ગુજરાતમાં (Gujarat) કડી (Kadi) અને વિસાવદરની (Visavadar) પેટાચૂંટણીને (By-election) લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેય પક્ષો સતત મહેનત કરી રહ્યા છે. તેવામાં વિસાવદરમાં મોટાપાયે ડખો થયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, વિસાવદરમાં કોંગ્રેસની (Congress) ચૂંટણીસભામાં પથ્થરમારો (Stone Pelting) થયો છે. માહિતી અનુસાર, વિસાવદરના પિયાવા ગામમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો શનિવારે (14 જૂન) કોંગ્રેસ તરફથી વિસાવદરના પિયાવા ગામે કોળી-ઠાકોર સમાજની સભા બોલાવવામાં આવી હતી. સામાન્યપણે ગામડાઓમાં દરેક સમાજની ચૂંટણીસભા થાય છે અને જે-તે પક્ષના લોકો ભજીયા ખવડાવીને મત મેળવવાના પ્રયાસો કરે છે. આવી જ એક સભા કોંગ્રેસે પિયાવામાં કરી હતી. જોકે, અહીં ભજીયાની જગ્યાએ પથ્થરો ખાવાનો વારો આવ્યો હતો.
Stone Pelting at Congress Rally in Visavadar, Junagadh | TV9Gujarati#VisavadarViolence #CongressRally #StonePelting #JunagadhNews #GujaratPolitics #Election2025 #TV9Gujarati pic.twitter.com/D3TQxDRxn5
— Tv9 Gujarati (@tv9gujarati) June 15, 2025
ઘટનાના થોડા સમય બાદ જ અજાણ્યા હુમલાખોરોએ લાઇટો બંધ કરીને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઘટનાને લઈને ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય રહ્યું છે. બીજી તરફ ગુજરાત કોળી-ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોરે તો એવું પણ કહ્યું છે કે, કાર પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે, “AAPના લોકો પત્રિકાઓ લઈને જતાં હતા અને બોલતા હતા કે તમે ગમે તેવી સભા કરો પણ જીતવાની તો AAP જ છે.”
પરેશ ધાનાણીએ AAP પર લગાવ્યો આરોપ
બિજી તરફ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યા હતા. પત્રકાર પરિષદમાં ધાનાણીએ જણાવ્યું હતું કે, “આમ આદમી પાર્ટી અને તેના બાપે ભેગા મળીને વિસાવદરની પેટાચૂંટણીમાં પ્રજાને ભટકાવવાનો પ્રયાસ કર્યો છે. પિયાવા ગામમાં થયેલી પથ્થરમારાની ઘટના પાછળ ષડ્યંત્ર છે, જે ઘણી બાબતો સાબિત કરે છે.” વધુમાં તેમણે એવું પણ કહ્યું કે, ઘાયલ મહિલાઓને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી છે.
નોંધનીય છે કે, 19 જૂનના રોજ વિસાવદરમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ બેઠક પરથી ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે. તેમની સામે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે અને કોંગ્રેસ તરફથી નીતિન રાણપરિયા પણ મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે, ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી, જે બાદ હવે પેટાચૂંટણી થવા જઈ રહી છે.