27 ઑગસ્ટથી અમેરિકાએ ભારત પર લાદેલો 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીનું બહાનું ધરીને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઑગસ્ટની શરૂઆતમાં આ કાર્યકારી આદેશ પસાર કર્યો હતો, જેનું અમલીકરણ 27મીથી કરવામાં આવ્યું છે. ટ્રમ્પના આ અવિચારી નિર્ણયને વ્યાજબી ઠેરવવા માટે હવે વ્હાઇટ હાઉસના અધિકારીઓ ફાલતુ અને વિચિત્ર નિવેદનો કરી રહ્યા છે. તાજેતરમાં વ્હાઈટ હાઉસના ઇકોનોમિક એડવાઇઝર પીટર નવેરોએ પણ આવો ભળતો જ દાવો કર્યો અને કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ એ ‘મોદીનું યુદ્ધ’ છે. તેમણે ભારત પર રશિયાના યુક્રેન પરના યુદ્ધને આર્થિક રીતે ટેકો આપવાનો આરોપ લગાવ્યો હતો.
પીટર નવેરોએ બ્લૂમબર્ગ ટેલિવિઝનના ‘બેલેન્સ ઓફ પાવર’ કાર્યક્રમમાં ભારતની રશિયન તેલ ખરીદીને યુક્રેન યુદ્ધ સાથે જોડતાં કહ્યું, “ભારત જે કરી રહ્યું છે તેના કારણે યુનાઇટેડ સ્ટેટ્સમાં દરેક વ્યક્તિને કંઈક ગુમાવવું પડી રહ્યું છે. ગ્રાહકો, વ્યવસાયો અને કામદારો બધા કશુંક ગુમાવી રહ્યા છે. આપણે ભારતના ઊંચા ટેરિફને કારણે નોકરીઓ, કારખાનાઓ, આવક અને ઉચ્ચ વેતન ગુમાવી રહ્યા છીએ…કારણ કે આપણે મોદીના યુદ્ધને નાણાં આપવાં પડે છે.”
તેમણે દાવો કર્યો કે શાંતિનો માર્ગ ન્યૂ દિલ્હીમાંથી પસાર થાય છે. નવેરોએ વધુમાં કહ્યું, “જો ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરે અને યુદ્ધ મશીનને હરાવવામાં મદદ કરે તો તેને આવતીકાલે 25% ડિસ્કાઉન્ટ મળી શકે છે.” અહીં ન અટકતાં નવેરોએ ભારતીય લોકોને ‘ઘમંડી’ કહ્યા હતા. તેમણે કહ્યું, “મને જે વાત પરેશાન કરે છે તે એ છે કે ભારતીયો આ બાબતે ખૂબ ઘમંડી છે. તેઓ કહે છે, ‘અરે, અમારી ઉપર એટલો વધુ ટેરિફ પણ નથી. આ અમારું સાર્વભૌમત્વ છે અમે જેની પાસેથી ઇચ્છીએ તેની પાસેથી તેલ ખરીદી શકીએ છીએ.'”
Trump Adviser Peter Navarro: Everyone in America loses because of India buys oil from Russia. US taxpayers have to send money for Modi’s war in Ukraine
— Shashank Mattoo (@MattooShashank) August 28, 2025
Anchor (confused): You mean Putin’s war?
Navarro: No I mean Modi’s war! pic.twitter.com/HVE8EO7W8g
વધુમાં નવેરોએ ભારતને લોકશાહીની જેમ વર્તવાની પણ સલાહ આપી દીધી હતી. નોંધનીય છે કે આ પહેલી વાર નથી જ્યારે નવેરોએ રશિયન તેલને લઈને ભારત પર નિશાન સાધ્યું હોય. તેમણે અગાઉ ભારતને ‘ટેરિફનો મહારાજા’ ગણાવ્યું હતો. તેમણે દાવો કર્યો હતો કે 2022માં રશિયાના યુક્રેન પર આક્રમણ અગાઉ રશિયા સાથે ભારતનો તેલ વેપાર લગભગ શૂન્ય હતો.
તેમણે વધુમાં કહ્યું કે, “ભારત અમને માલ વેચીને જે પૈસા કમાય છે અને એનાથી જ રશિયન તેલ ખરીદે છે, જેને રિફાઇનર્સ પ્રોસેસ કરે છે અને ત્યાં ઘણા પૈસા કમાય છે. પરંતુ પછી રશિયનો આ પૈસાનો ઉપયોગ શસ્ત્રો બનાવવા અને યુક્રેનિયનોને મારવા માટે કરે છે અને તેથી અમેરિકન કરદાતાઓએ યુક્રેનિયનોને લશ્કરી રીતે વધુ ટેકો આપવો પડે છે. આ ગાંડપણ છે.”
વિદેશ મંત્રાલય કરી ચૂક્યું છે સ્પષ્ટતા
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ આવો જ દાવો કર્યો હતો. ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ભારતની રશિયન તેલ ખરીદી એ રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો નિર્ણય છે, જે અન્ય ઘણા દેશો પણ કરી રહ્યા છે. આ મામલે વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ભારત રશિયન તેલનો સૌથી મોટો ખરીદનાર દેશ નથી, ચીન આ યાદીમાં ટોચ પર છે અને યુરોપિયન યુનિયન રશિયન એલએનજીનો સૌથી મોટો ખરીદનાર છે.
એક તરફ નવેરો અને ટ્રમ્પ રશિયા-યુક્રેન દોષના ટોપલા ભારત પર ઢોળી રહ્યા છે અને બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ વ્લાદિમીર પુતિન સાથે અલાસ્કામાં 3 કલાક બેઠક કરી હતી. આ બેઠકમાં યુદ્ધ રોકવાની પણ વાતચીત કરી કરી જોકે એ મામલે કોઈ સમજૂતી સધાઈ નહોતી. બીજી તરફ ઝેલેન્સકીએ ટ્રમ્પે મૂકેલી શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જે ટ્રમ્પની યુદ્ધ રોકવાની નીતિઓની સ્પષ્ટ નિષ્ફળતા દર્શાવે છે.
આ પહેલાં પણ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તે અમેરિકામાં સત્તામાં આવશે કે તરત જ રશિયા-યુક્રેન યુદ્ધ અને ઇઝરાયેલ-હમાસ વચ્ચેનું યુદ્ધ અટકાવી દેશે. ઇઝરાયેલી બંધકોને મુક્ત કરાવી દેશે. જોકે આ બંનેમાંથી એક પણ બાબતમાં ટ્રમ્પને સફળતા મળી નથી. આ સિવાય રવાન્ડા અને કોંગો વચ્ચે કાયમી શાંતિ લાવવાના પણ ટ્રમ્પે દાવા કર્યા હતા, જોકે વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
અમેરિકાના આવા નિવેદનોથી લાગી રહ્યું છે કે તે ભારતની નીતિઓને ખોટી રીતે પારદર્શિત કરવાનો અને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે જે રશિયન તેલનો સૌથી મોટો ખરીદનાર ચીન અને રશિયન ગેસનો મોટો ખરીદનાર યુરોપિયન યુનિયન પર આવા કોઈ ટેરિફ લાદવામાં આવ્યા નથી. એવું તો નથી જ કે માત્ર ભારતને તેલ વેચવાથી રશિયાને આવક થાય છે, ચીન અને યુરોપિયન યુનિયનને તેલ વેચવાથી રશિયાને ભારતની સરખામણીમાં વધુ આવક થાય છે છતાં આ દેશોને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ વિસંગતતા દર્શાવે છે કે ભારતને ખોટી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યું છે.
ભારત માટે રાષ્ટ્રહિત પ્રાથમિકતા
ઉલ્લેખનીય છે કે ભારતની રશિયન તેલ ખરીદી એ રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય છે. ભારત એક વિકાસશીલ અર્થતંત્ર છે તેથી ઊર્જા સુરક્ષા અને આર્થિક સ્થિરતા જાળવવા માટે સસ્તું તેલ આયાત કરવું જરૂરી છે. રશિયન તેલની ખરીદીથી ભારતમાં ઘરેલું ઊર્જાના ભાવો નિયંત્રણમાં રહ્યા છે, જે ખાસ કરીને ખેડૂતો અને નાના વ્યવસાયો માટે મહત્વપૂર્ણ છે, જે ભારતના અર્થતંત્રનો 18% હિસ્સો ધરાવે છે. વડાપ્રધાન મોદીએ આ મુદ્દે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત પોતાના ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના હિતોનું રક્ષણ કરવા માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે.
આ સિવાય નવેરોનો દાવો કે રશિયા-યુક્રેન યુદ્ધ એ મોદીનું યુદ્ધ છે એમાં કોઈ તથ્ય જણાતું નથી. કારણ કે જુલાઈ 2024માં PM મોદીની રશિયા યાત્રા બાદ વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરિન જીન-પિયરે કહ્યું હતું કે, “યુક્રેનની વાત આવે તો ભારત સહિતના તમામ દેશો શાંતિનું સમર્થન કરે છે. અમેરિકાનું માનવું છે કે, ભારત પાસે તે ક્ષમતા છે કે તે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવી શકે છે.”
ઉલ્લેખનીય છે કે PM મોદીએ જ્યારે પણ આ મુદ્દે વાત કરી છે ત્યારે તેમણે યુદ્ધને રોકવાની જ વાત કરી છે. આ મામલે તેમણે રશિયાના પુતિન અને યુક્રેનના ઝેલેન્સકી સાથે પણ વાતચીત કરી અને ભારત પાસે આ યુદ્ધ અટકાવવાની ક્ષમતા છે એ અમેરિકા પોતે સ્વીકારી ચૂક્યું છે. ભારતે હંમેશા શાંતિની હિમાયત કરી છે અને યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે આહ્વાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તાજેતરની વાતચીતમાં પણ આ વલણનો પુનરોચ્ચાર કર્યો હતો.


