હોમપેજદુનિયાએક સમયના મિત્ર દેશો હવે કેમ આવી ગયા સામસામે, થાઈલેન્ડ-કંબોડિયા સંઘર્ષનાં શું...

એક સમયના મિત્ર દેશો હવે કેમ આવી ગયા સામસામે, થાઈલેન્ડ-કંબોડિયા સંઘર્ષનાં શું છે કારણો– પ્રાચીન હિંદુ મંદિરની ભૂમિકા પણ સમજો

બંને દેશો એકબીજા સાથે 817 કિલોમીટર લાંબી સરહદ વહેંચે છે, જેના કેટલાક ભાગો હજુ પણ અસ્પષ્ટ છે. ખાસ કરીને પ્રે વિહાર મંદિર, પ્રસાત તા મુએન થોમ અને એમેરાલ્ડ ટ્રાયેન્ગલ જેવા વિસ્તારો પર બંને દેશો દાવો કરે છે.

- Advertisement -

તાજેતરમાં થાઈલેન્ડ અને કંબોડિયા (Thailand Cambodia Dispute) વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ વૈશ્વિક ચર્ચાનો મુદ્દો બન્યો છે. જોકે, વાસ્તવમાં આ સંઘર્ષના મૂળ દાયકાઓ પહેલાંના સમયગાળામાં છુપાયેલા છે. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સીમા વિવાદ દક્ષિણ-પૂર્વ એશિયાના સૌથી જૂના અને જટિલ મુદ્દાઓ પૈકીનો એક છે. 2025માં આ વિવાદે ફરી એકવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ, હવાઈ હુમલાઓ અને આર્થિક પ્રતિબંધોનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે જોવા જઈએ તો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સીમા વિવાદ એક સદીથી વધુ સમયથી ચાલે છે, જેનો મુખ્ય આધાર 1907માં ફ્રાન્સ દ્વારા બનાવવામાં આવેલા નકશા છે, જ્યારે કંબોડિયા ફ્રેન્ચ વસાહત હતું. આ નકશામાં સીમાની રેખાઓ સ્પષ્ટ ન હતી, જેના કારણે ખાસ કરીને પ્રે વિહાર મંદિર (Preah Vihear Temple) અને એમેરાલ્ડ ટ્રાયેન્ગલ (Thailand-Cambodia-Laos) જેવા વિસ્તારોના કારણે વિવાદો ઊભા થયા છે.

સંઘર્ષ પાછળનાં વિવિધ કારણો

ઐતિહાસિક સીમા વિવાદ: બંને દેશો એકબીજા સાથે 817 કિલોમીટર લાંબી સરહદ વહેંચે છે, જેના કેટલાક ભાગો હજુ પણ અસ્પષ્ટ છે. ખાસ કરીને 11મી સદીના પ્રે વિહાર શિવ મંદિર, પ્રસાત તા મુએન થોમ અને એમેરાલ્ડ ટ્રાયેન્ગલ જેવા વિસ્તારો પર બંને દેશો દાવો કરે છે. 1907ના ફ્રેન્ચ નકશામાં આ વિસ્તારોની સીમા નિર્ધારણમાં ભૂલો હતી, જે આજે પણ વિવાદનું મૂળ કારણ છે.

- Advertisement -

પ્રે વિહાર મંદિર વિવાદ: 1959માં કંબોડિયાએ આ મંદિરની માલિકી માટે થાઈલેન્ડ વિરુદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં (ICJ) કેસ દાખલ કર્યો હતો. 1962માં ICJએ નિર્ણય આપ્યો હતો કે, મંદિર કંબોડિયાના પ્રદેશમાં આવે છે, પરંતુ આસપાસના વિસ્તારોની સીમા હજુ અસ્પષ્ટ રહી છે. 2008માં જ્યારે કંબોડિયાએ આ મંદિરને UNESCO વર્લ્ડ હેરિટેજ સ્ટેટસ માટે નોમિનેટ કર્યું, ત્યારે થાઈલેન્ડે વિરોધ કર્યો હતો. જેના કારણે બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણો 2011 સુધી ચાલી હતી. જેમાં ઓછામાં ઓછા 34 લોકો માર્યા ગયા અને હજારો લોકો વિસ્થાપિત થયા હતા.

રાષ્ટ્રવાદી લાગણીઓ: બંને દેશોમાં રાષ્ટ્રવાદી લાગણીઓએ આ વિવાદને વધુ તીવ્ર બનાવ્યો છે. થાઈલેન્ડમાં ‘યલો શર્ટ્સ’ જેવા જૂથો અને કંબોડિયામાં હુન સેનના નેતૃત્વ હેઠળની સરકારે આ વિવાદોને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડી દીધા છે, જેના કારણે બંને દેશોમાં આક્રમક નીતિઓ અપનાવવામાં આવી રહી છે.

તાજેતરના સંઘર્ષની શરૂઆત

તાજેતરનો સંઘર્ષ 28 મે, 2025ના રોજ એમેરાલ્ડ ટ્રાયેન્ગલ વિસ્તારમાં થયેલી અથડામણથી શરૂ થયો છે, જેમાં એક કંબોડિયન સૈનિકનું મૃત્યુ થયું હતું. બંને દેશોએ એકબીજા પર પ્રથમ હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. કંબોડિયાના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, થાઈ સેનાએ તેમના ટ્રેન્ચ પર ગોળીબાર કર્યો, જ્યારે થાઈલેન્ડે દાવો કર્યો હતો કે, કંબોડિયન સૈનિકોએ પ્રથમ હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

28 મે, 2025ની અથડામણ બાદ બંને દેશોએ સીમા પર સૈન્યની હાજરી વધારી દીધી હતી. થાઈલેન્ડે 17 સરહદી ચેકપોસ્ટનું નિયંત્રણ સેનાને સોંપ્યું હતું, જ્યારે કંબોડિયાએ પણ ભારે હથિયારો અને સૈનિકો તહેનાત કર્યાં હતા. ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો મારો ચાલુ છે. તથા બંને દેશના નેતાઓ એકબીજા અંગે આક્રમક નિવેદનો આપી રહ્યા છે.

