15 ઑગસ્ટ, 2025ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) વચ્ચે અલાસ્કામાં (Alaska) ત્રણ કલાકની ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ યુક્રેન-રશિયા યુદ્ધને ખતમ કરવાની શક્યતાઓ પર ચર્ચા કરવાનો હતો. જોકે, બેઠકમાં કોઈ નક્કર સમજૂતી થઈ નથી. આ બેઠકે ટ્રમ્પની રણનીતિ, પુતિનની સ્થિતિ અને યુક્રેનના ભવિષ્ય અંગે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.
2022માં રશિયાએ યુક્રેન પર પૂર્ણ આક્રમણ શરૂ કર્યું, જે બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપનું સૌથી ઘાતક યુદ્ધ બન્યું. 2024ની અમેરિકન ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે વચન આપ્યું હતું કે તેઓ પોતાના કાર્યકાળના પ્રથમ દિવસે જ આ યુદ્ધ ખતમ કરશે, જે શક્ય બન્યું નહોતું. ફેબ્રુઆરી 2025માં ટ્રમ્પે પુતિન સાથે ફોન પર વાતચીત કરી, જે પછી બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. 8 ઑગસ્ટે ટ્રમ્પે અલાસ્કામાં પુતિનને મળવાની જાહેરાત કરી હતી.
એવું કહેવાઈ રહ્યું છે અલાસ્કાની પસંદગી એક સાંકેતિક નિર્ણય હતો. 1867માં અમેરિકાએ રશિયા પાસેથી અલાસ્કા ખરીદ્યું હતું અને આ બેઠક રશિયા-અમેરિકા સંબંધોમાં નવી શરૂઆતનો સંકેત આપે છે. બેઠકનું આયોજન જોઈન્ટ બેઝ એલ્મેન્ડોર્ફ-રિચાર્ડસન ખાતે કરવામાં આવ્યું, જે એક સૈન્ય બેઝ છે. બેઠકમાં અમેરિકા તરફથી ટ્રમ્પની સાથે સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રુબિયો અને સ્પેશિયલ એન્વોય સ્ટીવ વિટકોફ હાજર હતા, જ્યારે રશિયા તરફથી પુતિન સાથે વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવ, સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલૌસોવ, નાણામંત્રી એન્ટોન સિલુઆનોવ અને સ્પેશિયલ એન્વોય કિરિલ દમિત્રીએવ હાજર રહ્યા હતા.
બેઠકની ચર્ચાઓ
બેઠક સ્થાનિક સમય અનુસાર, સવારે 11:32 વાગ્યે શરૂ થઈ અને બપોરે 2:18 વાગ્યે સમાપ્ત થઈ. તેમાં મુખ્ય ચર્ચા યુક્રેન યુદ્ધ પર કેન્દ્રિત હતી. ટ્રમ્પે 30 દિવસના મર્યાદિત યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો, જેમાં ઊર્જા અને આધારભૂત સુવિધાઓ પર હુમલા બંધ કરવાનો સમાવેશ હતો. પુતિને આ પ્રસ્તાવને હકારાત્મક પ્રતિસાદ આપ્યો, પરંતુ યુક્રેનને નાટોમાં જોડાવાથી રોકવા અને વિદેશી સૈન્ય સહાય બંધ કરવાની શરતો મૂકી હતી.
બેઠક પછી પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે વાટાઘાટોથી મતભેદો ઓછા થયા છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. તેમણે કહ્યું, “જ્યાં સુધી કોઈ કરાર ન થાય ત્યાં સુધી કોઈ સમજૂતી નથી.” તેમણે વધુમાં કહ્યું કે “ઘણા મુદ્દાઓ પર સંમતિ થઈ ગઈ છે જ્યારે કેટલાક મુદ્દાઓ હજુ પણ બાકી છે. જેમાંથી એક ‘સૌથી મહત્વપૂર્ણ’ છે.” આ જ દરમિયાન પુતિને ટ્રમ્પને મોસ્કોમાં મળવાનું આમંત્રણ આપ્યું હતું. ટ્રમ્પે આ વિચારને ‘રસપ્રદ’ અને ‘સંભવિત’ ગણાવ્યો હતો. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે આ માટે તેમને ટીકાઓન સામનો કરવો પડી શકે છે.
