દિલ્હી હાઇકોર્ટના આદેશ પર ફિલ્મ ‘ઉદયપુર ફાઈલ્સ’ની (Udaipur Files) સમીક્ષા કરવા માટે નીમવામાં આવેલી કેન્દ્ર સરકારની સમિતિએ ફિલ્મ જોયા બાદ અમુક એડિટ અને કટ સૂચવ્યાં છે. રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપી દેવામાં આવ્યો છે. હવે આ મામલે 24 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
કેન્દ્ર સરકારની સમિતિએ ફિલ્મમાં અમુક સુધારા સૂચવ્યા છે. ડિસ્ક્લેમરમાં પણ અમુક બાબતોના સુધારા-વધારા કરીને નવું ડિસ્ક્લેમર (જે સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે) દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે ફિલ્મની શરૂઆત થાય ત્યારે વિવિધ લોકોનો આભાર માનવા માટે દર્શાવવામાં આવેલી ક્રેડિટ ફ્રેમ પણ હટાવવા માટે કહ્યું છે.
The Central government Committee, which was constituted as per the directions issued by the Delhi High Court on July 10, has recommended six modifications/changes to be incorporated in the film “Udaipur Files” before its release for public or commercial viewing.
— ANI (@ANI) July 21, 2025
Pertinently, it…
સમિતિએ જણાવ્યું છે કે સાઉદી-અરેબિયા સ્ટાઈલમાં થતા કતલનું AI જનરેટેડ દ્રશ્ય હટાવી દેવામાં આવે.
નૂતન શર્માનું નામ બદલવા કહ્યું, સંવાદો પણ હટાવવા સૂચના
ફિલ્મમાં ‘નૂતન શર્મા’ નામના એક પાત્રનો ઉલ્લેખ છે, જે નામ હટાવી દેવા માટે જણાવવામાં આવ્યું છે અને તેના સ્થાને નવું નામ પસંદ કરવા માટે નિર્માતાઓને જણાવવામાં આવ્યું છે. ઉપરાંત નૂતન શર્માના અમુક સંવાદો પણ બદલવા માટે સમિતિએ સૂચના આપી છે, જેમાંથી એકમાં તેઓ કહે છે કે, ‘મૈંને તો વહી કહાં હૈ જો ઉનકે ધર્મ ગ્રંથો મેં હૈ.”
આ ઉપરાંત, બલોચ સમુદાય સંબંધિત અમુક સંવાદો પણ હટાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેમાંથી એકમાં હાફિઝ નામનું પાત્ર કહે છે કે, “બલૂચી કભી વફાદાર નહીં હોતા.” જેના જવાબમાં મકબૂલ કહે છે, “બલૂચી કી…” અને “….અરે ક્યા બલૂચી, ક્યા અફઘાની, ક્યા હિન્દુસ્તાની, ક્યા પાકિસ્તાની…”
સમિતિનો આ રિપોર્ટ સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવ્યો છે અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નિર્માતાઓને પણ મોકલી આપ્યો છે અને આ સૂચનાઓનું પાલન કરવા માટે કહ્યું છે. રિપોર્ટની જાણ સુપ્રીમ કોર્ટને પણ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે ફિલ્મની વિરુદ્ધ દાખલ અરજીઓ પર સોમવારે (21 જુલાઈ) સુનાવણી હાથ ધરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જોયમાલા બાગચીની બેન્ચે કેન્દ્ર સરકારની સમિતિના રિપોર્ટનું સંજ્ઞાન લઈને સુનાવણી ગુરુવાર (24 જુલાઈ) પર ટાળી દીધી છે. ત્યાં સુધીમાં બંને પક્ષોએ આ સમિતિની સૂચનાઓ પર કોઈ વાંધો હોય તો રજૂ કરવાનો રહેશે.
શું છે ફિલ્મનો વિવાદ?
ઉલ્લેખનીય છે કે 28 જૂન, 2022ના રોજ કન્હૈયાલાલ તેલીની બે ઇસ્લામી કટ્ટરપંથીઓએ તેમની દુકાનમાં ઘૂસીને હત્યા કરી નાખી હતી. આ ઘટના પર ત્રણ વર્ષ પછી ‘ઉદયપુર ફાઈલ્સ’ નામની ફિલ્મ બની છે. પરંતુ ફિલ્મની ચર્ચા શરૂ થઈ અને રિલીઝ પણ ન હતી થઈ ત્યારે અમુક મુસ્લિમ સંગઠનો કોર્ટ પહોંચી ગયાં અને ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરી હતી.
આ મામલે દિલ્હી હાઇકોર્ટે રિલીઝની નિયત તારીખના (11 જુલાઈ) એક દિવસ પહેલાં ફિલ્મ પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ નિર્માતાઓએ નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમે સ્ટે હટાવવાનો ઇનકાર કરીને કેન્દ્ર સરકારની સમિતિના રિપોર્ટની રાહ જોવા માટે જણાવ્યું હતું. સમિતિનો રિપોર્ટ હવે સુપરત કરી દેવામાં આવ્યો છે. ગુરુવારે હવે આગળ સુનાવણી થશે.


