યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) તાજેતરમાં આફ્રિકા ખંડના બે દેશો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) અને રવાન્ડા (Rwanda) વચ્ચે દાયકાઓથી ચાલતા સંઘર્ષને શાંતિ તરફ લઈ જઈને ઐતિહાસિક સફળતા હાંસલ કરવાનો દાવો કર્યો હતો. જોકે, આ દાવાને થોડા જ સમયમાં પડકારોનો સામનો કરવો પડ્યો છે. ઑગસ્ટ 2025માં હ્યુમન રાઇટ્સ વૉચ (HRW) અને યુનાઇટેડ નેશન્સ (UN) દ્વારા જાહેર કરાયેલા અહેવાલો અનુસાર પૂર્વીય કોંગોમાં રવાન્ડા-સમર્થિત M23 બળવાખોરો દ્વારા 300થી વધુ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાઓએ ટ્રમ્પના શાંતિના દાવા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
હ્યુમન રાઈટ્સ વૉચના અહેવાલ અનુસાર ‘વૉશિંગ્ટન એકોર્ડ’ પછી થોડાં જ અઠવાડિયાંમાં જુલાઈ 2025માં પૂર્વીય કોંગોના નોર્થ કિવુ પ્રાંતમાં M23 બળવાખોરોએ 14 ગામોમાં 141થી 319 નાગરિકોની હત્યા કરી, જેમાં મોટાભાગના હુતુ નાગરિકો હતા. આ હુમલાઓ FDLR સામેની લશ્કરી કાર્યવાહીનો ભાગ હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેમાં નિર્દોષ ખેડૂતો અને ગ્રામજનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. યુએન અને HRWના અહેવાલો અનુસાર આ હત્યાઓમાં રવાન્ડાના સૈન્યની પણ સંડોવણી હતી, જે શાંતિ કરારની શરતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
કોંગો સરકારે M23 પર ‘અવિરત હુમલા’નો આરોપ લગાવ્યો અને આ હિંસાને વૉશિંગ્ટન એકોર્ડ અને દોહા ડેક્લેરેશનનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. બીજી તરફ, M23એ કોંગોના લશ્કર પર આરોપ લગાવ્યો કે તેઓએ ભારે તોપખાના અને ડ્રોનનો ઉપયોગ કરીને નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. આ પરસ્પર આરોપોએ શાંતિ પ્રક્રિયાને વધુ જટિલ બનાવી દીધી છે.
કોંગો-રવાન્ડા સંઘર્ષની પૃષ્ઠભૂમિ
કોંગો અને રવાન્ડા વચ્ચેનો સંઘર્ષ 1994ના રવાન્ડા નરસંહાર પછીના સમયથી શરૂ થયો હતો, જેમાં લગભગ 10 લાખ ટુટ્સી અને મધ્યમ માર્ગી હુતુ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. આ નરસંહાર બાદ ગુનેગારો સહિત લાખો હુતુ શરણાર્થીઓ રવાન્ડાથી પૂર્વીય કોંગોમાં ભાગી ગયા હતા. આ શરણાર્થીઓમાંથી કેટલાકે ડેમોક્રેટિક ફોર્સિસ ફોર ધ લિબરેશન ઓફ રવાન્ડા (FDLR) જેવા હુતુ આતંકવાદી જૂથોની રચના કરી, જે રવાન્ડા માટે ખતરો બની રહ્યાં. બીજી તરફ, રવાન્ડા સરકારે આ આતંકવાદી જૂથોનો સામનો કરવા અને પોતાના ટુટ્સી નાગરિકોની સુરક્ષા માટે પૂર્વીય કોંગોમાં ટુટ્સી નાગરિકોના જૂથ M23 બળવાખોરોને સમર્થન આપવાનું શરૂ કર્યું.
આ સંઘર્ષનું મૂળ કારણ એ પણ છે કે પૂર્વીય કોંગો ખનીજ સંપત્તિથી ભરપૂર છે, જેમાં કોલ્ટન, કોબાલ્ટ, સોનું અને લિથિયમ જેવા મૂલ્યવાન ખનીજોનો સમાવેશ થાય છે. આ ખનીજોના નિયંત્રણ માટે ઘણા સશસ્ત્ર જૂથો અને પડોશી દેશો વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. આ યુદ્ધે છેલ્લા ત્રણ દાયકામાં લગભગ 60 લાખ લોકોના જીવ લીધા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે.
ટ્રમ્પનો શાંતિ કરાર, દાવા અને વાસ્તવિકતા
27 જૂન 2025ના રોજ રવાન્ડા અને કોંગોના વિદેશ મંત્રીઓએ વૉશિંગ્ટનમાં યુએસ-મધ્યસ્થી શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા, જેને ‘વૉશિંગ્ટન એકોર્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. આ કરારમાં રવાન્ડાને પૂર્વીય કોંગોમાંથી તેના સૈન્યોને 90 દિવસની અંદર પાછા ખેંચવાની અને કોંગો સરકારે FDLR જૂથનું વિઘટન કરવાની શરતોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, કરારમાં આ પ્રદેશમાં પશ્ચિમી રોકાણોને આકર્ષવા માટે એક આર્થિક એકીકરણ ફ્રેમવર્કની સ્થાપના કરવાની વાત પણ હતી, જેનો હેતુ કોંગોના ખનીજ સંસાધનોનો વિકાસ કરવાનો હતો.
ટ્રમ્પે આ કરારને ‘શાંતિની ભવ્ય જીત’ તરીકે ગણાવ્યો અને દાવો કર્યો કે તેમણે 31 વર્ષથી ચાલતા આ યુદ્ધનો અંત આણી દીધો. જોકે, આ કરારમાં M23 બળવાખોરો સામેલ નહોતા જે એક મોટી ખામી હતી. M23એ દોહામાં કતારની મધ્યસ્થીમાં ચાલી રહેલી અલગ શાંતિ પ્રક્રિયામાં ભાગ લેવાનું પસંદ કર્યું, પરંતુ તેમણે આ કરારનો ભંગ થયો હોવાનો આરોપ લગાવીને દોહા વાટાઘાટોમાંથી ખસી જવાની ધમકી આપી.
ટ્રમ્પે આ શાંતિ કરારને નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાના તેમના દાવાના ભાગરૂપે રજૂ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે તેમના વહીવટે રવાન્ડા-કોંગો સંઘર્ષ સહિત 6 વૈશ્વિક સંઘર્ષોનો અંત લાવ્યો. જોકે, આ દાવાઓ અતિશયોક્તિપૂર્ણ લાગે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ શાંતિ પ્રક્રિયાનો આધાર ઘણાં વર્ષોથી આફ્રિકન યુનિયન અને યુએનની મધ્યસ્થી હેઠળ ચાલી રહેલી વાટાઘાટોમાં હતો અને ટ્રમ્પે તેનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઉપરાંત ટ્રમ્પે આ કરાર દ્વારા યુએસને કોંગોના ખનીજ અધિકારો મેળવવાની વાત કરી, જેનાથી આ કરારના આર્થિક હેતુઓ પર પણ સવાલો ઉભા થયા છે. ઘણા વિશ્લેષકો માને છે કે આ શાંતિ પ્રયાસો યુએસ અને ચીન વચ્ચે આફ્રિકામાં પ્રભાવ માટેની ચડસાચડસીનો ભાગ હોય શકે છે.
શાંતિ કરારની નિષ્ફળતાના કારણો
વૉશિંગ્ટન એકોર્ડમાં M23ને સામેલ કરવામાં આવ્યા ન હતા, જે આ સંઘર્ષનું મુખ્ય પાસું છે. તેમની ગેરહાજરીએ કરારની અસરકારકતાને નબળી પાડી એમ કહી શકાય. યુએન અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ રવાન્ડા પર M23ને લશ્કરી અને આર્થિક સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે, જે રવાન્ડા સતત નકારે છે. આ બાબત ગુપ્ત સમર્થન શાંતિ પ્રક્રિયાને અવરોધે છે.
પૂર્વીય કોંગોના ખનીજ સંસાધનો આ સંઘર્ષનું મુખ્ય કારણ છે. રવાન્ડા અને M23 દ્વારા આ ખનીજોની લૂંટ અને નિકાસ ચાલુ રહે એ શાંતિના પ્રયાસોને નિષ્ફળ બનાવતા રહ્યા છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા ડેનિસ મુકવેજે પણ આ કરારને ‘અપારદર્શક’ ગણાવ્યો હતો.
સંઘર્ષને રોકી શકાય એવા સંભવિત પ્રયાસો
નિષ્ણાતોનું માનવું છે કે જો આ સંઘર્ષ રોકવો હોય તો શાંતિ પ્રક્રિયામાં M23ને સામેલ કરવું અનિવાર્ય છે, કારણ કે તેઓ હાલમાં પૂર્વીય કોંગોના મોટા ભાગ પર નિયંત્રણ ધરાવે છે. આ સિવાય રવાન્ડા પર M23ને સમર્થન બંધ કરવા માટે યુએસ અને અન્ય પશ્ચિમી દેશોએ વધુ દબાણ કરવું જોઈએ. નરસંહાર અને તાજેતરની હિંસાના પીડિતો માટે ન્યાય અને વળતરની વ્યવસ્થા કરવી જરૂરી છે, જે શાંતિની લાંબાગાળાની સફળતા માટે આવશ્યક છે. વર્તમાન પરિસ્થિતિ જોતાં એમ લાગે છે કે ખનીજ સંસાધનોની લૂંટ અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય નિયમન અને પારદર્શિતાની જરૂર છે.
ડોનાલ્ડ ટ્રમ્પનો શાંતિ કરાર એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો, પરંતુ તેની સફળતા હજુ સુધી જમીન પર જોવા મળી નથી. M23 દ્વારા તાજેતરની હત્યાઓએ આ કરારની નબળાઈઓને ઉજાગર કરી છે. રવાન્ડા-કોંગોના જટિલ સંબંધો અને ખનીજ સંસાધનોની લાલચ આ સંઘર્ષને વધુ જટિલ બનાવી રહ્યા છે. શાંતિની સ્થાપના માટે નિષ્પક્ષ મધ્યસ્થી, સમાવેશી વાટાઘાટો અને આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂર છે. ટ્રમ્પના દાવા ભલે નોબેલ પુરસ્કારની દિશામાં હોય, પરંતુ જમીની હકીકત એ છે કે પૂર્વીય કોંગોમાં શાંતિ હજુ દૂરનું સ્વપ્ન છે.


