હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિન માત્ર દ્વારકાધીશ... સ્વામિનારાયણ સંપ્રદાયના એ પુસ્તકમાં ભગવાન રામ, કૃષ્ણ, શિવ અને...

ન માત્ર દ્વારકાધીશ… સ્વામિનારાયણ સંપ્રદાયના એ પુસ્તકમાં ભગવાન રામ, કૃષ્ણ, શિવ અને માતા ચામુંડાનું પણ કરાયું છે અપમાન: ઑપઇન્ડિયાની તપાસમાં થયા અનેક ઘટસ્ફોટ, આ રહ્યા પુરાવા

એક જ પુસ્તકમાં અનેક દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે. તે સિવાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક પુસ્તકો છે, જેમાં અનેક વખત હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરીને પોતાના આરાધ્યને ઊંચા દેખાડવાના વ્યર્થ પ્રયાસો કરવામાં આવ્યા છે.

- Advertisement -

તાજેતરમાં ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય (વડતાલ ગાદી) વિવાદમાં ઘેરાયેલો છે. પોતાના સંપ્રદાયના વિવાદિત પુસ્તકો, સ્વામીઓના અપમાનજનક નિવેદનો અને પોતાના પૂજ્ય ગણાતા સ્વામીઓની સર્વોપરિતા સિદ્ધ કરવા માટે હિંદુ દેવી-દેવતાઓના અપમાન જેવા મુદ્દાઓને લઈને સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાય હિંદુ સમાજના (Hindu Community) રોષનો સામનો કરી રહો છે. જલારામ બાપાના અપમાનનો વિવાદ હજુ તો માંડ શમ્યો જ હતો કે સ્વામિનારાયણ સંપ્રદાયનો વધુ એક દ્વારકાધીશ ભગવાનના (Dwarka) અપમાનનો વિવાદ સામે આવ્યો છે. દ્વારકામાં સ્થિતિ વણસતી જોવા મળી રહી છે અને બ્રહ્મસમાજની સાથે સમગ્ર હિંદુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયને 48 કલાકમાં માફી માંગવાનું અલ્ટિમેટમ આપી દીધું છે.

વિવાદની શરૂઆત થવા પાછળનું કારણ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક પુસ્તક છે. પુસ્તકનું નામ ‘શ્રીજીસંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો’ છે. આ પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશ અને પવિત્ર યાત્રાધામ દ્વારકા વિશે અપમાજનક લખાણ લખ્યું હોવાના આરોપ છે. ઑપઇન્ડિયાએ આ પુસ્તકનો અભ્યાસ કર્યો તો અનેક ઘટસ્ફોટ થયા હતા. માત્ર ભગવાન કૃષ્ણ જ નહીં, પરંતુ આ પુસ્તકમાં ભગવાન રામ, ભગવાન શંકર, ભગવાન હનુમાન અને ગણપતિજી વિશે પણ અપમાનજનક લખાણ લખવામાં આવ્યું છે. એટલું જ નહીં, પરંતુ આ પુસ્તકમાં માતા પાર્વતીના અવતાર તરીકે પૂજાતા દેવી ચામુંડા વિશે પણ અપમાજનક બાબતો જોવા મળી રહી છે.

આ વિસ્તૃત લેખમાં સ્વામિનારાયણ સંપ્રદાયના તે પુસ્તકમાં હિંદુ દેવી-દેવતાઓ વિશે શું અપમાનજનક લખાણ લખવામાં આવ્યું છે તે અને ભગવાન દ્વારકાધીશના અપમાનનો વિવાદ શું છે તે વિશે ચર્ચા કરવામાં આવી છે. પુસ્તકમાં એક જગ્યાએ એવું કહેવાયું છે કે, દ્વારકામાં ભગવાન છે જ નહીં. સાથે ભગવાન શ્રીકૃષ્ણની મહિમાને ઓછી આંકીને ‘સ્વામિનારાયણ’ને સર્વોપરી સાબિત કરવાનો મિથ્યા પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. આ સમગ્ર વિવાદનું કારણ એક પુસ્તક છે, વિગતે સમજીએ કે શું છે વિવાદ અને શું કહેવાયું છે તે વિવાદિત પુસ્તકમાં.

- Advertisement -

શું છે વિવાદ?

તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ જલારામ બાપા વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. ગુજરાતભરમાં થયેલા ભારે વિરોધ બાદ તેમણે વિરપુર જઈને માફી પણ માંગી હતી, પરંતુ તે ઘટનાના થોડા દિવસ બાદ જ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક પુસ્તક પણ વિવાદમાં આવ્યું, જેમાં ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કર્યું હોવાના આરોપ છે. સોશિયલ મીડિયામાં લોકો આરોપ લગાવી રહ્યા છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ પોતાના મહારાજ અને ‘સંતો’ને સર્વોપરી ગણાવવા માટે હિંદુ દેવી-દેવતાઓનું વારંવાર અપમાન કરી રહ્યા છે.

હાલમાં વિવાદમાં સપડાયેલા પુસ્તકનું નામ છે – ‘શ્રીજીસંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો’. આ પુસ્તકમાં વાર્તા નંબર 33માં ‘દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ’ જેવી ટિપ્પણી કરવામાં આવી છે. આ સાથે જ ગૂગળી બ્રાહ્મણ સમાજ વિશે પણ ટિપ્પણી કરવામાં આવી છે. જેના કારણે બ્રહ્મસમાજ અને હિંદુ સમાજે સંયુક્ત રીતે દ્વારકામાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું અને 48 કલાકમાં સંપ્રદાયના સ્વામીઓને દ્વારકા આવીને ભગવાનની માફી માંગવાનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું.

શું છે તે પુસ્તકની વાર્તામાં?

ઑપઇન્ડિયાએ વિવાદિત પુસ્તકની તપાસ કરતા જાણવા મળ્યું કે, 33 નંબરની વાર્તામાં એક સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત એવા ‘આબાસાહેબ’ની વાત કરવામાં આવી છે. પુસ્તકમાં કહેવાયું છે કે, તેઓ ચારિત્ર્યવાન હતા અને ગોપાળાનંદ સ્વામીના દર્શનનો લાભ લેતા હતા. પુસ્તક અનુસાર, એક વખત તેમણે સ્વામીને પૂછ્યું કે, તેમના કુટુંબીઓ ‘કુસંગી’ છે, કારણ કે તેઓ દ્વારકા જવાનું કહે છે, તો તેમણે શું કરવું જોઈએ? જવાબમાં ગોપાળાનંદ સ્વામી કહે છે કે, “દ્વારકામાં ભગવાન ક્યાંથી હોય? જો તમારે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ. ત્યાં સ્વામિનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે.”

પુસ્તકનો ફોટો

પુસ્તકમાં વધુમાં કહેવાયું કે, “સ્વામીની અનુમતિ લઈને આબાસાહેબ નીકળ્યા. પણ સગાવ્હાલા કુસંગી હતા, તેમણે દ્વારકા જવા માટે ખૂબ ટંટો કરી આગ્રહ કર્યો. છેવડે દ્વારકા તરફ પ્રયાણ કર્યું અને દરિયા કિનારે જઈને વહાણમાં બેઠા તો દરિયામાં પ્રચંડ વાવાઝોડું ઉપડ્યું.” પુસ્તક અનુસાર, જોત-જોતાંમાં વહાણ ડૂબી ગયું, આબા સાહેબે વિચાર્યું કે, તેમણે ગોપાળાનંદ સ્વામીની વાત ન માની એટલે જ આવું થયું છે.

વધુમાં વાર્તામાં કહેવાયું કે, ડૂબતાં-ડૂબતાં આબાસાહેબે ‘સ્વામિનારાયણ- સ્વામિનારાયણ’ એમ ભજન શરૂ કરી દીધા હતા. ત્યારબાદ કહેવાયું કે, આ ઘટનાને લઈને ગોપાળાનંદ સ્વામીએ આબાસાહેબને ‘દર્શન’ આપ્યા અને એક લાકડાનો કટકો હાથમાં લેવાનું કહ્યું, જેના કારણે આબાસાહેબ તે કટકો હાથમાં રાખીને દરિયો પાર કરી ગયા! પુસ્તકમાં ગોપાળાનંદ આબાસાહેબને કહે છે કે, “તમારા કુટુંબીઓ તો તમારા પૂર્વ જન્મના વેરી છે, તેથી તમને અવળે માર્ગે લઈ ચાલ્યા હતા પણ તમે અમારા ભક્ત છો તેથી રક્ષા કરી.”

આ વાર્તામાં દ્વારકા જતાં કે જવા માંગતા ભક્તોને ‘કુસંગી’ ગણાવવામાં આવ્યા છે અને દ્વારકા જવાને ‘અવળો માર્ગ’ કહેવામાં આવ્યો છે. વધુમાં ‘દ્વારકામાં ભગવાન ન હોવાનો’ દાવો કરીને પોતાના સ્વામીને સર્વોપરી ગણાવવાની પોકળ વાત કરવામાં આવી છે. આ કારણે હિંદુ સમાજમાં વ્યાપક રોષ ફેલાયો છે અને વિવાદ ઊભો થયો છે. દ્વારકામાં સમગ્ર હિંદુ સમાજે સાથે રહીને સ્વામિનારાયણ સંપ્રદાયને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.

