લોકસભા ચૂંટણીને લઈને અનેક રાજનેતાઓ ચૂંટણી અભિયાનમાં જોતરાયા છે. તે જ અનુક્રમે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ચૂંટણી અભિયાનમાં લાગી ગયા છે. તાજેતરમાં જ તેમણે એક નિવેદન આપીને જાહેરાત કરી હતી કે, તેઓ દેશની મહિલાઓના ખાતામાં ‘ખટાખટ’ ₹8500 નાંખશે અને મહિલાઓને વધુ મજબૂત કરશે. હવે તેમની આ જાહેરાતની એવી તો અસર થઈ કે, બેંગ્લોરમાં હજારો મહિલાઓ પોસ્ટ ઓફિસ ધસી આવી અને ખાતા ખોલાવવાના પણ શરૂ કરી દીધા. બેંગ્લોરની આ ઘટના દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
હકીકતમાં બેંગ્લોરમાં એવી અફવા ફેલાઈ ગઈ હતી કે, કેટલાક રાજકીય પક્ષો મહિલાઓના પોસ્ટ ઓફિસ ખાતામાં ₹8000 રૂપિયા ટ્રાન્સફર કરશે. પછી શું.. હજારો મહિલાઓ વહેલી સવારે બેંગ્લોર જનરલ પોસ્ટ ઓફિસ પહોંચી ગઈ. ખાતું ખોલાવવા માટે મહિલાઓ કલાકો સુધી ત્યાં રાહ જોઈને બેઠી રહી હતી. પોસ્ટ ઓફિસનો સ્ટાફ પણ આ ઘટનાને લઈને અચંબિત થઈ ગયો હતો. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ આ ‘પરિવર્તન’ જોઈને દંગ રહી ગયા હતા. તેઓ પણ સમજી શક્યા નહોતા કે, આટલી બધી સ્ત્રીઓ એકસાથે ખાતું ખોલાવવા માટે કેમ પહોંચી ગઈ. બેંગ્લોરની ઘટના સોશિયલ મીડિયા પર પણ વાયરલ થવા લાગી હતી.
સ્થિતિ એવા તબક્કે પહોંચી હતી કે, પોસ્ટ ઓફિસના અધિકારીઓએ મહિલાઓના ખાતા ખોલવા માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવો પડ્યો હતો. મહિલાઓની ભીડને કાબૂમાં લેવા માટે પોલીસની મદદ પણ લેવી પડી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ખાતું ખોલાવવા માટે મહિલાઓ સવારે 3 વાગ્યાથી જ લાઈનમાં ઉભી રહી હતી. અગાઉ આ પોસ્ટ ઓફિસમાં દરરોજ 100-200 ખાતા ખોલવામાં આવતા હતા, પરંતુ હવે દરરોજ 700 થી 800 ખાતા ખોલવામાં આવી રહ્યા છે.
શા માટે મહિલાઓ એકસાથે પહોંચી ગઈ પોસ્ટ ઓફિસ?
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, મહિલાઓમાં ચર્ચા એ હતી કે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક હેઠળ ખોલવામાં આવેલા દરેક ખાતામાં પોસ્ટ વિભાગ પૈસા જમા કરાવે છે. મહિલાઓને આ અફવા અંગે વોટ્સએપ ગ્રુપ પરથી ખબર પડી હતી. આ અફવાઓ છેલ્લા કેટલાક દિવસોથી વોટ્સએપ ગ્રુપ પર ફેલાઈ રહી હતી અને RWA ગ્રુપમાં વાયરલ થઈ હતી. તેના દ્વારા જ મહિલાઓને સમાચાર મળ્યા કે, રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ સોમવાર (27 મે) છે. આ જ કારણ છે કે સોમવારે સેંકડો મહિલાઓ ખાતા ખોલાવવા જનરલ પોસ્ટ ઓફિસ પહોંચી હતી.
રિપોર્ટ અનુસાર, મહિલાઓનું માનવું છે કે, ₹8000 મેળવવા માટે તેમણે પહેલાં ખાતું ખોલાવવું પડશે. તેમનું માનવું હતું કે આ કાર્યક્રમ પહેલેથી જ ચાલી રહ્યો છે અને ટપાલ વિભાગે દરેકના ખાતામાં ₹8000 જમા કરાવવાનું શરૂ કરી દીધું છે. પોસ્ટ ઓફિસના ચીફ પોસ્ટ માસ્ટર એચએમ મંજેશે જણાવ્યું કે, તેમણે પ્રવેશ દ્વાર પર પોસ્ટર પણ લગાવ્યા છે. પોસ્ટરમાં એવું કહેવામાં આવ્યું છે કે, ટપાલ વિભાગ દ્વારા આવા કોઈ રોકડ પ્રોત્સાહન કાર્યક્રમ અથવા પહેલની જાહેરાત કરવામાં આવી નથી. માત્ર સોમવારે બપોર સુધીમાં 2,000થી વધુ મહિલાઓ પોસ્ટ ઓફિસ પહોંચી ગઈ હતી.