ટ્રમ્પે કહ્યું હતું કે જો 2022માં તેઓ રાષ્ટ્રપતિ હોત તો આ યુદ્ધ ક્યારેય શરૂ જ ન થયું હોત, આ બાબતને પુતિને સહમતિ આપી હતી. પુતિને બેઠકને ‘ઉકેલ માટે પ્રારંભિક બિંદુ’ તરીકે વર્ણવી હતી. તેમણે ભાર મૂક્યો કે ‘પ્રાથમિક કારણો’ને પહેલા સંબોધિત કરવા જોઈએ. તેમણે યુક્રેન અને યુરોપને સંભવિત વાટાઘાટોને ‘વિક્ષેપિત’ કરવા સામે ચેતવણી આપી હતી. પુતિને ચર્ચાના ‘મૈત્રીપૂર્ણ’ સ્વર બદલ ટ્રમ્પનો આભાર માન્યો અને કહ્યું કે બંને દેશોએ ‘પાનું ફેરવવું જોઈએ અને સહકાર તરફ પાછા ફરવું જોઈએ.’
બંને નેતાઓએ બેઠક પછી ટૂંકી ટિપ્પણીઓ કરી પરંતુ પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. આ બેઠક બાદ પુતિને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અલાસ્કામાં લેન્ડ-લીઝ પ્રોગ્રામ હેઠળ અમેરિકન વિમાનોને સોવિયેત યુનિયન લઈ જતી વખતે મૃત્યુ પામેલા સોવિયેત પાઇલટ્સની કબરો પર ફૂલો ચઢાવ્યા હતા. આ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
યુક્રેનનો પ્રતિસાદ
અલાસ્કા વાટાઘાટોમાં ઝેલેન્સકી કે યુરોપિયન નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જેના પર ઝેલેન્સકીએ નારાજગી વ્યક્ત કરી અને જણાવ્યું કે યુક્રેન વિના શાંતિની ચર્ચા અશક્ય છે. આ સિવાય તેમણે એક વિડીયો જારી કરીને એમ પણ કહ્યું કે, તેઓ ‘યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી મજબૂત વલણ’ની અપેક્ષા રાખે છે. પરંતુ તેમણે ઉમેર્યું કે યુદ્ધ “ચોક્કસપણે ચાલુ છે કારણ કે મોસ્કો તરફથી કોઈ વ્યવસ્થા નથી અને કોઈ સંકેત નથી કે તે આ યુદ્ધને સમાપ્ત કરવાની તૈયારી કરી રહ્યું છે.”
ભારતની નીતિ
ભારતે યુક્રેન-રશિયા યુદ્ધમાં તટસ્થ વલણ જાળવ્યું છે. ભારત રશિયા સાથે ઐતિહાસિક સંબંધો ધરાવે છે અને રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદે છે, જેના કારણે ટ્રમ્પે ભારતની ટીકા કરી છે. આ સિવાય ભારતના NSA અજિત ડોભાલે તાજેતરમાં જ પુતિન સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ, ભારત અમેરિકા સાથે વ્યૂહાત્મક ભાગીદારીને પણ મહત્વ આપે છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 50% ટેરિફ લગાવી દીધો છે. ત્યારે હવે ટ્રમ્પ અને પુતિનની બેઠક ચર્ચાનું કેન્દ્ર બની છે.
અલાસ્કા બેઠક યુક્રેન યુદ્ધને ખતમ કરવાની દિશામાં એક મહત્વનું પગલું હતું, પરંતુ તેમાં યુદ્ધવિરામ કે નક્કર સમજૂતી થઈ નહીં. ટ્રમ્પની રણનીતિ ઝેલેન્સકી અને પુતિનને વાટાઘાટોના ટેબલ પર લાવવાની હતી, જે શક્ય બની શકી નહીં. બેઠકે રશિયા-અમેરિકા સંબંધોમાં નવી શરૂઆતનો સંકેત આપ્યો છે, પરંતુ યુક્રેનનું ભવિષ્ય હજુ અનિશ્ચિત છે. ટ્રમ્પના આગામી પગલાં, ખાસ કરીને ઝેલેન્સકી અને યુરોપીય નેતાઓ સાથેની વાતચીત આ યુદ્ધના ભવિષ્યને આકાર આપશે.