આ જ પુસ્તકમાં અન્ય પણ વિવાદિત લખાણ

આ જ પુસ્તકની વધુ તપાસ કરતા ઑપઇન્ડિયાને જાણવા મળ્યું કે, વાર્તા નંબર 25, પૃષ્ઠ નંબર 44માં પણ એક વ્યક્તિની વાત કરવામાં આવી છે, જેનું નામ નારૂપંત નાના હોય છે. વાર્તા મુજબ, તેઓ એક સમયે ગોપાળાનંદ પાસે જાય છે, જે દરમિયાન નારૂપંતના કપાળ પર આડું તિલક જોઈને ગોપાળાનંદ હસતાં-હસતાં તેમને ‘ક્યાં દેવના ઉપાસક છો?’ એવો પ્રશ્ન કરે છે. જવાબમાં નારૂપંત દેવીનો ઉપાસક હોવાનું જણાવે છે અને માતા ચામુંડા તેમના કુળદેવી હોવાનું કહે છે.

પુસ્તકનો ફોટો

જે બાદ ગોપાળાનંદ કહે છે કે, “ભગવાનની ઉપાસના છોડી દઈને ‘તુચ્છ’ દેવીની ઉપાસના શા માટે કરો છો?” આ જ વાર્તામાં આગળ પૃષ્ઠ નંબર 45માં ગોપાળાનંદ કહે છે કે, “દેવ-દેવીની ઉપાસનાથી અંતે તો ઘોરતમ નરક અને સંસૃતિ મળે છે પણ કલ્યાણ થતું નથી. માટે આ જન્મની સાર્થકતા પ્રાપ્ત કરવી હોય તો દેવદેવીની ઉપાસના છોડીને ‘સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, એકમેવાશ્તિયં એવા અમારા ગુરુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરશો તો નક્કી અવિચળ સુખને પામશો.”

પુસ્તકનો ફોટો

વાર્તામાં પૃષ્ઠ નંબર 46 પર કહેવાયું કે, નારૂપંતને માતા ચામુંડા સ્વપ્નમાં દર્શન આપીને કહે છે કે, “અરે નારૂપંત, આ જુઓ હનુમાનજી તથા ગણપતિ બંનેય દેવ સ્વામિનારાયણ, સ્વામિનારાયણના નામની ધૂન કરતા અમારા સામી (માતા ચામુંડા સામે) ગદા ઉગામીને કહે છે કે નારૂપંત સત્સંગી થયા છે માટે હવે તમે અહીંથી ચાલ્યા જાઓ. ખરેખર, સ્વામિનારાયણ ભગવાન જ છે, હવે તમે તેમનું જ ભજન કરજો. અમે પણ હવેથી ત્યાં જઈશું.” અહીં ‘સ્વામિનારાયણ’ની સર્વોપરિતા દર્શાવવા માટે હિંદુ દેવી માતા ચામુંડાનું સ્પષ્ટ અપમાન જોવા મળી શકે છે.

પુસ્તકનો ફોટો
પુસ્તકનો ફોટો

તે સિવાય આ જ પુસ્તકમાં પૃષ્ઠ નંબર 103માં ‘ગોપાળાનંદ સામે હનુમાનજી ગદા પકડીને થરથરતા (ધ્રૂજતા) હોય’ એવું વિવાદિત લખાણ પણ લખવામાં આવ્યું છે. તે સિવાય પૃષ્ઠ નંબર 44 પર ડાકોરના રણછોડરાયજીનું અપમાન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પૃષ્ઠ નંબર 49 પર ભગવાન શંકર પણ સ્વામિનારાયણ અને ગોપાળાનંદનું પૂજન કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. તે સિવાય પૃષ્ઠ નંબર 134 પર એવું પણ કહેવાયું છે કે, ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રીરામ પણ ‘મહારાજ’ની સેવામાં રહેતા હતા અને તેમની સેવા કરતા હતા.

વિવાદ વચ્ચે જ સામે આવ્યો નવો એક વિવાદ

સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણ વિશે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ વિવાદ હજુ ચાલી જ રહ્યો છે અને તેવામાં જ સંપ્રદાયના એક સ્વામીએ વધુ એક વિવાદને જન્મ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, ભગવાન દ્વારકાપતિએ મહારાજને પોતાના નિવાસ માટે એક મંદિર બનાવવાની પ્રાર્થના કરી હતી.

સોશિયલ મીડિયા પર સામે આવેલા તે 59 સેકન્ડના વિડીયોમાં સુરતના વેડરોડ સ્થિતિ સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણ ભગવાન શ્રીકૃષ્ણ વિશે વાત કરતા જોવા મળે છે. તેઓ વિડીયોમાં કહે છે કે, “મહારાજ કહે છે કે, જ્યારે અમે દ્વારકા ગયેલા, ત્યારે દ્વારકાપતિએ મહારાજને પ્રાર્થના કરી હતી કે, જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને મારે નિવાસ કરવો છે.”

વધુમાં સ્વામી કહે છે કે, આ વાતના વર્ષો વિત્યા બાદ સ્વામી સચ્ચિદાનંદ મંદિર બનાવવાનો નિર્ણય કરે છે અને વડતાલ ખાતે એક મંદિર બનાવે છે. સાથે એવું પણ કહેવાયું કે, મંદિર બન્યા બાદ દ્વારકાપતિ સ્વામી સચ્ચિદાનંદ સાથે વડતાલ આવી પહોંચે છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોએ તાજેતરમાં ચાલી રહેલા વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે. પરંતુ, આ સમગ્ર વિવાદનું કારણ માત્ર એક પુસ્તક છે.

અન્ય પણ અનેક પુસ્તકોમાં હિંદુ દેવી-દેવતાઓનું અપમાન, સ્વામીઓ પણ કરે છે બફાટ

માત્ર ઉપરોક્ત એક જ પુસ્તકમાં અનેક દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે. તે સિવાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક પુસ્તકો છે, જેમાં અનેક વખત હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરીને પોતાના આરાધ્યને ઊંચા દેખાડવાના વ્યર્થ પ્રયાસો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સંતો પણ વારંવાર ભગવાન શિવ, રામ અને કૃષ્ણની મજાક બનાવીને તેમને ‘સ્વામિનારાયણ’ના અંશ અને સેવક ગણાવી ચૂક્યા છે.

તાજેતરમાં જ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું હોય અને બફાટ કરીને વિવાદને જન્મ આપ્યો હોય. હમણાં જ એક સ્વામીએ હિંદુ તહેવાર ‘નવરાત્રિ’ને પણ ‘લવરાત્રિ’ ગણાવીને અપમાન કર્યું હતું. આ બધા જ વિવાદોને લઈને હવે હિંદુ સમાજમાં રોષ ભરાયો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

શું કહે છે દ્વારકાના પૂજારી-બ્રાહ્મણ સમાજ?

આ સમગ્ર વિવાદને લઈને દ્વારકાના પૂજારી ગૂગળી બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઑપઇન્ડિયા સાથે વાત કરતા ગૂગળી બ્રહ્મસમાજના પ્રમુખ યજ્ઞેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું છે કે, વારંવાર ભગવાન શ્રી દ્વારકાધીશનું અપમાન તેઓ, તેમનો સમાજ તથા સમગ્ર હિંદુ સમાજ સહન નહીં કરે. તેમણે કહ્યું છે કે, તેમના સમાજની સાથે સમગ્ર હિંદુ સમાજે અધિકારીઓને આવેદન આપીને આ મામલે કડક કાર્યવાહી કરવા માટેની માંગણી કરી છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયનું તે વિવાદિત પુસ્તક પણ મંગાવવામાં આવ્યું છે અને જો અન્ય કોઈ બાબતે અપમાનજનક સામગ્રી હશે તો કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ દ્વારકાના ગૂગળી બ્રાહ્મણો પર પણ ટિપ્પણી કરી હતી અને તેમને ‘પૈસા પડાવનારા’ ગણાવ્યા હતા. તેમનો આરોપ છે કે, સ્વામીએ એવું કહ્યું હતું કે, દ્વારકામાં ગૂગળી બ્રાહ્મણો લોકોને લૂંટે છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ગમે તેવા નિવેદન આપે છે, પરંતુ તેના કોઈ પુરાવા તેમની પાસે નથી હોતા. તેમ છતાં ઉપાધ્યાયે કહ્યું હતું કે, બ્રહ્મસમાજનું અપમાન તો કદાચ ચલાવી પણ શકાય, પરંતુ દ્વારકાધીશનું અપમાન કોઈપણ ભોગે નહીં સાંખી શકાય. તેમણે કહ્યું કે, “દ્વારકાધીશનું અપમાન એ સમગ્ર ગૂગળી બ્રાહ્મણોનું અપમાન છે. બંને એક જ વાત છે.” આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ અવારનવાર હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરતા હોય છે, પરંતુ હવે તેને સહન કરી શકાય એમ નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં