સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) M/s ક્યોર SMA ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની બિન-સરકારી સંસ્થા (NGO) દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં યૂટ્યૂબ શો ‘ઈન્ડિયાઝ ગૉટ લેટન્ટ’ના (India’s Got Latent) હોસ્ટ અને સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના (Samay Raina) પર દિવ્યાંગ વ્યક્તિઓ વિરુદ્ધ અપમાનજનક અને અસંવેદનશીલ ટિપ્પણીઓ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત, અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક ક્રિકેટરો, જેમાં યુવરાજ સિંઘ, હરભજન સિંઘ અને સુરેશ રૈનાનો ઉલ્લેખ છે, તેઓએ પણ દિવ્યાંગ વ્યક્તિઓની મજાક ઉડાવતા વિડીયો બનાવ્યા હતા. આ મામલાની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંઘની બેન્ચે કરી હતી, જેમણે આ મુદ્દાને ‘ખૂબ જ ગંભીર’ ગણાવીને ફાઉન્ડેશનને વધુ વ્યાપક રિટ પિટિશન દાખલ કરવા અને તમામ સંબંધિત વ્યક્તિઓને પક્ષકાર બનાવવા સૂચન આપી હતી.
સમય રૈનાની ટિપ્પણીઓ
ક્યોર SMA ફાઉન્ડેશનનો આરોપ છે કે સમય રૈનાએ તેના શો ‘ઈન્ડિયાઝ ગૉટ લેટન્ટ’ દરમિયાન એક બે મહિનાના બાળકની SMA નામની ગંભીર બીમારીની સારવાર માટે જરૂરી ₹16 કરોડની કિંમતના ઝોલજેન્સમા ઈન્જેક્શનની મજાક ઉડાવી હતી. તેણે દર્શકોમાં બેઠેલી એક મહિલાને સંબોધીને કહ્યું, “જો તમે તે બાળકની માતા હો અને તમારા ખાતામાં અચાનક ₹16 કરોડ આવે, તો શું તમે તમારા પતિને જોઈને નહીં કહો કે ‘મોંઘવારી વધી રહી છે’?”
આ ટિપ્પણીને ફાઉન્ડેશને અત્યંત અસંવેદનશીલ ગણાવી, કારણ કે SMA જેવી બીમારીની સારવાર ખૂબ ખર્ચાળ હોય છે અને મોટાભાગના પરિવારો ક્રાઉડફંડિંગ પર આધાર રાખે છે. આ સિવાય રૈનાએ એક દૃષ્ટિહીન અને ક્રોસ-આઈડ વ્યક્તિની મજાક ઉડાવતા કહ્યું હતું કે, “ભાઈ, હું તમને એક સવાલ પૂછું? તમારી કઈ આંખમાં જોવું જોઈએ?” આ ટિપ્પણીને પણ અપમાનજનક ગણવામાં આવી હતી.
ફાઉન્ડેશનની દલીલો
ક્યોર SMA ફાઉન્ડેશનનો દાવો છે કે સમય રૈના જેવા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી અસંવેદનશીલ ટિપ્પણીઓ દિવ્યાંગ વ્યક્તિઓના મૂળભૂત અધિકારો અને સન્માનને ઠેસ પહોંચાડે છે. દિવ્યાંગ વ્યક્તિઓમાં આત્મસન્માનનો અભાવ પેદા કરે છે અને તેમને સમાજથી અલગ કરે છે, જેના કારણે તેઓ વધુ ભેદભાવ અને અપમાનનો ભોગ બને છે.
આવી ટિપ્પણીઓ નકારાત્મક સ્ટીરિયોટાઈપ્સને પ્રોત્સાહન આપે છે, જેનાથી સમાજમાં અસંવેદનશીલતા અને અમાનવીયતા વધે છે. ફાઉન્ડેશનની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ઓનલાઈન કન્ટેન્ટના નિયમન માટે હાલનું કાનૂની માળખું અપૂરતું છે, અને તેમાં દિવ્યાંગ વ્યક્તિઓને અપમાનજનક અને નીચું દર્શાવતા કન્ટેન્ટને રોકવા માટે સ્પષ્ટ સુરક્ષા પગલાંનો અભાવ છે.
ફાઉન્ડેશને ઓનલાઈન કન્ટેન્ટ, ન્યૂઝ, સેલ્ફ-સ્ટાઈલ્ડ ઈન્ફ્લુએન્સર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ, બ્રોડકાસ્ટર્સ અને ઈન્ટરમીડિયરીઝ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ, તેમની બીમારીઓ અને સારવારના વિકલ્પો વિરુદ્ધ અપમાનજનક કન્ટેન્ટને રોકવા માટે વ્યાપક માર્ગદર્શિકા અને નિયમનકારી પગલાં ઘડવાની માંગ કરી છે. આ ઉપરાંત, એસએમએની સારવાર માટે ઝોલજેન્સમા જેવી દવાઓની અતિશય કિંમતને ધ્યાનમાં લઈને તેની સુલભતા વધારવા પગલાં લેવાની વિનંતી પણ કરવામાં આવી છે.
કોર્ટની ટિપ્પણી અને આદેશ
આ મામલે સુનાવણી દરમિયાન, જસ્ટિસ સૂર્યકાંતે આ મુદ્દાને ‘ખૂબ જ, ખૂબ જ ગંભીર’ અને ‘ખલેલ પહોંચાડનારો’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું, “આવી ઘટનાઓથી અમને ખલેલ પહોંચી છે. આ એક ગંભીર મુદ્દો છે, અને અમે આવી ટિપ્પણીઓની તપાસ કરવા માંગીએ છીએ.” કોર્ટે ફાઉન્ડેશનના વકીલ, સિનિયર એડવોકેટ અપરજિતા સિંઘને સ્પષ્ટ સૂચન આપી કે તેઓ એક વ્યાપક રિટ પિટિશન દાખલ કરે, જેમાં સમય રૈના અને અન્ય સંબંધિત વ્યક્તિઓને પક્ષકાર બનાવવામાં આવે.
જસ્ટિસ સૂર્યકાંતે વધુમાં જણાવ્યું, “રિટ અધિકારક્ષેત્રમાં અમારી પાસે વધુ વ્યાપક અવકાશ છે. એવી અરજી દાખલ કરો, જેમાં તમે નિયમન માટેના પગલાં સૂચવી શકો. અમે આ મુદ્દાને ઊંડાણથી તપાસીશું.” આ સિવાય કોર્ટે સંબંધિત વિડીયો ક્લિપ્સને રેકોર્ડ પર રજૂ કરવા, સમય રૈના અને અન્ય આરોપી વ્યક્તિઓને પક્ષકાર બનાવવા, ‘ડિસેબલિંગ હ્યુમર’ને નિયંત્રિત કરવા અને દિવ્યાંગ વ્યક્તિઓના સન્માનનું રક્ષણ કરવા માટે નક્કર પગલાં સૂચવવાનો આદેશ આપ્યો હતો.
સમય રૈનાના જૂના વિવાદો
સમય રૈના અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાઈ ચૂક્યો છે.
‘ઈન્ડિયાઝ ગૉટ લેટન્ટ’ના એક એપિસોડમાં રણવીર અલ્લાહબાદિયાએ માતા-પિતા વચ્ચેના શારીરિક સંબંધો વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે મુંબઈ અને આસામમાં તેની વિરુદ્ધ બહુવિધ FIR નોંધાઈ હતી. આ એપિસોડના હોસ્ટ તરીકે સમય રૈનાને પણ મહારાષ્ટ્ર સાયબર વ્યક્તિગત રીતે હાજર થવા સમન્સ જારી કર્યા હતા. જોકે તેણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થવાની વિનંતી કરી, જે નકારવામાં આવી.
આ સિવાય રૈનાએ એક સ્ટેન્ડ-અપ શો દરમિયાન ધાર્મિક માન્યતાઓ અને વ્યક્તિઓને લગતી ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થયો હતો. આ ઘટનાએ તેમની કોમેડીને ‘અપમાનજનક’ ગણાવી હતી અને ઘણા લોકોએ તેમના શોના બહિષ્કારની માંગ કરી હતી. આ સિવાય રૈનાએ વર્ષ 2023માં રૈનાના કેટલાક ઓનલાઈન શોમાં જાતિ અને આર્થિક વર્ગને લગતી ટિપ્પણીઓએ પણ વિવાદ ઉભો કર્યો હતો.