ભારતીય વાયુસેનાના રાફેલ વિમાનને (Rafale Aircraft) પાકિસ્તાને (Pakistan) તોડી પાડ્યું હોવાના ખોટા દાવા પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ભારતવિરોધી આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓએ પણ તેને પાકિસ્તાનની સફળતા દર્શાવવાના પ્રયાસો કર્યાં હતા. પરંતુ હવે આ વિમાનોનું નિર્માણ કરતી કંપની દસોલ્ટના CEOએ (CEO of Dassault Aviation) જ આ પ્રોપગેન્ડાની હવા કાઢી નાખી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે યુદ્ધમાં ભારતે એક પણ રાફેલ જેટ ગુમાવ્યું ન હતું. વધુમાં અમેરિકી પાયલોટે પણ આવો જ એક દાવો કર્યો છે.
દસોલ્ટ એવિએશનના CEO એરિક ટ્રાપિયર અને અમેરિકી વાયુસેનાના ભૂતપૂર્વ પાયલોટ રયાન બોડેનહાઇમરનાં નિવેદનોએ રાફેલ તોડી પાડવાના ખોટા દાવા પર ચાલતા વિવાદ પર પૂર્ણવિરામ મૂક્યું છે. તે સિવાય અમેરિકી પાયલોટે 30 કિલોના ભારતીય ડિવાઇસની ભૂમિકા વિશે પણ વાત કરી છે. જેનાથી જાણી શકાય છે કે AIનો ઉપયોગ કરીને ભારતે પાકિસ્તાનને કઈ રીતે મૂર્ખ બનાવ્યું અને ‘ખોટી જીત’ની વાહવાહી કરવા દીધી. આ વિવાદનું ખંડન કરતા દાવા અને ભારતીય ડિવાઇસની ભૂમિકાને વિગતે સમજીએ.
ઘટનાની પૃષ્ઠભૂમિ – ઑપરેશન સિંદૂર અને પાકિસ્તાનનો ખોટો દાવો
મે 2025માં ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવા માટે ઑપરેશન સિંદૂર લૉન્ચ કર્યું હતું. આ હુમલાઓ 22 એપ્રિલ, 2025ના રોજ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં હતા, જેમાં 26 નાગરિકો માર્યા ગયા હતા. ભારતે આ ઑપરેશનમાં રાફેલ ફાઈટર જેટનો ઉપયોગ કર્યો હતો, જે SCALP-EG ક્રૂઝ મિસાઈલ અને HAMMER-250 ગાઈડેડ ગ્લાઈડ બૉમ્બથી સજ્જ હતાં. આ શસ્ત્રો ભારતીય હવાઈ સીમામાંથી જ લૉન્ચ કરવામાં આવ્યાં હતાં અને પાકિસ્તાન સ્થિત લક્ષ્યોને નિશાન બનાવાયાં હતાં.
ધડાધડ આતંકી ઠેકાણાં ધ્વસ્ત થયા બાદ અકળાયેલા પાકિસ્તાને આ હુમલાના જવાબમાં દાવો કર્યો હતો કે તેણે ભારતનાં પાંચ વિમાનો—ત્રણ રાફેલ, એક સુખોઈ Su-30MKI અને એક મિગ-29 તોડી પાડ્યાં છે. આ દાવાઓ માટે પાકિસ્તાને કેટલાંક ખોટાં ચિત્રો અને વિડીયો પણ રજૂ કર્યા હતા, જેમાં રાફેલના એન્જિન (M88) અને વર્ટિકલ ટેલના (સીરિયલ નંબર BS-001) ટુકડા હોવાનું દર્શાવાયું હતું. જોકે, બાદમાં આ ફોટા અને વિડીયો પણ જૂના અને ખોટા હોવાનું સામે આવ્યું હતું.
દસોલ્ટ એવિએશનના CEOનું નિવેદન
આ સમગ્ર ઘટનાને લઈને હવે રાફેલનું નિર્માણ કરતી ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશનના CEO એરિક ટ્રાપિયરે કહ્યું છે કે, ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાને ભારતના એક પણ રાફેલ વિમાનને નથી તોડ્યું. તેમણે વધુમાં દાવો કર્યો છે કે, ટેકનિકલ ખામીના કારણે ભારતના એક રાફેલ જેટને નુકસાન થયું છે, પરંતુ તે પણ સ્પષ્ટ છે કે તે પાકિસ્તાનના કારણે નથી થયું. તેમણે એવું પણ કહ્યું છે કે ટેકનિકલ ખામીની આ ઘટનાની હાલ પણ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી.
ટ્રાપિયરે કહ્યું છે કે, ફ્રાન્સીસી વેબસાઇટ Avion De Chassesના રિપોર્ટ અનુસાર ઘટનામાં કોઈપણ પ્રકારે અથડામણ કારણ ન હતું. રિપોર્ટ અનુસાર, આ ઘટના 12,000 મીટરથી વધુની ઊંચાઈ પર એક લાંબી પ્રશિક્ષણ ઉડાન દરમિયાન બની હતી, જેમાં ન તો કોઈ દુશ્મનની ભાગીદારી હતી અને ન તો કોઈપણ રડાર સંપર્કની પુષ્ટિ થઈ હતી. ટ્રાપિયરે પાકિસ્તાનના તમામ દાવાઓને જુઠ્ઠા અને પાયાવિહોણા ગણાવ્યા છે.
આ પહેલાં ટ્રાપિયરે 15 જૂનના રોજ થયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં પણ પાકિસ્તાનના દાવાને જુઠ્ઠા ગણાવ્યા હતા. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન CEOએ કોઈપણ પ્રકારના ઑપરેશનલ ફેલ્યરની વાતને આધિકારિક રીતે ફગાવી દીધી હતી. આ દરમિયાન તેમણે સ્પેક્ટ્રા ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમનો હવાલો આપીને કહ્યું હતું કે, તે નિર્ધારિત સમય મર્યાદામાં કોઈપણ પ્રકારની ગતિવિધિ નોંધવામાં આવી ન હતી. સાથે તેમણે એવું પણ કહ્યું કે, રેકગ્નિશન સિસ્ટમ અને દસોલ્ટને મોકલવામાં આવેલા ઉડાન લૉગ પણ દર્શાવે છે કે, વાસ્તવિક યુદ્ધમાં કોઈ હાનિ થઈ નહોતી.
30 કિલોનું ડિવાઇસ – ભારતની ટેકનિકલ ચાલ
અમેરિકી વાયુસેનાના ભૂતપૂર્વ F-16 પાયલટ રયાન બોડેનહાઈમરએ દાવો કર્યો છે કે, પાકિસ્તાને જેને રાફેલનું નુકસાન ગણાવ્યું, તે ખરેખર ભારતનું AIથી સંચાલિત 30 કિલોનું ડેકોય ડિવાઈસ હતું. આ ડિવાઈસ રડાર અને મિસાઈલ સિસ્ટમને ગેરમાર્ગે દોરવા માટે રચાયેલું હતું. બોડેનહાઈમરે આ ઘટનાને ‘અત્યાર સુધીની શ્રેષ્ઠ ટેકનિકલ ચાલ’ ગણાવી. આ ડિવાઇસ 500-600 WATT, 360 ડિગ્રી જેમિંગ સિગ્નલ ઉત્પન્ન કરવા માટે AIનો ઉપયોગ કરતું હતું. એનું વજન 30 કિલોગ્રામ હતું અને તે 100 મીટર લાંબા ફાઇબર-ઓપ્ટિકલ કેબલ પર રાફેલ વિમાનની પાછળ ચાલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
આ ડેકોય, જેને X-Guard જેમિંગ ડેકોય તરીકે ઓળખવામાં આવે છે, તે રડાર સિગ્નેચર ઉત્પન્ન કરીને શત્રુની મિસાઈલોને ખોટા લક્ષ્ય તરફ દોરી જાય છે. પાકિસ્તાનના J-10C ફાઈટર જેટે PL-15E મિસાઈલથી આ ડેકોયને નિશાન બનાવ્યું, જેના કારણે તેઓ એવું માની બેઠા કે તેમણે રાફેલને તોડી પાડ્યું. વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે, ડેકોયની સફળતાએ પાકિસ્તાનના દાવાઓની હવા કાઢી નાખી અને ભારતીય વાયુસેનાની ટેકનોલોજીકલ શ્રેષ્ઠતા દર્શાવી છે.
IDRWના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનની ચીન નિર્મિત PL-15E એર-ટુ-એર મિસાઈલો અને J-10C ફાઈટર જેટ ભારતીય વિમાનોને સફળતાપૂર્વક શોધી અથવા નિશાન બનાવી શક્યા નહીં. ડેકોયે શત્રુના રડારને ગૂંચવી દીધા અને મિસાઈલ સિસ્ટમ્સને પણ ગુમરાહ કરી દીધી હતી. PL-15E મિસાઈલ, જે ચીનની PL-15નું નિકાસ સંસ્કરણ છે, તેમાં સ્પૂફિંગનો પ્રતિકાર કરવાની અદ્યતન ક્ષમતાનો અભાવ હતો. X-Guardએ પાકિસ્તાનના J-10C ફાઈટર્સ પરના KLJ-7A AESA રડારને પણ ગૂંચવી દીધું હતું, જેનાથી તેમને એવું લાગ્યું કે તેઓએ રાફેલ જેટને લોક કરીને હિટ કર્યું છે.
પાકિસ્તાનનું જુઠ્ઠાણું અને ચીની પ્રોપગેન્ડા
ફ્રેન્ચ ઈન્ટેલિજન્સ અને ફ્રેન્ચ આર્મીએ દાવો કર્યો હતો કે, ચીન રાફેલની વિરુદ્ધ ડિસઈન્ફોર્મેશન કેમ્પેઇન ચલાવી રહ્યું હતું, જેમાં પાકિસ્તાનના દાવાઓને વેગ આપવામાં આવી રહ્યો હતો. ભારતે આ ઝુંબેશનો પર્દાફાશ કરીને રાફેલની વિશ્વસનીયતા અને ફ્રાન્સની રક્ષા ઉદ્યોગની પ્રતિષ્ઠા જાળવી રાખી હતી. એસોસિયેટ પ્રેસના રિપોર્ટ અનુસાર, ફ્રેન્ચ અધિકારીઓએ દાવો કર્યો હતો કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન ફ્રાન્સ નિર્મિત રાફેલ વિમાનોની કાર્યવાહી બાદ ચીન પણ કેમ્પેઇન ચલાવી રહ્યું હતું.
રિપોર્ટમાં એવું પણ કહેવાયું હતું કે, ચીના આ પગલાંનો ઉદ્દેશ્ય રાફેલ લડાકુ વિમાનની પ્રતિષ્ઠા અને વેચાણને નુકસાન પહોંચાડવાનો હતો અને સાથે તે વિશ્વ સમક્ષ એવું દર્શાવવા માંગતું હતું કે, ભારતની વાસ્તવિક શક્તિ નબળી છે. જોકે, ભારતે પાકિસ્તાનના જુઠ્ઠાણાં અને ચીની પ્રોપગેન્ડાનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો અને આ જ કારણ હતું કે, ભારતે ખોટી માહિતી ફેલાવતા મીડિયા આઉટલેટ્સને દેશમાં પ્રતિબંધિત કરી દીધા હતા.
ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતે રાફેલની શક્તિ અને અદ્યતન ડેકોય ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાકિસ્તાનને ન માત્ર લશ્કરી રીતે, પરંતુ માહિતી યુદ્ધમાં પણ હરાવ્યું હતું. દસોલ્ટ એવિએશનના CEO એરિક ટ્રાપિયરના નિવેદને પાકિસ્તાનના દાવાઓની હવા કાઢી નાખી છે, જ્યારે રયાન બોડેનહાઇમરના નિવેદને ભારતની ટેકનિકલ ચાલની પ્રશંસા કરી છે. આ ઘટનાએ દર્શાવ્યું છે કે, ભારત આધુનિક યુદ્ધમાં માત્ર શસ્ત્રોની શક્તિ જ નહીં, પરંતુ બુદ્ધિ અને ટેકનોલોજીના સંયોજનથી પણ શત્રુને પરાસ્ત કરી શકે છે.


