Wednesday, April 9, 2025
More
    હોમપેજરાજકારણચૂંટણી પંચના મુખ્યાલયમાં બાખડ્યા TMC સાંસદો: વ્હોટ્સએપમાં પણ બાકાજીકી, ભાજપે શેર કરી...

    ચૂંટણી પંચના મુખ્યાલયમાં બાખડ્યા TMC સાંસદો: વ્હોટ્સએપમાં પણ બાકાજીકી, ભાજપે શેર કરી ‘વર્સેટાઇલ ઇન્ટરનેશનલ વુમન’વાળી ચેટ, વિડીયો પણ વાયરલ

    જ્યારે TMCનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચની ઓફિસ પહોંચ્યું, ત્યારે મહિલા સાંસદે અન્ય સાંસદ સાથે દલીલ કરી, જેના પગલે ઉગ્ર દલીલ થઈ હતી. દલીલ દરમિયાન, તેમણે સુરક્ષા કર્મચારીઓને દરમિયાનગીરી કરવા કહ્યું અને મહિલા સાંસદ સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવીને તેમની ધરપકડ કરવાની માંગ કરી.

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટીએ (BJP) તૃણમૂલ કોંગ્રેસના (TMC) સત્તાવાર વોટ્સએપ ગ્રુપ પર TMC સાંસદ કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદ વચ્ચેના કથિત ઝઘડાની ચેટ શેર કરી હતી. ભાજપ IT સેલના પ્રમુખ અમિત માલવિયાએ (Amit Malviya) વોટ્સએપ પર થયેલી બોલાચાલીના સ્ક્રીન શોટ શેર કર્યા હતા. આ સિવાય તેમણે વિડીયો ફૂટેજ પણ શેર કર્યા હતા જેમાં TMC સાંસદ કલ્યાણ બેનર્જી (Kalyan Banerjee) અને કીર્તિ આઝાદ (Kirti Azad) વચ્ચે બોલાચાલી થઈ રહી છે. આ ઝગડો ચૂંટણી પંચના મુખ્યાલયમાં થયો હતો.

    ભાજપ નેતાએ ઝગડાના વિડીયો ફૂટેજ શેર કરતા લખ્યું હતું કે, “4 એપ્રિલ 2025ના રોજ ભારતના ચૂંટણી પંચના પરિસરમાં બે ટીએમસી સાંસદો વચ્ચે જાહેરમાં ઝઘડો થયા પછી, ઉશ્કેરાયેલા સાંસદે ‘વર્સેટાઇલ ઇન્ટરનેશનલ વુમન’ (VIL) પર આરોપ લગાવવાનું ચાલુ રાખ્યું…”

    આ પહેલાં 7 એપ્રિલે અમિત માલવિયાએ વોટ્સએપ ગ્રુપ થયેલ ચેટના ફોટા શેર કરતા લખ્યું હતું કે, “4 એપ્રિલ 2025ના રોજ, બે TMC સાંસદોએ ભારતના ચૂંટણી પંચના મુખ્યાલયમાં જાહેરમાં ઝઘડો કર્યો, જ્યાં તેઓ એક આવેદન સુપરત કરવા ગયા હતા. પાર્ટીએ તેના સાંસદોને ચૂંટણી પંચનો સંપર્ક કરતા પહેલાં સંસદ કાર્યાલયમાં ભેગા થઈને આવેદન પર સહી કરવા સૂચના આપી હોય તેવું લાગે છે. જોકે, આવેદન લઈને આવેલા સાંસદ સંસદ સત્રમાં હાજર રહ્યા ન હતા અને સીધા ચૂંટણી પંચ ગયા હતા.”

    - Advertisement -

    તેમણે આગળ લખ્યું હતું કે, “આનાથી બીજા એક સાંસદ ગુસ્સે થયા, અને ઓફીસમાં સામસામે આવી ગયા. ત્યારપછી ઉગ્ર દલીલ થઈ જેમાં બંને એકબીજાને ચીસો પાડીને બોલવા લાગ્યા – એટલી હદે કે તેમાંથી એકે હાજર પોલીસ કર્મચારીઓને દરમિયાનગીરી કરવા કહ્યું. આ મામલો ઝડપથી વકર્યો અને મમતા બેનર્જી સુધી પહોંચ્યો, જેમણે બંને સાંસદોને પદ છોડવા કહ્યું હોવાના અહેવાલ છે.”

    અમિત માલવિયાએ આગળ લખ્યું કે, “પણ લડાઈ અહીં પૂરી ન થઈ. આ વાત ‘AITC MP 2024’ વોટ્સએપ ગ્રુપમાં ફેલાઈ ગઈ, જ્યાં તેમણે એકબીજા પર નિશાન સાધ્યું અને કટાક્ષ કર્યા. અને આ બધા વચ્ચે, પ્રશ્ન હજુ પણ રહે છે: ખરેખર ‘વર્સેટાઇલ ઇન્ટરનેશનલ વુમન’ કોણ છે? આ એક રહસ્ય છે જેને દુનિયાએ ઉકેલવાની જરૂર છે.”

    નોંધનીય છે કે અમિત માલવિયાએ જે ચેટ શેર કરી છે એમાં કીર્તિ આઝાદ અને કલ્યાણ બેનર્જી વચ્ચેની બોલાચાલી છે. જેમાં MP કલ્યાણ બેનર્જીએ મેસેજ કર્યો હતો કે, “હું કોલકાતા પહોંચી ગયો છું. તમારી BSF અને દિલ્હી પોલીસને મને પકડવા મોકલો. ગૃહ મંત્રાલય સાથે તમારું જોડાણ ખૂબ જ મજબૂત છે, આંતરરાષ્ટ્રીય મહાન મહિલા.”

    તેમાં લખ્યું હતું કે, “આજે હું તે સજ્જનને અભિનંદન આપું છું જેમણે એક બહુમુખી પ્રતિભા ધરાવતી આંતરરાષ્ટ્રીય મહિલાની સુંદર પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો. તે દિવસે તેનો એક પણ પ્રેમી તેની પાછળ ઉભો નહોતો. આ મૂર્ખ માણસ જેને તે BSF દ્વારા ધરપકડ કરાવવા માંગતી હતી તે તેની પાછળ ઊભો હતો. આજે, એક 30 વર્ષનો પ્રખ્યાત ખેલાડી મારી ધરપકડ કરાવવા માટે તેની પાછળ ઊભો હતો.”

    આના જવાબમાં કીર્તિ આઝાદે લખ્યું હતું કે, “કલ્યાણ શાંત રહો. તમે ખૂબ દારૂ પીધો છે. કિશોર ગુનેગાર જેવું વર્તન ન કરો. દીદીએ તમારા સહિત બધાને ખૂબ જ ગંભીર જવાબદારી સોંપી છે. તેથી આરામ કરો, સૂઈ જાઓ. મને તમારા પ્રત્યે કોઈ દ્વેષ નથી. હું તમને નમ્ર વિનંતી કરું છું કે તમે ઉંમરમાં મારાથી મોટા છો, રાજકારણમાં નહીં, કૃપા કરીને બધાને એકસાથે રાખો. તમારું બાલિશ વર્તન બંધ કરો. પુખ્ત વયના લોકો જેવું વર્તન કરો. કોઈને ઉશ્કેરશો નહીં. ઠંડા મગજે વિચારો. શુભ રાત્રિ.”

    Image

    આ મેસેજનો પણ કલ્યાણ બેનર્જીએ જવાબ આપ્યો હતો. આ ચેટ સ્પષ્ટ દર્શાવે છે કે TMCના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ વચ્ચે ઝગડાઓ ચાલી રહ્યા છે, જેનાથી મમતા બેનર્જી પણ અજાણ નથી.

    ન્યુઝ 18ના અહેવાલ અનુસાર પાર્ટીનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચના મુખ્યાલય તરફ રવાના થાય તે પહેલાં TMC સાંસદો વચ્ચે ઝઘડો થયો હતો. જોકે, TMC સાસંદો મુખ્યાલય ગયા તેના એક દિવસ પહેલાં TMC સાંસદે કેટલાક સાંસદો વતી ડેપ્યુટેશન લેટર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં મહિલા સાંસદનું નામ સામેલ નહોતું.

    બીજા દિવસે, જ્યારે TMCનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચની ઓફિસ પહોંચ્યું, ત્યારે મહિલા સાંસદે અન્ય સાંસદ સાથે દલીલ કરી, જેના પગલે ઉગ્ર દલીલ થઈ હતી. દલીલ દરમિયાન, તેમણે સુરક્ષા કર્મચારીઓને દરમિયાનગીરી કરવા કહ્યું અને મહિલા સાંસદ સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવીને તેમની ધરપકડ કરવાની માંગ કરી.

    ત્યારપછી બંને નેતાઓએ પાર્ટીના વડા મમતા બેનર્જીને ફરિયાદ કરી હતી. અહેવાલ અનુસાર, મહિલા સાંસદે પાર્ટીના એક વરિષ્ઠ સાંસદના વર્તનને કારણે સાંસદો માટે બનાવેલા પાર્ટીના સત્તાવાર વોટ્સએપ ગ્રુપ છોડી દીધું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં