Monday, November 25, 2024
More

    ‘સલમાન ખાન હમ યે જંગ નહીં ચાહતે થે લેકિન….’: લૉરેન્સ બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી હોવાના અહેવાલ, પોલીસે કહ્યું- તપાસ ચાલુ

    NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. આ માટે એક ફેસબુક પોસ્ટનો આધાર લેવામાં આવ્યો છે, જેમાં સલમાન ખાનનો પણ ઉલ્લેખ છે. 

    બિશ્નોઈ ગેંગના એક માણસે ફેસબુક પર પોસ્ટ કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘સલમાન ખાન અમે આ જંગ નહતા ઇચ્છતા, પણ તેં અમારા ભાઈ (લૉરેન્સ)નું નુકસાન કરાવ્યું. આજે જેઓ બાબા સિદ્દીકીની શરાફતની વાત કરી રહ્યા છે, તે એક સમયે દાઉદ સાથે મકોકા એક્ટમાં હતો. તેના મરવાનું કારણ અનુજ થાપન (સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરવાનો આરોપી, મે, 2024માં કસ્ટડીમાં મૃત્યુ પામ્યો હતો.) અને દાઉદને બોલીવુડ, રાજકારણ અને પ્રોપર્ટી ડીલિંગ સાથે જોડવાનું હતું. 

    આગળ લખવામાં આવ્યું કે, અમારી કોઈ સાથે કોઈ દુશ્મનાવટ નથી પણ જે કોઈ સલમાન ખાન અને દાઉદ ગેંગની મદદ કરશે, તેઓ પોતાનો હિસાબ લગાવી રાખે. અમારા કોઈ પણ ભાઈને કોઈ પણ મરાવશે તો અમે પ્રતિક્રિયા જરૂરથી આપીશું. અમે પહેલો હુમલો ક્યારે કર્યો નથી.

    જોકે ખાસ નોંધવું જોઈએ કે મુંબઈ પોલીસે હજુ સુધી આ પોસ્ટની પુષ્ટિ કરી નથી અને હાલ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.