Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાગડો રામ બોલ્યો! શાહિદ આફ્રિદીએ એશિયા કપ 2023 ક્યાં યોજવો જોઈએ એ...

    કાગડો રામ બોલ્યો! શાહિદ આફ્રિદીએ એશિયા કપ 2023 ક્યાં યોજવો જોઈએ એ બાબતે BCCIનો પક્ષ લીધો; ભારતનાં પણ વખાણ કર્યા

    સહુથી વધુ આશ્ચર્ય શાહિદ આફ્રિદીએ એશિયા કપ બાબતે આપેલું તાજું નિવેદન પમાડે છે. શાહિદ આફ્રિદીએ પોતાનાં જ દેશવાસીઓને અને નજમ સેઠી કે જાવેદ મિયાંદાદ જેવા લોકોને આડકતરો ઈશારો કરીને સાનમાં સમજી જવાનું કહ્યું છે.

    - Advertisement -

    પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન અને થોડાં સમય અગાઉ પાકિસ્તાનના કામચલાઉ ચીફ સિલેક્ટર શાહિદ આફ્રિદીએ એશિયા કપ બાબતે BCCIનો પક્ષ લેતાં આશ્ચર્ય ફેલાયું છે. શાહિદ આફ્રિદીએ આ મામલે પાકિસ્તાનીઓને ભાવનાઓમાં વહી ન જવાની સલાહ પણ આપી દીધી છે.

    મૂળ મુદ્દો એ છે કે એશિયા કપ 2023ની મેજબાની PCBને મળી છે. હજી આ બાબતે કોઈ હલચલ શરુ થાય એ પહેલાં જ BCCIનાં સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલનાં (ACC) ચેરમેન જય શાહે સ્પષ્ટ કહી દીધું હતું કે ટીમ ઇન્ડિયા એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જાય. ત્યારબાદ તે સમયનાં PCB ચેરમેન રમીઝ રાજાએ ધમકી આપી હતી કે જો ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાન પર આ વર્ષનાં અંતે ભારતમાં રમાનાર વર્લ્ડ કપ રમવા નહીં જાય.

    રમીઝ રાજાના પદ છોડ્યા બાદ PCBનાં નવા ચેરમેન નજમ સેઠીએ પણ રાજાની જેમ જ આ મામલે ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું. તો પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે તો એટલી હદ સુધી કહી દીધું હતું કે ભારત જો એશિયા કપ રમવા પાકિસ્તાન ન આવે તો જહન્નુમમાં જાય. તો ભારતનાં ચેમ્પિયન ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને અછડતો ઈશારો પણ કરી દીધો હતો કે એશિયા કપ કદાચ પાકિસ્તાનમાં નહીં પરંતુ શ્રીલંકામાં રમાઈ શકે છે.

    - Advertisement -

    પરંતુ સહુથી વધુ આશ્ચર્ય શાહિદ આફ્રિદીએ એશિયા કપ બાબતે આપેલું તાજું નિવેદન પમાડે છે. શાહિદ આફ્રિદીએ પોતાનાં જ દેશવાસીઓને અને નજમ સેઠી કે જાવેદ મિયાંદાદ જેવા લોકોને આડકતરો ઈશારો કરીને સાનમાં સમજી જવાનું કહ્યું છે. આફ્રિદીનું માનવું છે કે આ મામલે ભાવનાત્મક થવાની જરૂર નથી પરંતુ પ્રેક્ટીકલ થઈને અને હાલમાં ભારત અને BCCIની પરિસ્થિતિ વિશ્વકક્ષાએ કેવી છે તે ધ્યાનમાં લઈને કોઈ નિર્ણય લેવો જોઈએ.

    પાકિસ્તાની ન્યુઝ ચેનલ સમા ટીવી સાથેની એક ચર્ચામાં આફ્રિદીએ કહ્યું છે કે, “જો કોઈ પોતાનાં પગ પર ઉભું ન હોય અને આવી વાતો કરતું હોય (વર્લ્ડ કપ ન રમવાની) તો એનાં માટે આગળનો રસ્તો સરળ નથી. જો ભારત આંખો દેખાડી રહ્યું છે અને પોતાનું વલણ કડક બનાવી રહ્યું છે તો તેનો મતલબ એવો છે કે ભારતની પરિસ્થિતિ આજે મજબૂત છે. આથી હવે જો તમારે એ જ ભાષામાં જવાબ આપવો હોય તો પહેલાં તમારે તમારી જાતને મજબૂત કરવી પડશે. “

    શાહિદ આફ્રિદીએ એશિયા કપ રમવા ભારત આવશે કે નહીં કે પછી પાકિસ્તાન વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે કે કેમ એ બાબતે પોતાને કોઈજ માહિતી ન હોવાનું કહ્યું હતું પરંતુ તેણે ઉમેર્યું હતું કે કોઈ એક સમયે તો આપણે (PCBએ) પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જ પડશે.

    શાહિદ આફ્રિદીએ આ મામલે ICCને દખલ કરવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું, પરંતુ એમ પણ ઉમેર્યું હતું કે ICC BCCI સામે કોઈજ પગલાં નહીં લઇ શકે.

    જ્યાં સુધી પાકિસ્તાનના આ વર્ષે ભારતમાં રમાનાર વર્લ્ડ કપનાં બહિષ્કારની વાત છે તો જો PCB કોઈ એક સમયે આ પ્રકારનો નિર્ણય લે છે તો સાઉથ આફ્રિકા જેણે અન્ય દેશો સાથે ક્વોલીફાયર રમવાનું છે તે આપોઆપ વર્લ્ડ કપમાં રમવા માટે ક્વોલીફાય થઇ જશે. સામે પક્ષે પાકિસ્તાનને ICC ઇવેન્ટને બોયકોટ કરવા પ્રતિબંધ અને મોટા દંડનો પણ સામનો કરવો પડે તેમ છે. એશિયા કપ ક્યાં રમાશે તેનો નિર્ણય આવતે મહીને ACCની બેઠકમાં લેવાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં