બિહારમાં (Bihar) ચૂંટણી પંચના ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન (Special Intensive Revision – SIR) દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. બૂથ લેવલ ઑફિસર્સ (BLOs) દ્વારા ઘરે-ઘરે જઈને કરવામાં આવેલી તપાસમાં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના વિદેશી નાગરિકો બિહારમાં ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું છે. વધુમાં તેમનાં નામ મતદાર યાદીમાં મળી આવ્યાં હોવાનું કહેવાય રહ્યું છે. ચૂંટણી પંચના સૂત્રોને ટાંકીને મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ શંકાસ્પદ વિદેશી નાગરિકોની નાગરિકતા 1 ઑગસ્ટ, 2025થી ચકાસવામાં આવશે અને 30 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રકાશિત થનારી અંતિમ યાદીમાં તેમના નામ સામેલ નહીં થાય.
ચૂંટણી પંચે 24 જૂન, 2025ના રોજ SIR શરૂ કરવાનો આદેશ આપ્યો હતો, જે 25 જૂનથી 25 જુલાઈ સુધી ચાલશે. આ પ્રક્રિયાનો ઉદ્દેશ મતદાર યાદીમાંથી ગેરલાયક નામો દૂર કરીને ફક્ત ભારતીય નાગરિકોનો સમાવેશ સુનિશ્ચિત કરવાનો છે. આ માટે 77,000થી વધુ BLOs, સરકારી કર્મચારીઓ અને રાજકીય પક્ષોના કાર્યકરો આખા બિહારમાં 7.8 કરોડ મતદારોની ઓળખ ચકાસી રહ્યા છે. 12 જુલાઈ, 2025 સુધીમાં 80.11% મતદારોએ (6.32 કરોડ) ગણના ફોર્મ (EFs) જમા કરાવ્યાં છે અને 4.66 કરોડ ફોર્મ ECINet સૉફ્ટવેરમાં અપલોડ થયા છે.
વિપક્ષી પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી અરજીઓ
આ પહેલાં સુપ્રીમ કોર્ટે બિહારમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે શરૂ કરેલા SIRને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી હતી. અરજદારોમાં TMCના મહુઆ મોઈત્રા, RJDના મનોજ કુમાર ઝા, કોંગ્રેસના કેસી વેણુગોપાલ અને NCPના (શરદ પવાર) સુપ્રિયા સુલે સહિતના ઘણા વિપક્ષી નેતાઓ સામેલ છે. જોકે, સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને SIR સાથે આગળ વધવાની મંજૂરી આપી દીધી હતી. આ સાથે કોર્ટે ચૂંટણી પંચને ચકાસણી પ્રક્રિયા દરમિયાન સૂચિબદ્ધ 11 દસ્તાવેજોની સાથે આધાર, ચૂંટણી કાર્ડ, અને રેશન કાર્ડ જેવા દસ્તાવેજ પર વિચાર કરવાનું પણ કહ્યું હતું.
બાદમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે, આ દસ્તાવેજો મતદાતા યાદીના ચાલી રહેલા ચકાસણી અભિયાન હેઠળ પહેલાંથી જ દસ્તાવેજીકરણ પ્રક્રિયાનો ભાગ છે. પરંતુ તે મતદાતા માટેની પાત્રતા સાબિત કરી શકે નહીં. વધુમાં એવું પણ કહેવાયું છે કે, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ ઓળખ સાબિત કરી શકે છે, પરંતુ નાગરિકતા નહીં. ચૂંટણી પંચે એવું પણ કહ્યું છે કે, બિહાર બાદ તેઓ પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પોંડિચેરીમાં પણ આવી જ પ્રક્રિયા હાથ ધરશે.
बिहार की मतदाता सूची में बांग्लादेश, म्यांमार और नेपाल जैसे देशों के विदेशी नागरिकों के नाम मिले हैं। ये खुलासा विशेष संक्षिप्त पुनरीक्षण (Special Intensive Revision) के दौरान हुआ है।
— Amit Malviya (@amitmalviya) July 13, 2025
आरजेडी, कांग्रेस, वामपंथी और उनके ढोल बजाने वाले पत्रकार से यूट्यूबर बने प्रचारक, एनजीओ और… pic.twitter.com/nGandsk01i
તે સિવાય ભાજપ IT સેલના અમિત માલવિયાએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યાં છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, વિપક્ષ પોતાની ‘વોટબેંક’ બનાવવા માટે મતદાર યાદીમાં વિદેશી નાગરિકોને સામેલ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, બિહારની મતદાર યાદીમાં બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમાર જેવા દેશોના વિદેશી નાગરિકોના નામ મળી આવ્યા છે.


