તો સંબંધિત તે દેશના વિપક્ષના નેતાઓ પણ સ્પષ્ટ વલણ અપનાવે છે અને એક સંદેશ પહોંચાડી દે છે કે, બહારની કોઈ વ્યક્તિએ તેમના દેશમાં દખલ ન કરવી જોઈએ, જે પણ સમસ્યા છે તે દેશના લોકો સાથે મળીને સોલ્વ કરશે.
તંદુરસ્ત લોકતંત્રનો અર્થ એ જ છે કે, જ્યાં વિપક્ષના નેતાને એ ખબર પડી શકતી હોય કે, કોઈ વિદેશીના વાક્યોને માત્ર એટલા માટે પુનરાવર્તિત ન કરી શકાય કે તેનાથી રાજકારણ ખેલી શકાશે. એક સમયે અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી જેવા શાસકો પણ વિપક્ષની ભૂમિકામાં હતા, તે સમયે પણ દેશને બીજા નંબર પર ધરી દઈને રાજકારણ કરી શકાયું હોત, પણ તેમણે રાજકારણને દૂષિત ન થવા દીધું. અટલ બિહારી વાજપેયી કાયમ કહેતા કે, “સત્તાઓ આવશે અને જશે. સરકારો પણ આવશે અને જશે. પણ આ દેશનું લોકતંત્ર અમર રહેવું જોઈએ અને આ દેશ અમર રહેવો જોઈએ.”
આ એ નેતાઓ હતા જે ‘રાષ્ટ્ર પ્રથમ’ની વાત કરતા હતા અને એક આજના વિપક્ષના નેતા છે, જે માત્ર ભારતનું ઉતરતું દર્શાવવામાં રસ દાખવી રહ્યા છે. એક માટે ભારત સર્વોચ્ચ છે અને બીજા માટે સત્તા. વાસ્તવિકતા એ જ છે કે, એક ભારતને સશક્ત કરવા શાસન માંગે છે અને બીજા સત્તા ભોગવવા. આજના નવા ભારતની શું સિદ્ધિ છે અને તેના અર્થતંત્રની શું સ્થિતિ છે તે વિશે દુનિયાને કોઈ પુરાવા આપવાની જરૂર નથી. આજે દુનિયા પણ જાણી ગઈ છે કે, આ ભારત હવે નીચે બેસવાનું નથી.
હંમેશા કહેવાતું આવ્યું છે કે, લોકતંત્રમાં વિપક્ષ સરકારનો વિરોધ કરે તે સામાન્ય વાત છે અને કરવો પણ જોઈએ. પરંતુ જ્યારે વાત દેશ હિતની આવશે ત્યારે કોઈ વિદેશીની વાતને સમર્થન આપીને પોતાના જ દેશની સ્થિતિને નિમ્ન કક્ષાની ન દર્શાવી શકાય. જો એવી સ્થિતિ હોય તોપણ ન દર્શાવી શકાય, પરંતુ રાહુલ ગાંધીએ તો રીતસર જૂઠું બોલીને કહી દીધું કે, ભારતની અર્થવ્યવસ્થા મરી ગઈ ગઈ છે. આજે આપણા દેશના અર્થતંત્રની સ્થિતિ ખૂબ સદ્ધર છે. બેશક તે મોદી સરકારની સિદ્ધિ છે, પરંતુ વિપક્ષના નેતાએ એ પણ ન ભૂલવું જોઈએ કે, તે સૌપ્રથમ દેશની સિદ્ધિ છે. દેશની ઉપરવટ કોઈ નથી, ન સત્તાપક્ષ અને ન વિપક્ષ. તેથી આવી બાબતોમાં દેશના હિતોને ધ્યાને રાખવા જરૂરી છે.
ભારતની અર્થવ્યવસ્થા આજે ન માત્ર જીવંત છે, પરંતુ વૈશ્વિક સ્તરે એક શક્તિશાળી ખેલાડી તરીકે ઉભરી રહી છે. 6.8%ના GDP વૃદ્ધિ દર, 4.1 ટ્રિલિયન ડોલરની નોમિનલ GDP અને 85 બિલિયન ડોલરનું FDI દર્શાવે છે કે, ભારતની અર્થવ્યવસ્થા ગતિશીલ અને સ્થિતિસ્થાપક છે. કોરોના મહામારી દરમિયાન ભારતે ઝડપી પુનઃપ્રાપ્તિ કરી અને પાડોશી દેશોને સહાય પૂરી પાડી, જ્યારે બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાન આર્થિક સંકટોનો સામનો કરી રહ્યા હતા. ભારતની ડિજિટલ ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીકલ સફળતાઓએ વૈશ્વિક ફલક પર તેની ઓળખ ઉભી કરી છે. તેથી ‘ડેડ ઇકોનોમી’નો રાહુલ ગાંધીનો દાવો ન માત્ર ભ્રામક છે, પરંતુ ભારતની આર્થિક શક્તિ અને ભવિષ્યની સંભાવનાઓનું અપમાન છે, ભારતના ગતિશીલ યુવાનો અને દેશનું પણ અપમાન છે.