24 જુલાઈ, 2025ના રોજ, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેની અથડામણ વધુ ઉગ્ર બની હતી. અહેવાલ મુજબ, થાઈલેન્ડે કંબોડિયાના બે લશ્કરી લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યાં હતા, જેમાં F-16 ફાઈટર જેટનો ઉપયોગ થયો છે. બંને દેશોએ એકબીજા પર પ્રથમ ગોળીબારનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ થાઈલેન્ડે તેના નાગરિકોને તાત્કાલિક કંબોડિયા છોડવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે, તેની સામે થાઈલેન્ડે પણ પોતાના રાજદૂતને કંબોડિયામાંથી પરત બોલાવી લીધા છે.

બંને દેશો વચ્ચેનો તણાવ વધવાના કારણો

રાજકીય અસ્થિરતા: થાઈલેન્ડમાં ખાસ કરીને વડાપ્રધાન પેટોંગટાર્ન શિનાવાત્રાની સરકાર સામેના આંતરિક વિરોધે આ સંઘર્ષને વધુ જટિલ બનાવ્યો છે. 15 જૂન, 2025ના રોજ પેટોંગટાર્ન અને કંબોડિયાના પૂર્વ વડાપ્રધાન હુન સેન વચ્ચે થયેલ ફોન કોલની વાતચીત લીક થઈ ગઈ હતી. જેમાં પેટોંગટાર્ને થાઈ સેનાના કમાન્ડરની ટીકા કરી હતી. આ ઓડિયો થાઈલેન્ડમાં આંતરિક રાજકીય કટોકટીનું કારણ બન્યો હતો. જેના પરિણામે 1 જુલાઈ, 2025ના રોજ થાઈલેન્ડની બંધારણીય અદાલતે પેટોંગટાર્નને વડાપ્રધાન પદ પરથી સસ્પેન્ડ કરી દીધા હતા.

આર્થિક અને વેપારી પ્રતિબંધો: તાજેતરની અથડામણો બાદ બંને દેશોએ એકબીજા વિરુદ્ધ આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા. કંબોડિયાએ થાઈ ફળો, શાકભાજી, ગેસ અને મનોરંજન માધ્યમો જેવા કે થાઈ ડ્રામા પર પ્રતિબંધ મૂક્યો હતો. બીજી તરફ થાઈલેન્ડે સરહદી ચેકપોસ્ટ બંધ કરી દીધા અને કંબોડિયા માટે ઇન્ટરનેટ અને વીજળીની સેવાઓ કાપવાની ધમકી આપી હતી. આ પ્રતિબંધોએ બંને દેશોમાં રાષ્ટ્રવાદી લાગણીઓને વધુ ભડકાવી હતી.

રાજકીય નિવેદનો અને આરોપો: બંને દેશોના નેતાઓએ એકબીજા સામે આક્રમક નિવેદનો આપ્યા છે. કંબોડિયાના વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવાની વાત કરી છે. જોકે ઈન્ડોનેશિયા, મલેશિયા અને અન્ય ASEAN દેશોએ શાંતિની અપીલ કરી છે, પરંતુ થાઈલેન્ડે ICJની સત્તા નકારી હોવાથી અને દ્વિપક્ષીય વાટાઘાટોમાં પ્રગતિ ન થવાથી તણાવ વધ્યો છે.

સાયબર સ્કેમ અને અન્ય આરોપો: થાઈલેન્ડે કંબોડિયા પર સાયબર સ્કેમ કેન્દ્રોને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો, જેના કારણે થાઈલેન્ડે કંબોડિયા માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાની ધમકી આપી. તેના જવાબમાં કંબોડિયાએ થાઈલેન્ડ પર નવા એન્ટી-પર્સનલ માઈન્સ લગાવવાનો આરોપ લગાવ્યો, જેને થાઈલેન્ડે નકાર્યો. આ પરસ્પર આરોપો અને લશ્કરી કાર્યવાહીઓએ પરિસ્થિતિને વધુ તંગ બનાવી.

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો 2025નો સીમા સંઘર્ષ ઐતિહાસિક વિવાદો, રાષ્ટ્રવાદી લાગણીઓ, રાજકીય અસ્થિરતા અને આર્થિક પ્રતિબંધોનું પરિણામ છે. 28 મે, 2025ની ઝડપથી શરૂ થયેલો આ સંઘર્ષ જુલાઈ 2025 સુધીમાં હવાઈ હુમલા અને નાગરિકોના મૃત્યુ સુધી પહોંચ્યો છે. બંને દેશોની આક્રમક નીતિઓ અને આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપના અભાવે આ ઉકેલવો મુશ્કેલ બન્યો છે. આ સંઘર્ષની દક્ષિણ-પૂર્વ એશિયાની શાંતિ અને સ્થિરતા પર લાંબા ગાળાની અસર થઈ શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં