ઇઝરાયેલનો ઈરાન પર તાબડતોડ હુમલો: ન્યુક્લિયર પ્રોગ્રામ્સને બનાવ્યા નિશાન, ઈરાનના IRGC ચીફ અને સેના પ્રમુખના મોતનો દાવો

જાણવા મળી રહ્યું છે કે, ઇઝરાયેલે (Israel) ઈરાનના (Iran) સૈન્ય ઠેકાણાં પર હુમલો (Attack) કરી દીધો છે. યહૂદી દેશે ઈરાનના પરમાણુ પ્રોગ્રામ્સને ટાર્ગેટ કર્યાં હોવાનું સામે આવ્યું છે. તાબડતોડ હુમલા બાદ ઈરાનમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઇઝરાયેલના રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝે આ વાતની પુષ્ટિ કરી હોવાનું સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, તેમના ફાઇટર પ્લેનોએ શુક્રવારે સવારે (13 જૂન) ઈરાન ઓર્ હુમલો કરી દીધો છે.

ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, ઇઝરાયેલી સેનાએ તહેરાનની આસપાસના ઓછામાં ઓછા 6 લશ્કરી ઠેકાણાંને નિશાન બનાવ્યા છે. ઈરાનના રાજ્ય મીડિયાએ પુષ્ટિ આપી છે કે, ઇઝરાયેલી હુમલામાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ (IRGC) કમાન્ડર હુસૈન સલામીનું મોત થયું છે. અલ-જઝીરા અનુસાર, ઈરાનના બે પરમાણુ વૈજ્ઞાનિકો પણ માર્યા ગયા છે. 

ઇઝરાયેલે દાવો કર્યો છે કે, ઈરાનના આર્મી ચીફ મોહમ્મદ બાઘેરી, અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને કેટલાક વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિકો પણ આ હુમલામાં માર્યા ગયા છે. આ ઉપરાંત ઇઝરાયેલના વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું છે કે, “ઈરાન પાસે અમને નુકસાન પહોંચાડવાની ક્ષમતા છે. અમે આ માટે તૈયારી કરી છે.”